CIA ALERT
16. May 2024

akshay tritiya Archives - CIA Live

May 2, 2022
akshay_tritya.jpg
1min570

3 મે 2022ને મંગળવારે અક્ષય તૃતીયા ઉર્ફે અખાત્રીજનો દિવસ છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસને અક્ષય કેમ કહેવાય છે એનો મહિમા સમજવા માટે નીચેનું વાંચન જરૂરી છે. 

અંગ્રેજી સમયગણના સૂર્ય પર આધારિત છે. તેમાં તારીખનું મહત્ત્વ છે. દિવસના ૨૪ કલાક પૂરા થાય એટલે તારીખ બદલાઈ જાય, પરંતુ ભારતની સમયગણના ચંદ્ર પર અધારિત છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે તેને તિથિ કહેવાય. આપણે ત્યાં એટલે જ તિથિ બદલાય ત્યારે દિવસ બદલાય છે. હવે રસપ્રદ વાત એ છે કે ચંદ્રની ગતિમાં થોડીક વધઘટ ચાલ્યા કરતી હોય છે. એટલે તિથિના સમયમાં પણ વધધટ આવે એ સ્વાભાવિક છે. ક્યારેક તિથિ એક દિવસના સૂર્યોદય પહેલાં શરૂ થાય અને ૨૪ કલાક વળોટી બીજા દિવસના સૂર્યોદય પછી પણ પૂરી થતી હોય છે. એટલે જ ઘણી વાર તમે નોંધ્યું હશે કે મહિનામાં બે અગિયારસ કે બે બારસ આવતી હોય છે. આને તિથિની વૃદ્ધિ કહેવાય. હવે આનાથી ઊલટું પણ થતું હોય છે. સૂર્યોદય પછી કોઈ તિથિ બદલાય અને બીજા સૂર્યોદય પહેલાં એ સમાપ્ત પણ થઈ જાય. આને તિથિનો ક્ષય કહેવાય. દા.ત. ચોથને દિવસે સૂર્યોદય પછી પાંચમ તિથિની શરૂઆત થાય, પણ બીજે દિવસે સૂર્યોદય પહેલાં જ પાંચમ તિથિ બદલાય અને છઠ શરૂ થાય. તો આગલે દિવસે ચોથ અને બીજે દિવસે છઠ આવી જતાં પાંચમનો ક્ષય થયો કહેવાય. બીજી રીતે જોઈએ તો જે તિથિનું આયુષ્ય ૨૪ કલાક કરતાં ઓછું હોય તે લાગલગાટ બે સૂર્યોદય થાય એની વચ્ચે જ સમાપ્ત થઈ જાય છે. આવી તિથિને એકપણ સૂર્યોદયનો લાભ ન મળતાં તેને ગણતરીમાં લેવામાં આવતી નથી. બોલચાલની ભાષામાં આપણે એમ કહીએ છીએ કે આ વખતે પાંચમ નથી. ચોથ પછી સીધી છઠ આવે છે. અંગેજીભાષીઓ સૂર્ય પર આધાર રાખે છે એટલે એ સરળ બની જાય છે. જ્યારે આપણે સૂર્ય અને ચંદ્ર બન્ને પર આધાર રાખીએ છીએ ત્યારે ગણતરી થોડી અટપટી થઈ જાય છે. જોકે આપણી ગણતરી અટપટી હોવા છતાં વધુ સચોટ છે, તેથી જ તો આપણા બધા તહેવારો અને ઉત્સવો તિથિ પર આધારિત હોય છે. આજે પણ આપણે લગ્ન કે અન્ય ધાર્મિક કાર્યો તિથિ જોઈને જ કરીએ છીએ.

તિથિ વિશે આટલું જાણ્યા પછી હવે આપણે અક્ષય તૃતીયાની વાત કરીએ. તમને જાણીને આશ્ર્ચર્ય થશે, પણ આજ સુધી એકમથી માંડીને પૂનમ કે અમાસ સુધીની અનેક તિથિઓનો અનેક વાર આગળ બતાવ્યા મુજબ ક્ષય થયો હશે, પરંતુ વૈશાખ સુદ ત્રીજનો આજ સુધી ક્યારેય ક્ષય નથી થયો. એટલે જ તેને અક્ષય તૃતીયા કહેવાય છે. આ તિથિને હંમેશાં સૂર્યોદયનો લાભ મળ્યો છે. એમ કહોને કે સૂર્યનારાયણની તેના પર સતત અમી દૃષ્ટિ રહી છે. 

આપણે ત્યાં વેપારીઓ કેમિકલથી પકવેલી કેરીઓ અખાત્રીજ પહેલાં જ વેચવા માટે બજારમાં લાવે છે, પણ ખરેખર તો અખાત્રીજના સૂર્યનો તાપ આંબા પર પડે અને પછી કેરીઓ થોડી પીળી થવા લાગે ત્યારે જ તોડીને ઉપયોગમાં લેવી જોઈએ.

સૂર્યનારાયણના પૂરેપૂરા આશીર્વાદ આ તિથિને મળતા રહેવાથી આ સમયને ઘણો શુભ માનવામાં આવ્યો છે. આ દિવસે વગર મુહૂર્ત જોયે કોઈ પણ સારાં કાર્યો થઈ શકે છે. ભારતમાં લગ્ન-જનોઈ જેવા શુભ પ્રસંગ વધુમાં વધુ આ દિવસે થાય છે. 
સૂર્યનારાયણ જેવી પીળી કેરી હોય કે પીળું સોનું, આ દિવસે ખરીદવાથી લાભપ્રદ બની રહે છે તેવી પણ એક માન્યતા છે.
આ દિવસે ઘણી વિભૂતિઓના જન્મ થયા છે. ઘણાં શુભ કાર્યો પણ થયાં છે એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે.
આ દિવસે આપેલા દાનનો પણ ક્યારેય ક્ષય નથી થતો. આ દિવસોમાં ગરમીનું પ્રમાણ ખૂબ હોય છે એટલે ગામડાંઓમાં ઘણા લોકો પાણીની પરબ બેસાડે છે કે પાણીના ઘડાનું દાન પણ કરે છે. કોઈની તરસ બુઝાવવી એ શ્રેષ્ઠ દાન છે. આ એક જ દાન એવું છે જે ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે. 

આજે પાણી પણ બોટલોમાં ભરી તેના પૈસા લેવાનો ઉદ્યોગ વધી રહ્યો છે ત્યારે સલામ એ પૂર્વજોને જે લોકો ભૂતકાળમાં લોકોને મફ્ત પાણી મળી રહે તે માટે ઠેર ઠેર પરબો બંધાવતા.

અખાત્રીજનો શુભ દિવસ છે ત્યારે આપણે પણ સંકલ્પ લઈ શકીએ કે- 

‘ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
જીવન અંજલિ થાજો 
મારું જીવન અંજલિ થાજો.’