CIA ALERT
04. May 2024

Rahul Gandhi at ED Archives - CIA Live

June 22, 2022
rahul_ed.jpg
1min237

નેશનલ હેરાલ્ડ કેસમાં Dated 21/6/22, પાંચમીવાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. બીજીબાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી અને સેનામાં ભર્તી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે 21/6/22, કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન જારી રાખતા આજે કૂચ કાઢી હતી. જેમાં અનેક નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

ચાર દિવસમાં 40 કલાકની પૂછપરછનો સામનો કરી ચૂકેલા રાહુલ ગાંધી આજે 21/6/22, સવારે 11.1પ કલાકના સુમારે પાંચમા દિવસની પૂછપરછ માટે ઈડીનાં વડામથકે પહોંચી ગયા હતા. રાહુલની પૂછપરછ શરૂ થઈ ત્યારથી કોંગ્રેસે શરૂ કરેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાને રાખતા આજે પણ તપાસ એજન્સીનાં કાર્યાલય આસપાસ પોલીસ અને અર્ધસૈન્ય દળના જવાનોની ભારે તૈનાતી રાખવામાં આવી હતી અને 144 જેવા પ્રતિબંધાત્મક આદેશ પણ આપવામાં આવ્યા હતા.

રાહુલની પૂછપરછ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે, આ કાર્યવાહી માત્રને માત્ર પક્ષનાં પૂર્વ અધ્યક્ષને નીચા દેખાડવા માટે કરવામાં આવી રહી છે, કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાં કંઈપણ બંધારણીય કે કાનૂની નથી. આજે સત્યાગ્રહ કૂચ પહેલા કોંગ્રેસે એવો દાવો પણ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે પક્ષનાં વડામથક સામે જ રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દીધી હતી.

આજે 21/6/22 કૂચ પહેલા કોંગ્રેસનાં વડામથકનાં પરિસરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ, સાંસદો એકત્રિત થયા હતા. તેમણે રાહુલ સામે કાર્યવાહી ઉપરાંત અગ્નિપથ યોજનાનો વિરોધ પણ કર્યો હતો.

ગહેલોતે કહ્યું હતું કે, કોંગ્રેસનાં નેતૃત્વ સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે નિંદનીય છે. આખો દેશ બધું જોઈ રહ્યો છે. આવું જ ઇન્દિરા ગાંધીનાં સમયમાં થયું હતું. આખા દેશને જાણ છે કે, રાહુલ એકમાત્ર એવા નેતા છે જે મોદીનો મુકાબલો કરી શકે છે. કોંગ્રેસનાં મુખ્યાલયેથી નેતાઓ, સાંસદો અને સમર્થકોએ કૂચ કાઢી હતી. જો કે પોલીસે તેને અટકાવી દીધી હતી.