CIA ALERT
16. May 2024

Record break Sun heat across gujarat Archives - CIA Live

May 12, 2022
sunstroke.jpg
1min282

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.