

અમેરિકા પ્રસિદ્ધ યોસેમાઈટ નેશનલ પાર્કના જાણીતા હાફ ડોમ પર ચઢતી વખતે નીચે સરકી જતા ભારતીય મૂળના આશિષ પેતુગોંડાનું મૃત્યુ થયું છે.
હાફ ડોમ અમેરિકાના કેલિફોર્નિયાની યોસેમાઈટ પર્વતીય ક્ષેત્રમાં ગ્રેનાઇટથી બનેલો ગુંબજ આકારનો પર્વત છે. નેશનલ પાર્ક આવતા પ્રવાસીઓ માટે હાફ ડોમ આકર્ષણનું કેન્દ્ર છે.
ન્યૂ યોર્ક સ્થિત આશિષ પેનુગૌડા તેના મિત્રો સાથે નેશનલ પાર્કની મુલાકાતે આવ્યો હતો. તેઓ કેબલ પકડી હાફ ડોમ પર ચઢી રહ્યા હતા એ સમયે લપસી પડવાથી તેમનું મોત થયું હતું. નેશનલ પાર્ક ઓથોરિટીએ જણાવ્યું હતું કે આશિષ વાતાવરણ ખરાબ હોવા છતાં અન્ય મિત્ર સાથે કેબલ દ્વારા હાફ ડોમ ચઢી રહ્યો હતો. આશિષે ફેરલીગ ડિકીન્સન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ ન્યૂ જર્સીના સીમંસ હેલ્થકેર સેન્ટરમાં બાયોકેમિસ્ટ તરીકે કામ કરતા હતા.
આશિષના મિત્રોએ ‘ગો ફંડ મી’ અભિયાન શરૂ કર્યું હતું જેથી તેના પાર્થિવ દેહને તેના પરિવારજનો સુધી પહોંચાડી શકાય.
નેશનલ પાર્ક સત્તા અધિકારીએ જણાવ્યું હતું કે 2011થી 2018 સુધીમાં આશિષનું મ્ાૃત્યુ પ્રથમ દુર્ઘટના છે.
સમગ્ર વિશ્વમાં બે દાયકા પૂર્વેથી જે સિસ્ટમ અમલી બની છે એ વોટર રિસાઇકલ પોલીસીનો અમલ ગુજરાતમા મોડે મોડે પણ, દેર આયે દૂરસ્ત આયે ની રુએ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મોડે મોડે પણ એક વખત ઉપયોગમાં લેવાયેલા પાણીને શુદ્ધ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી સિવાય અન્ય સ્થળો પર કરવા માટેની એક યોજના ઘડી કાઢી છે.
રાજ્યમાં સુરત મહાનગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે જેણે સૌ પ્રથમ વખત વોટર રિસાઇકલ પ્રોજેક્ટ સાકાર કરી બતાવ્યો હતો. સુરતમાં ઇન્ડસ્ટ્રીઝમાં વપરાયેલા પાણીને ટર્શરી પ્લાન્ટમાં ટ્રીટ કર્યા બાદ હાલમાં ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટર રીસાઇકલ પૉલિસીની જાહેરાત કરી છે. રાજ્યમાં પ્રથમવાર વોટર રીસાઇકલ પૉલિસી અમલમાં આવી છે. આ પૉલિસી પ્રમાણે શહેરોનાં ગંદા પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. ગંદા પાણીને રીસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીઝનાં ઉપયોગમાં લેવામાં આવશે.
અમદાવાદમાં આવેલી સાબરમતી નદી રીસાઇકલ વોટરથી ભરાશે. રાજ્યનાં આઠેય મહાનગરો સમેત દરેક મોટા નગરમાં ગંદા પાણી રીસાઇકલ કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. કે, ગંદા પાણીને શુદ્ધ કરવા 161 એકમો છે. 2030 સુધીમાં 100 ટકા પાણીને શુદ્ધ કરવાની પૉલિસી બનાવવામાં આવી છે. અત્યારે 2600 એમએલડી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. બે વર્ષમાં 2800 એમએલડી પાણીનાં શુદ્ધિકરણની યોજના છે. જેમાં દરિયાનાં ખારા પાણીને મીઠું બનાવવાનો પણ પ્લાન છે.
માગણી કરતાં ઓછી રકમના પગાર વધારાના વિરોધમાં અંદાજે દસ લાખ બૅંક કર્મચારીઓ આજરોજ તા.૩૦ મે, 2018 બુધવારથી બે દિવસની હડતાળ પર ઉતરશે. કેન્દ્ર સરકાર અને બૅંક યુનિયનો વચ્ચે સમાધાન ન થતાં આખરે કર્મચારી યુનિયનોએ આ નિર્ણય જાહેર કર્યો હતો. આને કારણે દેશભરમાં માત્ર બૅંકોની કામગીરી જ નહીં પણ એટીએમની કામગીરી પર પણ અસર થવાની સંભાવના છે.

અતિરિક્ત ચીફ લેબર કમિશનર (સીએલસી) રાજન વર્મા, યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)ના બેનર હેઠળ નાણાં મંત્રાલયના અધિકારીઓ અને બૅંક મેનેજમેન્ટ ઈન્ડિયન બૅંકેસ એસોસિએશન (આઈબીએ)ના પ્રતિનિધિઓને મળ્યા હતા પરંતુ હડતાળ નિવારી શકાઈ નહોતી.
લેબર કમિશનરે હડતાળ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળ ગયા હતા. જોકે, બૅંકર્સ આઈબીએ દ્વારા કહેવડાવ્યું હતું કે, તેઓ પ્રસ્તાવિત પગાર વધારા અંગે પુનર્વિચાર કરવા તૈયાર છે, પરંતુ અસરકારક પ્રસ્તાવ નથી. ઓલ ઈન્ડિયા બૅંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએમ વૅંકટચલમે કહ્યું હતું કે, હડતાળ થશે.
ઓલ ઈન્ડિયા બૅંક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી ડી. ટી. ફ્રાન્કોએ કહ્યું હતું કે, અંદાજે દસ લાખ બૅંક અધિકારીઓ આ બે દિવસની હડતાળમાં જોડાશે. તેમણે કહ્યું હતું કે સમાધાનની પ્રક્રિયા વખતે બૅંક યુનિયનોએ સીએલસીને જણાવ્યું હતું કે પાંચમી મેના રોજ મળેલી બેઠકમાં બે ટકા પગાર વધારાનો પ્રસ્તાવ મુકાયો હતો, એ એમને કોઈ રીતે મંજૂર નહોતો, કારણ કે જીવનધોરણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે.
આઈબીએના અધિકારીઓએ કહ્યું હતું કે અમે એકથી વધારે વખત પગાર વધારા અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા અને બૅંકોમાં થયેલા એનપીએ કે બેડલોન્સમાં વધારાના કારણે બે ટકાથી વધારે પગાર વધારો કરી શકાય તેમ નથી તેવું યુનિયનના નેતાઓને સમજાવ્યું હતું.
બૅંક યુનિયનોનો એવો દાવો હતો કે બૅંકોની બેડલોન્સને પગાર વધારાની બાબત સાથે જોડી શકાય નહીં. ૨૦૧૨માં થયેલા વેજ રિવિઝનની મુદત ૩૧ ઓકટોબર, ૨૦૧૭ સુધી હતી, તે વખતે બૅંક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેથી આ વખતે સારા પગાર વધારાની અપેક્ષા હતી.
.મુલાકાતીઓ સખણા રહેતા નથી એટલે ગાંધી બાપૂના રૂમને તાળુ મારી દેવાયું

સંચાલકનું કહેવું છે કે મુલાકાતીઓ બાપુનાં ગાદી-તકિયા પર બેસી જાય છે અને ચરખા સાથે પણ અડપલાં કરે છે એટલે તેમની કોઈ વસ્તુને નુકસાન ન થાય એ માટે અમે રૂમ બંધ કરી છે
આશ્રમમાં હૃદયકુંજમાં ગાંધીજી ૧૯૧૮થી ૧૯૩૦ સુધી રહ્યા હતા. અહીં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ ગાંધીજીને મળવા આવતા હતા. આ ગાળામાં મોહનદાસ ગાંધીને લોકોએ મહાત્મા ગાંધી તરીકે ઓળખ્યા હતા. ગાંધીજી દાંડીકૂચ વખતે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે સ્વરાજ મેળવ્યા વિના આ આશ્રમમાં પાછો નહીં આવું. હૃદયકુંજમાં ઐતિહાસિક નિર્ણયો પણ લેવાતા હતા. આ હ્રદયકુંજ નામના ગાંધી બાપૂના રૂમને આખરે તાળુ મારી દેવાયું છે. મુલાકાતીઓની અવળચંડાઇને કારણે આવું કરવું પડ્યું છે. ગાંધીબાપુના આ ખંડમાં બાપુની ગાદી, ચરખો, નાનું ટેબલ તેમ જ ડેસ્ક સાચવી રાખ્યાં છે. આ રૂમમાં કેટલાક સહેલાણીઓ બાપુની ગાદી, ચરખો, ડેસ્કને દૂરથી જોવાને બદલે ગાદીમાં બેસી જતા હોવાની અને ચરખો ફેરવતા હોવાની જાણ સત્તાવાળાઓને થતાં બાપુની વસ્તુઓને નુકસાન ન થાય એ માટે સુરક્ષાનાં કારણોસર રૂમની બહાર લૉક મારવુ પડ્યું છે.
આશ્રમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુની રૂમની અંદરની ચીજોને મુલાકાતીઓ નુકસાન ન પહોંડાજે એ આશયથી રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે.
હૃદયકુંજમાં અલગથી ગાંધીખંડ તરીકે ઓળખાતી રૂમને આશ્રમના સત્તાવાળાઓએ તાળું મારતાં આશ્રમની મુલાકાતે આવતા સહેલાણીઓએ બહારથી જ ગાંધીખંડને જોઈને આગળ જવું પડે છે. પહેલાં આ રૂમ ખુલ્લી રાખવામાં આવતી હતી.
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ છૂટછાટ ન લે, અનઍડ્વાન્ટેજ ન ઉઠાવે અને નુકસાન ન થાય તેથી આમ કરવું પડ્યું છે. લોકો ગાંધીખંડમાં આવેલી લાકડાની રેલિંગ કૂદી અંદર જઈને ગાદીમાં બેસી જાય છે. આશ્રમ બને એટલો ખુલ્લો રાખ્યો છે અને ‘ડૂ નૉટ ટચ’ જેવું રાખ્યું નથી, કેમ કે અહીં આવતી વ્યક્તિને બાપુની ફીલિંગ આવવી જોઈએ; પણ કોઈ ખોટી છૂટછાટ લે અને નુકસાન થાય એવું ન ચલાવી લેવાય.’
સૂરતના સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે અંગદાન કરનાર વ્યક્તિઓના
પરિવારજનોનું અભિવાદન, સન્માન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદઃ
અંગદાન માટે કાર્યરત સૂરતની ડોનેટ લાઇફ સંસ્થાની સેવાપ્રવૃત્તિને બિરદાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યું છે -: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે, સૂરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે તેમ વિશ્વાસ આપતા જણાવ્યું હતું.

અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, જેમના જીવનમાં નવજીવન લાવવાનું માધ્યમ બન્યા છે તેમને સત્કારવાના કાર્યક્રમમાં ચિંતનિય મંતવ્ય વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સૂરતના સરસાણા ખાતેના એક્ઝિબિશન હોલમાં, આવા પરિવારજનોને મળી તેમની માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. અંગદાન કરનારા પરિજનોની મનોઃસ્થિતિનો ચિતાર રજુ કરતા શ્રી કોવિંદે, આવી વ્યક્તિઓ કોઇ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની રહે છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઇને તેના ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઇમ મેનેજમેન્ટ અને કુશળતાનો સુભગ સમન્વય બની, જરૂરિયાતમંદો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. શાળા/કૉલેજો સહિત છેક છેવાડાના સ્તર સુધી આ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે આવશ્યક હોવાનું જણાવી રાષ્ટ્રપતિશ્રીએ અલ્હાબાદ અને લખનૌ જેવા શહેરોમાં શરૂ થયેલી અંગદાન/દેહદાનની પ્રવૃત્તિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.

ડોનેટ લાઇફ સંસ્થાના સંચાલક સહિત આ આખા માનવતાના કાર્યમાં સંકળાયેલા પ્રત્યેક જણના પ્રયાસોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાતની સંવેદના, કરૂણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી, રાજ્યપાલશ્રીએ અંગદાન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટ કામગીરી, ગુજરાતને નવી ગરિમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું.
અંગદાન કરનારા પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પણ આ સંસ્થા લઇ રહી છે જે ખૂબ જ માનવિય અભિગમ છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની ઉત્કૃષ્ટ પરંપરા આ દેશની ધરોહર છે તેમ જણાવ્યું હતું. દધિચી ઋષિ અને શ્રી ગણેશજીનો ઉલ્લેખ કરી તેમણે સૂરત શહેર અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં નંબર-૧ છે તેમ જણાવી, માનવીય સંવેદનશીલતા પ્રજ્વલિત કરનારા અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના પ્રજાજનો વતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું હૃદયપૂર્વક સ્વાગત, આવકાર કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંગદાનની આ પ્રવૃત્તિને સતત વેગ મળતો રહે, અને સૌ કોઇ તેમાંથી પ્રેરણા મેળવતા રહે તેવા સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.
બ્રેનડેડ વ્યક્તિના અંગદાનના કઠિન કાર્યમાં દ્રઢ નિર્ણય અને ઇચ્છાશક્તિ સાથે તેમના પરિવારજનો, અન્યોની જિંદગીને નવજીવન બક્ષવાના ઉમદા કાર્યમાં તેમની આહુતિ અર્પી રહ્યા છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડોનેટ લાઇફ સંસ્થાની નાજુક ક્ષણમાં અંગદાન માટે પરિવારજનોને પ્રેરિત-પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી હતી.
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતનાં આ કાર્યએ ગુજરાતને ગૌરવાન્તિત કર્યું છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આવશ્યક ગ્રીન કોરિડોર, સ્પેશ્યલ સિક્યુરિટી, આદર્શ ટ્રાફિક નિયમન, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેના ખર્ચાળ ઓપરેશનો માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી પણ આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલો દેશવિદેશમાં તેની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
માનવતાનો સેતુ રચનાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીની રૂપરેખા આપી, અંગદાન એ જ જીવનદાન છે તેમ જણાવતા સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઇ માંડલેવાલાએ મહાનુભાવોનું શાલ્યાર્પણ કરી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યું હતું.
દરમિયાન રાષ્ટ્રપતિશ્રી કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સહિતના મહાનુભાવોના હસ્તે અંગદાન અને દેહદાન અંગેના સંસ્થાકિય પુસ્તકનું પણ વિમોચન કરાયુ હતું.
સંસ્થા દ્વારા માનનિય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદને અર્પણ કરાયેલા સ્મૃતિચિન્હ (શ્રીજીની પ્રતિમા)ને રાષ્ટ્રપતિશ્રીએ સંસ્થા ખાતે જ પ્રસ્થાપિત કરવાનો નમ્ર આગ્રહ સેવી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંભવતઃ પ્રથમ ઘટના શ્રી ગણેશજીના મસ્તક સાથે સંકળાયેલી છે તેમ જણાવી, તે હંમેશા અંગદાન, દેહદાન માટે સૌ કોઇને પ્રેરણા આપતી રહેશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અમૂલ્ય માનવ જિંદગીને નવજીવન બક્ષતી સૂરતની ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૪૯ કિડની, ૧૦૧ લીવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય, અને ૨૧૨ ચક્ષુઓનું દાન મેળવી, ૫૮૨ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ખૂબ જ સંવેદના સાથે માનવતાને અપ્રતિમ ગરિમા બક્ષતી આ કામગીરી અનેક પરિવારો માટે આધાર, આશિર્વાદ અને સંતોષનું કારણ બની રહી છે.
બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન મેળવીને, જરૂરિયાતમંદોને નવજીવન અર્પવાના આ યજ્ઞકાર્યમાં સહયોગી ૩૨ અંગદાતાઓના પરિજનો, સ્વજનોનું અહીં સન્માન કરાયુ હતું. સાથે સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જટિલ, સમયબદ્ધ અને કપરી કામગીરીને ખૂબ જ કૂનેહથી પાર પાડનારા તબીબો, હોસ્પિટલો, અને તેમના આ કાર્યમાં સીધો કે આડકતરો સહયોગ પુરો પાડનારી શહેર પોલિસ, ટ્રાફિક પોલિસ, એરપોર્ટ ઓથોરિટી વિગેરેનું પણ અહીં અભિવાદન કરાયુ હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં હાથ ધરાતી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીના આંકડાઓ પૈકી ૪પ ટકા જેટલા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય પણ સૂરતની આ ડોનેટ લાઇફ સંસ્થાને ફાળે જાય છે.
સરસાણાના કન્વેન્શન એક્ઝિબિશન હોલ ખાતે આયોજિત ડોનેટ લાઇફના આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), વિધાનસભાના દંડક શ્રી આર.સી.પટેલ, સૂરતના મેયર શ્રીમતી અસ્મિતા શિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો, ઉચ્ચાધિકારીઓ, મીડિયાકર્મીઓ, અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, સહયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, આ માનવીય કાર્યને અનોખી ગરિમા બક્ષી હતી.
જો કે સુષ્મા સ્વરાજે કહ્યું કે માનસરોવરમાં ડૂબકી લગાવવા માટે નિર્ધારિત સ્થળ પર જવું જોઇએ
ચીનાઓએ માનસરોવરમાં પવિત્ર સ્નાન ન કરવા દીધું હોવાની ફરિયાદ કેટલાક શ્રદ્ધાળુઓએ કરી હતી.
ગયા વર્ષે દોકલામ વિવાદ બાદ બીજિંગે નાથુ-લા પાસ રસ્તે કૈલાસ માનસરોવર યાત્રા બંધ કરી હતી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે એ રસ્તો ફરી ખોલાયો હોવાની જાહેરાત કર્યાના વીસ દિવસ બાદ ઉપરોક્ત ફરિયાદ મળી હતી.
ચાલુ માસે જ શાંઘાઇ કોર્પ ઓર્ગેનાઇઝેશનની વિદેશ પ્રધાનોની બેઠકમાં બાદ સુષમાએ જણાવ્યું હતું કે ‘મેં ચીનના વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકોથી લોકો સુધીના સંબંધો ન સુધરે ત્યાર સુધી સરકાર સાથે સરકારના સંબંધો ન સુધરી શકે. જ્યારે નાથુ-લા પાસનો રસ્તો બંધ કરાયો ત્યારે એ લોકો માટે આઘાતજનક બાબત હતી. મને જણાવતા આનંદ થાય છે કે હવે યાત્રા માટે એ રસ્તો ખોલી દેવાયો છે. સુષમાએ વધુમાં ઉમેર્યું હતું કે કૈલાસ માનસરોવરની યાત્રા માટે અમે લિપુલેખ પાસ રસ્તે ૬૦ યાત્રાળુઓના ૧૮ બેચ અને ૫૦ યાત્રીઓના દસ બેચ નાથુ-લા પાસવાળા રસ્તે મોકલીશું. આ વર્ષે અંદાજે ૧૫૮૦ શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી મે એ કહ્યું હતું કે મારી સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણોનું વિતરણ કર્યું છે. તેમાં ગરીબ મહિલાઓને ચાર કરોડ નિ:શુલ્ક એલપીજીનો પણ સમાવેશ થાય છે. તે પૈકી ૪૫ ટકા લાભ મેળવનારાઓ દલિત અને આદિવાસી છે. આથી મોટું સામાજિક પરિવર્તન આવ્યું છે.
મોદીએ પોતાની સરકારની ગરીબ તરફી ઉપલબ્ધીઓની ભારપૂર્વક ગણતરી કરાવતી વેળાએ અગાઉના શાસનોનો પણ બરાબર ઉધડો લેતાં કહ્યું હતું કે હું જ્યારે નાનો હતો તે વેળાએ સમૃદ્ધ અને વગદાર લોકોને એલપીજી જોડાણો મળી શકતા હતા. તેઓ ગરીબોને એમ કહેતા હતા કે ઘરમાં ગેસના જોડાણો હોવા અસુરક્ષિત છે. પરંતુ અમે એમ પૂછતા કે અસલામત વસ્તુ તમારે ઘેર કેમ? તો તેઓ એકદમ ચૂપ થઈ જતા હતા, એમ મોદીએ જણાવ્યું હતું.

‘ઉજ્જવલ યોજના’ અંતર્ગત નિ:શુલ્ક ગેસ જોડાણો લેનારી મહિલાઓની સાથે વિડિયો કોન્ફરન્સ મારફત વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરાજની નાગચૂડમાંથી આઝાદી મળી ત્યારથી માંડીને આજ સુધી છ દાયકામાં ૧૩ કરોડ એલપીજી જોડાણો આપવામાં આવ્યા છે તેની તુલનામાં છેલ્લા ૪ વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણો દેવામાં આવ્યા છે. વાતચીત કરનારી મહિલાઓમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગની નારીઓ પણ હતી.
મોદીએ શૈશવનાં સંભારણાં વાગોળતાં કહ્યું કે મારી માતા લાકડીઓ અને ગાયના છાણાંથી ચૂલો સળગાવી અમારે માટે ભોજન બનાવતી હતી.
આમ તો અમીરો કે પ્રભાવશાળીઓ એલપીજીના જોડાણ ઝટ મેળવી શકે છે. પરંતુ મારી સરકારે આ ઝુંબેશમાં કેન્દ્રસ્થાને ગરીબોને જ રાખ્યા છે.
દલિતો સંદર્ભે મોદીએ કહ્યું હતું કે મારી સરકારની યોજનાઓમાં દલિતોને ખૂબ લાભ મળ્યા છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેજાં હેઠળની સંયુક્ત પ્રગતિશીલ યુતિ (યુપીએ)ના શાસનકાળ વેળાએ ૨૦૧૦થી ૧૪ દરમિયાન દલિતોને ૪૪૫ પેટ્રોલ પંપ મળ્યા હતા તે પૈકી ૧૨૦૦ કરતાં વધારેને મારી સરકારના શાસનવેળાએ એટલે કે ૨૦૧૪-૧૮ દરમિયાન જ પેટ્રોલપંપ મળ્યા હતા. દલિત સમુદાય માટે ૨૦૧૦-૧૪માં ૯૦૦ થી વધારે તથા ૨૦૧૪-૧૮માં ૧૩૦૦ એલપીજી વિતરણ કેન્દ્રો હતા. ભારતના ૭૦ ટકા ગામડામાં હવે ૧૦૦ ટકા એલપીજી પહોંચ્યા છે. તેમાં ૮૧ ટકા ગામડામાં ૭૫ ટકા કરતાં વધારે પ્રમાણમાં એલપીજી છે.
તાજેતરમાં ગ્રામ સ્વરાજ્ય યોજના દરમિયાન ૧૧ લાખ લોકોને એક દિવસમાં એલપીજી જોડાણો મળ્યા હતા.
નૈર્ઋત્યના ચોમાસાનું કેરળના કાંઠે સોમવારે આગમન થઇ ગયું હોવાની માહિતી ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ હવામાનની આગાહી કરતી સરકારી સંસ્થા, ઈન્ડિયન મિટીરિઓલોજિકલ વિભાગ (આઇએમડી) દ્વારા તા.28મી મે એ સવારે ૮.૧૫ વાગ્યે બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું હતું કે આગામી ચોવીસ કલાકમાં કેરળમાં ચોમાસું શરૂ થશે.
આઈએમડીના એડિશનલ ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ પણ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જવાની આગાહી કરી છે. મુંબઈમાં આ વખતે ચાર દિવસ જલદી એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું દાખલ થઈ જશે એવી આગાહી ઈંડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટે(આઈએમડી) કરી છે. આ દરમિયાન કેરળ-કર્ણાટકના કિનારા પર સર્જાયેલા હવાના ઓછા દબાણના પટ્ટાને કારણે મુંબઈમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું.
ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ મુંબઈ સહિત દેશમાં ચોમાસું દાખલ થવા માટે હવામાન અનુકૂળ છે. કેરળમાં ચોમાસું બેસી જતા ધીમી ગતિએ ચોમાસું દેશમાં આગળ વધશે. કોલાબા વેધશાળાના ડાયરેકટર બિશ્ર્વંભર સિંહના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું દાખલ થશે ત્યારબાદ આગામી બે-ત્રણ દિવસમાં કર્ણાટકમાં ચોમાસું પ્રવેશ કરીને કોંકણ માર્ગે મુંબઈમાં બેસી જશે. જોકે મુંબઈમાં આ વખતે ચાર દિવસ વહેલું એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે.
સ્કાયમેટે કેરળમાં ચોમાસું ૨૮મી મેએ શરૂ થવાની આગાહી કરી હતી, જ્યારે આઇએમડીએ તે ૨૯મી મેએ ચોમાસાના આગમનની આગાહી કરી હતી. આઇએમડીના જણાવ્યા પ્રમાણે ૧૦ મે પછી ૧૪ સ્ટેશન- મિનીકોય, એમિની, તિરુવનંતપુરમ, પુનાલુર, કોલ્લમ, અલ્લાપુઝા, કોટ્ટાયમ, કોચી, થ્રિસૂર, કોઝિકોડે, થલાસ્સેરી, કુન્નુર, કુડાલુ અને મેંગલૂરુ પૈકી ૬૦ ટકા સ્ટેશનોમાં ૨.૫ મિ.મી. અથવા તેથી વધુ વરસાદ સતત બે દિવસ સુધી પડે તો બીજા દિવસે કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાની આગાહી કરવામાં આવે છે.
ચોમાસાના આગમનની આગાહી કરવાના નિર્ધારિત કરી શકાય એવા લક્ષણોમાં પશ્ર્ચિમી પવન કે વાયરો મુખ્ય દરિયાની સપાટીથી ૧૫,૦૦૦ ફૂટ ઊંચો ફૂૂકાતો હોવો જોઈએ. અને તે ૨૦૦ ડબ્લ્યુ-૨ કરતાં ઓછો હોવો જોઈએ. બધા સ્ટેશનો પર લોંગ વેવ રેડિયેશન ૧૪૦-૨ જેટલું નોંધવામાં આવ્યું હતું તે પવનના ક્રાઈટેરિયા સાથે મેચ થતું હોવાથી કહી શકાય કે કેરળમાં ચોમાસું આવી પહોંચ્યું છે, એમ સ્કાયમેટના ઉપાધ્યક્ષ મહેશ પાલવાતે જણાવ્યું હતું.