CIA ALERT
18. May 2024

CR Patil Archives - CIA Live

April 17, 2022
crpatil.jpg
1min258

માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં કૃષ્ણ -સુભદ્રા વિષે શરતચૂકથી વારંવાર ભાઇ-બહેનને બદલે પતિ-પત્ની ગણાવી ભાંગરો વાટયો હતો. આ પ્રવચનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા તેથી અંતે સી.આર.પાટીલે માફી માગી છે અને દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરીને પણ રૂબરૂ પણ માફી માગશે તેમ કબૂલ્યું છે.’

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવપુરના મેળામાં પ્રવચન દરમિયાન વારંવાર એવો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ અહીં માધવપુર આવીને લગ્ન કર્યા હતા. તેમના પ્રવચનમાં વારંવાર આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા કોઇએ તેનું ધ્યાન દોરીને કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે નહીં પરંતુ રૂક્ષ્મણી સાથે થયાં હતાં તેમ જણાવતા તે સમયે પાટીલે પ્રવચનમાં પોતાની ભૂલ સુધારી હતી પણ કોઇ માફી માંગી ન હતી પરતું ત્યારબાદ પાટીલના આ નિવેદન બદલ ચારે બાજુથી રોષ ભભૂકી ઉઠયો હતો. રાજકીય રીતે પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને પોરબંદરમાં યુવક કોંગ્રેસે પાટીલના પોસ્ટરને સુદામા ચોકમાં પીપળાના વૃક્ષમાં ઉંધુ લટકાવ્યું હતું અને તે રીતે પણ વિરોધ થયો હતો.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તો તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવીને સારવાર કરાવવાની શીખામણ પણ આપી હતી. તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને પાટીલને માફી માગવા જણાવ્યું હતું. ગુજરાતના અલગ-અલગ શહેરોના આહિર સમાજના યુવાનો, આગેવાનો વગેરેએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માગવા માટે કહ્યું હતું.

દરમિયાનમાં સી.આર.પાટીલે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે માફી માંગતા હોય તેવું જણાવ્યું છે જેમાં તેઓ બોલે છે કે ‘હું એક કાર્યક્રમમાં શરતચૂકથી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે બોલ્યો હતો. તેથી યુવાનોએ અને આગેવાનોએ મને ફોન કરીને આ બાબતમાં માફી માગવાનું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કોઇએ દ્વારકા આવીને પણ માફી માંગવા જણાવ્યું હતું. વક્તવ્ય દરમિયાન મેં કોઇ ધર્મની ટીકા ટીપ્પણી કરી નથી. જે યુવાનોએ મને ફોન કર્યો તેને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. ભૂલ એ ભૂલ છે તેથી કોઇપણ જાતની દલીલ વગર એ ભૂલને સ્વીકારીને હું માફી માંગુ છું. મારા વક્તવ્યને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માગુ છું અને જરૂર પડયે હું દ્વારકા પણ આવીશ અને માફી માંગીશ’ એમ ઉમેર્યું હતું.