CIA ALERT
03. May 2024

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના Archives - CIA Live

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min611

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.