CIA ALERT
05. May 2024

bangluru flood Archives - CIA Live

September 7, 2022
rai1.jpg
1min260

– દેશનું આઇટી હબ થંભી ગયું, વર્ક ફ્રોમ હોમનો અમલ

– પાણીમાં ફસાયેલી યુવતીનું વીજ કરંટથી મોત થતા લોકોમાં રોષ, સતત બીજા દિવસે પણ શહેરમાં ઘૂંટણસમા પાણી

બેંગાલુરુ : દેશના આઇટી હબ ગણાતા બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન ડુબી ગયા છે તેથી બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો હતો, જ્યારે હવે મંગળવારે બેંગાલરુની સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ ઓનલાઇન કામ કરવા કહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો પોતાની કારોને ઘરે છોડીને ટ્રેક્ટર પર ઓફિસ જવા મજબૂર થયા છે.  

સતત બીજા દિવસે પણ બેંગાલુરુના મોટા ભાગના રોડ પર ઘંૂટણ જેટલા પાણી ભરાયા છે. બીજી તરફ કર્ણાટક સરકાર બેંગાલુરુની હાલત માટે જવાબદારી લેવા તૈયાર નથી અને અગાઉની સરકારો પર ઢોળી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે બેંગાલુરુની વર્તમાન સ્થિતિ માટે અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. જ્યારે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. બેંગાલુરુુની સ્થિતિને લઇને એકબીજા પર આરોપો થઇ રહ્યા છે ત્યારે લોકોની સ્થિતિ કથળતી જાય છે. 

બેંગાલુરુમાં એક યુવતીને વીજળીના થાંપલાનો શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. બેંગાલુરુમાં સ્કૂટી બંધ પડી જતા ચાલતા જ આ યુવતી જઇ રહી હતી. એવામાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, તેથી તે પાણીમાં પડી ગઇ હતી, તે જે સ્થળે પડી ગઇ હતી ત્યાં જ વીજળીનો થાંપલો હતો, જેમાં વિજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ લોકોમાં પ્રશાસન અને કર્ણાટક સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો જાહેર કરીને મદદ માગી રહ્યા છે પણ કોઇ મદદ માટે આગળ નથી આવી રહ્યું તેવી પણ ફરિયાદો કરી રહ્યા છે. 

બીજી તરફ કાવેરી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નદીના કાંઠાવાળા વિસ્તારોના ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને સાલેમ જિલ્લામાં આવેલા મેટ્ટુર ડેમની સપાટી વધી ગઇ છે અને પાણી છોડાઇ રહ્યું છે. હવામાન વિભાગે આગામી નવમી તારીખ સુધી બેંગાલુરુ સહિતના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે તેથી પરિસ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ છે.