CIA ALERT
19. May 2024

Sarine Archives - CIA Live

May 30, 2022
Cia_business_news-1280x936.jpg
1min350

ડાયમંડ ઉદ્યોગને ઉપયોગમાં આવે એવી ટેક્નોલોજી અને મશીનરીની વૈશ્વિક કંપની સરીન દ્વારા તાજેતરમાં સુરતના 200થી વધુ હીરા પેઢીઓ પર જઇને કોર્ટ કમિશનની કાર્યવાહી કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો અને હીરા ઉદ્યોગની આ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક વિદેશી કંપની સામે દેશી ટેક્નોલોજી ઉત્પાદક તથા ઉદ્યોગકારો સાથે મળીને લડત આપશે. સ્થાનિક સ્તરે કોર્ટ કમિશન સામે વાંધો ઉઠાવવાથી લઇને કોર્ટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના નામે લડી લેવાનો મક્કમ નિર્ધાર આજે મળેલી મિટીંગમાં કરવામાં આવ્યો છે.વિશ્વ વિખ્યાત ડાયમંડ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક કંપની સરીનના સત્તાધીશોએ સુરતની હીરા પેઢીઓ પર કોપીરાઇટ સંદર્ભની કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને હીરા ઉધોગને છંછેડવામાં આવ્યા હતા. હવે પરીણામ એ આવ્યું છે કે સમગ્ર હીરા ઉદ્યોગ એક થઇને હવે વિદેશી વિરુદ્ધ દેશીનો જંગ ખેલવા માટે તૈયારી કરી ચૂક્યો છે.આજે બપોરે ત્રણ કલાકે મિનિબજાર ખાતે સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ મળેલી મિટીંગમાં હજારોની સંખ્યામાં ટેક્નોલોજી ઉત્પાદક અને વપરાશકર્તા બન્ને ઉપસ્થિત રહ્યા હતા અને મેક ઇન ઇન્ડિયા અને વિદેશી વિરુદ્ધ દેશીના નારા સાથે સરીન કંપનીની દબાવી દેવાની પ્રવૃતિ સામે ત્રણ તબક્કાએથી લડત શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. વિદેશી વિરુદ્ધ દેશીની આ લડાઈ કેવી હોવી જોઇએ એ બાબતે સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા, ડાયમંડ એસોસીએશનના મંત્રી દામજીભાઇ માવાણી, એડવોકેટ પ્રવીણભાઇ દેવમૂરારી વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએસનની સ્થાપના

સરીન કંપનીની કાર્યવાહીના વિરોધ કરવા માટે સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને તેમના વપરાશકારો અસરકારક રીતે લડત લડી શકે તે માટે એક નવા સંગઠનની રચના અને જાહેરાત આજે કરવામાં આવી હતી. સુરત ડાયમંડ મંશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ હવે કોપીરાઇટની તમામ લડત, રજૂઆતો, કાયદાકીય કેસો વગેરે કરવામાં આવશે. આગામી દિવસોમાં આ સંગઠનનું સ્વરૂપ નક્કી કરવામાં આવશે.

સરીન કંપની સામે આ રીતે લડત લડાશે

  • સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને વપરાશકર્તાઓની એક્ઝિક્યુટિવ કમિટીની રચના
  • સ્થાનિક કોર્ટમાં કેસોના પ્રોસેડિંગ માટે વકીલની પેનલની નિમણૂંક-
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરવા માટે કમિટીની રચના-
  • સ્થાનિક પેઢી પર કોર્ટ કમિશન સામે વાંધા નોંધાવવાનું વ્યક્તિગત અભિયાન

કોર્ટ કમિશન આવે તો ગભરાવ નહીં તેની સામે વાંધો ઉઠાવોઃ વકીલ પ્રવીણ દેવમૂરારી

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલીક પેઢીઓ સામે સરીન નામની ઇઝરાયેલની કંપનીએ કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને કોપીરાઇટ સંદર્ભનું પ્રોસિડિંગ કરતા હચમચી ઉઠેલા હીરા ઉદ્યોગકારોએ આજે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ જાહેરસભામાં ટેક્નોલોજી અને મશીનરીના સ્થાનિક ઉત્પાદકો અને વપરાશકર્તાઓને માર્ગદર્શન આપતા વકીલ પ્રવીણ દેવમૂરારીએ જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીથી ગભરાય જવાની જરૂર નથી. હકીકતમાં આપણી સમસ્યા આપણા કારણે અથવા આપણામાંથી જ કોઇક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને કારણે ઉભી થઇ છે. ઇઝરાયેલની કંપનીએ પોતાની મશીનરીના કોપીરાઇટ અમેરીકામાં રજિસ્ટર્ડ કરાવ્યા છે એટલે ભારતને કોપીરાઇટ લાગૂ પડે છે. કોઇ કંપનીનું સીધેસીધું ડુપ્લિકેટીંગ પકડાય તો એ ગુનો બને પણ તેના જેવી સ્થાનિક ઉત્પાદિત વસ્તુનો વપરાશ કરી શકાય. હાલમાં સરીનની કાર્યવાહી સંભાવનાઓ અને શક્યતાઓ આધારીત છે. હજુ સુધી કંપની તરફથી કોર્ટમાં કશું જ રજૂ કરાયું નથી.વકીલ દેવમૂરારીએ કહ્યું કે કોર્ટ કમિશન આવે તો ગભરાયા વગર તેનો વિરોધ કરો, લેખિતમાં વાંધો નોંધાવો અને જ્યાં સુધી પૂર્તતા ન થાય ત્યાં સુધી તેને કાર્યવાહી ન કરવા દો. કોર્ટ કમિશન એ આધાર પુરાવો નથી પણ સાંયોગિક પુરાવો છે.