CIA ALERT
08. May 2024

youngest yoga trainer Archives - CIA Live

February 22, 2022
Reyansh-copy.jpg
1min443

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શ્રેય અને સુરતીઓ વચ્ચે ગજબનું બોન્ડીંગ છે. પદ્મશ્રી જેવો ખિતાબ પામવાનું શ્રેય હોય કે પછી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોય, સુરતીઓની પ્રકૃતિમાં શ્રેય પામવાની બાબત સાહજિક છે. અહીં એવા સુરતી ટાબરીયા રેયાન્સ મિતુલ સુરાણીની વાત કરી રહ્યો છું જેણે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં સૌથી નાની ઉંમરે પ્રોફેશનલ યોગ ગુરુ બનવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. હાલમાં મિતુલ સુરાણી પરિવાર સાથે દુબઇ સેટલ થયા છે અને દુબઇમાં રેયાન્સ 50 લોકોને હાલમાં યોગાની પ્રોફેશનલ ટ્રેનિંગ આપી રહ્યો છે. 

વિશ્વમાં સૌથી નાની વયે યુગ ગુરુ બનવાનો વિશ્વ વિક્રમ

સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયામાં હાલ આ સમાચાર વાઇરલ થઇ રહ્યા છે કે જેમાં મૂળ સુરતના સૂરાણી પરિવારનો 10 વર્ષનો રેયાંશ સુરાણી સત્તાવાર રીતે દુનિયાનો સૌથી નાની ઉંમરનો યોગ ઈન્સ્ટ્રક્ટર બન્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝે તેના આ વિક્રમને સર્ટિફાઇડ કરીને તેને બહુમાન આપ્યું છે. મિતુલ સુરાણીના પારિવારીક મિત્ર સુરતના જગદીશ ઇટાલિયાએ આપેલી માહિતી મુજબ રેયાન્સને પરિવારમાંથી જ યોગ પ્રત્યેની રૂચી વધી હતી અને માત્ર એક વર્ષની નાની ઉંમરે જ એ યોગાસન કરતો થઇ ગયો તો.

રેયાન્સને યોગમાં એટલી લગન લાગી ગઇ હતી કે વ્યાવસાયિક યોગ ગુરુઓ જે પ્રકારની ટ્રેનિંગ લેતા હોય છે એવા યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ માટે રેયાંશ એક મહિનો ઋષિકેશ રહ્યો હતો અને કઠિન ગણાતી ટ્રેનિંગ સફળતાપૂર્વક પાર કરી હતી. આજે માત્ર દસ વર્ષની ઉંમરે રેયાન્સ જે પ્રકારના યોગાસન કરી રહ્યો છે એ ભલભલા એક્સપર્ટસને પણ છક્કડ ખવડાવી દે તેવા હોય છે. યોગની અલ્ટીમેટ સિદ્ધિ હાંસલ કરતા રેયાંશ સુરાણીએ (ઉંમર 10) 27 જુલાઈ 2021ના રોજ નવ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરના સર્ટિફાઈડ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગિનિસ રેકોર્ડમાં નામ નોંધાવી અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે. 

 સૌથી નાની વયના યોગ ગુરુ હવે મેટાવર્સને યોગ શીખવવા માગે છે

ગિનિસ બૂક ઓફ રેકોર્ડના પ્રેસ રિલીઝમાં રેયાંશે કહ્યું હતું કે, જ્યારે મને પહેલીવાર ખબર પડી કે અમે ભારતમાં ઋષિકેશ જઈ રહ્યા છીએ, ત્યારે હું ગ્રામીણ જીવન જીવવા માટે ઉત્સુક હતો. દુનિયાની તે બાજુમાં મેં પહેલીવાર જોઈ, જ્યાં આધ્યાત્મિકતા વધારે છે’. રેયાંશ પાસે ઈન્ટરનેટ કે એસીની સુવિધા પણ નહોતી. તે જલ્દીથી નવા વાતાવરણ સાથે અનુકૂળ થઈ ગયો હતો. ‘હું અલાઈનમેન્ટ, એનાટોમિક ફિલૉસોફી અને આયુર્વેદના પોષક તથ્યો વિશે શીખ્યો. તે એક તીવ્ર અભ્યાસક્રમ છે’, તેમ રેયાંશે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. હવે તેનું ડ્રીમ છે કે એ મેટાવર્સમાં જઇને યોગની ટ્રેનિંગ આપે.