CIA ALERT
16. May 2024

Naylon yarn Archives - CIA Live

October 1, 2022
Cia_business_news-1280x936.jpg
1min590

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું કે મનસ્વી રીતે યાર્નના ભાવમાં વધઘટ કરતા સ્પીનર્સે વીવીંગ કારખાનેદારોની નીતિ સામે ઝૂકવું પડ્યું છે અને નાયલોન યાર્નના પ્રતિ કિલોના ભાવમાં એક જ ઝાટકે રૂ.30નો જંગી ઘટાડો કરવો પડ્યો છે. નાયલોન યાર્નનો સપ્લાય કરતા 19 પૈકી એક સ્પીનરે રાતોરાત ભાવ ઘટાડી દેતા હવે અન્ય કંપનીઓએ પણ ભાવ ઘટાડવાની ફરજ પડશે.

  • પાંડેસરા વિવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ કરી હતી અપીલ
  • નાયલોન વપરાશકારોએ પેનિક બાઇંગ કર્યું નહીં, મર્યાદિત ખરીદી કરી
  • નાયલોન યાર્નના ભાવમાં નફાનો ફુગાવો વસૂલ કરી રહ્યા હતા સ્પીનર્સ
  • એક સ્પીનરે યાર્નના ભાવ ઘટાડ્યા, હવે અન્યોને ફરજ પડશે
  • હજુ પણ નાયલોન યાર્ન વપરાશકારોએ જરૂર મુજબની ખરીદી કરવાની સલાહ

પાંડેસરા વીવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે ગઇ તા.23મી સપ્ટેમ્બરના રોજ તેમણે દરેક વીવીંગ કારખાનેદારોને અપીલ કરી હતી કે આંતર રાષ્ટ્રીય બજારમાં નાયલોન યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા રો મટિરિયલના ભાવ ઘટ્યા છે અને તેને પગલે નાયલોન યાર્નના ભાવ ઘટવા જોઇએ પરંતુ, સ્પીનર્સે ભાવ ઘટાડવાની જગ્યાએ કોણીએ ગોળ વળગાડવાની નીતિ અપનાવતા સામી દિવાળીએ વીવીંગ કારખાનેદારોએ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો હતો. જેને લઇને વીવીંગ કારખાનેદારોની યાર્નની ખરીદી ખપ પૂરતી  સિમીત બની ગઇ હતી.

એક જ સપ્તાહમાં નાયલોન યાર્ન સ્પીનર્સે ભાવ ઘટાડો કરવાની સ્થિતિમાં આવવું પડ્યું છે.વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે નાયલોન યાર્નના ઉત્પાદકો પૈકી પ્રફુલ કંપનીએ આજે તા.1લી ઓક્ટોબરથી જ અમલમાં આવે તે રીતે નાયલોન યાર્નના પ્રતિ કિલોના રૂ.285ના ભાવમાં સીધો જ રૂ.30નો ઘટાડો કરીને નવો ભાવ રૂ.255 પાડ્યો છે. વીવીંગ કારખાનેદારો પેનિક બાઇંગથી દૂર રહ્યા અને ખપ પૂરતી જ યાર્નની ખરીદી કરી તેને કારણે યાર્નના ભાવ ઘટ્યા છે. વીવર્સે હજુ પણ ખરીદીમાં ઉતાળવ કર્યા વગર જરૂરીયાત પ્રમાણેની ખરીદી કરશે તો હજુ પણ યાર્નના ભાવમાં જે ફુગાવો થયો છે તેનો તોડી શકાશે.

સ્પીનર્સોમાં ભાવ ઘટાડવાના મુદ્દે પડી તકરાર

સુરતના વીવીંગ કારખાનેદારો પાસેથી વર્ષોથી મનસ્વી રીતે ભાવ વસૂલતા આવેલા નાયલોન યાર્ન સ્પીનર્સમાં યાર્નના ભાવ ઘટાડવાના મુદ્દે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીનર્સ વીવર્સની ધીરજ ખૂટાડવા માંગતા હતા. વીવર્સ થોડા દિવસમાં જ યાર્નના ભાવ વધશે તેવા ભયે પેનિક બાઇંગ કરીને યાર્ન ખરીદવા માંડશે એવી ગણતરી રાખીને બેઠેલા સ્પીનર્સની ધારણા ખોટી પડી અને સ્પીનર્સ પૈકીની જ એક કંપનીએ આજે નાયલોય યાર્નના ભાવ 15 ટકા જેટલા એક જ ઝાટકે ઓછા કરી દીધા છે. મળતી માહિતી મુજબ યાર્નના ભાવના ખેલમાં હવે વધુ સ્પીનર્સે ઘસડાવું પડશે નહીં તો તેમની પાસેથી મોંઘા ભાવનું યાર્ન કોઇ ખરીદશે નહીં.