CIA ALERT
06. May 2024

Morbi CEO Suspended Archives - CIA Live

November 4, 2022
morbi.png
1min338

મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.

મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.

આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.