CIA ALERT
19. May 2024

એન્ટી ડમ્પિંગ ડ્યૂટી Archives - CIA Live

October 6, 2022
viscose-yarn.jpg
1min647

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ પર ફરીથી આયાતી ડ્યૂટીનું સંકટ આવ્યું છે. કેન્દ્ર સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને ખાસ કરીને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને પોતાની મશીનરી અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહિત કર્યા, કરોડો રૂપિયાની સબસિડી આપીને સુરતના અનેક કારખાનેદારોએ એરજેટ, રેપિયર, વોટરજેટ જેવા મશીનો સ્થાપ્યા, હવે આ મશીનરીમાં વપરાતા આયાતી (ઇમ્પોર્ટેડ) વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવા માટેની અરજી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સમક્ષ કરવામાં આવી છે.

આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ સુરતના કારખાનેદારો કરી રહ્યા છે, જો સ્થાનિક વિસ્કોસ યાર્ન ઉત્પાદકોના ઇશારે આયાતી યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવામાં આવે તો સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક મશીનરી ખરીદનારા કારખાનેદારોને કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વખત આવશે.

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો જેમાં ચેમ્બર પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી, ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધી, મયુરભાઇ ગોળવાલા, સુરેશ પટેલ સહિતના આગેવાનોની એક અગત્યની અનૌપચારિક મિટીંગ આજે ચેમ્બર ઓફ કોમર્સમાં મળી હતી.

તપાસ કરાતા જાણવા મળ્યું કે મિટીંગમાં મુદ્દો અત્યંત અગત્યનો હતો. સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં હાઇસ્પીડ લૂમ્સ જેવા કે એરજેટ, રેપિયર, વોટરજેટ ઇન્સ્ટોલ કરનાર કારખાનેદારો ક્વોલિટી કાપડના ઉત્પાદન માટે સૌથી વધુ જે યાર્નનો વપરાશ કરે છે એ વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટેની અરજી કરી દેવામાં આવી છે. સુરતના કારખાનેદારોએ 60 લાખથી રૂ.1 કરોડ સુધીનું એક મશીન આવે છે એવા અનેક મશીનો પોતાના કારખાનામા સ્થાપ્યા છે અને તેમાં કાપડના ઉત્પાદન માટે જે યાર્ન વાપરવામાં આવે છે તેની ક્વોલિટી આયાતી વિસ્કોસ યાર્નના વપરાશથી જ સારી બને છે.

હવે આયાતી વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગશે તો સ્થાનિક કપડું મોંઘુ થશે અને કારખાનેદારને જે નફો મળવો જોઇએ તે મળશે નહીં અને કરોડો રૂપિયાના રોકાણ સામે વળતરમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

સ્થાનિક યાર્નની ક્વોલિટી અને સપ્લાય બન્નેમાં સમસ્યા

આયાતી વિસ્કોસ યાર્ન મોંઘુ વેચાય તો જ સ્થાનિક વપરાશકારો દેશી યાર્ન ખરીદવા માટે મજબૂર થશે એ ગણતરીએ ભારતના દેશી યાર્ન ઉત્પાદકો (સ્પીનર્સ) દ્વારા ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્ન પર ડ્યૂટી લાગૂ કરવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નની જરૂરીયાત સામે ભારતના લોકલ યાર્ન ઉત્પાદકો ફક્ત 65થી 70 ટકા જથ્થો જ સપ્લાય કરી શકે છે, બાકીનો 30 ટકા જથ્થો ઇમ્પોર્ટ કરવાની ફરજ પડે છે. તદુપરાંત દેશી વિસ્કોસ યાર્નની ક્વોલીટીમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે, દેશી યાર્નમાંથી કાપડની ક્વોલિટી સારી રીતે જળવાઇ શકતી ન હોવાથી એરજેટ, રેપિયર, વોટરજેટ જેવી મશીનરી ધારકો વિસ્કોસમાં ઇમ્પોર્ટેડ યાર્નનો જ વપરાશ કરવાનું પસંદ કરે છે. 

સમગ્ર ભારતમાં ઇમ્પોર્ટેડ વિસ્કોસ યાર્નના સૌથી વધુ વપરાશકારો સુરતમાં

સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આયાતી વિસ્કોસ યાર્નનો સૌથી વધુ વપરાશ એરજેટ, રેપિયર, વોટરજેટ લૂમ્સના કારખાનામાં થાય છે. ભારતમાં આ મશીનરી સૌથી વધુ ગુજરાત અને ગુજરાતમાં આવી મશીનરી સૌથી વધુ સુરતમાં સ્થપાઇ ચૂકી છે. આથી સુરતમાં જ આયાતી વિસ્કોસ યાર્ન વધુ વપરાય છે આથી જો આયાતી વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂડી લાગૂ કરવામાં આવશે તો સુરતના ઉદ્યોગકારોને જ સૌથી મોટો ગેરફાયદો થશે.