CIA ALERT
28. April 2024

Shiv Sena Uddhav Archives - CIA Live

October 9, 2022
ShivSena.jpeg
1min310

ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે. 

આઠ ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પક્ષ છે. ૨૫મી જૂન, ૨૦૨૨ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેશાઇએ પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. તેઓએ શિવસેના અથવા બાળાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઇ પણ રાજકીય પક્ષની સ્થાપના સામે વિરોધ નોંધાવ્યો હતો. 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે બાદ અનિલ દેસાઇએ ૦૧.૦૭.૨૦૨૨ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાં ૩૦ જુનના જારી કરાયેલા ત્રણ પત્રોને પણ અટેચ કર્યા હતા. જેમાં એ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારા ચાર સભ્યોએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડી દીધુ છે. અને તેથી સભ્યોને શિવસેના નેતાના ઉપનેતાના પદેથી હટાવવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સાવંત સામેલ હતા. 

સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. તેવી જ રીતે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ પક્ષના નામ અને ચિન્હ પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. બન્ને જૂથ દ્વારા હાલ શિવસેના નામ અને ચિન્હને લઇને ખેંચતાણ ચાલી રહી છે અને બન્નેની ફરિયાદો પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હાલ બન્નેમાંથી કોઇ જૂથ નામ કે ચિન્હનો આગામી આદેશ સુધી ઉપયોગ નહીં કરી શકે તેવી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેથી હાલ આગામી ત્રણ નવેમ્બરના રોજ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બન્ને જૂથોમાંથી કોઇ પણ નામ કે ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે. હાલ એવી છૂટ જરૂર આપવામાં આવી છે કે જે બન્ને જૂથ ઇચ્છે તો પોત પોતાના નામની પાછળ સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. હાલ ૧૦મીએ આ બન્ને જૂથોએ પંચ સમક્ષ નામ અને ફ્રી ચિન્હોમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા પડશે.