CIA ALERT
21. May 2024

Sumul ghari Archives - CIA Live

October 8, 2022
sumullogo.jpg
1min316

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતીઓનો પોતિકો પર્વ એટલે ચાંદની પડવો. શરદપૂર્ણિમાના બીજા દિવસને ચાંદની પડવો કે ચંદની પડવો તરીકે ગુજરાતી કેલેન્ડરમાં નિર્દેશિત કરવામાં આવે છે. ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર. ઘારી એટલે સુરતની પોતાની ઓળખ. વિશ્વ આખાને ઘારી બનાવતા સુરતે શીખવાડ્યું છે, અને હવે સુરતની પોતિકી સુમુલ ડેરીની ઘારી એટલે નંબર વન.

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સુમુલ ડેરી આ વખતે 100 ટન જેટલી ઘારીનું વેચાણ કરશે. તેમાંથી અત્યાર સુધીમાં 85 ટન જેટલી ઘારી તો વેચાઇ ચૂકી છે. આ પૈકી 12 ટન ઘારી સુગર ફ્રી (ખાસ કરીને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે, હેલ્થ કોન્સીયસ લોકો માટે) બનાવવામાં આવી હતી, સુગર ફ્રી ઘારીનો જથ્થો ચપોચપ વેચાઇ ચૂક્યો હોવાનું મનિષભાઇએ જણાવ્યું હતું. હજુ બે દિવસમાં 15 ટન જેટલી ઘારી સુમુલની વેચાઇ જશે તેવો અંદાજ છે.

ચંદી પડવાને હજુ 24 કલાકનો સમય બાકી છે ત્યારે સુમુલ ડેરીની ઘારી એકલા સુરતમાં જ નહીં પણ મુંબઇ અને દિલ્હી સહિત દેશના ખૂણેખૂણે પહોંચી ગઇ છે. સુરતીઓ પોતાના વહેવારને સાચવવા માટે પણ અરસપરસ ઘારી આપી રહ્યા છે. આ વખતે મળી રહેલા અંદાજો અને એડવાન્સ્ડ ઓર્ડરને જોતા સુમુલ ડેરીની ઘારીનું વિક્રમી વેચાણ થશે તેમાં બેમત નથી.

સુમુલ ડેરીની ઘારી અંગે ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મન સુમુલ ડેરીની ઘારીની વિશ્વસનીયતા સૌથી વધુ છે અને એટલે જ લોકોએ આ વખતે ઘારીના એડવાન્સ્ડ ઓર્ડર આપ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સુમુલ ડેરીના તંત્રએ ઘારી બનાવવા માટે જડબેસલાક વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે અને જે ઓર્ડર મળ્યા છે તેને સમયસર ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.