CIA ALERT
01. May 2024

ભારતનો તિરંગો

Share On :
Print Friendly, PDF & Email
article-banner
૧૯૦૪માં રજૂ કરાયેલી ધ્વજની પ્રસ્તાવિત ડિઝાઈન ૧૯૦૬માં પ્રદર્શિત કરાયેલો બિનસત્તાવાર ધ્વજ ૧૯૦૭માં બર્લિનમાં મેડમ કામાએ લહેરાવેલો ધ્વજ ૧૯૧૭માં હોમ રૂલ મૂવમેન્ટ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલો ધ્વજ ૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગમાં ગાંધીજીએ રજૂ કરેલો ધ્વજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં રજૂ કરેલો ધ્વજ ૧૯૩૧માં જ લોર્ડ માઉન્ટબેટને પ્રદર્શિત કરેલી ધ્વજની ડિઝાઈન ૧૯૪૭માં સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલો રાષ્ટ્રધ્વજ

ધ્વજ. ઝંડો. વાવટો. ધજા. નિશાન. ફ્લેગ. દેશનું પ્રતીક કોઈ ધ્વજ બને એ પહેલાં જુદા જુદા સમુદાયોનાં ટોળાં કે સેનાનું પ્રતીક હતો. દૂરથી કયા પ્રદેશ કે રાજાની સેના આવી રહી છે એ ખબર પડે માટે ઊંચા દંડ ઉપર ધ્વજ ફરકતો રાખવામાં આવતો. ઘણું કરીને એ ટ્રેન્ડ ઈજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં શરૂ થયો અને પછી આખી દુનિયામાં ફેલાયો. હિંદુ રાજાઓ પાસે પોતાના ઓળખચિહ્ન જેવા ઝંડા હતા. મંદિરોમાં ધજા ફરકાવવાની પરંપરા તો હજારો વર્ષ જૂની છે, પરંતુ ધજા હોય કે ધ્વજ, બંનેનો હેતુ તો સરખો જ કે અમુક કિલોમીટર દૂર રહેલા માણસને પણ તે દેખાઈ આવે. ધીમે ધીમે ધ્વજ પ્રતીક બનતો ગયો. ભારત દેશના પ્રતીક સમાન તિરંગો તો ઘણો યંગ કહેવાય, યુવાન કહેવાય. પણ તેના ઘડતરનો ઈતિહાસ તો એક સદી કરતાં પણ જૂનો છે.

મેડમ ભિખાઈજી કામાએ ૧૯૦૭માં વંદે માતરમ લખેલો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કર્યો હતો એ આપણે બધા જાણીએ છીએ. જોકે એ ધ્વજ પણ ‘કલકતા ફ્લેગ’ ઉપરથી પ્રેરિત હતો. કલકતા ફ્લેગ સચીન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કનુંગોએ ૧૯૦૬માં લહેરાવ્યો. પછી તો ઇન્ડિયન ફ્લેગમાં ઘણા ફેરફારો થયા, પરંતુ આપણે અત્યારે જે રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ તે ભારતને આઝાદી મળી તેના થોડા દિવસો પહેલાં જ એસેમ્બ્લીમાં પસાર થયો હતો અને માન્ય રાખવામાં આવ્યો હતો. એકવીસમી જુલાઈ, ૧૯૪૭ના રોજ તિરંગાની ફાઈનલ ડિઝાઈન મૂકવામાં આવી અને બાવીસમી જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને ફરકાવવામાં આવ્યો. ભારત પંદરમી ઓગસ્ટે આઝાદ થશે તે જાહેર થઈ ગયું હતું. લાલ કિલ્લા ઉપર કયો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત બાવીસમી જુલાઈના દિવસે થઈ.

જોકે ભારતના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન વખતોવખત બદલાતી આવી છે. ભારત દેશને જે તે સમયે રિપ્રેઝન્ટ કરતા હોય એવા ટોટલ કેટલા ફ્લેગ્સ બની ગયા તેનો કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત નથી. અત્યંત ઊંડું સંશોધન કરીએ તો એક આંકડો મળી પણ આવે, પરંતુ તેની ચોકસાઈની ખાતરી ન આપી શકાય, કારણ કે આઝાદ ભારતની કલ્પના ઓગણીસમી સદીથી ચાલી આવી છે. ઘણાં બધાં રજવાડાંના જુદા જુદા દેશપ્રેમીઓ પોતપોતાની રીતે ભારતનો ઝંડો બનાવીને નીકળી પડતા. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં તો ભારતને રજૂ કરતા હોય એવા ઝંડા અનેક હતા. જેનું દસ્તાવેજીકરણ થયું નથી. પણ આખા ભારતનું પ્રતીક બની શકે એવો એક જ ઝંડો હોવો જોઈએ તે વાતની અનુભૂતિ ૧૮૫૭ના વિપ્લવ પછી થઈ.

ગુલામ ભારતનો સત્તાવાર રીતે જે ‘ફર્સ્ટ ફ્લેગ’ કહેવાય છે તે જોઈને કોઈ પણ સામાન્ય ભારતીય દેશપ્રેમીને સહેજ અણગમો થાય એવું બને. તે ફ્લેગ ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ કહેવાતો. બ્રિટિશ વાઈસરોય અને ગવર્નર ઓફ ઇન્ડિયાએ તેને વાપરવાનું શરૂ કરેલું. બ્રિટિશ ધ્વજની જેમ જ તેમાં બ્લુ અને રેડ કલરના સ્ટારની વચ્ચે પીળા સૂર્યમાં સફેદ તારો રાખવામાં આવેલો. તેની ઉપર રાજાશાહીને રજૂ કરતી પાઘડી. આ ગુલામ ભારતને રજૂ કરતો ઝંડો હતો. એ ઝંડાને જોઈને કોઈ પણ નોન-બ્રિટિશર જે નોન-ઇન્ડિયન પણ છે તે ભારતની ગુલામી અવસ્થા સમજી જાય.

પછી બ્રિટિશ રાજા એડવર્ડ છઠ્ઠાના કાર્યકાળ દરમિયાન આ સ્ટારવાળો ફ્લેગ બદલાવવાની વાત થઈ. ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કામ કરતા બ્રિટિશ ઓફિસર વિલિયમ કોલ્ડસ્ટ્રીમે પ્રપોઝલ મૂક્યું કે ભારતની આગવી ઓળખ આવે એવો તેનો ધ્વજ હોવો જોઈએ, નહિ કે બ્રિટિશના ગુલામ દેશને રજૂ કરતો ધ્વજ. એ સમયના લોર્ડ કર્ઝન સહિતના બધા બ્રિટિશ સત્તાધીશોએ આ પ્રપોઝલ સ્વાભાવિકપણે નકારી કાઢ્યું. વીસમી સદીની શરૂઆત થઈ ચૂકી હતી. ભારતના વીર સપૂતો અને ક્રાંતિકારી નેતાઓનાં વર્તુળોમાં હિન્દુસ્તાનને રિપ્રેઝન્ટ કરે એવો રાષ્ટ્રધ્વજ બનાવવો જોઈએ તે ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. ભારતીય પ્રતીક તરીકે ગણેશજી કે ગાયમાતાને ધ્વજમાં સ્થાન મળવું જોઈએ એવું અમુક નેતાઓનું માનવું હતું. બાળ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તો ગણેશજીને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવાના હિમાયતી હતા.

૧૯૦૪માં એક એંગ્લો-ઇન્ડિયન સામયિકમાં એક ડિઝાઈન રજૂ થઈ હતી જે સૌથી ઓછી જાણીતી છે. જો આપણા દેશના એ ધ્વજની ડિઝાઈન અત્યારે કોઈને બતાવવામાં આવે તો કદાચ એ માની પણ ન શકે કે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે આવા ધ્વજનો પ્રસ્તાવ રખાયો હતો. વર્તમાન રાષ્ટ્રધ્વજ છે એવા જ ત્રણ આડા પટ્ટા પણ તેના રંગો અનુક્રમે ઘાટ્ટો બ્લુ, લીલો અને સ્કાય બ્લુ. એ ત્રણેય આડા પટ્ટાની ડાબી બાજુ ત્રણેય પટ્ટાને જોડતો એક સળંગ પટ્ટો જે જાંબલી રંગનો. એ જાંબલી રંગના ઊભા પટ્ટામાં સફેદ તારાઓ. અને આ ત્રણ આડા ને એક ઊભા એમ ચારેય પટ્ટાથી બનતા લંબચોરસને લાલ કલરની જાડી આઉટલાઈન. લાગે છેને વિચિત્ર? પણ એમાં અંગ્રેજોની બદમુરાદ દેખાઈ આવતી હતી અને ભારતની ખરાબ છાપ પણ ઊપસતી હતી. ઘાટ્ટો ભૂરો રંગ હિંદુઓ અને બૌદ્ધો માટે હતો, નીચેનો લીલો રંગ મુસલમાનો માટે અને સ્કાય બ્લુ ભારતમાં રહેતા ખ્રિસ્તીઓને રજૂ કરતો હતો. જાંબલી રંગ શેના માટે એ ક્લીઅર ન કર્યું પણ લાલ આઉટલાઈન બ્રિટિશ એમ્પાયરની જે ભારતની ગુલામી સૂચવે.

એના પછી કલકતા ફ્લેગ આવ્યો અને એના ઉપરથી જ ભિખાઈજી કામાએ એક રાષ્ટ્રધ્વજ બનાવીને જર્મનીમાં રજૂ કર્યો હતો. જેમાં વચ્ચેના પીળા પટ્ટા ઉપર વંદે માતરમ લખ્યું હતું. ઉપરના લીલા પટ્ટામાં આઠ સફેદ કમળ હતાં અને નીચે કેસરી પટ્ટામાં ચાંદ અને સૂર્ય હતા. એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલકે પણ હોમ રૂલ ચળવળ દરમિયાન એક ફ્લેગ રજૂ કર્યો હતો જેનો આકાર ધજા જેવો હતો પણ એમાં યુનિયન જેક એટલે કે બ્રિટિશ ફ્લેગ દેખાતો હતો.

૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગ દરમિયાન ગાંધીજીએ એક ધ્વજ રજૂ કરેલો. અત્યાર સુધી રજૂ થયેલા બધા ફ્લેગ કરતાં તે ક્રિએટિવલી વધુ સારો હતો અને તેમાં મોડર્ન ટચ પણ હતો. એકદમ સોબર રંગોનો ઉપયોગ થયો હતો. ત્રણ આડા પટ્ટા – અનુક્રમે સફેદ, નીલો અને લાલાશ પડતો કેસરી. વચ્ચે બ્લુ લાઈનમાં રેંટિયો. જોકે આ ધ્વજ ખાસ પોપ્યુલર ન બની શક્યો. એના પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં તિરંગો રજૂ કર્યો જેમાં વચ્ચે અશોકચક્ર ન હતું પણ રેંટિયો હતો. તે ધ્વજ લગભગ બધાએ સ્વીકારી લીધો હતો, ઘણું કરીને ગાંધીજીના પ્રભાવને કારણે. તે સમયે બ્રિટિશ માઉન્ટબેટનના શેતાની દિમાગનો પરચો આપે એવો ધ્વજ તેમણે ખુદ રજૂ કર્યો. એણે એવું પ્રપોઝલ મૂક્યું કે આ રેંટિયાવાળા ધ્વજમાં ખૂણામાં બ્રિટિશ યુનિયન જેક પણ મૂકવામાં આવે. આ હાસ્યાસ્પદ પ્રસ્તાવને નકારવો પડ્યો.

ભારતની આઝાદીના થોડા દિવસો અગાઉ બંધારણીય સમિતિની બેઠક મળી. જેમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, આંબેડકરસાહેબ હતા, સરોજિની નાયડુ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, ગુજરાતી કનૈયાલાલ મુનશી હતા. તે બધાએ રેંટિયાને બદલે અશોકચક્ર ધરાવતો રાષ્ટ્રધ્વજ ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે રજૂ કર્યો જે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના દિવસે ફરકાવવામાં આવ્યો. અશોકચક્ર ધર્મચક્ર તો હતું જ પણ સાથે સાથે એક સમાનતા સૂચવતું હતું, ભારતની વણથંભી યાત્રા સૂચવતું હતું અને રાષ્ટ્રધ્વજને એક સિમેટ્રી બક્ષતું હતું. ભારતના મહાન વારસાને પણ અશોકચક્ર દ્વારા રજૂ કરી શકાતો હતો. રેંટિયા કરતાં અશોકચક્ર રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામવાને પ્રબળ દાવેદાર હતું. ભારતના ઓળખચિહ્ન જેવા રાષ્ટ્રધ્વજમાં રેંટિયાને બદલે અશોકચક્ર વધુ શોભે એ વાત છેવટે ગાંધીજીએ પણ સ્વીકારી.

કેસરી રંગ સમૃદ્ધિ સૂચવે, લીલો રંગ હરિયાળી અને સફેદ રંગ શાંતિનું પ્રતીક છે એવું પાઠ્યપુસ્તકો કે શાળાઓમાં ભણાવવામાં આવે છે પણ તિરંગાના ત્રણેય રંગના આટલા સાદા અર્થો નથી થતા. કેસરી રંગ અપરિગ્રહ એટલે કે ભૌતિક સુખસંપદાથી સંન્યાસ સૂચવે છે અને તે રસ્તા ઉપર આ દેશના નેતાઓએ ચાલવાનું છે. સ્વાર્થ નથી જોવાનો પણ ત્યાગ કારવાનો છે. સફેદ રંગ સત્ય સૂચવે છે. સાચા પથ પર ભારતના પથિકોએ ચાલવાનું છે. લીલો રંગ હરિયાળી તો સૂચવે છે જ પણ ભારતના નાગરિકો જમીન સાથે કેટલા જોડાયેલા છે તે વાત મુખ્ય છે. અશોકચક્ર એટલે ફક્ત કોઈ એક ધર્મનું પ્રતીક નહિ. રાષ્ટ્રધ્વજમાં ધર્મ એટલે કોઈ એક ચોક્કસ ધર્મ પણ નહિ. અહીં ધર્મ એટલે સાચો રસ્તો, કોઈને હાનિ ન પહોંચાડે અને બધાનું ભલું કરે તેવો રસ્તો. ચક્ર સતત ફરતું રહે એનો અર્થ એ કે સતત બદલાવ આવશે પણ તે ફેરફાર શાંતિપૂર્ણ હોવો જોઈએ.

જોકે આ બધી ચર્ચામાં એક મહાન નામ હંમેશાં ભુલાઈ જાય છે. પિંગલી વેંકય્યા, જેમણે આપણો તિરંગો ડિઝાઈન કર્યો હતો અને તેમને ભારતરત્નનો ખિતાબ આપવો કે નહિ તેના વિષે હજુ પણ સરકાર વિચારણા કરી રહી છે. જય હિંદ! 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :