CIA ALERT
18. May 2024

rajkot crime branch Archives - CIA Live

April 20, 2022
rajkot_police.jpg
1min381

રાજકોટ ક્રાઇમબ્રાંચના ચાર પોલીસ કર્મચારી દ્વારા સાયલા પાસેથી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકનું અપહરણ કર્યાના મામલે સાયલા પોલીસે ચાર પોલીસમેન તથા બુટલેગરો સહિત 11 ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ દ્વારા ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર સહિત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.

આ ચર્ચાસ્પદ બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અને અગાઉ રૂ.9પ લાખના તોડકાંડ મામલે વિવાદમાં આવેલા દેવા ધરજિયાને મળેલી બાતમીના આધારે ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતના કાર લઈને દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવા માટેથી સાયલા પહોંચ્યા હતા અને સાયલા પાસેથી 394 પેટી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને ઉપાડી લઈ રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટ-મોરબી બાયપાસ પાસેથી પહોંચ્યા હતા ત્યારે સ્ટેટ વિજિલન્સ સેલના સ્ટાફે દારૂ ભરેલી ટ્રકને આંતરી હતી અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે રોફ જમાવવા જતા સ્ટેટ વિજિલન્સનો સ્ટાફ હોવાની જાણ થતા હોશકોશ ઉડી ગયા હતા અને ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસિયા અને પીઆઇ જે. વી. ધોળાને જાણ કરવામાં આવી હતી અને સાયલા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઉઠાવી લીધાની વાત કરતા સમગ્ર મામલો સ્ટેટ વિજિલન્સના વડા નિર્લિપ્ત રાય પાસે પહોંચ્યો હતો અને તમામને સાયલા પોલીસ મથકે લઈ જઈને ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવતા પોલીબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

સાયલા પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રકચાલક જગદીશ ઉમેદરામ બેનીવાલની ફરિયાદ પરથી રાજકોટ ક્રાઇમ બ્રાંચના દેવા જાદવ ધરજિયા, સુભાષ સોડા ઘોઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજા, ટ્રકમાલિક રાજસ્થાનના બાબુલાલ જાટ, દારૂનો જથ્થો સપ્લાય કરનાર શૂટર નામનો શખસ, સાયલા પાસે પાણીની બોટલ લઈને ટ્રકમાં બેઠેલો શખસ, રાજકોટનો બુટલેગર સૌરભ ઉર્ફે લાલો ચંદારાણા, છાસિયા ગામનો ભાણો તથા તપાસમાં ખૂલે તે સહિતના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જો કે આ પ્રકરણમાં સાથે રહેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના કડછાને પણ સાયલા પોલીસ મથકે લઈ જવામાં આવેલ બાદમાં તેની ભૂમિકા સંદર્ભે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયલા પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી તેમજ ચારેય પોલીસ કર્મચારીઓના મોબાઇલ અને કાર કબજે કર્યા હતા. પોલીસે ચારેયના મોબાઇલની કોલડીટેઇલ તેમજ વોટ્સએપ કોલ સહિતની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર દારૂના કાંડના અંકોડા મેળવવા માટેથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે 394 પેટી દારૂ-ટ્રક અને મોબાઇલ સહિત રૂ.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન દારૂ કાંડ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદે ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના જે.કડછા, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, દેવા ધરજિયા, સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કરી દેતો હુકમ કર્યો હતો તેમજ મહિલા ફોજદાર ભાવના કડછાની ભૂમિકા સંદર્ભે પણ રાબેતા મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાઈ રહ્યંy છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ચારેય પોલીસ કર્મચારીના મોબાઇલ કબજે કર્યા હોય તેની કોલ ડિટેઇલ-વોટ્સએપ કોલ સંદર્ભેની માહિતીના આધારે આગામી દીવસોમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ કે કર્મચારીઓને રેલો આવે તેવા પણ નિર્દેશો સાંપડી રહ્યા છે.