CIA ALERT
04. May 2024

CWG Para power lifting Archives - CIA Live

August 5, 2022
sudhir.jpg
2min286

– ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

બર્મિંગહામ, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર

કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટિંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટિંગ)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરૂષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા. જોકે 134.5 પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ભારતનો છઠ્ઠો ગોલ્ડ

આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે. અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 

ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે. 

જાણો કોને મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ

27 વર્ષીય સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

સુધીરે અગાઉ જૂન મહિનામાં દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા પાવરલિફ્ટિંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશિપમાં પુરૂષોની 88 કિગ્રા વેઈટ કેટેગરીમાં 214 કિગ્રાના સર્વશ્રેષ્ઠ લિફ્ટિ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સુધીરે 2022ની હાંગ્ઝૂ એશિયાઈ પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. 

પાવરલિફ્ટિંગમાં એથલીટ્સને 3 અટેમ્પ્ટ્સ આપવામાં આવે છે. વજન ઉઠાવવા પર શરીરના વજન તથા ટેક્નિકના આધારે પોઈન્ટ્સ મળે છે. સમાન વજન ઉઠાવવા પર શારીરિકરૂપે ઓછું વજન ધરાવતા ખેલાડીને અન્યની સરખામણીએ વધુ પોઈન્ટ્સ મળે છે. સુધીર 5 વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ 2013માં તેમણે પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પાવરલિફ્ટિંગની શરૂઆત કરી હતી.