
સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.
પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે
વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.
મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું 127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.











