CIA ALERT
19. May 2024

Us consul with SGCCI Archives - CIA Live

February 4, 2023
Cia_business_news-1280x936.jpg
1min257

મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી

મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી હતી. જેમાં ભારતમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ સાથે અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત એ ભારતના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે, આથી એમએસએમઇમાં કલાયમેટ ચેન્જ અંગે અમેરિકાની કન્સલ્ટન્ટ કંપનીઓ માર્ગદર્શન આપી શકે તેમ છે. આ ઉપરાંત ભારતની કઇ કઇ પ્રોડકટ માટે અમેરિકામાં માર્કેટ છે તેની યાદી ચેમ્બરને આપવા તેમણે યુએસ કોન્સુલ જનરલને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ માં અમેરિકાના ડલાસ અને એટલાન્ટા શહેરમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરાયું છે. તેમણે અમેરિકાના સૌથી મોટા હોટેલ એસોસીએશન આહોઆએ સુરત ખાતે ઉદ્યોગકારો સાથે કરેલી મિટીંગ વિષે પણ માહિતી આપી હતી.

અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ભારત સાથે આર્થિક અને સામાજિક સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધી રહયું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે બંને દેશો એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે ? તેના માટે પ્રયાસો થઇ રહયાં છે. બિઝનેસ ડેવલપમેન્ટ, વ્યકિતગત સંપર્કો અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા તથા હયુમન ટ્રેઇનીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે. જેના ભાગ રૂપે તેઓ ભારતના જુદા–જુદા રાજ્યોમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી રહયાં છે. અમેરિકામાં બિઝનેસ વધારવા માંગતા ઉદ્યોગકારોને તુરંત રિસ્પોન્સ આપવામાં આવે છે.

ઇકોનોમિક અને બિઝનેસ કલ્ચર ડેવલપ થાય તે રીતે યુએસ પોલિસી બનાવવામાં આવી છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસાર્થે આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા અને મેરીટલ વીઝા ઉપર ફોકસ કરવામાં આવી રહયો છે. કલ્ચરલ કનેકશન માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઇ રહયાં છે. ગુજરાતમાં વડોદરા અને હવે સુરતની મુલાકાત લીધી છે.

સુરત શહેર એ પ્રેકટીકલ બિઝનેસ કલ્ચર ધરાવે છે. અહીં કો–ઓપરેટીવ કલ્ચર જોવા મળ્યું છે. સુરતમાં મહિલા સાહસિકો જુદા–જુદા ઔદ્યોગિક સેકટરમાં તેઓનું યોગદાન આપી રહી છે. મહિલા સાહસિકોનું યોગદાન વધે તે હેતુથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે અમેરિકાની કંપનીઓ દ્વારા ફાયનાન્સ પ્રોવાઇડ કરવામાં આવશે. અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પોતાનો બિઝનેસ વધારી શકે તે દિશામાં ખાસ પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઇલેકટ્રીકલ વ્હીકલ મોબિલિટી પ્લાન્ટના અમલીકરણ માટે પણ મદદ કરવા પ્રયાસ કરાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ટેક્ષ્ટાઇલ અને જ્વેલરી પ્રોડકટ ડોમેસ્ટીક માર્કેટમાં વેચાઇ રહી છે પણ આ પ્રોડકટ્‌સ ગ્લોબલી માર્કેટને ધ્યાને લઇને બનાવી એક્ષ્પોર્ટ કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં કલાયમેટ ચેન્જ અંગે પેપ્સીકો કંપની દ્વારા બનાવવામાં આવેલો રિપોર્ટ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. સાથે જ અમેરિકાના માર્કેટ માટે ભારતીય પ્રોડકટની યાદી પણ તેઓ ચેમ્બરને આપશે. તેમણે કહયું કે, યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે ચેમ્બર ઓફ કોમર્સના ટેક્ષ્ટાઇલ સંબંધિત સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરોકત મિટીંગમાં ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા, ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેરમેન હર્ષલ ભગત તથા મહિલા ઉદ્યોગ સાહસિકોમાં ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા અને કો–ચેરપર્સન કૃતિકા શાહ, ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. અમિ યાજ્ઞિક, બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયના ભકતા, જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા પૂર્વી પચ્ચીગર અને વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સંગિતા ચોકસી ઉપસ્થિત રહયાં હતાં.