દેશભરના 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસાથે આયોજિત લોક અદાલતમાં 33 લાખથી વધારે મુકદ્મા ઉપર સુનાવણી થઈ હતી. નેશનલ લીગ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ અશોક જૈનના કહેવા પ્રમાણે ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાનીમાં આયોજિત લોક અદાલતમાં સુપ્રીમ કોર્ટની લઈને જિલ્લા અને સત્ર ન્યાયાલય સુધી કામગીરી થઈ હતી. જેમાં પ્રી લિટિગેશન સ્ટેજના 18 લાખ, 50 હજારથી વધારે મામલાની સુનાવણી થઈ હતી. જેમાંથી 9,41,000 કેસનો ઉકેલ થયો હતો. લોકઅદાલત દરમિયાન દંડના રૂપે 3.76 અબજ રૂપિયાની વસૂલાત થઈ હતી.
વર્ષોથી પેન્ડિંગ કેસમાં 14.62 લાખ મામલા ઉપર સુનાવણી થઈ હતી. જેમાંથી 5.92 લાખનો ઉકેલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 19.04 અબજ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ હિસાબતથી કુલ 33,12,389 મામલા ઉપર સુનાવણીમાં 15,33,186 કેસનો ઉકેલ થયો છે. એટલે કે અદાલતોની પેન્ડિંગ કેસની યાદીમાંથી આ તમામનો નિકાલ થયો છે જ્યારે રાજસ્વ ભંડોળમાં રેકોર્ડ 22,81,30,62,951 રૂપિયા જમા થયા છે.
મોટાભાગના મામલા કંપની લો, પારિવારિક વિવાદ, ચેક બાઉન્સ, શ્રમિક મામલા, રાજસ્વ વિવાદ, મામુલી અપરાધ અને વિવાદ સંબંધિત હતા. આદિવાસી અને નક્સલી વિસ્તારમાં પણ લોક અદાલત ચાલી હતી. વર્ષ 2021માં આ ત્રીજી લોકઅદાલત છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ઓરિસ્સામાં લોકઅદાલત સપ્ટેમ્બર મહિનાના ચોથા અઠવાડિયામાં થશે.
દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પહેલી વખત ભારતીય હવાઇદળના બે મી-૧૭ ૧વી હૅલિકોપ્ટર ત્યાં ફૂલવર્ષા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભારતીયો અને ભારતમાં કરોડો નાગરીકો 75મો સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવી કરી રહ્યા છે.
ભારત આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહ્યું છે અને એ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રસંગે ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર ૩૨ ખેલાડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (સાઇ)ના બે અધિકારીઓ આજે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સ્થળ સામે આવેલા જ્ઞાન પથ પર હાજરી આપવા માટે ૨૪૦ ઑલિમ્પિક ખેલાડીઓ , સપોર્ટ સ્ટાફ અને સાઇ તથા સ્પોર્ટ ફેડરેશનના અધિકારીઓને હાજર રહ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવવા માટે લાલ કિલ્લા પર ડાબી બાજુએ અલગથી બ્લોક બનાવવામાં આવ્યો હતો.
ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન લાલ કિલ્લા પર બાંધવામાં આવેલા સ્ટેજ પર જશે, અહીં સંરક્ષણ પ્રધાન, સર્વોચ્ચ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદોરિયા એમનું સ્વાગત કર્યું હતું.
રસીકરણની ઝડપ વધે અને વધુને વધુ લોકોને ઓછા સમયમાં રસી આપી શકાય તે માટે હવે તે માટે ચોવીસે કલાક 24×7 આ પ્રક્રિયા ચાલુ રાખવાની જાહેરાત મધ્ય પ્રદેશ રાજ્યના આરોગ્ય ખાતાએ શુક્રવારે Dt.13/08/2021 કરી હતી.
અગાઉ રાજધાની ભોપાલમાં કાત્જુ હૉસ્પિટલ અને રશિદિયા સ્કૂલમાં- બે જગ્યાએ આવી સુવિધા હતી. હવે રાજ્યના શિક્ષણ મંત્રી વિશ્ર્વાસ સારંગે ભોપાલ જિલ્લાના નરેલા વિસ્તારની સરદાર પટેલ સ્કૂલમાં પણ આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે અહીં કોઇ પણ પ્રકારના ડૉઝ લેવાની સગવડતા હશે. આ માટે સેન્ટર પર અથવા તો ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ થઇ શકશે.
લોકોનું જલદીમાં જલદી રસીકરણ થાય એ માટે રાજ્ય સરકાર સખત મહેનત કરી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સત્તાવાર અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં ૩ કરોડ ૬૬ લાખ ૮૬ હજાર ચારસો એક લોકોને રસી આપવામાં આવી છે.
એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.
આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.
ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો.
2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી) સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.
શું છે આ દ્વિભાષી માધ્યમ?
દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.
1. ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.
2. અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય શીખવવો.
3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.
બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.
આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.
પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે
જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે.
દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?
શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી. દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.
ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.
સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?
સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.
સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.
ખાનગીશાળાઓદ્વિભાષીમાધ્યમકઈરીતેશરૂકરીશકે?
ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.
ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે 82.52 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો.
બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.
ત્રીજા પ્રયાસમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો.
ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.
શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.
૧૯૦૪માં રજૂ કરાયેલી ધ્વજની પ્રસ્તાવિત ડિઝાઈન ૧૯૦૬માં પ્રદર્શિત કરાયેલો બિનસત્તાવાર ધ્વજ ૧૯૦૭માં બર્લિનમાં મેડમ કામાએ લહેરાવેલો ધ્વજ ૧૯૧૭માં હોમ રૂલ મૂવમેન્ટ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલો ધ્વજ ૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગમાં ગાંધીજીએ રજૂ કરેલો ધ્વજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં રજૂ કરેલો ધ્વજ ૧૯૩૧માં જ લોર્ડ માઉન્ટબેટને પ્રદર્શિત કરેલી ધ્વજની ડિઝાઈન ૧૯૪૭માં સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલો રાષ્ટ્રધ્વજ
ધ્વજ. ઝંડો. વાવટો. ધજા. નિશાન. ફ્લેગ. દેશનું પ્રતીક કોઈ ધ્વજ બને એ પહેલાં જુદા જુદા સમુદાયોનાં ટોળાં કે સેનાનું પ્રતીક હતો. દૂરથી કયા પ્રદેશ કે રાજાની સેના આવી રહી છે એ ખબર પડે માટે ઊંચા દંડ ઉપર ધ્વજ ફરકતો રાખવામાં આવતો. ઘણું કરીને એ ટ્રેન્ડ ઈજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં શરૂ થયો અને પછી આખી દુનિયામાં ફેલાયો. હિંદુ રાજાઓ પાસે પોતાના ઓળખચિહ્ન જેવા ઝંડા હતા. મંદિરોમાં ધજા ફરકાવવાની પરંપરા તો હજારો વર્ષ જૂની છે, પરંતુ ધજા હોય કે ધ્વજ, બંનેનો હેતુ તો સરખો જ કે અમુક કિલોમીટર દૂર રહેલા માણસને પણ તે દેખાઈ આવે. ધીમે ધીમે ધ્વજ પ્રતીક બનતો ગયો. ભારત દેશના પ્રતીક સમાન તિરંગો તો ઘણો યંગ કહેવાય, યુવાન કહેવાય. પણ તેના ઘડતરનો ઈતિહાસ તો એક સદી કરતાં પણ જૂનો છે.
મેડમ ભિખાઈજી કામાએ ૧૯૦૭માં વંદે માતરમ લખેલો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કર્યો હતો એ આપણે બધા જાણીએ છીએ. જોકે એ ધ્વજ પણ ‘કલકતા ફ્લેગ’ ઉપરથી પ્રેરિત હતો. કલકતા ફ્લેગ સચીન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કનુંગોએ ૧૯૦૬માં લહેરાવ્યો. પછી તો ઇન્ડિયન ફ્લેગમાં ઘણા ફેરફારો થયા, પરંતુ આપણે અત્યારે જે રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ તે ભારતને આઝાદી મળી તેના થોડા દિવસો પહેલાં જ એસેમ્બ્લીમાં પસાર થયો હતો અને માન્ય રાખવામાં આવ્યો હતો. એકવીસમી જુલાઈ, ૧૯૪૭ના રોજ તિરંગાની ફાઈનલ ડિઝાઈન મૂકવામાં આવી અને બાવીસમી જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને ફરકાવવામાં આવ્યો. ભારત પંદરમી ઓગસ્ટે આઝાદ થશે તે જાહેર થઈ ગયું હતું. લાલ કિલ્લા ઉપર કયો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત બાવીસમી જુલાઈના દિવસે થઈ.
જોકે ભારતના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન વખતોવખત બદલાતી આવી છે. ભારત દેશને જે તે સમયે રિપ્રેઝન્ટ કરતા હોય એવા ટોટલ કેટલા ફ્લેગ્સ બની ગયા તેનો કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત નથી. અત્યંત ઊંડું સંશોધન કરીએ તો એક આંકડો મળી પણ આવે, પરંતુ તેની ચોકસાઈની ખાતરી ન આપી શકાય, કારણ કે આઝાદ ભારતની કલ્પના ઓગણીસમી સદીથી ચાલી આવી છે. ઘણાં બધાં રજવાડાંના જુદા જુદા દેશપ્રેમીઓ પોતપોતાની રીતે ભારતનો ઝંડો બનાવીને નીકળી પડતા. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં તો ભારતને રજૂ કરતા હોય એવા ઝંડા અનેક હતા. જેનું દસ્તાવેજીકરણ થયું નથી. પણ આખા ભારતનું પ્રતીક બની શકે એવો એક જ ઝંડો હોવો જોઈએ તે વાતની અનુભૂતિ ૧૮૫૭ના વિપ્લવ પછી થઈ.
ગુલામ ભારતનો સત્તાવાર રીતે જે ‘ફર્સ્ટ ફ્લેગ’ કહેવાય છે તે જોઈને કોઈ પણ સામાન્ય ભારતીય દેશપ્રેમીને સહેજ અણગમો થાય એવું બને. તે ફ્લેગ ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ કહેવાતો. બ્રિટિશ વાઈસરોય અને ગવર્નર ઓફ ઇન્ડિયાએ તેને વાપરવાનું શરૂ કરેલું. બ્રિટિશ ધ્વજની જેમ જ તેમાં બ્લુ અને રેડ કલરના સ્ટારની વચ્ચે પીળા સૂર્યમાં સફેદ તારો રાખવામાં આવેલો. તેની ઉપર રાજાશાહીને રજૂ કરતી પાઘડી. આ ગુલામ ભારતને રજૂ કરતો ઝંડો હતો. એ ઝંડાને જોઈને કોઈ પણ નોન-બ્રિટિશર જે નોન-ઇન્ડિયન પણ છે તે ભારતની ગુલામી અવસ્થા સમજી જાય.
પછી બ્રિટિશ રાજા એડવર્ડ છઠ્ઠાના કાર્યકાળ દરમિયાન આ સ્ટારવાળો ફ્લેગ બદલાવવાની વાત થઈ. ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કામ કરતા બ્રિટિશ ઓફિસર વિલિયમ કોલ્ડસ્ટ્રીમે પ્રપોઝલ મૂક્યું કે ભારતની આગવી ઓળખ આવે એવો તેનો ધ્વજ હોવો જોઈએ, નહિ કે બ્રિટિશના ગુલામ દેશને રજૂ કરતો ધ્વજ. એ સમયના લોર્ડ કર્ઝન સહિતના બધા બ્રિટિશ સત્તાધીશોએ આ પ્રપોઝલ સ્વાભાવિકપણે નકારી કાઢ્યું. વીસમી સદીની શરૂઆત થઈ ચૂકી હતી. ભારતના વીર સપૂતો અને ક્રાંતિકારી નેતાઓનાં વર્તુળોમાં હિન્દુસ્તાનને રિપ્રેઝન્ટ કરે એવો રાષ્ટ્રધ્વજ બનાવવો જોઈએ તે ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. ભારતીય પ્રતીક તરીકે ગણેશજી કે ગાયમાતાને ધ્વજમાં સ્થાન મળવું જોઈએ એવું અમુક નેતાઓનું માનવું હતું. બાળ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તો ગણેશજીને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવાના હિમાયતી હતા.
૧૯૦૪માં એક એંગ્લો-ઇન્ડિયન સામયિકમાં એક ડિઝાઈન રજૂ થઈ હતી જે સૌથી ઓછી જાણીતી છે. જો આપણા દેશના એ ધ્વજની ડિઝાઈન અત્યારે કોઈને બતાવવામાં આવે તો કદાચ એ માની પણ ન શકે કે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે આવા ધ્વજનો પ્રસ્તાવ રખાયો હતો. વર્તમાન રાષ્ટ્રધ્વજ છે એવા જ ત્રણ આડા પટ્ટા પણ તેના રંગો અનુક્રમે ઘાટ્ટો બ્લુ, લીલો અને સ્કાય બ્લુ. એ ત્રણેય આડા પટ્ટાની ડાબી બાજુ ત્રણેય પટ્ટાને જોડતો એક સળંગ પટ્ટો જે જાંબલી રંગનો. એ જાંબલી રંગના ઊભા પટ્ટામાં સફેદ તારાઓ. અને આ ત્રણ આડા ને એક ઊભા એમ ચારેય પટ્ટાથી બનતા લંબચોરસને લાલ કલરની જાડી આઉટલાઈન. લાગે છેને વિચિત્ર? પણ એમાં અંગ્રેજોની બદમુરાદ દેખાઈ આવતી હતી અને ભારતની ખરાબ છાપ પણ ઊપસતી હતી. ઘાટ્ટો ભૂરો રંગ હિંદુઓ અને બૌદ્ધો માટે હતો, નીચેનો લીલો રંગ મુસલમાનો માટે અને સ્કાય બ્લુ ભારતમાં રહેતા ખ્રિસ્તીઓને રજૂ કરતો હતો. જાંબલી રંગ શેના માટે એ ક્લીઅર ન કર્યું પણ લાલ આઉટલાઈન બ્રિટિશ એમ્પાયરની જે ભારતની ગુલામી સૂચવે.
એના પછી કલકતા ફ્લેગ આવ્યો અને એના ઉપરથી જ ભિખાઈજી કામાએ એક રાષ્ટ્રધ્વજ બનાવીને જર્મનીમાં રજૂ કર્યો હતો. જેમાં વચ્ચેના પીળા પટ્ટા ઉપર વંદે માતરમ લખ્યું હતું. ઉપરના લીલા પટ્ટામાં આઠ સફેદ કમળ હતાં અને નીચે કેસરી પટ્ટામાં ચાંદ અને સૂર્ય હતા. એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલકે પણ હોમ રૂલ ચળવળ દરમિયાન એક ફ્લેગ રજૂ કર્યો હતો જેનો આકાર ધજા જેવો હતો પણ એમાં યુનિયન જેક એટલે કે બ્રિટિશ ફ્લેગ દેખાતો હતો.
૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગ દરમિયાન ગાંધીજીએ એક ધ્વજ રજૂ કરેલો. અત્યાર સુધી રજૂ થયેલા બધા ફ્લેગ કરતાં તે ક્રિએટિવલી વધુ સારો હતો અને તેમાં મોડર્ન ટચ પણ હતો. એકદમ સોબર રંગોનો ઉપયોગ થયો હતો. ત્રણ આડા પટ્ટા – અનુક્રમે સફેદ, નીલો અને લાલાશ પડતો કેસરી. વચ્ચે બ્લુ લાઈનમાં રેંટિયો. જોકે આ ધ્વજ ખાસ પોપ્યુલર ન બની શક્યો. એના પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં તિરંગો રજૂ કર્યો જેમાં વચ્ચે અશોકચક્ર ન હતું પણ રેંટિયો હતો. તે ધ્વજ લગભગ બધાએ સ્વીકારી લીધો હતો, ઘણું કરીને ગાંધીજીના પ્રભાવને કારણે. તે સમયે બ્રિટિશ માઉન્ટબેટનના શેતાની દિમાગનો પરચો આપે એવો ધ્વજ તેમણે ખુદ રજૂ કર્યો. એણે એવું પ્રપોઝલ મૂક્યું કે આ રેંટિયાવાળા ધ્વજમાં ખૂણામાં બ્રિટિશ યુનિયન જેક પણ મૂકવામાં આવે. આ હાસ્યાસ્પદ પ્રસ્તાવને નકારવો પડ્યો.
ભારતની આઝાદીના થોડા દિવસો અગાઉ બંધારણીય સમિતિની બેઠક મળી. જેમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, આંબેડકરસાહેબ હતા, સરોજિની નાયડુ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, ગુજરાતી કનૈયાલાલ મુનશી હતા. તે બધાએ રેંટિયાને બદલે અશોકચક્ર ધરાવતો રાષ્ટ્રધ્વજ ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે રજૂ કર્યો જે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના દિવસે ફરકાવવામાં આવ્યો. અશોકચક્ર ધર્મચક્ર તો હતું જ પણ સાથે સાથે એક સમાનતા સૂચવતું હતું, ભારતની વણથંભી યાત્રા સૂચવતું હતું અને રાષ્ટ્રધ્વજને એક સિમેટ્રી બક્ષતું હતું. ભારતના મહાન વારસાને પણ અશોકચક્ર દ્વારા રજૂ કરી શકાતો હતો. રેંટિયા કરતાં અશોકચક્ર રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામવાને પ્રબળ દાવેદાર હતું. ભારતના ઓળખચિહ્ન જેવા રાષ્ટ્રધ્વજમાં રેંટિયાને બદલે અશોકચક્ર વધુ શોભે એ વાત છેવટે ગાંધીજીએ પણ સ્વીકારી.
કેસરી રંગ સમૃદ્ધિ સૂચવે, લીલો રંગ હરિયાળી અને સફેદ રંગ શાંતિનું પ્રતીક છે એવું પાઠ્યપુસ્તકો કે શાળાઓમાં ભણાવવામાં આવે છે પણ તિરંગાના ત્રણેય રંગના આટલા સાદા અર્થો નથી થતા. કેસરી રંગ અપરિગ્રહ એટલે કે ભૌતિક સુખસંપદાથી સંન્યાસ સૂચવે છે અને તે રસ્તા ઉપર આ દેશના નેતાઓએ ચાલવાનું છે. સ્વાર્થ નથી જોવાનો પણ ત્યાગ કારવાનો છે. સફેદ રંગ સત્ય સૂચવે છે. સાચા પથ પર ભારતના પથિકોએ ચાલવાનું છે. લીલો રંગ હરિયાળી તો સૂચવે છે જ પણ ભારતના નાગરિકો જમીન સાથે કેટલા જોડાયેલા છે તે વાત મુખ્ય છે. અશોકચક્ર એટલે ફક્ત કોઈ એક ધર્મનું પ્રતીક નહિ. રાષ્ટ્રધ્વજમાં ધર્મ એટલે કોઈ એક ચોક્કસ ધર્મ પણ નહિ. અહીં ધર્મ એટલે સાચો રસ્તો, કોઈને હાનિ ન પહોંચાડે અને બધાનું ભલું કરે તેવો રસ્તો. ચક્ર સતત ફરતું રહે એનો અર્થ એ કે સતત બદલાવ આવશે પણ તે ફેરફાર શાંતિપૂર્ણ હોવો જોઈએ.
જોકે આ બધી ચર્ચામાં એક મહાન નામ હંમેશાં ભુલાઈ જાય છે. પિંગલી વેંકય્યા, જેમણે આપણો તિરંગો ડિઝાઈન કર્યો હતો અને તેમને ભારતરત્નનો ખિતાબ આપવો કે નહિ તેના વિષે હજુ પણ સરકાર વિચારણા કરી રહી છે. જય હિંદ!
ગુજરાતની એનસીસી કેડેટે આવી રહેલા કારગિલ વિજય દિવસ નિમિત્તે જવાનોના શૌર્ય અને બલિદાનને વખાણતા ૩૦,૦૦૦ કાર્ડ સૈનિકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨૬ જુલાઇએ કારગિલ વિજય દિવસ ઊજવાય છે. આ વખતે ૨૨મી સંવત્સરી ઊજવાશે. ૪થી ૧૫ જુલાઇ દરમ્યાન ઉજવવામાં આવેલા ‘ એક મૈં સો કે લિયે’ અભિયાનના એક ભાગરૂપે ગુજરાતમાંથી આ કાર્ડ્સ મોકલવામાં આવ્યા હતા તેમ જ સોશિયલ મીડિયા પર પણ દેશના જવાનોને બિરદાવતા અનેક સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
ધ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) આ પ્રસંગે અમારા અભિયાન ‘કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર’ ના પાંચમા ચરણના એક ભાગરૂપે હતો.
‘આ કાર્ડ્સ યુવા કેડેટસ માટે શહીદોની શહાદત અને સરહદોનું રક્ષણ કરતા જવાનોનું સન્માન કરવાનું એક માધ્યમ છે.’ એમ એનસીસીએ જણાવ્યું હતું.
આ કાર્ડ્સ ઉધમપુરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ સુધી પહોંચે તેવી આશા અમે રાખી રહ્યા છીએ જેઓ કારગિલ યુદ્ધ વખતે લેફ્ટેનન્ટ કર્નલના હોદ્દા પર હતા અને જેમને વીરચક્ર પ્રાપ્ત થયું છે. ૨૫ જુલાઇ પહેલા કારગિલ ક્ષેત્ર પર તૈનાત સૈનિકોને સુપરત કરવામાં આવશે.
કેન્દ્રના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં જુલાઇથી ૧૭ ટકાને બદલે ૨૮ ટકાનો જંગી વધારો કરવાનો નિર્ણય કેબિનેટે લીધો હોવાની માહિતી કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે જાહેર કરી હતી.
જોકે, ૦૧.૦૧.૨૦૨૦થી ૩૦.૬.૨૦૨૧ સુધીના ગાળાનું ન ચૂકવાયેલું ઍરિયર્સ આપવામાં નહીં આવે. કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઇ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧માં ડયૂ થયેલા ડીએ અને ડીઆર કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપ્યા નહોતા. કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના ગયા વર્ષથી રોકવામાં આવેલા ડીએ (મોંઘવારી ભથ્થુ) અને ડીઆર (ડિયરનેસ રિલીફ)ને ફરીથી શરૂ કરવાનો અને એનો દર ૧૧ ટકા વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ એ દર બેઝિક પૅ/પૅન્શનના ૧૭ ટકા હતો.
ઠાકુરે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર રૂ. ૩૪,૪૦૧ કરોડનો બોજો પડશે. જોકે, આ નિર્ણયનો લાભ ૪૮.૩૪ લાખ કેન્દ્રીય કર્મચારી અને ૬૫.૨૬ લાખ પેન્શનર્સને મળશ
સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.
માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.
માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.
‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી. ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.
ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.
ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.
માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.
માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે. ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.
માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.