CIA ALERT
05. May 2024

kanji bhalal Archives - CIA Live

January 26, 2023
cia_multi-1280x1045.jpg
1min244

સિવિલ ડિફેન્સ સુરત એકમના ચીફ વોર્ડન કાનજીભાઈ ભાલાળાની દીર્ઘકાલીન પ્રશંશનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. ૭૪માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજી દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્યમાંથી એક વ્યક્તિ શ્રી કાનજીભાઈ ભાલાળા ના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોઈ દુર્ઘટના સામે તાલીમ અને રક્ષણ આપવાના હેતુથી સરકારશ્રીએ સિવિલ ડિફેન્સના સુરત એકમની સ્થાપના 1997થી થઈ છે. સુરત શહેર સિવિલ ડિફેન્સ દેશના સક્રિય યુનિટ પૈકી એક છે. ખૂબ મોટી સંખ્યામાં વોર્ડન્સ સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રની સેવા માટે જોડાયેલા હોય છે. સુરત શહેરમાં પોલીસ સ્ટેશન પ્રમાણે કુલ 24 સિવિલ ડિફેન્સ ના ડિવિઝન હાલ કાર્યરત છે. તમામ ડિવિઝનના સંકલન અને વ્યવસ્થા માટે નાગરિક સંરક્ષણના નિયંત્રક તરીકે કલેક્ટરશ્રી હોય છે અને સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તરીકે કાનજીભાઈ ભાલાળા ૨૦૦૧ થી કાર્યરત છે. સુરતના અગ્રણી સામાજિક કાર્યકર તરીકે અનેકવિધ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. દુર્ઘટના સમયે લોકસેવાના કાર્યમાં પણ અગ્રેસર રહ્યા છે. ૨૦૦૧ માં નાગરિક સંરક્ષણ યુનિટમાં જોડાયા ૨૦૦૬ થી ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે જવાબદારી સંભાળી હતી. ૨૦૨૦ માં સુરત શહેર સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે નિયુક્તિ થઈ હતી. સિવિલ ડિફેન્સમાં હજારો વોર્ડન્સ સેવાભાવથી જોડાયેલા છે. સુરતમાં સક્રિય રીતે કામગીરી થાય છે. ૨૦૦૬ ના વિનાશક પુર સમયે નાગરિક સંરક્ષણ દળે બચાવ-રાહત-મેડિકલ-સફાઈ વગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી…અનેક ઘટના સમયે પોલીસ તથા કલેકટર ઓફિસના અધિકારીશ્રીઓના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવતી હોય છે. સુરત યુનિટ પ્રશંસનીય કામગીરીમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કાનજીભાઈએ કામગીરી કરી છે. ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ભલામણ થઈ હતી અને આજે જાહેરાત થઈ છે.

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના એક કાર્યકર્તા તરીકે છેલ્લા ૪૦ વર્ષથી કાનજીભાઈ ભાલાળા નોંધનીય કામગીરી કરી રહ્યા છે. હાલ તેઓ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ છે. સૈનિકોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરતના તેઓ ૧૯૯૯ થી મુખ્ય ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત ૧૯૯૫ માં શરૂ થયેલ ગુજરાતની અગ્રણી સહકારી બેંક વરાછા કો-ઓપરેટીવ બેંકના તેઓ સ્થાપક ડિરેક્ટર છે અને એમ.ડી. તથા ચેરમેન તરીકે તેમને બેન્કિંગ સેક્ટરમાં મહત્વનું કાર્ય કર્યું છે.

કોરોના મહામારી અને લોકડાઉનના સમયે ગુજરાત સરકારશ્રીની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓમાંથી સરળતાથી ધિરાણ આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહમ્મદ નવેદ શેખ તથા મેહુલ સોરઠીયા અને વિજય શૈરાએ સિવિલ ડિફેન્સ એકમ વતી અભિનંદન પાઠવ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, જય જવાન નાગરિક સમિતિ સુરત તથા વરાછા કો-ઓપ. બેન્ક સુરત વતી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવે છે.