CIA ALERT
09. May 2024

AMNS India Archives - CIA Live

October 14, 2023
-શિષ્યવૃતિ-અર્પણ-મંત્રીશ્રી-મુકેશભાઈ-પટેલ-3-1280x853.jpeg
2min704

ચોર્યાસી તાલુકાના હજીરા સ્થિત AM/NS- આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે વન પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘AM/NS ઈન્ડિયા બેટી પઢાઓ કન્યા શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ દરિયાકાંઠાના હજીરા, મોરા, દામકા, ભટલાઈ, રાજગરી, સુવાલી, ઈચ્છાપોર સહિત ૧૪ ગામની ધો.૯ થી ૧૨, આઈટીઆઈ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, એમબીબીએસ જેવા વિવિધ અભ્યાસક્ષેત્રો અભ્યાસ કરતી ૩૭૭ દીકરીઓને રૂ.૫૦ લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દીકરીઓને સશકત કરવા અને મહિલા ઉત્કર્ષ માટે સેંકડો વિશેષ પહેલ કરી છે. રાજ્યમાં  દીકરીઓ-મહિલાઓના વિકાસની અનેકવિધ યોજનાઓ અમલી છે. ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃતિ મળતા શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉડાન ભરી શક્શે. માતા પિતા વિહોણી દીકરીઓ પણ ભણી-ગણી આગળ આવી છે એવા સમાજમાં કેટલાય ઉદાહરણ જોવા મળી રહ્યા છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે દીકરીઓને આગળ વધવા માટે સાતત્યપૂર્ણ પ્રોત્સાહન આપતા રાજ્યની નારીશક્તિ આજે વ્યક્તિગતથી લઈને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતની દીકરીઓએ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

  ડિજિટલ ટેક્નોલોજીને ઝડપભેર અપનાવી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન માટે થઇ રહેલા કાર્યથી દેશ અને દુનિયા માટે આવકાર્ય છે એમ પણ તેમણે જણાવ્યું હતું. AM/NS ઈન્ડિયા કંપનીમાં એકેડમી સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં ૯૦૦થી વધુ કાંઠા વિસ્તારના તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જે સરાહનીય છે એમ જણાવી યુવાનોની અતુલ્ય શક્તિને યોગ્ય દિશામાં વળવામાં આવે તો તે રાષ્ટ્રીય વિકાસ માટે મહત્ત્વનું ઊર્જાબળ પુરવાર થાય છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

  આ પ્રસંગે ૨૧મી સદી ભારતની સદી થવા જઈ રહી છે એમ જણાવતા પોલીસ કમિશનરશ્રી અજય તોમરે ઉમેર્યું કે, કોઈપણ સમાજ તેમજ નારીઓનું આગળ વધવું એ દેશ માટે સૌભાગ્યની બાબત છે. ૨૧મી સદી ભારતની સદી થવા જઈ રહી છે. પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓ સાથે અન્યાય થવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે, ત્યારે હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીએ ગ્રામ્ય વિસ્તારની ૩૭૭ દીકરીઓની સ્કીલ વધારવા, સશકત બનાવવાનું બીડું ઝડપ્યું છે, તે શિક્ષણ ક્ષેત્રે આવકાર્ય પગલું છે. ઈસરોમાં ૧૦૦થી વધુ મહિલા વૈજ્ઞાનિક જવાબદારીપૂર્વક કાર્ય કરી રહી છે. ગુનેગારોને પકડવામાં સુરત સિટી પોલીસમાં કાર્યરત મહિલા પોલીસની પણ મહત્વની ભૂમિકા રહે છે.

               શિષ્યવૃતિ મેળવીને ભણી ગણી આગળ વધીને હજીરાની આ જ કંપનીઓમાં ટોપ મેનેજમેન્ટમાં કાર્ય કરે તો નવાઈ નહી એવી ટકોર તેમણે કરી હતી. આ સ્કોલરશીપ વિતરણ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી ડાયરેક્ટર કેઈજી કુબોટા, સીએસઆર હેડ ડો.વિકાસ યાદવેન્દુ, એએમએનએસના સીઈઓ દિલિપ ઓમ્મેન, સરપંચશ્રી, અઘિકારી-કર્મચારીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ – વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.