CIA ALERT
18. May 2024

India won against south africa Archives - CIA Live

October 3, 2022
india-vs-sa.png
1min254

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝની બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. હવે ત્રીજી મેચ માત્ર ઔપચારિકતા જ બની રહેશે. ભારતે સાઉથ આફ્રિકાને બીજી ટી-20 મેચમાં 16 રને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારતે જીત માટે આપેલા 238 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.

ડેવિડ મિલરે 47 બોલમાં 106 રન ફટકાર્યા હતા અને તે છેક સુધી સાઉથ આફ્રિકાને જીતાડવા માટે ઝઝૂમ્યો હતો અને અણનમ રહ્યો હતો. જ્યારે ક્વિન્ટન ડિ કોક પણ ઓપનિંગથી અંત સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકા માત્ર 16 રન માટે મેચ હારી ગયું હતું. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતીય ટીમે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે.

સાઉથ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 1 રને જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ્બા બાવુમા ખાતું ખોલાવ્યા વિના જ અર્શદીપનો શિકાર બન્યો હતો. તે પછી ક્વિન્ટન ડિ કોકને સાથ આપવા ક્રિઝ પર ઉતરેલો રિલી રોશૉ પણ શૂન્ય રને અર્શદીપનો શિકાર બન્યો હતો. જોકે, તે પછી એડન માર્કરમે ડિ કોકનો સાથ આપતા 33 રન બનાવ્યા હતા. જોકે, આ જોડીને અક્ષર પટેલે તોડી નાખી હતી. તે પછી ડી કોક સાથે ડેવિડ મિલર જોડાયો હતો. તે ધૂંઆધાર સદી ફટકારી અણનમ રહ્યો હતો. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ભારત તરફથી અર્શદીપે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 96 રન જોડ્યા હતા. કેએલ રાહુલે 28 દડામાં 57 રન અને રોહિત શર્માએ 37 દડામાં 43 રન ફટકાર્યા હતા. રોહિતના આઉટ થયા પછી બેટિંગમાં આવેલા વિરાટ કોહલીએ પણ સાઉથ આફ્રિકાના બોલરોની ધોલાઈ ચાલુ રાખી હતી. 107 રનના સ્કોરે કોહલી અને રાહુલની ભાગીદારી તૂટી હતી. રાહુલના આઉટ થયા પછી કોહલી સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર તો આવતાની સાથે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે જોતજોતમાં 22 દડામાં 61 રન ફટકારી દીધા હતા. કમનસીબે તે 61 રનના અંગત સ્કોરે રનઆઉટ થઈ ગયો હતો. તે પછી વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 237 રને પહોંચાડ્યો હતો. દિનેશ કાર્તિકે 7 દડામાં બે છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 17 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કોહલી 28 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો.

સાઉથ આફ્રિકા તરફથી એકમાત્ર કેશવ મહારાજને જ વિકેટ મળી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. એ સિવાય સાઉથ આફ્રિકાનો કોઈ બોલર ભારતીય બેટ્સમેનો પર પ્રભાવ જમાવી શક્યો ન હતો.