Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાત સરકારની મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટેની કમિટીએ હાલમાં પેરામેડીકલ કોર્સમાં હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને ચોઇશ ફિલિંગ માટે કોલેજોની જે યાદી ફાળવવામાં આવી છે તેમાં 60 ટકા કોલેજો તો નોટ પરમિટેડ સ્ટેટસ એટલે કે તેમને શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષ માટે કોલેજ ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.
ખુદ પ્રવેશ સમિતિ જો આવી નોટ પરમિટેડ કોલેજોને પ્રવેશ યાદીમાં મૂકે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું સમજવું. અહીં નીચે દર્શાવેલી હોમિયોપેથી કોલેજોની યાદી જોઇએ તો રાજ્યમાં હોમિયોપેથીની કુલ 33 કોલેજ છે, પ્રવેશ સમિતિની સત્તાવાર માહિતી એવું કહે છે કે કુલ 33 હોમિયોપેથી કોલેજોમાંથી ફક્ત 11 હોમિયોપેથી કોલેજો જ ચાલુ વર્ષ માટે સક્ષમ સત્તામંડળની પરવાનગી ધરાવે છે, બાકીની કોલેજોને હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.
દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે. હોમિયોપેથી કાઉન્સિલ દ્વારા ખૂબ મોડા એટલે કે દિવાળીના તહેવારો પછી પણ પરવાનગી આપવામાં આવે છે અને ગુજરાત સરકારની કમિટી દિવાળી પછી પણ પ્રવેશ એલોટ કરી દે છે. અહીં કાયદેસર રીતે નીતી નિયમો અને કાયદાઓની ઐસીતૈસી કરી દેવામાં આવે છે.
એવી પણ બદબૂ આવે છે કે હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોની પરવાનગી મોડી આપવા પાછળ એક મોટું કૌભાંડ છે, મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્યારે સમયસર પ્રવેશ મળતો નથી ત્યારે તેમની ધીરજ ખૂટી જાય છે અને બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી લે છે અને બાદમાં મેરીટ નહીં ધરાવતા હોય તેવા મળતીયા વિદ્યાર્થીઓને કાયદેસર રીતે પ્રવેશ મળી જાય છે.
આવું દર વર્ષે થતું હોવા છતાં હોમિયોપેથી કાઉન્સિલથી લઇને ગુજરાત સરકાર સુધી કોઇ દરમિયાનગીરી કરીને સમયસર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકાય તેવા પગલાં ભરતું નથી.
પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ હોમિયોપેથી કોલેજ માન્ય અને કઇ અમાન્ય



પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ આયુર્વેદિક કોલેજ માન્ય અને કઇ અમાન્ય
મેડીકલ પ્રવેશ સમિતિની યાદી મુજબ રાજ્યમાં કુલ 27 આયુર્વેદિક કોલેજો અસ્તિત્વમાં છે અને તેમાંથી ફક્ત 09 જ કોલેજો તા.27મી ઓગસ્ટ 2018 સુધીમાં પરમિશન ધરાવે છે, બાકીની 18 આયુર્વેદિક કોલેજો પાસે 2018-19ના વર્ષ માટેની કોઇ પરવાનગી સક્ષમ સત્તામંડળ પાસેથી મળી નથી.


વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા મૂંઝવણમાં મૂકાઇ ગયા છે કે તેમની તકલીફ સાંભળવા વાળું કોઇ નથી. પ્રવેસ સમિતિએ એ પણ સ્પષ્ટતા કરી નથી કે નોટ પરમિટેડ સ્ટેટસ ધરાવતી કોલેજોમાં પ્રવેશ લેવો કે નહીં લેવો, એથી વિશેષ નજીકના ભવિષ્યમાં કે ચાલુ વર્ષે થોડા દિવસો પછી આ કોલેજોને પરમિશન મળી જશે કે કેમ, પરમિશન મળી જશે તો આ વિદ્યાર્થીઓના પ્રવેશને કાયમ કરાશે કે કેમ ખુદ પ્રવેશ સમિતિ જ વિદ્યાર્થીઓને નરોવા કુંજરોવાની સ્થિતિમાં મૂકી દેતી હોય ત્યારે બીજાનું તો પૂછવું જ શું.