CIA ALERT
29. April 2024

Ras Archives - CIA Live

September 26, 2022
amba.png
1min352

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.