CIA ALERT
19. May 2024

વીર નર્મદ યુનિવર્સિટી Archives - CIA Live

July 25, 2022
jignesh-patil-1.jpg
2min345
  • બપોરે જિજ્ઞેશ પાટીલના નામની જાહેરાત થઇ અને રાત્રે જાહેરાત પાછી ખેંચી લેવાતા યુનિવર્સિટી આલમમાં તર્કવિતર્ક, ખુદ એબીવીપીના મોટા નેતાઓ અજાણ
  • એબીવીપીએ ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં જ નાટ્યાત્મક ઘટનાક્રમ

સુરત, તા.25
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટ સભાની આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના દિકરા જિજ્ઞેશ પાટીલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે દાતાઓની બેઠક પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત થયાના થોડા જ કલાકોમાં સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પટેલે યુનિવર્સિટી સેનેટ ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દેતા અભાવિપ સમેત ભાજપની નેતાગીરીમાં સન્નાટો મચી ગયો હતો.
સેનેટની ચૂંટણી પૂર્વે યુનિવર્સિટી આલમમાં ભારે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં આજે બપોરે સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નેતાઓએ જુદા જુદા સંવર્ગની બેઠકો માટે એબીવીપીના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. તેની સાથે જ દાતા મતદાર વિભાગની બે બેઠકો પર પણ એબીવીપીએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં એક નામ ડો.કશ્યપસિંહ ખરચીયાનું અને બીજું નામ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલનું હતું.
આ જાહેરાતની સાથે જ એબીવીપી અને ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને યુનિવર્સિટીના રાજકીય તખ્તે હલચલ મચી ગઇ હતી. પરંતુ, રાત્રે આઠ વાગ્યે યુનિવર્સિટીના સિનિયર મોસ્ટ સિન્ડીકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે એક વિડીયો મેસેજ જારી કરીને એવો સંદેશો આપ્યો કે જિજ્ઞેશ પાટીલ યુથ ફોર ગુજરાત તેમજ અન્ય પ્રવૃતિઓને આગળ ધપાવવા માગે છે આથી તેઓ યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા નથી. ડો. મહેન્દ્રસિંહ ચૌહાણના આ વિડીયો મેસેજને પગલે સમગ્ર યુનિવર્સિટી આલમમાં સન્નાટો મચી ગયો હતો.
એબીવીપી અને ભાજપના નેતાઓ કંઇ સમજે એ પહેલા જ જિજ્ઞેશ પાટીલની ઉમેદવારી બાબતે પૂર્ણ વિરામ મૂકાય જતા અનેક તર્ક વિતર્ક પણ સેવાય રહ્યા છે.

Reported at 1 pm 26/7/22

CR પાટીલના પુત્ર જિજ્ઞેશ નર્મદ યુનિ.ની સેનેટ ચૂંટણીમાં ABVPના સત્તાવાર ઉમેદવાર

આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દાતાઓના મતવિભાગના સત્તાવાર ઉમેદવાર ઘોષિત કર્યા છે. દાતા વર્ગની બે સીટ માટે જિજ્ઞેશ પાટીલ ઉપરાંત વર્તમાન સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપસિંહ ખરચીયા એબીવીપીના દ્વિતિય સત્તાવાર ઉમેદવાર છે.

ગુજરાત ભાજપના પ્રમુખ અને સુરતના કદાવર રાજકીય નેતા સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલે વિદ્યાર્થી સંગઠન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે ડોનરની સીટ પરથી સેનેટ ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન તો આપ્યું જ છે સાથોસાથ એ સ્પોર્ટસ ક્ષેત્રમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ જેવી જુદી જુદી રમતોની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

વિદ્યાર્થી સંગઠનની પ્રત્યક્ષ ચૂંટણીમાં પહેલીવાર જ જિજ્ઞેશ પાટીલે ઝુકાવ્યું છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતી દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ સભાની ચૂંટણી તા.14મી ઓગસ્ટ 2022ના રોજ યોજાઇ રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી હતી. જેમાં દાતા વર્ગની સીટ પરથી જિજ્ઞેશ સી.આર. પાટીલનું નામ ઘોષિત કરીને યુનિવર્સિટી સ્તરના પોલિટીક્સમાં વમળો સર્જી દીધા છે.

જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન આપ્યું છે અને એ રૂએ તેઓ દાતા વર્ગની સેનેટની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથે અભાવિપના અન્ય ઉમેદવાર તરીકે ડો.કશ્યપસિંહ ખરચીયાની પેનલ બનાવવામાં આવી છે.

સુરતના સર્કિટ હાઉસ ખાતે તા.25મી જુલાઇએ પત્રકાર પરિષદ યોજીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાના સત્તાવાર ઉમેદવારો ઘોષિત કર્યા હતા

એબીવીપીના અન્ય ઉમેદવારોની યાદી આ મુજબ છે.

  • મતદાર વિભાગ   ઉમેદવાર
  • કોમર્સ ફેકલ્ટી      પ્રધ્યુમનભાઇ જરીવાલા
  • આર્ટસ ફેકલ્ટી      કનુભાઇ ભરવાડ
  • એજ્યુકેશન        ભાર્ગવભાઇ રાજ્યગુરુ
  • કમ્પ્યુટર સાયન્સ  ગણપતભાઇ ધામેલિયા
  • મેનેજમેન્ટ         દિશાંતભાઇ બાગરેચા
  • સાયન્સ ફેકલ્ટી    અમિતભાઇ નાથાણી
  • રૂરલ સ્ટડીઝ       ભાવિનભાઇ પટેલ
  • આર્કિટેક્ચર        ભુવનેશભાઇ માંગરોળીયા
  • હોમિયોપેથી       ડો.સતીશભાઇ પટેલ
  • મેડીકલ ફેકલ્ટી    ડો.ચેતનભાઇ પટેલ