CIA ALERT
03. May 2024
August 13, 20214min976

Related Articles



સુરતની 7 સ્કુલોએ શરૂ કરેલું દ્વિ-ભાષી માધ્યમ હવે ગુજરાતભરની સ્કુલો માટે ઉપલબ્ધ : જાણો અહીં : શું છે દ્વિભાષી માધ્યમ?

Share On :
Print Friendly, PDF & Email

એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.

આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.

ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો. 

2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી)  સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?

દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.

1.  ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.

2.  અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય  શીખવવો.

3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.

બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.

આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.

પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે

જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. 

દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?

શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી.  દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.

ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.

સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?

સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.

સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ  ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના  પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના  માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.

ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.

1. તેઓએ સરકારે મંજૂર કરેલ દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.

2. તેઓએ તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.

3. તેઓએ તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. જૂના શિક્ષકોને છૂટા કરી શકાશે નહીં,.

4. તેઓએ તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમના ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.

5. તેઓએ નીચેના દસ્તાવેજો સાથે જીલ્લાશિક્ષણાધિકારીની પરવાનગી લેવી પડશે.

. ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ  

શરૂ કરવા અને એમાટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.”

બી. જે તે વર્ગના વાલીમંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ.

સી. જે તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ.

દ્વિભાષી માધ્યમ અંગે વિગતવાર માર્ગદર્શન ક્યાંથી મળશે

સુરતની શાળાઓ દ્વારા એક માર્ગદર્શક વેબસાઈટ શરૂ કરવામાં આવશે

https://bilingualmedium.in/

જેનાથી આ માધ્યમ વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :