CIA ALERT
26. April 2024

Girls dominate UPSC 2021 Archives - CIA Live

May 31, 2022
upsc-topper.jpg
1min316

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાના પરિણામોમાં ટોચની ત્રણ રૅન્ક ગર્લ્સને ફાળે ગઈ છે. ૬૮૫ ઉમેદવારોમાં પ્રથમ સ્થાન શ્રુતિ શર્માએ, બીજું સ્થાન અંકિતા અગ્રવાલે અને ત્રીજું સ્થાન ગામિની સિંગલાએ પ્રાપ્ત કર્યા છે. ઉત્તીર્ણ થયેલા ૬૮૫ પરીક્ષાર્થીઓમાં ૫૦૮ યુવકો અને ૧૭૭ યુવતીઓનો સમાવેશ હતો. ઉત્તીર્ણ ઉમેદવારોની કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં નિયુક્તિની ભલામણ યુ.પી.એસ.સી.એ કેન્દ્ર સરકારને કરી છે. 

પ્રથમ સ્થાને આવેલી શ્રુતિ શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસમાં સ્નાતક, બીજા સ્થાને આવેલી અંકિતા અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. અંકિતાએ વૈકલ્પિક વિષયો રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બીજી રૅન્ક મેળવી છે. કૉમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (બૅચલર ઑફ ટેક્નોલૉજી)ની ડિગ્રી મેળવનારી ગામિની સિંગલાએ વૈકલ્પિક વિષય રૂપે સોશિયોલૉજીમાં ત્રીજી રૅન્ક મેળવી હતી. ઐશ્ર્વર્ય વર્માએ ચોથી અને ઉત્કર્ષ દ્વિવેદીએ પાંચમી રૅન્ક મેળવી હતી. ટોચના પચીસ ઉમેદવારોમાં ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને પરીક્ષામાં પાસ ન થયા હોય એવા ઉમેદવારોને ઉદ્બોધનમાં પ્રોત્સાહનના શબ્દો કહ્યા હતા.


યુ.પી.એસ.સી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સફળ ઉમેદવારોમાં ટોચના પચીસ ક્રમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષામાં વૈકલ્પિક વિષયોમાં નૃવંશશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, હિન્દી સાહિત્ય, ઇતિહાસ, ગણિત, તબીબી વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સાર્વજનિક વહીવટ, સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી) અને ઝૂઓલૉજીની પસંદગી કરી હતી.