CIA ALERT

Blog - Page 75 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 15, 2024
double-decker-train.jpg
1min238
Six coaches of Ahmedabad-Mumbai double-decker train derailed near Surat, leaving passengers stranded

દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી

અમદાવાદથી ટ્રેન મુંબઇ તરફ જતી હતી ત્યારે ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે. ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ નથી, સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તે મામલે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે.

રેલ વ્યવહારને અસર પડી

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા રેલ વ્યવહારને અસર પડી રહી છે, અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે, ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવુ રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી રહી નથી, જેને લીધે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે.

August 15, 2024
drugs.jpg
1min271
Gujarat Drugs: After Udwada, Hazira, 30 crore worth of hashish was recovered from Navsari coast.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના ઉદવાડા અને સુરતના હજીરા બાદ હવે ચરસનો જથ્થો નવસારીના દરિયાકિનારેથી મળી આવ્યો છે. નવસારીના દરિયાકાંઠેથી રૂ. 30 કરોડની કિંમતનો 60 કિલો જેટલો ચરસનો જથ્થો જપ્ત થયો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ છેલ્લા દિવસોથી વલસાડ જિલ્લા તથા સુરતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પ્રાપ્ત થયો છે. જેના પગલે નવસારીના દરીયા કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, ધોલાઈ મરીન, બીલીમોરા તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને દરીયાઈકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દરિયાકાંઠા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઓંજલ ગામના ચાંગલી ફળીયાથી દાંડી તરફના દરીયા કિનારે અંદાજે પાંચ કિલોમીટરના વિસ્તારમાં જુદી જુદી 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ ચરસના અલગ-અલગ વજન તથા માર્કાવાળા ફુલ પેકટ નંગ.50 જેનુ અંદાજીત કુલ વજન 60 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ કુલ જથ્થાની આંતર રાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 30 કરોડ રૂપિયા થવા જાય છે. આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ અધિકક્ષઆ જણાવ્યા અનુસાર “5 જુદી-જુદી જગ્યાએથી ટોટલ મળીને 50 પેકેટ નાર્કોટિકસ ડ્રગ્સ મળી આવ્યા છે. FSL દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ ડ્રગ્સ ડસીસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખૂલ્યું છે. તમામ પેકેટ અંદાજીત 1200 ગ્રામના છે અને કુલ 60 કિલો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિમંત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી છે.

August 14, 2024
dengue-vaccine-india.png
1min289

આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.

ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રોહતક ખાતે રસી આપવામાં આવી હતી.

યુનિયન હેલ્થ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯ સાઇટ્સ પર હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦૩૩૫થી વધુ સ્વસ્થ પુખ્ત સહભાગીઓ સામેલ છે.
તેમણે કહ્યું કે આઇસીએમઆર અને પેનેશિયા બાયોટેક વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર આપણા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.

હાલમાં, ભારતમાં ડેન્ગ્યુ સામે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા લાઇસન્સ પ્રાપ્ત રસી નથી. અસરકારક રસીનો વિકાસ ચારેય સીરોટાઇપ માટે સારી અસરકારકતા હાંસલ કરવાની જરૂરિયાતને કારણે જટિલ છે.
ભારતમાં, ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સીરોટાઇપ ઘણા પ્રદેશોમાં ફરતા અથવા સહ-પ્રસાર માટે જાણીતા છે, તેવું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રસીના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ૨૦૧૮-૧૯માં પૂર્ણ થયા હતા, જેનાથી આશાસ્પદ પરિણામો મળ્યા હતા.

August 14, 2024
phoghat.png
3min316

પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટને ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ CAS માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પહેલાં જ થઇ ગઇ હતી. જો કે, ચુકાદો આપવાની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી હતી, જે કારણે સતત સસ્પેન્સ વધી રહ્યો હતો. સમગ્ર દેશની નજર આ કેસ પર હતી. જો કે, હવે સીએએસે વિનેશની અપીલને ફગાવતા હવે તેને સિલ્વર મેડલ મળશે નહી.
IOA અધ્યક્ષ પીટી ઉષાએ હતાશા વ્યક્ત કરી

CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધ્યક્ષ પીટી ઉષાએ આ મામલે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોર્ટનો આ ચુકાદો સાંભળી તેમને ઘણો આશ્ચર્ય થયો છે. અગાઉ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. CAS દ્વારા અગાઉ ચુકાદો આપવા માટેની તારીખ 16 ઓગસ્ટ સુધી લંબાવી હતી, જો કે 14 ઓગસ્ટે જ ચુકાદો આપી વિનેશની અરજી ફગાવતાં પીટી ઉષાએ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો.

વિનેશ તરફથી સુનાવણી દરમિયાન કરાયેલી દલીલો

  1. વિનેશે દલીલ કરી હતી કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી.
  2. તેનું વજન શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને કારણે વધ્યું હતું.
  3. વિનેશ વતી દલીલ કરવામાં આવી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લિટનો મૂળભૂત અધિકાર છે.
  4. વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીને કારણે વજન વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા એ તેનો મૂળભૂત અધિકાર છે.

શું છે CAS?

વર્ષ 1896માં પહેલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઊભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.

શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ?

  1. ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલાં વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે.
  2. દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઇનલમાં પહોંચે, તેમનું સળંગ બે દિવસ વજન કરાય છે.
  3. પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઇચ્છે તેટલી વાર વજન કરી શકે છે.
  4. બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે.
  5. વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.
  6. વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.

આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ હતી.

સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો

વિનેશ ફોગાટ મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રૅકોર્ડ્સ

1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા – ગોલ્ડ મેડલ

2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ – ગોલ્ડ મેડલ

3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો – ગોલ્ડ મેડલ

4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક – સિલ્વર મેડલ

5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ – સિલ્વર મેડલ

6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન – બ્રોન્ઝ મેડલ

8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન – બ્રોન્ઝ મેડલ

9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક – બ્રોન્ઝ મેડલ

10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

August 14, 2024
rakhi1.jpg
1min273

રક્ષાબંધનમાં પંચક અને ભાદ્રની છાયા, જાણો રાખડી બાંધવાની તારીખ અને શુભ સમય

ભાઈ -બહેનના પ્રેમના પ્રતીક તરીકે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં બહેનો તેમના ભાઈઓની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અને બહેન ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે, ત્યારે ભાઈઓ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હિંદુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. પરંતુ આ દિવસે પંચકની સાથે ભાદ્રની છાયા પડે છે. તેથી દરેક વ્યક્તિ મૂંઝવણમાં છે કે રાખડી બાંધવાનો શુભ સમય કયો માનવો. ચાલો જાણીએ રક્ષાબંધનનો શુભ સમય અને અન્ય માહિતી…
રક્ષાબંધન 2024 ક્યારે છે?

પંચાંગ અનુસાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 કલાકથી શરૂ થઈને રાત્રે 11.55 કલાકે સમાપ્ત થશે. એટલે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ રોજ માનવામાં આવશે.

રાખડી બાંધવા માટે રક્ષા બંધન 2024 મુહૂર્ત

રક્ષાબંધન વિધિનો સમય – બપોરે 1:30 થી 9:06 સુધી

રાખડી બાંધવાનો સમય – બપોરે 1:46 થી 4:19 સુધી

સમયગાળો 02 કલાક 37 મિનિટ

રક્ષાબંધનમાં પ્રદોષ કાલનો શુભ સમય – સાંજે 06:56 થી 09:07 સુધી

સમયગાળો 02 કલાક 11 મિનિટ

રક્ષાબંધન પર ભાદ્રા અને પંચકની છાયા

તમારી જાણકારી માટે દરેક મહિનાના 5 દિવસ એવા હોય છે, જેમાં અનેક શુભ તેમજ માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે. તેને પંચક કહેવાય છે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં પંચક શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે 19મીએ સાંજે 7:01 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જે 23મી ઓગસ્ટે રહેશે. પરંતુ તે સોમવારથી શરૂ થતો હોવાથી રાજ પંચક રહેશે. એટલે તમે શુભ કાર્યો સરળતાથી કરી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી.

આ વર્ષે રક્ષાબંધન દરમિયાન સવારથી જ ભદ્રાની છાયા રહેશે. આ કારણે બપોરે 1.30 પછી જ રાખડી બાંધવી શુભ રહેશે.

રક્ષાબંધન ભાદ્રાનો અંત સમય – બપોરે 01:30 કલાકે

રક્ષાબંધન ભાદ્રા પૂંછ – સવારે 09:51 – સવારે 10:53

રક્ષાબંધન ભાદ્રા મુળ – સવારે 10:53 – બપોરે 12:37

રક્ષાબંધન પર અનેક શુભ પ્રસંગો બની રહ્યા છે

આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ યોગ બની રહ્યા છે. એટલે ભાઈના કાંડા પર રાખડી બાંધવી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ સાથે આ દિવસે સવારે 6.08 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે, જે સવારે 8.10 વાગ્યા સુધી ચાલશે. આ સાથે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને શુક્ર સિંહ રાશિમાં રહીને લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય અને શુક્રદિત્ય યોગ બનાવી રહ્યા છે. આ સાથે શનિ શશ નામનો રાજયોગ બનાવી રહ્યા છે.

August 14, 2024
lal-killa.jpeg
2min313
કાલે દેશભરમાં ઉજવાશે સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન લાલ કિલ્લા પર ફરકાવશે ધ્વજ, આ મહેમાનો રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 1 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.

કેવો હશે આ સમારોહ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે. 

પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?

દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.

ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.

હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. 

ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.

મહેમાનો કોણ છે?

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ

મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.

August 11, 2024
yarn-expo-2024-1280x853.jpeg
4min358

Reported on 10th August 2024

SGCCIના ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાયર્સનો પ્રતિસાદ મળ્યો : યુરોપ, દુબઇ અને કેન્યાથી વિઝીટર્સ આવ્યા

વિશ્વના ત્રણ દેશો ઉપરાંત ભારતના વિવિધ શહેરોમાંથી બે દિવસ દરમ્યાન ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લઇ વિવિધ યાર્નની જાણકારી પ્રાપ્ત કરી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શન યોજાયું છે. બે દિવસ દરમ્યાન ભારતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય દેશોમાંથી કુલ ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પો– ર૦ર૪માં દેશભરના ૯ર યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવ્યા છે અને યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરી રહયા છે. ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન થઇ રહયું છે. એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પણ પ્રદર્શિત કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ એકઝીબીશનમાં જોવા મળી રહયા છે.

ગઇકાલે પ્રથમ દિવસે જ યુરોપ, દુબઇ અને કેન્યા દેશમાંથી જેન્યુન બાયર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી અને સ્પેશ્યાલિટી ઉપરાંત વિવિધ યાર્નની માહિતી મેળવી યાર્ન ઉત્પાદકો પાસેથી યાર્ન ખરીદવા માટે ઓડર્સ પણ આપ્યા હતા.

આ ઉપરાંત ભારતના ટેક્ષ્ટાઇલ બેલ્ટ ગણાતા તિરૂપુર, વારાણસી, લુધિયાના, પાનીપત, સેલમ, મઉ (ઉત્તર પ્રદેશ) અને નવાપુર ઉપરાંત સોલાપુર, દિલ્હી, વાંકાનેર, ગુડગાડ, જેતપુર, બેંગ્લોર, અજમેર, ઇરોડ, કોલકાતા, કોઇમ્બતુર, ઇચ્છલકરંજી, પંજાબ, ગ્રેટર નોઇડા, હૈદરાબાદ, જયપુર, જુનાગઢ, રાજકોટ, સિલવાસા, વાપી, વ્યારા, પૂણે અને નાશિકથી યાર્નના જેન્યુન બાયર્સ તેમજ વિઝીટર્સ યાર્ન એક્ષ્પોની મુલાકાતે આવ્યા હતા. યાર્ન એક્ષ્પોમાં પ્રથમ દિવસે ૪૬૦૦ અને આજે બીજા દિવસે ૭૯પ૦ વિઝીટર્સ નોંધાયા હતા.

Reported on 9th August 2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

યાર્ન એક્ષ્પો વિશ્વમાં ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ‘આત્મનિર્ભર ભારત’નું સપનું સુરતથી જ સાકાર થશે : રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથ

આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે : કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. યાર્ન પ્રદર્શનનો આજથી ત્રણ દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે.

શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યાર્ન એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્‌ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથજી ઉપસ્થિત રહયા હતા. જ્યારે સાંજુ પ્રિન્ટ્‌સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી સાંવર રાજકુમાર બુધિયા અને કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ મહેમાનોના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ યાર્ન એક્ષ્પોમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી ૯ર યાર્ન ઉત્પાદકોએ ભાગ લીધો છે ત્યારે યાર્ન એક્ષ્પોથી ચોક્કસ નવા પરિમાણો પ્રાપ્ત થશે તેની મને ખાત્રી છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનાવવા સંકલ્પ લીધો છે. વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેના માટે વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપી શકે તેમ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એ વિશ્વમાં તમારી ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે. ભારતના કાપડ ઉદ્યોગનો વિકાસ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી જ સાકાર થશે. તેમણે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ પ્રોડકટ બનાવવા માટે ભારતમાં બેસ્ટ ટેકનોલોજી અને બેસ્ટ ટેલેન્ટ ઉપલબ્ધ છે.

તેમણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્લોબલ સિનારીયો ઉદ્યોગ સાહસિકો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ કાપડની ખપત ૧૦૪ મિલિયન મેટ્રીક ટન છે, જેમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનનો વધારો થવાની સંભાવના છે. મેન મેઇડ ફાયબરનો હિસ્સો ૭૮ મિલિયન મેટ્રીક ટનનો છે, જે ૧૦૬ મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચવાની સંભાવના છે. મેન મેઇડ ફેબ્રિકમાં પોલિએસ્ટરની વાત કરીએ તો એની ખપત અત્યારે પ૮ મિલિયન મેટ્રીક ટન છે, જે ૮૧ મિલિયન મેટ્રીક ટન સુધી જવાની સંભાવના છે. જ્યારે અન્ય મેન મેઇડ ફેબ્રિકમાં વિસ્કોસ અને નાયલોનની ખપતમાં ર૦થી રપ મિલિયન મેટ્રીક ટન સુધીના ગ્રોથની સંભાવના છે.

હાલમાં વૈશ્વિક જનસંખ્યા ૭.૭ બિલિયન છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં અંદાજે ૮.પ બિલિયન થઈ શકે છે. વૈશ્વિક માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૧૪.૩ કિ.ગ્રા. છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં ૧૬.૬ કિ.ગ્રા. થવાની સંભાવના છે. ભારતમાં માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૬ કિ.ગ્રા. છે. તેમણે કહયું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં મેન મેઇડ ફેબ્રિકમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનની જે ગ્રોથ દેખાઇ રહી છે એને પહોંચી વળવા માટે પોલિએસ્ટરમાં ર૩ મિલિયન મેટ્રીક ટનની ગ્રોથ લાવવી પડશે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો માટે આ સોનેરી તક છે, જેને ઉદ્યોગકારોએ ઝડપવી જોઇએ અને એમાં ખૂબ ઝડપથી આગળ વધવું જોઇએ. ઉદ્યોગકારોએ સુરત બ્રાન્ડ બનાવવી પડશે. ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ મેન મેઇડ ફેબ્રિકમાં જ જવું પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યાર્ન એક્ષ્પોની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સને શુભેચ્છા આપી હતી.

યાર્ન એક્ષ્પો– ર૦ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને પોલિએસ્ટર યાર્નની ખપત ૧.પ લાખ મેટ્રીક ટન થાય છે. દર મહિને કોટનની ખપત ૩૦૦૦ મેટ્રીક ટન છે. નાયલોન યાર્નની ખપત વર્ષ ર૦૦૯માં ૩૦૦૦ મેટ્રીક ટન હતી, જે આજે વધીને ૯૦૦૦ મેટ્રીક ટન થઇ ગઇ છે. વિસ્કોસ ફિલામેન્ટની ખપત દર મહિને ૧ર૦૦૦ મેટ્રીક ટન થઇ રહી છે. ગત વર્ષે રૂપિયા ૧૯૦૦ કરોડનું યાર્ન સુરતથી એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ યાર્ન એક્ષ્પોના ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, યાર્ન એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી ઉમેશ ક્રિષ્ણાની, શ્રી કિરણ ઠુમ્મર, શ્રી અશોક રાઠી અને શ્રી પ્રફુલ્લ શાહ તથા ચેમ્બરના પૂર્વ ચેરમેનો શ્રી નિલેશ માંડલેવાલા, શ્રી રૂપીન પચ્ચીગર, શ્રી અમરનાથ ડોરા, શ્રી આશીષ ગુજરાતી અને શ્રી હિમાંશુ બોડાવાલા તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

Reported on 7 August 2024

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૯થી ૧૧ ઓગષ્ટ દરમ્યાન ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે

યાર્ન એક્ષ્પોમાં સિલ્ક રિપ્લેસમેન્ટ કપડું બનાવવા, સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં ઉપયોગમાં લેવાતા સ્પેશ્યલ યાર્નનું પ્રદર્શન કરાશે

દેશભરમાંથી ૯ર એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯ર એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, તમિલનાડુ (નમખલ અને કરૂર શહેર), જયપુર, બેંગ્લોર, પાનીપત (હરિયાણા), ચેન્નાઇ અને અને કર્ણાટકાના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી રોહિત કંસલ (IAS) ઉપસ્થિત રહેશે. ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી પ્રાજક્તા વર્મા (IAS), ડાયરેકટર શ્રી અનિલ કુમાર (IRS) અને એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે. આ ઉપરાંત અમેરિકા અને ટરકી ખાતેથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવવાની સંભાવના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પો– ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડા અને કો–ચેરમેન શ્રી ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

સુરત ઉપરાંત દેશના ૧૦૦થી પણ વધુ શહેરોથી બાયર્સ – વિઝીટર્સ એક્ષ્પોની મુલાકાતે આવશે
યાર્ન એક્ષ્પો– ર૪ના કો–ચેરમેનો શ્રી પ્રફુલ્લ શાહ, શ્રી કિરણ ઠુમ્મર અને શ્રી અશોક રાઠીએ જણાવ્યું હતું કે, સુરત ઉપરાંત અમદાવાદ, માલેગાવ, હૈદરાબાદ, સિલવાસા, મદુરાઇ, ડીસા, મુંબઇ, વાપી, નવસારી, કોઝીકોડ, વારાણસી, દિલ્હી, કોઇમ્બતુર, ઠાણે, દમણ, વાંકાનેર, ભીલવાડા, સોલાપુર, અંકલેશ્વર, બુરહાનપુર, ઇચ્છલકરંજી, પુણે, ભીવંડી, બેંગ્લોર, જયપુર, ભદોઈ – ઉત્તર પ્રદેશ, નૈરોબી, ધુળે, આંધ્રપ્રદેશ, પાનીપત, બાલાસોર, ડોંબિવલી, કોલકાતા, બેંગ્લુરુ, તમિલનાડુ, લુધિયાના, કેરળ, કુમસી, ગુવાહાટી, હિન્દુપુર, નાગપુર, સોલાપુર, નવી દિલ્હી, ઇન્દોર, ગ્રેટર નોઇડા, જોધપુર, અજમેર, જબલપુર, ડિન્ડીગુલ, ઇરોડ, લુધિયાના, કરૂર – તમિલનાડુ, કોલ્હાપુર, કર્ણાટકા, કલ્યાણ, નમકકલ – તમિલનાડુ, અમૃતસર, જુનાગઢ, કાંબા, ઉલ્હાસનગર, વડનગર, નવાપુર, ઉદયપુર, શોલિંગુર – તમિલનાડુ, કોડા કંડલા – તેલંગાણા, રાજકોટ, કીમ, સાલેમ, ગુંટુર, જેતપુર, મહેસાણા, બોટાદ, સરીગામ, હિંમતનગર, મથુરા, માઉનાથ ભંજન – ઉત્તર પ્રદેશ અને યવતમાળથી બાયર્સ તેમજ વિઝીટર્સ દ્વારા યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે
યાર્નનું રો મટિરિયલ્સ પ્લાન્ટ, પ્રાણી અને મેન મેઇડ ફાયબરમાંથી મળે છે. પ્લાન્ટમાં કોટન, બામ્બુ, ફલેકસ, બનાના અને પાણીમાં રહેલી જળકુંભીમાંથી કુદરતી યાર્ન મળે છે. ઘેટા, ઊંટ, સસલા, લામા જેવા પ્રાણીઓના વાળમાંથી કુદરતી યાર્ન બને છે જેવા કે ઉન, અંગોરા, હેર, કકુનમાંથી સિલ્ક બનાવી શકાય છે. યાર્નના રો મટિરિયલ્સ મેળવવાના આ સ્ત્રોતોને એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે મુકવામાં આવશે. મેન મેડ યાર્ન બનાવવાની પ્રોસેસ જેમ કે મેલ્ટ સ્પિનિંગ, વેટ સ્પિનિંગ અને ડ્રાય સ્પિનિંગનો ડેમો પણ થીમ પેવેલિયનમાં મુકવામાં આવશે.

યાર્ન એક્ષ્પો દરમ્યાન ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) દ્વારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪ દરમ્યાન શનિવાર, તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે.

આ સેમિનારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી અસિમ પાન ‘Emerging Trends in Polyester by 2030’ વિષે, સેન્ચુરી એન્કા લિમિટેડના શ્રી સંજય મલ્હોત્રા ‘Emerging Trends in Nylon’ વિષે, મુંબઇના નિમ્બાર્ક ફેશન્સ લિમિટેડના શ્રી મહેશ માહેશ્વરી ‘Emerging Trends of Fancy Yarns’ વિષે, અદલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના શ્રી મહેન્દ્ર ઝડફીયા ‘Emerging Trends of Zari in Textile Industries – Shimmering into Textile Segment’ વિષે ટેક્ષટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપશે.

August 6, 2024
fogat.png
1min282
Wrestler Vinesh Phogat reached the semi-finals of the Olympics for the first time

યુક્રેનની હરીફને હરાવી: પ્રી-ક્વૉર્ટરમાં ફોગાટે જાપાનની ડિફેન્ડિંગ ચૅમ્પિયનને છેલ્લી પાંચ સેકન્ડમાં પછાડી હતી
ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સના રેસલિંગના 50 કિલો વર્ગમાં બે ઐતિહાસિક વિજય મેળવ્યા હતા. પહેલાં તો તેણે ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી તેમ જ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં 3-2થી હરાવી દીધી હતી અને પછી ક્વૉર્ટર ફાઇનલમાં યુક્રેનની ઑક્સાના લિવાચને 7-5થી પરાસ્ત કરીને પહેલી વાર ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

29 વર્ષની ફોગાટ યુક્રેનની હરીફ સામે ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલો જીતીને મેડલની લગોલગ પહોંચી ગઈ હતી. જાપાનની યુઇ સુસાકી સામેના રોમાંચક મુકાબલામાં ફોગાટે ખાસ કરીને છેલ્લી પાંચ સેક્ધડમાં પર્ફોર્મન્સ ખૂબ સુધારીને સુસાકીને પછાડી હતી.

આ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો 50 કિલો વર્ગમાં હતો જેમાં આ સ્પર્ધાની સર્વોચ્ચ ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુસાકીએ 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર પછી પણ સુસાકી આગળ વધી હતી અને 2-0થી સરસાઈ લીધી હતી. જોકે પછીથી ફોગાટે આક્રમક મૂડમાં આવીને અને સમજદારીથી સુસાકી પર પ્રભુત્વ મેળવ્યું હતું અને 3-2થી જીતી ગઈ હતી.

સુસાકીએ પોતાની વિરુદ્ધમાં આપવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેની એ ચૅલેન્જને નકારવામાં આવી હતી અને ફોગાટને જ વિજેતા ગણાવવામાં આવી હતી.

ફોગાટ અગાઉની બે ઑલિમ્પિક્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી.

August 6, 2024
Neeraj-Chopra-july-afp_d.jpg
1min271

ભારતના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ મંગળવારે ભાલાફેંકમાં શરૂ થયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 89.34 મીટર દૂર ફેંકીને ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.

2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતનાર આર્મીમૅન નીરજનો સીઝનનો આ બેસ્ટ થ્રો હતો.

84 મીટરનું અંતર પાર કરનાર ઍથ્લીટની ફાઇનલના ક્વૉલિફિકેશન માટેની તક વધી જતી હોય છે અને 26 વર્ષના નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા પ્રયાસમાં જ એ અંતર પાર કરી લીધું હતું. આ વખતે અહીં પણ તેણે પ્રથમ રાઉન્ડમાં ભાલો 84 મીટરથી ક્યાંય દૂરના અંતરે ફેંકીને ક્વૉલિફિકેશન હાંસલ કરી લીધું.

પાકિસ્તાનનો ઍથ્લીટ અર્શદ નદીમ જે નીરજનો મિત્ર અને હરીફ છે, તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાલો 86.59 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.

અર્શદ નદીમ કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ-મેડલિસ્ટ છે. જોકે તે ઘણી મોટી સ્પર્ધાઓમાં નીરજ સામે ઝાંખો પડી ચૂક્યો છે.
ગ્રૂપ-એમાં ભારતનો જ કિશોર જેના ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો, કારણકે તેણે ભાલો 80.73 મીટર દૂર ફેંક્યો હતો. છેવટે નીરજ ચોપડાવાળા ગ્રૂપ-બીના ઍથ્લીટોના પરિણામો આવતાં જાહેરાત થઈ હતી કે કિશોર જેનાએ આ સ્પર્ધામાંથી એક્ઝિટ કરવી પડી હતી.

કુલ 12 ઍથ્લીટને ફાઇનલમાં પહોંચવા મળે છે.
ગ્રૂપ-એમાં ઍન્ડરસન પીટર્સે ભાલો 88.83 મીટર દૂર ફેંક્યો હતો અને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો.

August 5, 2024
bangladesh.png
1min272

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દો બેકાબૂ બનતાં દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવા સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પી.એમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.

બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.

બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકૉપ્ટરમાં ભારત આવી ગયા હતા. હાલ તેમણે દિલ્હીમાં શરણ લઈ લીધી છે.

સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના પ્લેટફૉર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરુઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોએ તેમને સાથ ન આપવો જોઈએ. જો કે સ્થિતિ બેકાબૂ બનતાં તેમણે ત્યાગપત્ર આપીને ભારતમાં શરણ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાઈ રહ્યું છે.

નોબેલ વિજેતાની ભારતને અપીલ

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગે ઊભો થયેલો વિરોધ વંટોળ ભારત સુધી પહોંચ્યો છે અને ફરી ભારતની મદદ માંગવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે શેખ હસીના ભારત આવી રહ્યા છે તો બીજી તરફ દેશની આવી સ્થિતિ જોઈને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને મદદ માટે ટકોર કરી છે.

‘ભારત કહે છે કે આ ઘરેલુ મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલુ બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.’ તેમ યુનુસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?

નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બૅંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાનો નાના પાયાનો ઉદ્યોગો શરુ કરવા માટે લોન આપવામાં આવતી હતી. આ પગલાંને કારણે બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાયા હતા અને યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સામે પક્ષે શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીનાનું કહેવું હતું કે યુનુસે શરુ કરેલી ગ્રામીણ બૅંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. હાલમાં જ યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.