CIA ALERT
04. May 2024

રાજકોટ ઢોર પકડતા કર્મચારીઓ પર હુમલા Archives - CIA Live

September 2, 2022
rajkot.jpg
1min618

આંખમાં કેમિકલ પ્રે છાંટી બે બુકાનીધારી ફરાર ! એક કર્મચારીની આંખો સોજી જતાં તેમજ બીજાને હાથમાં ચાંદા પડી જતાં સારવાર અર્થે ખસેડાયાંમ્યુનિ.કચેરીએ ઘટનાના ઘેરા પડઘા : કર્મચારી યુનિયનો, આગેવાનોની મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત : પોલીસે નોંધ્યો ફરજ રુકાવટનો ગુનો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છાશવારે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના અકસ્માતો તેમજ અઘટિત મૃત્યુની ઘટના બાદ હાઈકોર્ટના આદેશથી ગુજરાતભરમાં ઢોર પકડ ઝુંબેશને સઘન બનાવામાં આવી છે ત્યારે રાજકોટમાં પણ ‘ડે-નાઈટ’ ઢોર પકડવાની કામગીરી કરતા બે કર્મચારીઓની આંખોમાં કેમિકલ પ્રે છાંટીને અજાણ્યા શખસો નાખી છૂટતા બન્ને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મ્યુનિ.કચેરીએ આ ઘટનાના ઘેરા પડઘા પડયાં હતાં, એક તબક્કે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવવાની માંગ સાથે મ્યુનિ.કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યાં હતાં અને મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરી હતી.’

1/9/22 આજરોજ વહેલી સવારે થોરાળા વિસ્તારમાં શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરસિયા (ઉ.વ.52) અને મેરુ કરણભાઈ ચાવડા (ઉ.વ.28) ઢોર પકડ પાર્ટી સાથે નિકળ્યાં હતાં, તેઓ ગાયો પકડીને ભાવનગર રોડ સ્થિત મનપાના ઢોરડબ્બે જઈ રહ્યાં હતાં ત્યારે અમૂલ સર્કલ નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે વાહન રોકી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં બન્નેએ અચાનક કેમિકલ પ્રે છાટીને નાસી છુટયાં હતાં. પ્રેની અસર થતાં ધીરુભાઈ અને મેરુભાઈની આંખોમાં બળતરા થવા લાગી હતી અને દેખાતું બંધ થઈ ગયું હતું. એક વ્યક્તિની આંખ સોજી ગઈ હતી અને જ્યારે બીજાને હાથમાં ચાંદા પડી ગયાં જતાં બન્નેને ઈન્સ્પેક્ટર નંદાણિયાએ તાબડતોબ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં.

બનાવ અંગે સારવાર લીધા બાદ હોસ્પિટલ ચોકી સ્ટાફે એમએલસી કેસ જાહેર કર્યા બાદ થોરાળા પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમનો ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો થયો હોવાનું ઈન્સ્પેક્ટર રવિભાઈએ જણાવ્યું હતું. દરમિયાન આજની ઘટનાના મનપામાં પણ ઘેરા પડઘા પડયાં હતાં. કર્મચારી પરિષદના પ્રમુખ કશ્યપ શુક્લ સહિતના હોદ્દેદારો, કર્મચારી આગેવાનો અને કર્મચારીઓએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી તેમજ ઢોર પકડ સ્ટાફને પૂરતો વિજીલન્સ બંદોબસ્ત આપવાની માંગણી કરી હતી જેને મ્યુનિ.કમિશનરને ગ્રાહ્ય રાખી હતી.

રખડતા ઢોર હવે ગામડાઓમાંથી પણ પકડાશે !

હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યવ્યાપી ઢોરપકડ કાર્યવાહીના આદેશ થયાં છે ત્યારે શહેરી વિસ્તારોની સાથોસાથ હવે ગામડાઓમાં પણ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરાશે. આજરોજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા આ અંગેનો પરિપત્ર જિલ્લાભરના અધિકારીઓને ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવાયું હતું કે, પંચાયત તલાટીઓએ આવતીકાલે ગ્રામ પંચાયતમાં બેઠક કરીને સભ્યોને વાકેફ કરવાના રહેશે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને પશુપાલન તથા જીવદયા સાથે સંકળાયેલા આગેવાનો સાથે બેઠક કરીને કામગીરી વિષે માહિતી આપવાની થશે. આગામી તા.5ને સોમવારથી પાલિકાની પાંચ કિ.મીની હદમાં આવતા ગામડાઓ, તાલુકા મથકે તથા 5000થી વધુ વસ્તી ધરાવતા ગામો અને હાઈવે ઉપર ઢોર પકડવા તેમજ તેના પર નિયમાનુસાર કાર્યવાહી કરીને દૈનિક રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. જો કે, પકડાયેલા ઢોરને ક્યાં રાખવા ? તે મુદ્દો હજુ વણઉકેલ છે.

ઢોરને રખડતા મૂકનાર સામે ગુનો નોંધીને પગલાં લેવાશે

શહેરના માર્ગો પર ઢોરને રખડતાં મૂકી દેનાર પશુપાલક સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ છે. આ જોગવાઇનો કડક અમલ કરાશે. એટલું જ નહીં પણ ઢોર પકડ પાર્ટીને એસઆરપી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારામાં માનવ જિંદગી જોખમમાં મૂકે તે રીતે ઢોરને રખડતાં મૂકી દેનાર સામે ગુનો નોંધવાની જોગવાઇ છે. આઇપીસીની કલમ 289 હેઠળ પશુપાલક સામે ગુનો નોંધી શકાય છે. આ ગુનામાં છ માસની કેદ અને દંડની જોગવાઇ છે.

રાજકોટવાસીઓને ઢોરના ત્રાસમાંથી મુકત કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરાયું છે. મનપા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ઢોર પકડ પાર્ટી પણ છે. આ ઢોર પકડ પાર્ટીના ફૂટેલા કર્મચારીઓ દ્વારા માલધારીઓને તે કયા વિસ્તારમાં જાય છે તેની સૂચના આપી દેવામાં આવે છે. તેના કારણે રસ્તા પર રખડતાં ઢોરને માલધારી યુવકો શેરીમાં ખદેડી મૂકે છે. કેટલાય કિસ્સામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં ઢોર પકડ પાર્ટી સારી રીતે કામ કરી શકે અને તેના પર હુમલો ન થાય તે માટે એસઆરપી જવાન અને પોલીસનો બંદોબસ્ત આપવાનું પોલીસ કમિશનર દ્વારા આયોજન કરાયું છે. ઢોર પકડ પાર્ટી સાથે હથિયારધારી એસઆરપીમેન અને’ પોલીસનો બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે.