
We are in Google Play store too….



cialive@yahoo.com
મોટા ઉદ્યોગપતિઓ એડવાન્સ ઇન્કમ ટેક્સ પેટે મસમોટી રકમ ભરાવડાવીને બાદમાં તેનું વ્યાજ સમેત રિફંડ લઇને સરકારની તિજોરી કેટલું નુકસાન કરાવે છે એ જાણવા વાંચો આર્ટિકલ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ રિફંડની વધતી જતી રકમ જ જાન્યુઆરી 2018 સુધીમાં રૂ.1.26 લાખ કરોડ પર પહોંચી જતા કેન્દ્ર સરકારની સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ ટેક્સ રિફંડના ટોચના 50 કેસોની માહિતી માંગી છે. પાર્લામેન્ટરી પેનલ એ બાબત પર આગળ વધી રહી છે કે ટેક્સ કલેકશનનો ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં અને એડવાન્સ ટેક્સના ભરણાને વાસ્તવિક માની લેવાની મનો સ્થિતિથી વિપરીત મસ મોટી રકમનું રિફંડ તો કરવું પડી રહ્યું છે અને એ પણ વ્યાજ સમેત. આ બાબત સરકારની તિજોરીને બેધારી તલવારની જેમ નુકસાન પહોંચાડે છે. સરકારની આવક વધતી નથી અને ઉલ્ટાનું એડવાન્સ ટેક્સ પેટે ભરાયેલી રકમ રિફંડ પેટે વ્યાજ સહિત પરત કરવાનો વખત આવે છે.
લક્ષ્યાંક સિદ્ધિ માટે એડવાન્સ ટેક્સ પેટે મસમોટી રકમનું ભરણું અને બાદમાં મસમોટી રકમનું વ્યાજ સમેત રિફંડ (1) લક્ષ્યાંક સિદ્ધિમાં ખોટ અને બીજું બિનજરૂરી વ્યાજની ચૂકવણું એમ બેવડો માર મારે છે
ધ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સએ એવી ખતરાની ઘંટડી વગાડી છે કે ઇન્કમ ટેક્સ જેવા ડાયરેક્ટ ટેક્સમાં જાન્યુઆરી 2018ની સ્થિતિએ 2017-18ના હિસાબી વર્ષને ધ્યાનમાં રાખતા રૂ.1.26 લાખ કરોડની રકમ રિફંડ તરીકે ચૂકવી દેવામાં આવી છે. આ રકમમાં રૂ.10,312 કરોડની રકમ વ્યાજ પેટે ચૂકવાયેલી છે. આ જ વ્યાજની રકમ અગાઉના વર્ષમાં રૂ.6,889 કરોડ હતું. આમ, એડવાન્સ ટેક્સ પેટે ભરાયેલી રકમનું રિફંડ આપવામાં કેન્દ્ર સરકારની તિજોરીમાંથી રૂ.17 હજાર કરોડની જંગી રકમ તો વ્યાજ તરીકે ચૂકવવામાં આવી હતી. ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે. આ જ કારણથી સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસેથી એડવાન્સ્ ટેક્સ કેસીસની ડિટેઇલ્ડ માંગવામાં આવી છે.
દેશના મોટા શહેરોમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવતા ટાર્ગેટની રકમને સર કરવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા જ મોટા પાયે એડવાન્સ ટેક્સ ભરાવડાવવામાં આવે છે, એડવાન્સ ટેક્સ ભરપાઇ થતા પ્રારંભિક એવું ચિત્ર ઉપસે છે કે જે તે શહેરોમાં ઇન્કમ ટેક્સને આપવામાં આવેલો લક્ષ્યાંક સિદ્ધ થઇ ગયો, પરંતુ, બાદમાં રિફંડની મસ મોટી રકમ અને તેમાં વ્યાજની રકમ કેન્દ્ર સરકારની તિજોરીને બેવડો માર મારી રહી હોવાથી ફાઇનાન્સની સ્ટેન્ડિંગ કમિટીએ એડવાન્સ ટેક્સ માટે થઇ રહેલા પ્રયાસોને અતિરેકપૂર્ણ ગણાવ્યા છે.
કેન્દ્ર સરકારના ડેટા અનુસાર પાછલા ચાર હિસાબી વર્ષમાં ટેક્સ રિફંડની રકમમાં સતત 13 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ ટકાવારીને રકમમાં તબદિલ કરીએ તો જાન્યુઆરી 2018 સુધીમાં કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ રિફંડ પેટે રૂ.1.26 લાખ કરોડ જેટલી જંગી રકમ ચૂકવી દીધી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિક દ્વારા રજૂ કરવામાં આવેલી કેટલીક ક્વેરીઝનો જવાબ આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલથી ઓગસ્ટ 2018ના સમયગાળા દરમિયાન ભારતમાં ટેક્સ પેયર્સને રૂ.94,904 કરોડ જેટલી જંગી રકમનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં આપવામાં આવેલા રિફંડ કરતા 28.1 ટકા વધુ છે. 2017-18ના હિસાબી વર્ષ માટે ચૂકવવામાં આવેલા જાન્યુઆરી 2018 સુધીમાં ચૂકવવામાં આવેલા રૂ.1.26 લાખ કરોડના રિફંડની રકમ સામે એપ્રિલથી ઓગસ્ટ 2018 સુધીમાં ચૂકવાયેલા રૂ.94,904 કરોડના રિફંડની રકમ 75 ટકા જેટલી થાય છે.
એવી જ રીતે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં પણ રૂ.47,218 કરોડની જંગી રકમનું રિફંડ ચૂકવણું ભારત સરકારની તિજોરી માટે એલાર્મિંગ છે.
| વર્ષ | આઇ.ટી. રિટર્ન | રિફંડ કેસ | રિફંડ રકમ કરોડરૂ. | રિફંડ ટકાવારી |
| 2014-15 | 4,24,80,486 | 1,35,78,605 | 1,12,198 | 31.96 |
| 2015-16 | 4,75,26,241 | 2,10,22,122 | 1,22,266 | 44.23 |
| 2016-17 | 5,49,37,217 | 1,75,66,508 | 1,19,293 | 31.97 |
| 2017-18 | 6,84,93,894 | 1,95,16,877 | 1,26,731 | 28.49 |
cialive@yahoo.com
ગુજરાતમાં મોટો નેતા જેને કહેવાય રહ્યો હતો એ હાર્દિક પટેલએ આમરણાંત ઉપવાસ છોડીને હવે જીવતા જીવત સરકાર સામે લડત આપવાના નિર્ધાર સાથે મોટો યુટર્ન લીધો છે. પહેલો યુ ટર્ન એકેય માંગણી સંતોષાયા વગર જ ઉપવાસનું આંદોલન સમેટી લઇને પારણા કરવા અંગેનો છે. બીજો યુ ટર્ન રાજનીતિના રવાડે ચઢી ગયેલા હાર્દિક પટેલેને હવે સમાજ અને સામાજિક પરિબળનું જ્ઞાન લાદ્યું છે. હવે સમાજને સાથે રાખીને રાજનીતિક નહીં સામાજિક લડાઇ લડશે.
આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ હાર્દિક પટેલને પારણા કરાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ પહોંચી રહ્યા છે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટિદારોની છ મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાશે જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેઓ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ચર્ચા કરશે.

પાસનાં નેતા મનોજ પનારાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, હાર્દિક 18 દિવસથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.
ઇતિહાસ કરે છે કે કોઇપણ આમરણાંત ઉપવાસની સફળતાનો આધાર નિયત પર નિર્ભર રહેલો હોય છે. ખરેખર પાટીદાર સમાજને કે ખેડૂતને ફાયદા કરવાની નિયત સાથે ઉપવાસ કરાયા હોત તો અવશ્ય પરિણામ મળ્યું હોત. ભૂતકાળમાં અણ્ણા હજારે કે અન્યોએ જ્યારે જ્યારે ઉપવાસી આંદોલન કર્યા ત્યારે તેમની નિયત કોઇ સરકારને પાડી દેવાની કે કોઇ રાજકીય નેતાને બતાવી દેવાની ન હતી. પ્રજાહિત પ્રાયોરિટીમાં હોય ત્યારે મૃત્યુંનો ડર શેનો, આવી નિષ્ઠા હોય તો કયું આંદોલન બૂમરેંગ થાય
હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું શસ્ત્ર અન્ય કોઇને ભલે ફળ્યું ન હોય પણ રાજ્ય સરકારને તો ફળ્યું જ છે. હાર્દિક પટેલ અેન્ડ કંપનીની વાત માની લઇએ કે રાજ્ય સરકાર અન્યાયી છે, જુલમકારી છે, પણ આમરણાંત ઉપવાસમાંથી પીછેહઠ કરીને ખુદ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એ વાતની પ્રતીતિ કરાવી દીધી છે સરકારનું સ્ટેન્ડ મક્કમ હતું, છે અને હવે રહેશે. હાર્દિક પટેલ એન્ડ કંપનીએ હવે રાજ્ય સરકાર સામે લડવા માટે આમરણાંત ઉપવાસથી મોટું શસ્ત્ર શોધવું પડશે.

જેટ એરવેઝના ATR પાઇલટ્સને હરીફ એરલાઇન્સે ખેંચવાનું શરૂ કર્યું હોવાથી જેટ એરવેઝ સામે નવો પડકાર ઊભો થયો છે. જેટના કુલ 150 ATR પાઇલટ્સમાંથી 30 જેટલા કમાન્ડર્સે છેલ્લા એક મહિના દરમિયાનમાં જ રાજીનામાં ધરી દીધાં હતાં. જેટ એરવેઝે તેમને ₹36 લાખના રિટેન્શન પેકેજની (ત્રણ વર્ષમાં મળવાપાત્ર) પણ ઓફર કરી હતી છતાં આ પાઇલટ્સે રાજીનામાં પાછાં ખેંચ્યાં નહોતાં. આ અંગે જેટ એરવેઝને 7 સપ્ટેમ્બર 2018ના રોજ ઇ-મેઇલ મોકલ્યો હતો પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી.

કંપની પાસે 18 ATR વિમાનનો કાફલો છે જેમાંથી સાત વિમાન રિજનલ એરલાઇન ટ્રુજેટને વેટ લીઝ પર આપવાનાં છે. “લગભગ 30 ATR કમાન્ડર્સે રાજીનામાં આપી દીધાં છે. તેઓ એવી એરલાઇન્સમાં જોડાયા છે જ્યાં તેમને કારકિર્દીમાં આગળ વધવાની અને એરબસ 320 જેવાં મોટાં વિમાનો ઉડાવવાની તક મળતી હોય.” એમ જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
આ પાઇલટ્સ એવી એરલાઇન્સમાં લાગ્યા છે જે એરલાઇન્સે તેમને ઊંચા પગારની સાથે સાથે કારકિર્દીમાં આગળ વધવાની ઓફર કરી હોય. કમાન્ડરે ઉમેર્યું હતું કે, આ ATR કમાન્ડર્સનાં રાજીનામાંને કારણે દક્ષિણ ભારત સ્થિત રિજનલ એરલાઇન ટ્રુજેટને ATR વિમાન ભાડે આપવાની જેટ એરવેઝની યોજના પર અસર પડી શકે છે. ટ્રુજેટ દ્વારા ક્રૂ સાથે સાત વિમાન ભાડે લેવાના છે. જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે જણાવ્યું હતું કે, “ટ્રુજેટ સાથેના કરારમાં ક્રૂ સહિતનાં વિમાનો આપવાની શરત છે. જો આ કમાન્ડર્સ જ નહીં હોય તો ક્રૂ વગર વિમાન કેવી રીતે આપી શકાશે?”
જેટ એરવેઝે તેના કમાન્ડર્સને ટકાવી રાખવા માટે ₹36 લાખનું રિટેન્શન પેકેજ પણ ઓફર કર્યું હતું, જેની ચુકવણી 3 વર્ષમાં થવાની હતી પરંતુ મોટા ભાગના પાઇલટ્સને આ પેકેજ સ્વીકાર્ય નહોતું. કંપનીની ઓફર પ્રમાણે, પ્રથમ બે વર્ષ દરમિયાન ₹9 લાખ ચૂકવવામાં આવશે અને બાકીના ₹27 લાખ ત્રણ વર્ષ પૂરાં થયા પછી જ મળશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જેટ એરવેઝ તેની ગંભીર નાણાકીય મુશ્કેલીને કારણે સમાચારમાં ચમકી હતી. કંપનીએ ગયા સપ્તાહે જ તેના કર્મચારીઓને સૂચના આપી હતી કે, તેમનો બાકીનો પગાર સપ્ટેમ્બરથી શરૂ થતા ત્રણ મહિના દરમિયાન બે હપતામાં ચૂકવવામાં આવશે.
૧૦ લાખ લોકોને સલામત સ્થળે જવાની સૂચના : ૨૬ રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર : ભારે વરસાદની આગાહી

અમેરિકાના ઈસ્ટ કોસ્ટમાં ગુરુવાર સુધીમાં વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકશે એવી આગાહી અમેરિકન વેધશાળા દ્વારા કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે ૨૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ થશે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન અને આસપાસના વિસ્તારોમાં આ વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની ધારણા છે. આના કારણે ઈસ્ટ કોસ્ટમાં વૉશિંગ્ટન ઉપરાંત નૉર્થ અને સાઉથ કૅરોલિના, વર્જિનિયા અને મૅરિલૅન્ડ સ્ટેટમાં ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસરથી બચવા માટે આશરે ૧૦ લાખ લોકોને ઘર છોડીને જતા રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈસ્ટ કોસ્ટ પર ઘણાં વર્ષો બાદ આવું ભયાનક વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. ઈસ્ટ કોસ્ટમાં આવેલાં ૨૬ રાજ્યોમાં સ્કૂલોને ગઈ કાલથી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સૂચના મળે ત્યાં સુધી નહીં ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાલબાગના રાજાનો ફસ્ર્ટ લુક 11મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે પર્યાવરણની જાગૃતિ વિશેની સજાવટ કરવામાં આવી છે. રાજાની આસપાસ વન્ય પ્રાણીઓ અને વૃક્ષો દેખાશે. મૂર્તિની પાછળ LED દ્વારા દૃશ્યો બદલાતાં રહેશે.

ગુજરાતમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા, દગડુ શેઠ જેવા ગણેશજીના દર્શનાર્થે જાય છે. એવા લાખો શ્રદ્ધાળુઓ હોય છે જેમના મોબાઇલ ફોનના સ્ક્રીન પર આખું વર્ષ લાલબાગ ચા રાજા જ બિરાજમાન હોય છે. ગઇ તા.11મી સપ્ટેમ્બર 2018ના રોજ આવા લાખો લોકોની આતુરતાના અંત આવ્યો હતો કેમકે આ વર્ષના લાલબાગ ચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો.


બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવે કર્યું ઉદઘાટન
સુરત, સપ્ટેમ્બર 2018: હેલ્થકેર અને વેલનેસ ક્ષેત્રે નામના ધરાવતી અઝુરા વેલનેસ ક્લબનાબીજા સેન્ટરનું શનિવાર, તા. 8સપ્ટેમ્બરના રોજ કેનોપસ મોલ, પાર્લે પોઈન્ટ સર્કલ, ઘોડ દોડ રોડ ખાતે ધમાકેદાર લોન્ચીંગ કરી હતી.જેનું ઉદઘાટન બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા અમૃતા રાવેકર્યું હતું.
આ પહેલા અઝુરા વેલનેસ ક્લબના પહેલા સેન્ટરનું ઉદઘાટન 23મી એપ્રિલ 2017ના રોજ ટ્રીનીટી સિગ્નસ, સોમેશ્વરા ચાર રસ્તા, સુરત ખાતે બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા ઝરીન ખાનેકર્યું હતું.
“અઝુરા” શબ્દનો અર્થ શક્તિશાળી અને સંપૂર્ણ થાય છે, આમ આ બ્રાન્ડ આપણી આંતરિક શક્તિ તેમજ મગજ, શરીર અને આત્મા જેવા શરીરના મૂળભૂત તત્વોના પોષણને મહત્વ આપી રહી છે. તેના માટે ક્લબમાં રીલેક્સીંગ, મિકેનીકલ, પેસીવ, ઇન્વેસીવ અને નોન-ઇન્વેસીવ થેરાપીનું સંયોજન ઉપલબ્ધ કરાશે, આ થેરાપી દરેક વ્યક્તિની જરૂરિયાત માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેને સામાન્ય બનાવવા, અઝુરાએ બાહ્ય દુનિયાની અરાજક્તાને ભૂલીને માનસિક રીતે શાંત અને આરામપ્રદ રહેવાની જગ્યા ડિઝાઇન કરી છે.

આ હેલ્થ ક્લબ વિવિધ સંશોધનાત્મક અને સગવડસભર સેવાઓ મારફતે સાકલ્યવાદી સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેવી કે કિડ્સ મેનીયા-શહેરી માતા-પિતા કે જેઓ તેમના બાળકોને લાડ લડાવવા લાંબા અંતરની મુસાફરી ઇચ્છતા હોય તેમના માટે, ટ્રાયો કેર-વાળને લગતી દરેક પ્રણાલીઓ, ત્વચાની સંભાળ-ત્વચાની નિયમિત કાળજી માટે, સ્પા-વિશ્રામ માટે અને ફેટ2ફીટ-યોગ્ય પોષક આહારના ઉપયોગ માટે. આ દરેક સેવાઓ સંપૂર્ણ કુશાગ્ર તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા પુરી પાડવામાં આવશે.
બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી વધુ મૂલ્યવાન અનુભવ ધરાવતા વિભા શર્માના નેતૃત્વ હેઠળ અઝુરાનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષોમાં ભારતના દરેક ખૂણે સેવાઓનો વ્યાપ વધારવાનો છે. વિભા શર્મા જણાવે છે કે, “અઝુરા દ્વારા અમે દરેક હેલ્થ અને વેલનેસની અને તે પણ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની જરૂરિયાતો પુરી પાડવાનું વન-સ્ટેપ સોલ્યુસન સુરતને ભેટ ધરીએ છીએ. મને જાહેર કરતા આનંદ થાય છે કે અમે અહીં વિસ્તરણની યોજનાઓ તૈયાર રાખી છે અને રાજકોટ, અમદાવાદ, ઇન્દોર, જયપુર, શિલોંગ, લુધિયાણા, આગરા, પુણે અને ચેન્નાઇ વગેરે જેવા દેશના દસથી વધુ શહેરોમાં એક નેટવર્ક ઉભું કરવાનો અમારો ઉદ્દેશ છે.”
-x-x-x-x-

રાજસ્થાન બાદ આંધ્ર પ્રદેશ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર વૅટમાં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલ પર ચાર રૂપિયા વેટ વસૂલે છે.
વિવિધ કર અને ડિવિન્ડ દ્વારા સારી કમાણી થતી હોવા છતાં પટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને કેન્દ્ર સરકાર લોકોના માથે બોઝો વધારી રહી છે. રાજ્યનું બજેટ ખોટમાં હોવા છતાં અમે કર ઘટાડીને લોકોનો બોજો થોડો ઓછો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે રાજ્ય સરકારને રૂ. 1120 કરોડની આવક જતી કરવી પડશે.

સી.આઇ.એ. લાઇવ હવે એક પ્રાદેશિક ન્યુઝ વેબ રહી નથી. દેશભરમાંથી વ્યુઅર્સ www.cialive.in વેબ સાઇટ પર રોજેરોજ ન્યુઝ વાંચવા, જોવા આવી રહ્યા છે.
ગુગલ સર્ચ એન્જિનના આંકડા સ્પષ્ટ સૂચવે છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરેલા વગેરે રાજ્યોમાં ઓડિયન્સ www.cialive.in વેબસાઇટ પર ક્લીક કરી રહ્યા છે. એવી જ રીતે અમેરિકા, યુકે અને કેનેડામાં વસતા બિન નિવાસી ભારતીયો માટે પણ સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ માનીતી બની ગઇ છે.
આગામી ગણેશ ઉત્સવને અનુલક્ષીને www.cialive.in દ્વારા સુરત શહેરમાં ધામધૂમથી, આન-બાન-શાનથી, હર્ષોલ્લાસભેર ઉજવાતા ગણેશોત્સવના ફોટા, ઇવેન્ટસ, આવકારદાયક થીમ, પ્રેરણાદાયી કાર્યો વગેરેનો લહાવો દેશ-વિદેશમાં પથરાયેલા પોતાના વ્યુઅર્સ સુધી પહોંચાડશે.
આથી સુરત શહેરના ગણેશ આયોજકો પછી ભલે એ શેરી, મહોલ્લા, એપાર્ટમેન્ટ, સોસાયટી, રો હાઉસ, પોતાના ઘરમાં સ્થાપના કરતા હોય એવા તમામને પોતાના ગણેશજીનો ફોટો તેમજ તેની ટૂંકી નોંધ સી.આઇ.એ લાઇવને ઇમેલ cialive@yahoo.com કરશે તો અમે તેને www.cialive.in વેબસાઇટ પર પ્રકાશિત કરીશું.
તો આજે જ આપના ગણેશજીના દર્શન અને આશીર્વાદનો લ્હાવો દેશ-દુનિયાભરના ભક્તજનોને પહોંચાડો.
Contact number 98253 44944
