CIA ALERT
05. May 2024

RE-NEET Archives - CIA Live

July 30, 2022
neet_ug.jpg
1min376

અનેક વિદ્યાર્થીઓનું નીટ પરીક્ષા ખરાબ ગઇ હોઇ, ડોક્ટર બનવાનું સપનું રોળાતું અટકાવવાના બહાને રી-નીટ કોચીંગ ક્લાસ જોઇન કરવા સ્કોલરશીપના લોભપ્રલોભનો આપવા માંડ્યા

RE-NEET આપનારા કેટલા ટકા વિદ્યાર્થીઓ બીજા વર્ષે નીટમાં સારો સ્કોર લાવીને મેડીકલમાં જઇ શકે છે તેવા સાચા આંકડા વાંચ્યા પછી જ રી-નીટનો નિર્ણય લેવો જોઇએ

સુરત શહેરમાં જેઇઇ અને નીટ એવી પરીક્ષાઓ છે કે જેમણે શિક્ષણ જગતમાં કેટલાક ધંધાદારીઓને પેંધા પાડી દીધા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની કમજોરીનો ફાયદો ઉઠાવતા આવા કેટલાક ધંધાદારી કોચીંગ ક્લાસીસોએ હજુ નીટ 2022નું પરીણામ જાહેર થયું નથી આમ છતાં રી-નીટ (2023)ના પાટીયા ઝૂલતા કરી દીધા છે. નીટ-2022નું પેપર જે વિદ્યાર્થીઓનું ખરાબ ગયું છે એવા વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાના સપના બતાવીને, રી-નીટમાં સ્કોલરશીપના નામે ફીમાં રાહતો આપીને ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ જાળ બિછાવી છે.

ગઇ તા.17મી જુલાઇના રોજ મેડીકલ અને ડેન્ટલની પ્રવેશ પરીક્ષા નીટ 2022 દેશભરમાંથી અંદાજે 16.50 લાખ વિદ્યાર્થીઓ અને સુરત શહેરમાંથી અંદાજે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. નીટ પરીક્ષા પૂરી થયા બાદ અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમનું પેપર ખરાબ ગયું અને હવે તેમનું તબીબ બનવાનું સપનું રોળાય જશે તેવી લાગણી કોચિંગ ક્લાસીસો તથા શાળાના શિક્ષકો સમક્ષ વ્યક્ત કરી હતી.

અનેક વિદ્યાર્થીઓના તબીબ બનવાના સપનાને પૂરું કરવા માટે વધુ એક તક ઝડપી લો એવી ટેગ લાઇન સાથે કેટલાક ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ વિદ્યાર્થીઓને રી-નીટ એટલે 2023ની નીટની પરીક્ષા માટે અત્યારથી જ કોચિંગ શરૂ કરી દેવા માટે ઓફરો આપવાનું શરૂ કરી દીધું છે.

કોચિંગ ક્લાસીસોના સંચાલકોની આ પ્રવૃતિથી અકળાયેલા જાગૃત વાલી નીતિનભાઇ પટેલે કહ્યું કે હજુ તો નીટનું પરીણામ સુદ્ધાં આવ્યું નથી. એ પહેલા રીનીટ માટે વિદ્યાર્થીઓનું કોચિંગ શરૂ કરાવી દેવાની ઓફરો આપતા ક્લાસીસોને રોકનાર કોઇ છે કે નહીં. તબીબ ન બની શકાય તે મેડીકલ, પેરામેડીકલમાં અન્ય અભ્યાસક્રમોમાં પણ સારી તક મળી શકે તેમ છે પરંતુ, વિદ્યાર્થીઓની લાગણીની આડમાં રીનીટ માટે પ્રોત્સાહિત કરનાર કોચિંગ ક્લાસીસો પર નિયંત્રણ લાગવું જોઇએ તેવી માગ તેમણે કરી છે. 

દર વર્ષે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ રી-નીટ (તેરમું વર્ષ) વિકલ્પ અપનાવે છે

મળતી માહિતી મુજબ તબીબ બનવા માટે ભારતમાં નીટ યુજી પરીક્ષામાં સારો સ્કોર જરૂરી છે. એના વગર મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી શકતો નથી. આથી ગુજરાતમાં દર વર્ષે અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ રી-નીટ એટલે કે ધો.12 પછી બીજું એક વર્ષ (તેરમું વર્ષ) પણ નીટનો અભ્યાસ કરીને તેરમા વર્ષે રી-નીટ પરીક્ષા આપતા હોય છે. જાણકારો જણાવે છે કે રી-નીટ આપનારા પૈકી માંડ એક ટકા વિદ્યાર્થીઓ તેમના અગાઉના નીટના સ્કોર કરતા સારો સ્કોર લાવી શકે છે બાકીના વિદ્યાર્થીઓ જીવનનું એક મહામૂલું વર્ષ બગાડીને બીજા વર્ષે પણ મેડીકલ સિવાયના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો પડે છે.