CIA ALERT

Blog - Page 267 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 15, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min673

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં આ સમાચાર ભારે વાઇરલ થયા છે. તા.14મી ફેબ્રુઆરીએ વડોદરામાં બનેલી ઘટના બાદ તેમને સારવાર માટે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને કોરોના વાયરસના લક્ષણો પણ હળવા હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ મહિને યોજાઈ રહી છે જેને લઈને વિવિધ પક્ષો પૂરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રચાર અભિયાન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ સ્ટેજ પર જ ચક્કર આવતા ફસડાઈ પડ્યા હતા. આ પછી તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમના વિવિધ જરુરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા જે સામાન્ય આવ્યા છે.

યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી રુપાણીની તબિયત સ્થિર છે. બુલેટિનમાં જણાવવવામાં આવ્યું છે કે રુપાણીના ECG, 2D Echo, બ્લડ ટેસ્ટ વગેરે નોર્મલ આવ્યા છે જોકે, તેમનો RT-PCR કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આજે સવારે આવ્યો છે અને તે પોઝિટિવ છે. જેથી તેમને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, લક્ષણો હળવા હોવાનું જણાવવામાં આવ્યું છે.

February 14, 2021
election_coverage-1280x1047.jpg
1min737

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.

સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.

એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.

સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.

February 12, 2021
voting.jpg
1min574

ચૂંટણી પંચના ખર્ચના નિયમ પ્રમાણે જોઇએ તો ઉમેદવાર મતદાર દીઠ ફક્ત 4 રૂપિયા ખર્ચી શકે અને આખી પેનલ મતદાર દીઠ ફક્ત 16 રૂપિયા ખર્ચી શકે (પેટા)

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને બાંધી આપેલી ખર્ચની મર્યાદા પ્રાથમિક દ્રષ્ટીએ જ સાવ અવાસ્તવિક જણાય આવે છે. સુરતની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 વોર્ડની ચૂંટણીમાં સરેરાશ એક લાખ મતદારોની સરખામણીએ દરેક ઉમેદવારે રૂ.4 લાખ અને આખી પેનલે કુલ રૂ.24 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. આ જોતા પ્રત્યેક એક લાખ મતદારે એક ઉમેદવાર વધુમાં વધુ રૂ.4 અને આખી પેનલ રૂ.16નો ખર્ચ કરી શકે. હવે હાલ જે રીતે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા જે પ્રકારનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ જોતા ચૂંટણી પંચની ખર્ચ મર્યાદાથી અનેક ગણા વધુ રૂપિયા ઉમેદવારો પહેલા જ દિવસના પ્રચારમાં ખર્ચી ચૂક્યા છે.

ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયો પર થતા ખર્ચા પર કોઇની નજર નથી (હેડિંગ)

હાલમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં દરેક વોર્ડમાં દરેક રાજકીય પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલયો તેમજ પેટા કાર્યાલયો શરૂ કરી દીધા છે. ચૂંટણી પંચના નિયમાનુસાર જો એક દિવસ વોચ ગોઠવવામાં આવે તો ઉમેદવારો દ્વારા જે બેહિસાબ ખર્ચા કરવામાં આવે છે તેનો તાગ મેળવી શકાય પરંતુ, આવી કોઇ સિસ્ટમ નથી. ઉમેદવારોના ચૂંટણી એજન્ટો જે ખર્ચ દર્શાવે તેને માની લેવામાં આવે છે. બાકી મધ્યસ્થ કાર્યાલયો પર થઇ રહેલા ખર્ચા એટલા લખલૂંટ છે કે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા તેની સામે સાવ વામણી લાગે છે.

સ્ટાર પ્રચારકોની રેલી, સભા, રોડ શૉના ખર્ચા મોટા રાજકીય પક્ષો અલગથી કરતા હોય છે (હેડિંગ)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા ઉપરાંત ભાજપ કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પોતાની રીતે અલગ ખર્ચા કરે છે. સ્ટાર પ્રચારકો દ્વારા કરવામાં આવેલી રેલીઓ, સભાઓ, રોડ શૉ વગેરેના ખર્ચાઓ રાજકીય પાર્ટીઓ પોતાનામાં ગણાવીને ઉમેદવારોને તોતિંગ ખર્ચામાંથી બચાવી લે છે. મોટા રાજકીય પક્ષોમાં ઉમેદવારો તેમજ પેનલના ખર્ચના હિસાબોનું રીતસર મેનેજમેન્ટ થાય છે અને ચાર્ટર્ડ અકાઉન્ટન્સ સુધીના લોકોની સેવા લઇને હિસાબો અપટુ ડેટ રાખવામાં આવે છે.

મતદારોની દ્રષ્ટીએ સૌથી મોટો વોર્ડ અમરોલી-મોટા વરાછા વોર્ડ નં.2 અને સૌથી નાનો વોર્ડ કરંજ-મગોબ

(હેડિંગ બોક્સ)

સુરતના વોર્ડ વાઇઝ મતદારોની વાત કરીએ તો સૌથી વધુ મતદારો સુરતના વોર્ડ નં. 2 અમરોલી, મોટા વરાછા, કઠોર વિસ્તારમાં નોંધાયા છે. આ વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા 1,73,526ની છે જે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ પૈકી વસતિની દ્રષ્ટીએ સૌથી મોટો વોર્ડ ગણાય છે. આ વોર્ડની ચૂંટણી કરાવવાની જવાબદારી સુડા ભવન સ્થિત જીબી મુગલપુરાના શિરે છે. સુરતમાં વસતિની દ્રષ્ટીએ બીજા નંબરનો સૌથી મોટો વોર્ડ નં.3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા છે. આ વોર્ડમાં કુલ વસતિ 1,60,868 છે. આ વોર્ડના રિટર્નિંગ ઓફિસર પણ સુડા ભવનના જીબી મુગલપુરા છે.

સુરતમાં મતદારોની સંખ્યાની દ્રષ્ટીએ સૌથી નાનો વોર્ડ કરંજ-મગોબ છે. આ વોર્ડમાં મતદારોની કુલ સંખ્યા 84,650 છે.

February 12, 2021
cbse.jpg
1min489

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)એ પોતાના હેઠળની સ્કૂલોને આદેશ આપ્યો છે કે તમે ૯ અને ૧૧ વર્ગના વિદ્યાર્થીઓ વિશેનો લર્નિંગ ગૅપ (વિદ્યાર્થીઓ શું શીખ્યા અને તેમણે કેટલું શીખવું જોઈતું હતું) શોધી કાઢજો અને પછી એને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા બાદ જ કોવિડ-૧૯ને લગતા સલામતીના નિયમોના કડક પાલન સાથે આ બે વર્ગોની પરીક્ષા રાખજો. બોર્ડ દ્વારા માર્ગદર્શિકામાં એવી પણ ભલામણ કરાઈ છે કે નવું શૈક્ષણિક સત્ર પહેલી એપ્રિલે શરૂ થશે.

આ જાણકારી સીબીએસઇના ક્ધટ્રોલર ઑફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે સ્કૂલોના પ્રિન્સીપાલોને પત્રમાં આપી હતી. સ્કૂલોને નવું સત્ર વધુ સુવ્યવસ્થિત બનાવવાની સૂચના પણ અપાઈ છે. ગયા વર્ષે માર્ચમાં કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થતાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ ઑનલાઇન ક્લાસીસ તરફ વળ્યા હતા. જોકે, જૂન મહિનાથી નિયંત્રણો ધીમે-ધીમે દૂર થતાં અમુક રાજ્યોમાં સ્કૂલો આંશિક રીતે ફરી ખૂલવા લાગી હતી. સીબીએસઇએ આ મહિનાની શરૂઆતમાં ૧૦ તથા ૧૨મીના વર્ગો માટેની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું હતું.

February 11, 2021
election_coverage-1280x1047.jpg
1min559

સોનીફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વિસ્તારમાં જંગી લીડની તરફ અગ્રેસર ભાજપાની પેનલ

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું ભાથું લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ અને પીપલોદના મતદારો સુધી પહોંચી રહેલા ભાજપના ઉમેદવારો શ્રી અશોકભાઇ રાંદેરીયા, શ્રી વ્રજેશભાઇ ઉનડકટ, શ્રીમતી ડિમ્પલબેન કાપડીયા અને શ્રીમતી સુમનબેન ગડીયા જંગી લીડ મેળવવા આગેકૂચ કરી રહ્યા છે. જનસંપર્ક રાઉન્ડ દરમિયાન દરેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, શેરીઓ, મહોલ્લા, સમાજ, જ્ઞાતિઓ તરફથી ઉમેદવારોને શ્રીફળ, કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને ઉમળકાભેર આવકાર આપવા સાથે મતદારો તેમને મોટી સંખ્યામાં લીડ અપાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.

નાનપુરામાં કહાર માછી સમાજ તેમજ ખારવા સમાજે પ્રચારના પહેલા જ દિવસે ભાજપાના ઉમેદવારોનું જોરદાર સ્વાગત કર્યું હતું. કહાર માછી સમાજે મતદાનના દિવસે સૌથી પહેલા મત આપ્યા બાદ અન્ય કાર્યો કરવાનું સમાજના દરેક સભ્યોને આહવાન કર્યું હતું.

તા.10મી ફેબ્રુઆરીએ સાંજે પીપલોદ વિસ્તારમાં જનસર્પક રાઉન્ડ દરમિયાન ભાજપાના ઉમેદવારોએ નિર્મળ નગર, એસ.કે. પાર્ક સોસાયટી, દિવ્યજ્યોત એપાર્ટમેન્ટ, એ પછી ગોકુલમ ડેરી નજીક અશોક નગર, ઘોડદોડ રોડ પર ઉદયપુનમ એપાર્ટમેન્ટ, કાકડીયા કોમ્પ્લેકસ વગેરેના મતદારોને રૂબરૂ મળ્યા હતા. દરેક સ્થળો પર ભાજપાની પેનલના ઉમેવદવારોને ઉળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

February 11, 2021
tea.jpg
1min1125

ચાના શોખીન લોકો માટે કડવા સમાચાર એ છે કે ભારતમાં ચા ના ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે ચાના છૂટક ભાવમાં 30 ટકા જેટલો જંગી વધારો થયો છે. આ વધારો તબક્કાવાર ટૂંકાગાળામાં થયો હોવાથી લોકોને ખ્યાલ નથી આવ્યો પરંતુ, હવે સામાન્ય લોકોમાં આ ભાવ વધારાનો કચવાટ અને ગણગણાટ શરૂ થઇ ગયો છે.

લોકડાઉન દરમિયાન, ચા ઉગાડતા રાજ્યોમાં પ્રવાસી મજૂરોની ગેરહાજરીનો અર્થ એ છે કે, પાંદડાને સમયસર ચૂંટવામાં આવ્યા નહોતા, જેથી ઉત્પાદનમાં પણ અવરોધ આવ્યો હતો. ઓલ-ઈન્ડિયા ટી ટ્રેડર્સ અસોસિએશનનો (FAITTA) અંદાજ દર્શાવે છે કે, ગયા વર્ષના એપ્રિલ મહિનાથી ચાનું ઉત્પાદન આશરે 1.4 લાખ ટન જેટલું ઘટ્યું છે. જેનો અર્થ છે ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થયો છે.

‘2019માં ચાનું ઉત્પાદન 13.9 લાખ ટન ઉત્પાદન થયું હતું, જે ઘટીને 2020માં 12.5 લાખ ટન હતું. મહામારીના કારણે, સમયસર ન ચૂંટવાના કારણે ચાના પાન વધારે મોટા થઈ ગયા હતા. પરિણામે, ચાના કુલ ઉત્પાદનમાં ઘટાડો થઈને સ્ટોક આખો બરબાદ થઈ ગયો. જેના કારણે ચાના જથ્થાબંધ ભાવમાં 22 ટકાનો વધારો થયો છે, જે પ્રમાણે એક કિલોના ભાવ 300 રૂપિયા છે’, તેમ FAITTAના ચેરમેન વિરેન શાહે જણાવ્યું.

ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, 2019ની સરખામણીમાં 2020માં ચાની હરાજીના ભાવ 35 ટકા વધારે-આશરે 80 રૂપિયા પ્રતિ કિલો હતા. કારણ કે આ માગ અને પુરવઠા પર આધારિત વાજબી કિંમત શોધવાની પદ્ધતિનું પરિણામ હતું. આ વર્ષ દરમિયાન ચાના છૂટક ભાવમાં પ્રતિ કિલો આશરે 60થી 70 રૂપિયાનો વધારો થયો છે.

લોકડાઉન દરમિયાન ગુણવત્તાયુક્ત ચા મેળવવી તે એક પડકારજનક કામ હતું, તેમ અસર પર ટિપ્પણી કરતાં વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈએ કહ્યું. ‘જો કે, સર્વિસ હવે પ્રી-કોવિડ લેવલ પર પાછી આવી ગઈ છે. ચાના ભાવમાં વધારો થતાં વેપારીઓને ફટકો પડે છે, કારણ કે ઈંધણના વધતા-જતા ભાવ અને કન્ટેનરના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ધંધા માટે પડકારજનક છે’. તેમ તેમણે કહ્યું.

ચાના ભાવમાં વધારો થયો હોવા છતાં, ચાનું વેચાણ ઓછું થયું નથી. ‘ભારતમાં ચા કલ્ચર ખૂબ મજબૂત છે. તેથી જ લોકો ભાવમાં થયેલો વધારો સ્વીકારી લે છે. ગુણવત્તા માટે વધેલી પસંદગી સાથે, બ્રાન્ડેડ ચા, નોન-બ્રાન્ડેડની સરખામણીમાં વધુ વધારો મેળવી રહી છે’.

February 11, 2021
vaccine.jpg
1min474

કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ભારત દુનિયાના અનેક દેશોની વેક્સીનની મદદ પહોંચાડી રહ્યું છે. જે હેઠળ વિતેલા દિવસોમાં બાંગ્લાદેશ, નેપાળ સહિત દેશોમાં વેક્સીન ડોઝ મોકલવામાં આવ્યા હતા. હવે ભારતે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને 2 કરોડ 40 લાખ કોરોના વેક્સીનના ડોઝ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ જાન્યુઆરીમાં ભારત એક કરોડ પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા, પરંતુ આ મહિને વેક્સીન સપ્લાયનું પ્રમાણ લગભગ ડબલ છે.

ગત મહિને કેન્દ્ર સરકારે આ મુદ્દે માહિતી આપી હતી કે વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય દેશો અને સંગઠનોને કોમર્શિયલ આધાર પર વેક્સીન એક્સપોર્ટ પર નજર રાખશે. અત્યાર સુધી ભારત 20 દેશોને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરાયેલી વેક્સીનના 1.60 કરોડ ડોઝ સપ્લાય કરી ચૂક્યુ છે. આ દેશોની યાદીમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બહરીન, ઓમાન, બારબાડોસ, ડોમિનિકા જેવા દેશોને આશરે 60 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યું હતું. બ્રાઝીલ, મોરક્કો અને દક્ષિણ આફ્રિકા સહિત સાત દેશોમાં કોમર્શિયલ આધારે એક કરોડથી વધુ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યા હતા. 

જ્યારે ફેબ્રુઆરીમાં સઉદી અરબ, બ્રાઝીલ, મોરક્કો, મ્યાનમાર, નેપાળ, નિકારાગુઆ, મોરેશિયસ, ફિલિપીન્સ, સર્બિયા, યૂએઇ અને કતર સહિત 25 દેશોને કોમર્શિયલ બેઝ પર 2 કરોડ 40 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવાના છે. જોકે ભારત પાસેથી કોરોના વેક્સીન સપ્લાય મેળવવા માટે કેનેડાએ પણ રજૂઆત કરી હતી, પરંતુ હાલની યાદીમાં તેનું સામેલ કરાયુ નથી. 

February 11, 2021
priyanka-1.jpg
1min453

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ત્રણેય કૃષિ કાયદાને રદ કરી નાખશે.
બુધવારે સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે 19પપમાં જવાહરલાલ નેહરૂએ જમાખોરી વિરૂદ્ધ કાયદો ઘડયો હતો. પરંતુ આ કાયદાને ભાજપ સરકારે ખત્મ કર્યો છે. નવા કૃષિ કાયદા અબજપતિઓની મદદ કરશે. તેઓ ખેડૂતોની ઉપજનું મૂલ્ય નક્કી કરશે. કોંગ્રેસ આયોજિત કિસાન પંચાયતમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓ પર ખેડૂતોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યુ કે નવા ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા છે. કોંગ્રેસ સત્તામાં આવતા જ તેને રદ કરી નાખશે. જ્યાં સુધી તે ખત્મ નહીં થાય કોંગ્રેસની લડાઈ જારી રહેશે.

યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલી રેલી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કિસાન પંચાયતને સંબોધન સાથે મંદિરમાં પૂજા કરવા સાથે દરગાહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે યુપીના ર7 જિલ્લામાં જય જવાન, જય કિસાન અભિયાન છેડયુ છે. સહારનપુરમાં કિસાન મહાપંચાયતને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા હતા.

February 11, 2021
railroko.jpg
1min534

નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતી.

વર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.

દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.

સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.

February 10, 2021
CIA_Live_Logo_New2.jpg
3min527
No description available.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.

ટ્રસ્ટના માધ્યમથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની એક આદર્શ ‘કાયદા શિક્ષક એકેડમી’ની સ્થાપનાની પહેલ કરી છે. આ સંસ્થા વકીલો માટે સતત કાયદાકીય શિક્ષણ અને સંશોધનના કાર્યોનું વહન પણ કરશે.

IIL, ભારતની પ્રખ્યાત ડીમ્ડ યુનિવર્સિટી ‘કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)’ સાથે મળી અને તેની છત્રછાયામાં કામ કરશે.

આજ સુધી કાયદા શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાયદાના ક્ષેત્રમાં કોઈ તાલીમ સંસ્થા નહોતી. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ (IIL)ના માધ્યમથી કાયદા શિક્ષક તથા યુવા વકીલ પોતાના કાર્ય કૌશલ્યને વધારશે.

બી.સી.આઈ. ટ્રસ્ટે વર્ષ 1986માં બેંગ્લોરમાં નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટી નામની પહેલી સંસ્થાની સ્થાપના કરી હતી. જે આજે પણ દેશની મોડલ લૉ યુનિવર્સિટી છે. IIL દેશભરમાં આ પ્રકારની પહેલી સંસ્થા હશે. લાંબા સમયથી અમારી કાઉન્સિલ આ પ્રકારની સંસ્થા અંગે વિચારી રહી હતી.

પરંતુ બી.સી.આઈ.ની આ યોજના કોઈને કોઈ કારણથી સાકાર નહોતી થઈ શકી. જોકે, આખરે એક મહાન દૂરદર્શી શિક્ષણવિદ, લોકસભાના માનનીય સભ્ય અને KIIT અને KISS ડીમ્ડ યુનિવર્સિટીના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતજી સાથે પરામર્શ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ નિર્ણય કર્યો અને પ્રસ્તાવ પાસ કર્યો કે KIIT યુનિવર્સિટીના સહયોગ અને સમર્થનમાં ઓડિશાના ભુવનેશ્વરમાં Indian Institute of Lawની સ્થાપના કરવામાં આવે.
બી.સી.આઈ. ટ્રસ્ટે KIIT સાથે એક કરાર (MoU) કર્યો છે. તે પ્રમાણે KIITએ ભુવનેશ્વરના પટિયામાં આવશ્યક અને અતિ મૂલ્યવાન તથા ઉપયોગી જમીન ફાળવી. આ ઉપરાંત એક લાખ 50 હજાર વર્ગના પ્રસ્તાવિત પરિસરમાં માળખાગત સુવિધાઓમાં થનાર ખર્ચમાં 40 ટકા ખર્ચનું વહન કરવા માટે પણ KIIT રાજી થઈ છે.

એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ સંસ્થા વૈશ્વિક શિક્ષણના નકશા પર સમગ્ર ભારત, ખાસ કરીને ઓડિશા રાજ્યની સ્થિતિને મજબૂત બનાવીને કાયદાના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમય સુધી પ્રભાવ પાડશે. આ સંસ્થા વિશેષ રીતે ઓડિશા અને સામાન્ય રીતે સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થશે.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ નિરંતર કાયદાકીય શિક્ષણ, પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિફ્રેશન કોર્સ અને લર્નિંગ કોર્સ ફોર અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રેજોલ્યૂશનથી સંબંધીત કાયદા અને પદ્ધતિઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરશે. મધ્યસ્થતા અને સમાધાન શીખવા અને શીખવવા માટે વિવિધ કેન્દ્રો શરૂ કરાશે.. જેના માધ્યમથી આ કાયદાકીય, ન્યાયીક અને સામાજિક વિકાસના તમામ બિંદુઓમાં સંશોશન કરશે.. જેને પ્રકાશિત અને પ્રદર્શિત કરાશે.
આ સંસ્થા નિરંતર કાયદા શિક્ષણના ઉદ્દેશ માટે તાલીમ અને કાયદાકીય શિક્ષણના ગાળામાંથી પસાર થઈ રહેલા વકીલો માટે કાયદાના વિવિધ વિષયો પર કેસબુક, પત્રિકાઓ, સમાચારપત્ર વગેરે (હાર્ડ કોપી અને ઓનલાઈન તથા ઓફલાઈનના માધ્યમથી સોફ્ટ કોપી બંને) પ્રકાશિત કરશે.

સમયાંતરે આ સંસ્થા વકીલો, શિક્ષણવિદ અને ન્યાયવિદ માટે સંવાદ, તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન અને સંચાલન કરશે.

આ સંસ્થા ભારતની અંદર અને બહાર પોતાની પ્રગતી માટે National Law Universities અને અન્ય સારી કાયદા યુનિવર્સિટી, વ્યાવસાયિક એકમો, ન્યાયપાલિકા, સરકારી વિભાગો અને બિન સરકારી સંગઠનો અને વકીલોની વિવિધ સંઘ, બાર એસોસિએશન, સ્ટેટ બાર કાઉન્સિલ તથા દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ કાયદાકીય કાર્યો સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરશે.

પ્રથમ તબક્કામાં IILની નીચે પ્રમાણેની શાખાઓ હશે

  • 1. શૈક્ષણિક સ્ટાફ કોલેજ (ASC)
  • 2. સ્કૂલ ઓફ કન્ટિન્યૂઈન્ગ એજ્યુકેશન (SCE)
  • 3. IIL તાલીમ કેન્દ્ર (IIL-TC)
  • 4. કાયદાની સહાયતા કેન્દ્ર (CLA)
  • 5. વિદેશી ડિગ્રી ધારકો માટે બ્રિજ કોર્સ

IILના મેનેજમેન્ટ માટે ત્રણ એકમ એટલે કે સામાન્ય પરિષદ, કાર્યકારી પરિષદ અને શૈક્ષણિક પરિષદની રચના કરશે અને મેનેજમેન્ટ સંબંધી આ એકમોમાં સર્વોચ્ચ ન્યાયપાલિકા, સરકાર, શિક્ષણ મંત્રાલય, યૂજીસી, શિક્ષણવિદ, કાયદા વ્યવસાયના વરિષ્ઠ સભ્યો, ઓડિશાના મુખ્ય અને અન્ય ન્યાયધીશોનું પૂરતું પ્રતિનિધિત્વ હશે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ પ્રારંભિક 3 વર્ષ માટે સંસ્થાના ઉપરોક્ત કાર્યક્રમોને સ્વયં સંચાલિત કરશે. ત્યારબાદ કેટલીક નેશનલ લો યુનિવર્સિટીઝ અને અન્ય પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખતી સંસ્થાઓને પણ IILની જેમ અભ્યાસક્રમ પ્રદાન કરવાની મંજૂરી અપાશે.
અમે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ન્યાયધીશો, પૂર્વ ન્યાયધીશો, પ્રતિષ્ઠિત કાયદા નિષ્ણાતો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલો, બારના પ્રખ્યાત નેતાઓ અને NLU તથા અન્ય પ્રતિષ્ઠિત કાયદા શિક્ષકોના સક્રિય સહયોગ અને ભાગીદારીથી શિક્ષકોમાં કૌશલ્યવર્ધન કરવાનો નિર્ણય કર્યો છે. એવા લોકો જ સંસ્થાના માર્ગદર્શક, પૂર્ણકાલિન શિક્ષક અને અતિથિ શિક્ષક રહેશે.

આ ઉપરાંત બી.સી.આઈ. ટ્રસ્ટ ઉપરોક્ત કાર્યક્રમો માટે વિદેશના પ્રસિદ્ધ લૉ ડીન, શિક્ષણવિદ, જજ અને બારના પ્રતિનિધિઓ તથા સભ્યોને પણ આમંત્રિત કરશે.

ઉપરોક્ત તમામ કાયદાના દિગ્ગજ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપશે. જે ન માત્ર કાયદા શિક્ષકો અને વકલોને લાભાન્વિત કરશે પરંતુ તેઓને ભારત અને વિદેશના પ્રખ્યાત શિક્ષણવિદો સાથે વાર્તાલાપ કરવાનો અને શીખવાનો સારો અવસર અને મંચ પણ આપવામાં આવશે.

અમારૂં માનવું છે કે આ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ કાયદાકીય શિક્ષણ અને કાયદાના વ્યવસાયના ઈતિહાસમાં એક ઐતિહાસિક પગલું હશે. જે કાયદા અને ન્યાય સંબંધી શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ બનશે.

અમે ડૉ. અચ્યુત સામંતજી જેવા મહાન વ્યક્તિના આભારી છે. જેમણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો અને પોતાના ટ્રસ્ટના માધ્યમથી આ સંસ્થાની સ્થાપના માટે ભુવનેશ્વરમાં આટલી મોટી મૂલ્યવાન જમીન પ્રદાન કરી સાથે જ અન્ય યોગદાન પણ આપી રહ્યા છે.

હા, ડૉ.સામંત વાસ્તવમાં મનુષ્યના રૂપમાં એક ભગવાન છે. આપ સૌ જાણો છો ડૉ. સામંતે વિશ્વ સ્તરની બે-બે યુનિવર્સિટી, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, નર્સિંગ, લૉ, કલા અને અનેક અન્ય મોટી સંસ્થાઓના સંસ્થાપક છે. અંદાજે 35 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને દરરોજ ધોરણ એકથી લઈને અનુસ્નાતક સુધીનું મફત શિક્ષણ આપવા ઉપરાંત તેમના ભોજન, કપડા, રહેવા જેવી તમામ સુવિધા અને સેવાઓ વિનામૂલ્યે આપે છે. અમે દુનિયામાં આવા મહાન વ્યક્તિ અંગે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. જે આ પ્રકારે કઠોર સેવાને આટલી સરળતાથી શાનદાર રીતે કરી રહ્યા છે.

સામંતજી એક એવા વ્યક્તિ છે જે અવિવાહિત રહ્યા અને તેમના નામે જમીન કે સંપત્તિનો એક પણ ટૂકડો નથી. તેમની પાસે જે કંઈપણ છે તે છે સમાજ, ગરીબ અને અસહાય જનતા તથા યુવાનો માટે છે.

આ બધુ જ તેમણે પોતાની પૂર્ણ આસ્થા, સમર્પણ, દૂરદર્શિતા તથા અથાક પ્રયાસોના આધારે મેળવ્યુ છે. જેમાં ભગવાન જગન્નાથની અસીમ કૃપા છે અને આ જ કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્વસહમતીથી IIL જેવી અનોખી સંસ્થાને સ્થાપિત કરવાની સંપૂર્ણ જવાબદારી ડૉ. સામંતને સોંપવાનો સંકલ્પ કર્યો છે.

ભગવાન જગન્નાથજી તેઓને દીર્ઘાયુ અને નિરોગી રાખે, કાયદા શિક્ષણ અને કાયદા વ્યવસાયનું કલ્યાણ થાઓ.
મનન કુમાર મિશ્રઅધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા