નિયોલ સ્ટેશનને ફુલ-ફ્લેજ્ડ ગૂડ્ઝ હેન્ડલિંગ હબ (ફ્રેટ ટર્મિનલ) તરીકે વિકસાવવા વેસ્ટર્ન રેલવે સમક્ષ ચેમ્બરની રજૂઆત
- ઉધના-જલગાંવ લાઇન પર સ્થિત નિયોલ સ્ટેશનને વિકસાવવાથી ઉધના યાર્ડનું ટ્રાફિક ભારણ ઘટશે અને DFC કોરિડોર સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે: ચેમ્બર
- સુરતના ટેક્સટાઇલ, કેમિકલ્સ, સ્ટીલ અને હેવી એન્જિનિયરિંગ ઉદ્યોગોના લાખો ટન કાર્ગો માટે રેલ સુવિધા અનિવાર્ય
- રેલવે ગુડ્ઝ શેડના અભાવે ખાનગી વેરહાઉસિંગ પાછળ પ્રતિ ચોરસ ફૂટ ₹25થી ₹30નો જંગી ખર્ચ વેપારીઓએ ભોગવવો પડે છે
- રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભરતા ઘટશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને રેલવેની આવકમાં વધારો થશે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
- વર્ષ 2023-24માં રેલવે દ્વારા મંજૂર કરાયેલા નિયોલ ફ્રેટ ટર્મિનલના પ્રપોઝલને તાત્કાલિક આગળ ધપાવવા માગણી
સુરત, 22 ઓગસ્ટ 2026: સુરત અને દક્ષિણ ગુજરાતના વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્પન્ન થતા માલસામાનના ઝડપી અને કિફાયતી પરિવહન માટે નિયોલ રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુવિધાસભર ‘ગૂડ્ઝ હેન્ડલિંગ હબ / ફ્રેટ ટર્મિનલ’ તરીકે વિકસાવવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM – મુંબઈ સેન્ટ્રલ) સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્ર પાઠવી જણાવ્યું છે કે, સુરત દેશનું અગ્રણી કોમર્શિયલ હબ છે જ્યાંથી દરરોજ હજારો ટન આઉટવર્ડ અને ઇનવર્ડ કાર્ગોનું પરિવહન થાય છે. જો કે, નિયોલ ખાતે ગુડ્ઝ હેન્ડલિંગની પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ન હોવાથી તેમજ નજીકના ઉધના જંક્શન પર ભારે ટ્રાફિક કન્જેશન રહેતું હોવાથી સ્થાનિક વેપાર-ઉદ્યોગ જગત ભારે લોજિસ્ટિક્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
નિયોલ સ્ટેશનનું વ્યૂહાત્મક સ્થાન અને કનેક્ટિવિટી
નિયોલ સ્ટેશન ઉધના-જલગાંવ લાઇન પર અત્યંત મહત્વના લોકેશન પર આવેલું છે. તે વેસ્ટર્ન રેલવેની મુખ્ય ટ્રંક લાઇન (મુંબઈ-વડોદરા-અમદાવાદ-દિલ્હી)ની તદ્દન નજીક છે અને સુરત/ઉધના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCCL) નેટવર્ક સાથે સીધું જોડાયેલું છે. નિયોલ ખાતે હબ બનવાથી ભારે માલગાડીઓનું ટ્રાફિક ઉધના જેવા ગીચ શહેરી યાર્ડમાં ગયા વિના ડાયવર્ટ થઈ શકશે, જેનાથી ટ્રેનોની મૂવમેન્ટ ઝડપી બનશે અને વેગન/રેકનો ટર્ન-અરાઉન્ડ ટાઇમ સુધરશે.
ઔદ્યોગિક ક્લસ્ટર્સને મળશે સીધો ફાયદો
- ટેક્સટાઇલ અને સિન્થેટિક ફેબ્રિક્સ: સુરતના સારોલી, પુણા, કડોદરા અને સચીન પંથકમાંથી દરરોજ લાખો મીટર કાપડ અને યાર્ન ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં મોકલવામાં આવે છે.
- કેમિકલ્સ, ડાઇઝ અને પોલિમર્સ: પાંડેસરા, ઇચ્છાપોર, અંકલેશ્વર-હજીરા બેલ્ટમાંથી ઔદ્યોગિક કેમિકલ્સ અને પ્લાસ્ટિક રો-મટિરિયલના બલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે રેલ સુવિધા અતિ જરૂરી છે.
- હેવી એન્જિનિયરિંગ અને સ્ટીલ: હજીરા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી સ્ટીલ કોઇલ્સ, સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ્સ અને ભારે મશીનરીના પરિવહન માટે નિયોલ આદર્શ રેલ-હેડ બની શકે છે.
- ખાંડ અને કૃષિ ઉત્પાદનો: દક્ષિણ ગુજરાતની સુગર મિલો અને કૃષિ બજારોને દેશવ્યાપી ડિસ્ટ્રિબ્યુશન માટે સીધી રેક લોડિંગની સુવિધા મળશે.
વેપારીઓ પર વેરહાઉસિંગ અને ડેમેજનો મોટો બોજ: અશોક જીરાવાલા
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “નિયોલ ખાતે યોગ્ય લોડિંગ, અનલોડિંગ અને સ્ટેકિંગ ફેસિલિટી ન હોવાથી વેપારીઓએ પ્રતિ ચોરસ ફૂટ ₹25થી ₹30ના ઊંચા દરે ખાનગી ગોડાઉનો રાખવા પડે છે, જેનાથી પ્રોડક્ટની પડતર કિંમત વધી જાય છે. ફેક્ટરીથી ગોડાઉન અને ગોડાઉનથી રેલવે હેડ સુધી વારંવાર માલની હેન્ડલિંગ પ્રક્રિયામાં લેબર ખર્ચ વધે છે અને માલ ડેમેજ થવાનું જોખમ રહે છે. રેલ સુવિધાના અભાવે વેપારીઓ મોંઘા રોડ ટ્રાન્સપોર્ટ તરફ વળવા મજબૂર બને છે.”
ચેમ્બરની મુખ્ય માંગણીઓ: ચેમ્બર દ્વારા પશ્ચિમ રેલવે સમક્ષ માંગ કરાઈ છે કે નિયોલમાં ડેડિકેટેડ ગુડ્ઝ લૂપ લાઇન્સ, લોંગ-હોલ રેક હેન્ડલિંગ કેપેસિટી, હાઇ-કેપેસિટી કવર્ડ શેડ્સ, પેવ્ડ પ્લેટફોર્મ્સ, હાઇ-માસ્ટ લાઇટિંગ અને મિકેનાઇઝ્ડ મટિરિયલ હેન્ડલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે.
ચેમ્બરના પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચેમ્બર દ્વારા લોજીસ્ટિક પાર્કની માંગણી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન રેલવે દ્વારા વર્ષ 2023-24માં નિયોલ ખાતે વર્લ્ડ ક્લાસ ફ્રેટ ટર્મિનલ બનાવવાનો પ્રસ્તાવ સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યો હતો. ચેમ્બરે રેલવે તંત્રને આ દરખાસ્તની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી ટર્મિનલનું કામ શરૂ કરવા તથા રેલવે અધિકારીઓ અને વેપારી સંગઠનો વચ્ચે સંયુક્ત બેઠક યોજી વિઝિબિલિટી સ્ટડી હાથ ધરવા અપીલ કરી છે.
આ રજૂઆતની નકલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM), ચીફ ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન મેનેજર (CFTM), સીનિયર DOM અને સીનિયર DCMને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

