CIA ALERT

Blog - Page 692 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 8, 2018
fifa.jpg
1min15780

આતંકવાદીઓના એક જૂથે મેસી તેમ જ બ્રાઝિલના સુપરસ્ટાર નેયમારને મૃત્યુદંડ આપતાં પહેલાં તેમને નારંગી સૂટ પહેરાવીને ઊભા રાખ્યા હોય એવી વીડિયોટેપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે

ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓએ સિરિયા અને ઇરાકને મૃત:પ્રાય અવસ્થામાં નાખી દીધા પછી હવે તેમના તરફથી મોટો ખતરો રશિયામાં આગામી ૧૪મી જૂનથી આરંભ થનારા ફૂટબૉલ વર્લ્ડ કપ વખતે છે, એમ સલામતી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે.

વૉશિંગ્ટનના સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝે કરેલા એક અંદાજ મુજબ રશિયા તેમ જ ભૂતપૂર્વ સોવિયેત સંઘના રાષ્ટ્રોમાંથી કુલ મળીને ૮,૫૦૦ જેટલા જેહાદીઓ ઇરાક-સિરિયામાં ગયા હતા અને આઇએસમાં જોડાઈ ગયા હતા. એમાંના ઘણા આતંકવાદીઓ રશિયામાં તેમ જ ચેચન્યા અને એશિયાના બીજા દેશોમાં પાછા આવ્યા છે. ઇરાક અને સિરિયાનો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ તેમ જ બીજા મિત્ર દેશો અને ખાસ કરીને રશિયા દ્વારા સફાયો કરવામાં આવ્યો એ પહેલાં જ આઇએસના કમાન્ડરોએ અનેક જેહાદીઓને રશિયા સહિતના અનેક રાષ્ટ્રોમાં પાછા ફરીને ત્યાં લાગ મળે ત્યારે હુમલા કરવાનો આદેશ આપી દીધો હતો. એ જોતાં, હવે દરેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર આતંકવાદી હુમલાનો ભય તોળાય છે અને વર્લ્ડ કપ જેવી સર્વોત્તમ સ્પર્ધા એમાંથી કેવી રીતે બાકાત રહી શકે, એવું નિષ્ણાત સલામતી અધિકારીઓનું માનવું છે.

ગયા વર્ષે સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાના લેજન્ડરી પ્લેયર લિયોનેલ મેસીના ચહેરા પર લોહીના ડાઘ સાથેના ફોટાને વાઇરલ કરવાની હરકત કરવામાં આવી ત્યારથી જ ફીફા અને આયોજક દેશો એલર્ટ મોડ પર આવી ગયા હતા. આવી બીજી અનેક તસવીરો તેમ જ વીડિયો અપલોડ કરવાનું કામ આઇએસના ડબ્લ્યૂએએફએ (વફા) મીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

૨૦૧૪ અને ૨૦૧૫ની સાલમાં આઇએસના ટેરરિસ્ટોએ પોતાના વિસ્તારોમાં અનેક લોકોને નારંગી કલરના સૂટ પહેરાવીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. અસ્સલ એવી જ રીતે એ આતંકવાદીઓના એક જૂથે મેસી તેમ જ બ્રાઝિલના સુપરસ્ટાર નેયમારને મૃત્યુદંડ આપતાં પહેલાં તેમને નારંગી સૂટ પહેરાવીને ઊભા રાખ્યા હોય એવી વીડિયોટેપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.

એટલું જ નહીં, ટેરરિસ્ટોએ મેસી-નેયમાર સહિતના કેટલાક મહારથીઓને જમીન પર સૂવડાવી, તેમના ગળા પાસે છરી રાખીને પોતે ઊભા હોય એવી તેમ જ બીજી વીડિયોમાં તેમને આગમાં ભડથું કરી દેવામાં આવ્યા હોય એવું વીડિયોમાં બતાવ્યું છે. આઇએસની પોસ્ટમાં આવું સ્લોગન પણ લખવામાં આવ્યું હતું, ‘જ્યાં સુધી મુસ્લિમ દેશોમાં અમારી સલામતી નહીં રહે ત્યાં સુધી તમે પણ સલામતી નહીં માણી શકો.’

ગયા મહિને વેસ્ટ પૉઇન્ટના કૉમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટર (સીટીસી) દ્વારા પ્રગટ કરવામાં આવેલા બ્રાયન ગ્લીન વિલિયમ્સ અને રૉબર્ટ ટ્રોય સૉઝા નામના લેખકોના અહેવાલમાં ૧૪ જૂન-૧૫ જુલાઈ ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપ સામેના ખતરા વિશે લખવામાં આવ્યું હતું કે ‘છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આઇએસ સાથે સંકળાયેલા આતંકવાદીઓ દ્વારા રશિયામાં સંખ્યાબંધ સફળ હુમલા થયા છે અને અમુક ષડ્યંત્રોને નાકામિયાબ પણ બનાવવામાં આવ્યા છે. આના પરથી કહી શકાય કે આ ટેરર ગ્રુપ આગામી વર્લ્ડ કપ દરમિયાન રશિયામાં વધુ હુમલા કરવા સક્ષમ છે.’

અમેરિકી નિષ્ણાતોએ વધુમાં લખ્યું છે કે આ હુમલા ‘લોન વુલ્ફ’ (એકમાત્ર આતંકવાદી દ્વારા ટ્રક અથવા કારમાં બેસીને અથવા ટોળા પર સંખ્યાબંધ ગોળીઓ છોડીને કરાતો હુમલો)ના રૂપમાં હોઈ શકે. એટલું જ નહીં, સ્થાનિક વિસ્તારોના આઇએસ સાથે સંકળાયેલા જેહાદીઓ દ્વારા પણ હુમલા થઈ શકે એમ છે. આ હુમલાખોરોમાં તાજેતરમાં સિરિયા અથવા ઇરાકમાંથી પાછા આવેલા આતંકવાદીઓનો સમાવેશ હોઈ શકે.

June 8, 2018
us_feature.jpg
1min16870

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

એવરેજ ભારતીયોમાં જેની સૌથી તીવ્ર ઘેલછા હોય છે કે અમેરિકાના વીઝા મળે અને ત્યાં ફરવા જવાનું થાય કે સ્થાયી થવાનું થઇ શકે, ભારતીયોને અમેરિકાના વીઝા આપતી મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ તાજેતરમાં તેમના કલીગ જેનિફર લાર્સન સાથે મુંબઇના મહોમદઅલી રોડ પર જ્યાં રમઝાન બજાર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ માર્કેટ ભરાય છે એ ખાઉ ગલીમાં સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી. આમ તો અમેરિકન નાગરિકો તીખા તમતમતા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડના આદિ નથી હોતો કે ખાઇ શકતા પણ નથી આમ છતાં ભારતમાં મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ અને જેનિફર લાર્સને મુંબઇની પ્રસિદ્ધ ખાઉ સ્ટ્રીટમાં મળતા ભોજનનો સ્વાદ માણ્યો હતો.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ પોતાના મનપસંદ પરાઠા ફ્રાય કરવાની મઝા પણ માણી હતી)

મુંબઇ સ્થિત યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્સુલ જનરલ એગાર્ડ કેગન અને જેનિફર લાર્સનએ મોહમદ અલી રોડ પર ખાઉ ગલી ખાતે ભરાતા રમજાન બજારમાં એક સાંજે જે સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી તેમાં નલ્લી નિહારી, હલીમ, કબાબ જેનો ટેસ્ટ અત્યંત હોટ એન્ડ સ્પાઇસી હતો, તેની સાથે માલપૂઆ અને ફિરની જેવી સ્વીટ ડેઝર્ટની પણ જયાફત ઉડાવી હતી.

(મુંબઇ સ્થિત મહોમદઅલી રોડ પર ખાઉગલી ખાતે ભરાતા રમઝાન બજારમાં ઇફ્તારી ઇવનિંગ ડિનર માટે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનની સાથે ડીપીઓ જેનિફર લાર્સન પણ જોડાયા હતા. તેમણે તીખી તમતમતી નોનવેજ વાનગીઓ માણી હતી, તસ્વીરમાં જોઇ શકાય છે.)

મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલના આ બન્ને અધિકારીઓને અશરફ અહેમદ શેખ નામના સ્થાનિકે માર્ગદર્શિત કરવા સાથે તેમને કંપની આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર મનાતા રમઝાન મહિનાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને દેશભરમાં મોટા શહેરો જેવા કે મુંબઇ, દિલ્હી, કોલકાત્તા, લખનઉ, હૈદરાબાદ, અજમેર વગેરે ખાતે ભરાતા રમઝાન  બજાર ખાસ કરીને ફૂડ માર્કેટમાં ભારતભરમાંથી નહીં પણ વિશ્વભરમાંથી સ્વાદરસીયાઓ મુલાકાતે આવતા હોય છે.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગન મુંબઇના મહોમદઅલી રોડ પર આવેલી ખાઉ ગલી ખાતે ભરાતા રમઝાન બજાર, સ્ટ્રીટફૂડ એરીયામાં ઇફ્તારી ડિનર માટે પહોંચ્યા હતા.)

For English readers

To experience the true taste of Ramadan, Consul General Edgard Kagan and DPO Jennifer Larson visited Mohammed Ali Road this week, where they were delighted by the sights, sounds, and flavors of the vibrant neighborhood. Visiting the iconic Khau Galli, they relished an assortment of iconic festive delicacies and flavors, from Nalli Nihari, Haleem, Kebabs, to Malpua and Phirni. A big thank you to Ashraf Ahmed Shaikh, our cultural guide for the evening.

 

June 7, 2018
teafeature.jpg
1min16610

રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી

સવાર-સાંજ તાજગી માટે લોકો કુદરતી પીણું ચા પીતા હોય છે, હવે તો મોટા ભાગે લોકો હર્બલ ચા પણ પસંદ કરે છે, પરંતુ, જે લોકો હજુ પણ પરંપરાગત ચા અને તે પણ સસ્તી શોધે છે તેમના માટે ખતરાની ઘંટડી વાગી ગઇ છે. રાજકોટમાંથી એવી ચાનો મોટો જથ્થો મળી આવ્યો છે જેમાં કેમિકલ્સ, એસેન્સ, કલર વગેરે નાંખવામાં આવ્યા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા બાતમીનાં આધારે એક ટી વાળાને ત્યાં દરોડા પાડી ચાના નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે ચાના નમૂના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા અને ચાનો જથ્થો સિઝ કર્યો હતો. મહાનગર-પાલિકાના જણાવ્યા અનુસાર દર્શન ટીના નમૂના પરીક્ષણમાં ફેઇલ થયા છે. આ ચામાંથી કેમિકલ કલર, એશેન્સ ભેળવવામાં આવતો હતો અને સસ્તા ભાવે ચા વેચવામાં આવતી હતી.

રાજકોટમાં પરાબજારમાં આવેલી દર્શન ટી નામની પેઢીમાં ચાની ભૂકીમાં ભેળસેળુનું કૌભાંડ પકડાયું છે. આરોગ્ય વિભાગના દરોડામાં લાકડાનું ભૂસું અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના ઘટસ્ફોટ થયા હતા. સાથે જ ભૂકીમાં કેમિકલ પાઉડર પણ મિલાવવામાં આવતો હતો. આ ડુપ્લિકેટ ભૂકીને રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી.

આરોગ્ય વિભાગે 1200 કિલો ચાનો જથ્થો સિઝ કર્યો હતો. ચાના નમૂના ગુણવત્તાના વિવિધ માપદંડોમાં નાપાસ થતા હવે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

June 7, 2018
whether.jpg
1min14470

દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે પણ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું કેરળથી આગળ વધી કર્ણાટકા અને દક્ષિણી મુંબઇ પ્રવેશ કરી દીધો છે. દેશનાં અન્ય ભાગો જેવા કે, દક્ષિણ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં પણ ચોમાસું બેસી ગયું છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ દક્ષિણથી પ્રવેશ કરશે અને દક્ષિણ ગુજરાતમાં આગામી શનિવાર અને રવિવારના રોજ છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કેરળ પછી હવે કર્ણાટકા, ગોવામાં પણ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં દેશના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ પડશે. આગામી દિવસોમાં આ ચોમાસું મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, સિક્કિમ અને અન્ય રાજ્યોમાં આગળ વધશે. આવતી કાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે.

વિતેલા સપ્તાહમાં ગઇ તા.2 જૂનની મધરાતે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભયંકર વાવાઝોડું ફુંકાયું હતું એ અંગે હવામાન ખાતાએ કોઇ જ આગાહી કરી ન હતી. અણસાર પણ મળ્યો ન હતો. હવે જ્યારે આગામી વીકએન્ડમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતે એ કરી છે ત્યારે એ સાચી પડે છે કે ફક્ત કાગનો વાઘ પુરવાર થાય છે એ તો સુરતીઓએ અનુભવ કરીને જ જાણવું પડશે.

June 7, 2018
mb2.jpg
1min13970

સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા પછી અનેક વાર ગજવામાં કે હાથમાં મોબાઇલ બ્લાસ્ટ થવાના બનાવો બનતા રહ્યા છે. મુંબઇના ભાંડુપમાં બનેલો એક કિસ્સો મોબાઇલ ગજવામાં રાખીને ફરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

ભાંડુપ (વેસ્ટ)ના સ્ટેશન રોડ પર આવેલી બગીચા હોટેલમાં 5મી જૂન 2018ની બપોરે પોણા બે વાગ્યે એક ગ્રાહકના ખીસ્સામાં મૂકેલા સૅમસંગ મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો વિસ્ફોટને પગલે વ્યક્તિ  જમણા હાથમાં દાઝી ગયો હતો.

આ બનાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયો હતો. ત્યાર બાદ આ બનાવની સંપૂર્ણ માહિતી આપતાં બગીચા હોટેલના મૅનેજરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આ બનાવ બન્યો ત્યારે ગ્રાહક તેના મિત્રો સાથે હોટેલમાં જમી રહ્યો હતો. અચાનક તેના શર્ટના ગજવામાં રાખેલા મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. તેણે તરત જ તેના ગજવામાંથી મોબાઇલ ટેબલ પર ફેંકી દીધો હતો. મોબાઇલમાં બ્લાસ્ટ થતાં હોટેલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેની સાથે જમી રહેલા અન્ય કસ્ટમરો અને તેના મિત્રો ડરીને આઘાપાછા થઈ ગયા હતા. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. જોકે આ બનાવમાં મોબાઇલ જેનો હતો તેના સિવાય કોઈને પણ ઈજા થઈ નહોતી. જેનો મોબાઇલ હતો એ વ્યક્તિ ગજવામાંથી સળગતો મોબાઇલ બહાર કાઢતાં જમણા હાથમાં દાઝી ગઈ હતી.’

આ બનાવ પછી હોટેલમાં થોડી વાર માટે ગભરાટ ફેલાયો હતો એમ જણાવતાં મૅનેજરે કહ્યું હતું કે ‘બનાવ બન્યા પછી અમે બધા જ ગભરાઈ ગયા હતા. એમાં અમે ગ્રાહકનું નામ પૂછવાનું પણ ભૂલી ગયા હતા. ગ્રાહક અને તેના મિત્રો પણ આ બનાવથી ડરીને હોટેલમાંથી તરત જ જતા રહ્યા હતા.’

June 6, 2018
scst.png
1min13860

સુપ્રીમના ફેંસલાથી કેન્દ્રને હાશકારો * એએસજી સિંહે ટાંક્યા ઘણા ખટલાના દાખલા

અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિભાગના કર્મચારીઓને પદોન્નતિમાં અનામત મામલે ‘કાયદા અનુસાર’ જ બઢતી અને પદોન્નતિ આપવા સુપ્રીમ કોર્ટે તા.5મી જૂને મંજૂરીનું મત્તું માર્યું હોવાનું જાણવા મળે છે.

ભારતની જુદી જુદી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પસાર કરેલા વિવિધ આદેશોને લીધે પદોન્નતિની સમૂળગી પ્રક્રિયા બંધ થઈને આગળ ધપવા અસમર્થ હતી. વર્ષ ૨૦૧૫માં તો સુપ્રીમ કોર્ટે આવી જ એક મેટરમાં ‘સ્ટેટ્સ કૉ’ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

ભારત સરકારે કહ્યું હતું કે દિલ્હી, બોમ્બે, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા એસસી કે એસટી સમુદાયના કર્મચારી માટે પદોન્નતિ માટેના ચુકાદાની સામે કરેલી અપીલમાં અલાયદા નિર્ણયો આપ્યા હતા.

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વધારાના સોલિસિટર જનરલ (એએસજી)ને જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ તથા અશોક ભૂષણનો સમાવેશ કરતી એક વેકેશન બેન્ચે કહ્યું હતું કે “અમે કહીશું કે બઢતી-પ્રમોશન માટે તમે કાયદા મુજબ આગળ ધપી શકો છો.

તા.5મી જૂને સુનવણી વેળાએ એએસજીએ સરકારી નોકરીમાં પ્રમોશનમાં ક્વોટાના મુદ્દે ખટલાઓ અને કાનૂન વર્ણવ્યા હતા. એમ. નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટનો ૨૦૦૬નો ચુકાદો લાગુ પડશે નહીં.

તેમણે ૧૯૯૨ના એક ખટલાનું ઉદાહરણ આપ્યું હતું. તેમાં ઈન્દ્ર સાવ્હેની તેમ જ અન્યોની સામે યુનિયન ઓફ ઈન્ડિયા ( મંડલ પંચ ચુકાદા તરીકે વધુ જાણીતું બન્યું હતું) હતું. તેમ જ ૨૦૦૫ના ઈ. વી. ચીન્નૈય્યાહ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય હતું. આ કેસમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગના સંપન્ન મલાઈદાર સ્તરનો મામલો હતો. આ બંને ખટલાના ચુકાદાની જેમ જ સરકારી નોકરીમાં એસસી તથા એસટીની બઢતી-પદોન્નતિ માટે પણ સંપન્ન ક્રીમી લેયરની પરિકલ્પના કે વર્ગની સામાન્ય કલ્પના લાગુ પડી શકે એમ નથી.

એએસજી સિંઘે સમગ્ર મામલો સમજાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટના ગયા વર્ષના ૨૩મી ઑગસ્ટના ચુકાદાને પડકાર્યો હોવાની અરજી હાલમાં બેન્ચ સમક્ષ છે. ૧૬મી નવેમ્બર, ૧૯૯૨થી એસસી અને એસટી કર્મચારીઓને પાંચ વર્ષથી વધુ સમય પ્રમોશનમાં અનામત રાખવાની મુદત વિસ્તારતા સરકારી આદેશને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠેરવ્યો હતો.

એએસજીએ આ અગાઉ આ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યની અદાલતોએ આપેલા આદેશોના સંદર્ભ ટાંક્યા હતા. તે પૈકી એક આદેશ ૧૭મી મેએ જસ્ટિસ કુરિયન જોસેફના વડપણ હેઠળની બેન્ચે પસાર કરતાં કહ્યું હતું કે અમારી પાસેની અરજી અનિર્ણિત અવસ્થામાં હોવાની બાબત કેન્દ્ર સરકાર માટે પ્રમોશન માટે પગલાં તેના માર્ગમાં રોડાં અને અંતરાયો બનીને ન હોવા જોઈએ. હાલમાં પ્રમોશન કેવી રીતે કરાય છે? એવો સવાલ બેન્ચે કરતાં એએસજીએ કહ્યું કે “નથી થતાં. બધું થંભી ગયું છે અને આગેકૂચ નથી. આ જ તો સમસ્યા છે હું સરકાર છું તથા બંધારણીય આદેશ અનુસાર પ્રમોશન દેવા ઈચ્છું છું, એમ બેન્ચે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હું ૧૭મી મે જેવો આદેશ આપવામાં આવે એવી માગણી કરું છું.

આ અગાઉ સુપ્રીમની અન્ય એક બેન્ચે જણાવ્યું હતું કે પાંચ જજની બંધારણીય બેન્ચ આ મુદ્દાની ચકાસણી કરીને વિશિષ્ટ માહિતી આપે.

તેમણે બંધારણની કલમ ૧૬ (૪એ)ની જોગવાઈઓ અને વિશિષ્ટ બાબતોને પણ ટાંકીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.

એમ. નાગરાજ કેસમાં આવેલા ૧૧ વર્ષના ચુકાદા અંગે ફેરવિચારણા અને પુન:સમીક્ષા કરવાની આવશ્યકતા છે કે કેમ? તે અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવા ગયા વર્ષની ૧૫મી નવેમ્બરે સુપ્રીમની ત્રણ જજની એક બેન્ચ સહમત થઈ હતી.

અપૂરતું, અક્ષમ તેમ જ અસમર્થ પ્રતિનિધિત્વ હોવા અંગે સૌપ્રથમ તો માહિતી ડેટા એકઠો કર્યા વગર જ પદોન્નતિ- પ્રમોશનમાં અનામત આપતા દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને અટકાવી હતી.

વર્ષ ૧૯૯૨ના ઈન્દિરા સ્વાહનેય કેસમાં એસસી અને એસટી માટે ૧૬-૧૧-૧૯૯૨થી પાંચ વર્ષના સમયગાળા માટે એસસી તથા એસટી સમુદાય માટે પ્રમોશનમાં અનામત રાખવાની મંજૂરી સુપ્રીમની નવ જજની બેન્ચે આપી હતી.

June 6, 2018
3tien_feature.jpg
1min15880

વર્લ્ડ ઍન્વાયરમેન્ટ ડે નિમિત્તે મુંબઈ-પંજાબ વચ્ચે છેલ્લાં 106 વર્ષથી દોડતી ‘પંજાબ મેલ’માં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એસી-થ્રી ટિયર કૉચ જોડવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર મુસાફરો દ્વારા ફેંકવામાં આવતી ફાલતુ ચીજવસ્તુઓના રીયુઝથી મેલના કેટલાક હિસ્સા તૈયાર કરવામાં આવ્યા છે.

રેલવે અધિકારીઓએ પંજાબ મેલ ટ્રેનમાં એક ઇકો ફ્રેન્ડલી કોચ લગાડ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કૉચના ઈન્ટિરિયરમાં ફેરફાર કરીને ફ્લોર પર અને કૉચની દીવાલ પર ‘ક્રિબ શીટ’ લગાવવામાં આવી છે. આ શીટ તૈયાર કરવા માટે રેલવેએ ખાલી પડેલા ટેટ્રાપૅકના કૅન, ટૂથપેસ્ટ, ફેસક્રીમની ખાલી પડેલી ટ્યૂબને ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર અંગે પહેલાં પ્રવાસીઓની પ્રતિક્રિયા જાણવામાં આવશે અને ત્યાર બાદ જ વધુ ટ્રેનોમાં આ પ્રયોગ હાથ ધરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.

June 6, 2018
narmada.jpg
1min14110

ગુજરાતના સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી 7257 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો નોંધાયો છે અને 10 દિવસમાં 1.12 મીટરનો વધારો નોંધાયો હાલ ડેમની સપાટી 106.43 મીટર થઇ છે જેમાં વધારો થઇ રહ્યો છે, હાલ મધ્ય પ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ બે દિવસમાં પડ્યો જે વરસાદી પાણી મધ્યપ્રદેશ ના ડેમમાં આવતા હાલ ડેમ ના પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે .

નર્મદા બંધની આઇબીટીપી ટનલ માંથી કેનલ માંથી ગુજરાત ને પીવા માટે હાલ પણ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે સપાટી 110 મીટર પર જતા આઇબીટીપી ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલ માં 6000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જોકે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે હવે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.. ઇંંદીરા સાગર ડેમનું રૂલ લેવલ વધતા અને વરસાદ પહેલા ડેમ ખાલી કરવા માટે હાલ વિજ મથકો દ્વારા પાની છોડાઇ રહ્યું છે.

1 જુલાઇ થી 30 જુન વચ્ચે ઇન્દીરાસાગર ડેમમાં થી 10 હજાર પાણી છોડવું એવો જળ વિવાદ પંચ નો ચુકાદો છે. જેને લઈને 11 જુન 2018નાં રોજનું ઇંદીરાસાગર ડેમનું રૂલ લેવલ 248.77 મીટર છે અને હાલમા પાનીની સપાટી 2.49.17 મીટર છે. જેથી પાણી છોડાઇ રહ્યું છે ત્યારે નર્મદા ડેમ પર આવતા પ્રવાસીઓ પણ ગાઈડ દ્વારા હાલ ડેમ ની સપાટી માં વધારો સાંભળતા ખુશ નજરે પડી રહ્યા છે આજે ડેમ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસું આવતા પ્રવાસીઓ પણ વધી રહ્યા છે જેને લઈ ડેમ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરદાર ડેમના ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે જેને કારણે પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.

June 5, 2018
anaathfeture-1280x853.jpg
1min16870

સુરતના ચિલ્ડ્રન હોમના ૬૦ અનાથ બાળકો મનાલીના પ્રવાસે
સુરતના ચિલ્ડ્રન હોમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મનાલી જતાં ૬૦ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો 
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન
સુરતના બાલગૃહના ૬૦ બાળકો સહિત ગુજરાતના ૧૪૭ બાળકોને બે બેચમાં આવરી લેવાશે
બાળકોની સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો સહાયરૂપ બને છે: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને ખોળે આનંદ-પ્રમોદ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલીમાં બાળ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે. જેમાં સુરત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર-રાંદેરના ૬૦ બાળકો પણ ભાગ લઇ રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે આ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો

આ પ્રસંગે મનાલી પ્રવાસે જતા બાળકોનું અભિવાદન કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળગૃહના બાળકો પણ અન્ય બાળકોની જેમ બાળસહજ પ્રવૃત્તિઓ થકી આનંદ અને જ્ઞાન મેળવી શકે તે માટે બાળ સાહસિકતા શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રાજસ્થાનના આબુ ખાતે અનાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે પ્રકારે શિબિરનું આયોજન કરાયું હતું. આ વર્ષે હિમાચલના મનાલીમાં આયોજિત શિબિરમાં બાળકો સાહસિક અને ખડતલ બને તે માટે ટ્રેકિંગ-જોગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રી પરમારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિરો ખૂબ સહાયરૂપ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ બાળકોને જીવનમાં સાહસિકતાના ગુણો ખીલવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક બાળકોને ગુલાબનું ફૂલ ભેટ ધરી તેમના સુખમય અને આનંદદાયક પ્રવાસની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અને કોર્પોરેટરશ્રી ડો. જગદીશ પટેલે સમગ્ર કાર્યક્રમ વિષે વિસ્તૃત જાણકારી આપી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સુરત દ્વારા ત્યજી દેવાયેલા બાળકો, અનાથ બાળકો, બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા બાળકોની સારસંભાળ, કાળજી અને રક્ષણની કામગીરીથી સૌને વાકેફ કરાવ્યા હતા.

બે બેચમાં યોજાનાર આ શિબિરમાં આગામી ૧૧ મી જુને સુરતના ૩૬ બાળકો અને ૨૪ બાળાઓ સહિત કુલ ૬૦ બાળકો મનાલી જવા રવાના થશે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આયોજિત આ શિબિરની પ્રથમ બેચ તા.૫ જૂન થી ૧૪ જૂન ૨૦૧૮ દરમિયાન તેમજ બીજી બેચ ૧૧ જૂનથી ૨૦ જૂન ૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ બેચમાં સુરત, વડોદરા તથા અમદાવાદથી રાજધાની ટ્રેનમાં ૭૭ બાળકો તથા બીજી બેચમાં સુરત, વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી ૭૦ બાળકો પ્રસ્થાન કરશે. જેમાં સોસાયટીના અધિકારી/કર્મચારીઓ સાથે રહી બાળકોને માર્ગદર્શન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બેચની શિબિરમાં જોગણી વોટર હોલ્સ, હિડિમ્બા ટેમ્પલ, સ્નો/ભ્રીગુ, મનાલી જેવા પર્વતોમાં પર્વતારોહણની પ્રવૃત્તિ કરવામાં આવશે. તેમજ સાહસિકતા તાલીમ શિબિરમાં બાળકોને રિપલીંગ, ઝિપ લાઇન, રિવર ક્રોસિંગ, કેમ્પ ફાયર જેવી પ્રવૃત્તિઓ તેમજ નેતૃત્વ, જીવન કૌશલ્ય, હકારાત્મક વિચાર શૈલી અંગે સવિસ્તૃત માર્ગદર્શન અપાશે.

મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમના વિવિધ વિભાગોની મુલાકાત લઇ અહી નિવાસ કરતાં બાળકોના ખબર-અંતર પણ પૂછ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ.ઠાકોર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રીમતી રૂપલબેન શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ ચૌધરી અને ઉર્વીબેન પરમાર સહિત ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

June 5, 2018
tdb.png
1min16200

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં વીજગ્રાહકો અને જાહેર જનતાની વીજ સલામતી અર્થે તકેદારી રાખવા અનુરોધ

આગામી ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજગ્રાહકો અને જાહેર જનતાની વીજ સલામતી અર્થે તકેદારી રાખવા અને સાવચેતીના ભાગરૂપે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. :જે મુજબ
• કોઈપણ જગ્યાએ વીજળીનો થાંભલો કે તાર તૂટેલો કે ભયજનક રીતે નમેલો જણાય તો તૂટેલા ઝુલતા તારને કોઈપણ સંજોગોમાં અડકવું નહી અનેતુરંત જ આપની નજીકની વીજ કંપનીની સ્થાનિક પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી જાણ કરવી અથવા ટોલ નંબર ૧૯૧૨૩ કે ૧૮૦૦૨૩૩ ૩૦૦૩ પર જાણ કરો અને સંભવિત વીજ અકસ્માતને ટાળો.
• વીજસ્થાપનના ઉપકરણો જીવંત સ્વરૂપે વીજવાહક હોવાથી સલામતીની દ્રષ્ટિએ સાવચેત રહેવું જરૂરી છે.
• વીજ સાધનો માટે યોગ્ય ક્ષમતાના ફયુઝ, એમ.સી.બી. તથા ઈ.એલ.સી.બી. નો ઉપયોગ કરવો.
• વીજળીના થાંભલા કે તેના અર્થીગ વાયર કે સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે ધાતુનો તાર બાંધી કપડાં સુકવવા નહિં અથવા પશુઓને પણ ત્યાં બાંધવા નહિં.
• વરસાદના સમયે ભેજવાળા વાતાવરણમાં ઘરના વીજસ્થાપનોમાં લાગતા વીજ આંચકાઓથી બચવા ઈ.એલ.સી.બી. અવશ્ય લગાડવી.
• કોઈપણ બાંધકામ ચાલતું હોય તો તે સ્થળ પાસેથી પસાર થતી વીજ લાઈન અને થાંભલાથી સલામત અંતર અવશ્ય જાળવવું.
• વીજ લાઈનની નીચે તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટરને અડીને વાહનો ઉભા રાખવા નહિં કે પાર્ક કરવા નહિં તેમજ વધુ ઉંચાઈના વાહનો વીજ લાઈનની નીચેથી સાવચેતીપૂર્વક પસાર કરવામાં આવે તેની ખાસ કાળજી લેવી.
• કારખાનાની ઘરની બારીમાંથી અથવા ગેલેરીમાંથી કોઈપણ જાતનો કચરો, પાણી, મેટાલીક યાર્ન, તાર, વાયર કે લોખંડનો ભંગાર વિગેરે વીજ લાઈન પર ફેંકશો નહીં. તેમ કરવાથી ઈલેકટ્રીક કરંટ (શોક) લાગવાનો ભય રહે છે.
• વીજ વિક્ષેપ જેવાં કે મીટર બોક્ષમાં સ્ટ્રીટ લાઈટ પોલ પર ટ્રાન્સફોર્મર પર કે અન્ય કોઈ જગ્યાએ શોર્ટ સર્કીટ જણાય તો અમારા ૨૪ ૭ કોલ સેન્ટર નંબર ૧૯૧૨૩અથવા૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩અથવા મોન્સુન કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર ૦૨૬૧-૨૫૦૬૨૯૯ તથા મો.નં.૯૮૭૯૨ ૬૮૯૫૯ પર જાણ કરી વીજ સલામતીમાં ભાગીદાર બનો.આ ઉપરાંતવીજ સંબંધિત સમસ્યાઓની નોંધણી અને નિરાકરણ માટે, વેબસાઇટ www.dgvcl.comપર ઉપલબ્ધ આપની સ્થાનિક કચેરીઓ સ્થિત ૨૪ કલાક કાર્યરત ફોલ્ટ સેન્ટર્સ નંબરનો પણ સંપર્ક સાધવો