CIA ALERT
08. May 2024

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ Archives - CIA Live

July 28, 2022
india-wi.jpg
1min251

વેસ્ટઈન્ડીઝના સૂપડા સાફ કરીને ભારતે સર્જી રેકોર્ડ્સની વણઝાર, આવું કરનારી વિશ્વની એકમાત્ર ટીમ

– આ મેચના હીરો શુભમન ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવાર

વેસ્ટઈન્ડીઝ અને ભારત વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સીરિઝનો ત્રીજો તથા અંતિમ મુકાબલો ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયો હતો. આ મેચમાં ભારતે ફરી એક વખત શાનદાર પ્રદર્શન સાથે કેરેબિયન ટીમને 119 રનના મોટા અંતરથી હરાવી છે. વરસાદથી બાધિત થયેલી આ મેચના હીરો શુભમન ગિલ બન્યા છે. ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા. આ વિજય સાથે જ ભારતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ પણ કર્યું છે. આ સાથે જ ભારતે આ મેચમાં રેકોર્ડ્સની વણઝાર સર્જી દીધી છે.  

આ સીરિઝમાં વિજયની સાથે જ ટીમ ઈન્ડિયા કોઈ પણ એક દેશ સામે સતત સૌથી વધારે વનડે બાઈલેટરલ સીરિઝ જીતનારી ટીમ બની ગઈ છે. વેસ્ટઈન્ડીઝ સામે ભારતની આ સતત 12મી જીત છે. 2007થી શરૂ કરીને 2022 સુધી ભારત સતત 12 સીરિઝ જીતતું આવ્યું છે. ત્યાર બાદ પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાન 1996થી 2021 દરમિયાન ઝિમ્બાબ્વે સામે 11 તથા વેસ્ટઈન્ડીઝ સામે 10 સીરિઝ જીત્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે તથા ભારત શ્રીલંકા સામે સતત 9-9 વનડે સીરિઝ જીત્યું છે. 

વેસ્ટઈન્ડીઝ માટે આ છેલ્લા 2 મહિનામાં સતત 9મી હાર છે. જ્યારે પોતાની જ હોમપીચ પર કોઈ પણ દેશ દ્વારા વનડેમાં મળેલી આ સૌથી મોટી હાર છે. વેસ્ટઈન્ડીઝ અગાઉ પોતાની હોમપીચ પર કદી 119 રનથી નહોતું હાર્યું.