કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે છેલ્લાં 70 વર્ષ (કૉંગ્રેસના શાસનકાળના) દરમિયાન કોઇએ નૉટબંધી અને ‘ગબ્બર સિંહ ટૅક્સ’ (વસ્તુ અને સેવા કર – જીએસટી) જેવી મૂર્ખામી કોઇએ નહોતી કરી. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારી નોકરીમાં ખાલી પડેલી 22 લાખ જગ્યા ભરવા નથી માગતા, પરંતુ જો અમારો પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવશે તો અમે એક જ વર્ષમાં આ 22 લાખ સરકારી નોકરી આપીશું અને પંચાયતોમાં 10 લાખ નોકરી આપીશું.
કૉંગ્રેસના પ્રમુખે જાહેરસભાને સંબોધતા સવાલ કર્યો હતો કે અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેલમાં છે કે જેલની બહાર? તેમણે જણાવ્યું હતું કે ચોકીદાર (નરેન્દ્ર મોદી)એ રાયબરેલી અને અમેઠીમાં કારખાના અને રોજગારીની ‘ચોરી’ કરી છે (એટલે કે છીનવી લીધા છે). રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો રાયબરેલીનો ખેડૂત રૂપિયા 20,000નું કરજ પાછું ચૂકવી ન શકે તો તેણે જેલમાં જવું પડે છે. જો અમારી સરકાર સત્તા પર આવશે તો આવું થવા નહિ દે. તેમણે જણાવ્યું હતું કે મોદીએ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં નાબૂદ કરવાના બહાના હેઠળ લોકોને મૂર્ખ બનાવ્યા હતા અને નૉટબંધી કરીને સામાન્ય જનતાને લાંબી કતારમાં ઊભી રહેવાની ફરજ પાડી હતી.


















