CIA ALERT
21. May 2024

Dhankhad Archives - CIA Live

July 17, 2022
dhankhad.jpg
1min254

– ખેડૂત પુત્ર જગદીપ ધનખડ બંધારણના જાણકાર : પીએમ મોદી

– સંસદની કુલ 780માંથી 394 બેઠકો પર એનડીએનો કબજો હોવાથી ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને રાજસ્થાનના જાટ નેતા જગદીપ ધનખડને ભાજપે શાસનક પક્ષ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરીને દેશને વધુ એક વખત ચોંકાવી દીધો છે. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂત પુત્ર જગદીપ ધનખડે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ધનખડની પ્રશંસા કરતા કહ્યું, તેઓ બંધારણના જાણકાર છે.

ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના નામો અંગે ચર્ચા થઈ હતી. અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. ઉપરાંત તેમણે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહની પણ મુલાકાત કરી હતી. ભાજપ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સભ્યોમાં બહુમતી ધરાવતો હોવાથી ૭૧ વર્ષીય જગીદપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત મનાય છે.  સંસદની વર્તમાન કુલ ૭૮૦ બેઠકોમાંથી ભાજપ પાસે ૩૯૪ બેઠકો છે જ્યારે ઉપરાષ્ટ્રપતિના મતદાન માટે તેને ૩૯૦ સાંસદોના મતની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૧૯ જુલાઈ છે અને ૬ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાશે.

જગદીપ ધનખડના નામની જાહેરાત પછી પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, ખેડૂત પુત્ર જગદીપ ધનખડ વિનમ્રતા માટે ઓળખાય છે. તેઓ બંધારણના જાણકાર છે. તેમને કાયદાઓનું પૂરેપૂરું જ્ઞાાન છે. તેમણે હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોના ભલા માટે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે રાજ્યસભાના સભાપતિ તરીકે દેશને આગળ વધારવાના આશયથી તેઓ ગૃહની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે.

જુલાઈ ૨૦૧૯માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળ્યા પછી જગદીપ ધનખડ અને મમતા બેનરજીની સરકાર અનેક વખત આમને-સામને આવી ગઈ હતી. તેમના ઉશ્કેરણીજનક કાર્યોની શાસક તૃણમૂલ કોંગ્રેસે આકરી ટીકા કરી હતી જ્યારે ભાજપ તેનું સમર્થન કરતું હતું. બંગાળમાં મમતા બેનરજીની સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખડના સંબંધો સતત તણાવપૂર્ણ રહ્યા હતા.

જગદીપ ધનખડ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં છે. ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં ઝુંઝુનુથી સાંસદ ચૂંટાયા હતા. ત્યાર પછી ૧૯૯૦માં સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે કામ કર્યું. ૧૯૯૩માં તેઓ અજમેર જિલ્લાના કિશનગઢ ચૂંટણી ક્ષેત્રમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા.

જગદીપ ધનખડના નામની જાહેરાત થયા પહેલાં પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યોના રાજ્યપાલોએ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સિવાય મધ્ય પ્રદેશ અને મણિપુરના રાજ્યપાલો મંગુભાઈ પટેલ અને લા ગણેશને પણ મોદીની મુલાકાત લીધી હતી.