વિશ્ર્વના સૌથી મોટા દેશ રશિયામાં આજે ૨૧મો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં પ્રથમ મૅચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ રાત્રે ૮.૩૦ વાગ્યે આ મુકાબલાનો આરંભ થશે.

ગ્રુપ ‘એ’ની આજની આ એકમાત્ર મૅચ પછી આવતી કાલથી દરરોજ ત્રણથી ચાર લીગ મૅચો રમાશે.
ભારત અને રશિયાના સમય વચ્ચે માત્ર અઢી કલાકનો તફાવત છે અને ભારતીય સમય મુજબ મોટા ભાગની મૅચો સાંજે ૫.૩૦ વાગ્યે, રાત્રે
૮.૩૦ વાગ્યે તથા રાત્રે ૧૧.૩૦ વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે ભારતીય ફૂટબૉલચાહકોએ મૅચો માણવા રાતના ઉજાગરાં કરવા પડતા હોય છે, પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં તેમણે બહુ મોડી રાત સુધી નહીં જાગવું પડે.
રશિયા સહિત વિશ્ર્વભરમાં ફૂટબૉલ-ફીવર ફેલાઈ રહ્યો છે. રશિયામાં વિવિધ ટીમો સઘન પ્રૅક્ટિસ કરી રહી છે અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં સૉકરપ્રેમીઓ આવી રહ્યા છે. ગયા વખતે ચૅમ્પિયન બનેલું જર્મની આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે.
બે નીચલા ક્રમની ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપમાં ગુરુવારે સાઉદી અરેબિયા સામે રમાનારી આરંભિક મેચમાં આયોજક રાષ્ટ્ર રશિયાએ સારો દેખાવ નોંધાવવા માટે ભારે માનસિક દબાણ હેઠળ રમવાનું રહેશે.
પોતાની છેલ્લી આઠ મેચમાં એકેય વિજય ન નોંધાવી શકેલ સ્ટેનિસલેવ ચેર્ચસોવની ટીમ ફૂટબોલના વર્લ્ડ રેન્કિંગમાં છેક ૭૦મો ક્રમ ધરાવે છે અને તે અહીંના ૮૦,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા લુઝહનિકી સ્ટેડિયમ ખાતે તેનાથી ત્રણ સ્થાન નીચેની સાઉદીની ટીમ સામે રમનાર છે.
ગયા અઠવાડિયે તુર્કી સામે ૧-૧થી ડ્રો નીવડેલી મેચ બાદ રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ ગોલકીપર ચેર્ચસોવ ઉપરાઉપરી સાત મેચમાં એક વિજય પ્રાપ્ત ન કરી શકનાર રશિયાના પ્રથમ મૅનેજર બન્યા હતા અને તેમાંથી ચાર મેચમાં તેમની ટીમનો પરાજય થયો હતો.
સ્પોર્ટ્સના આ મહાકાય કાર્યક્રમની તૈયારીમાં રશિયાએ ૧૩ અબજ ડૉલરથી વધુ ખર્ચયા છે અને પ્રમુખ વ્લાદિમિર પુટીને ટીમના સભ્યોને પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરવાની અરજ કરી હતી.
રશિયાની ટીમ તેના વિભાગમાં ઉરુગ્વે અને ઈજિપ્ત સામે પહેલા રાઉન્ડમાં પણ રમનાર છે.
“અમારી ટીમે દુર્ભાગ્યે તાજતેરના પરિણામમાં સારા પરિણામ મેળવ્યા નથી, એમ પુટીને કહેતા ઉમેયુર્ં હતું કે રશિયાામાં બધા ફૂટબોલ ચાહકો રાષ્ટ્રની ટીમ સ્વાભિમાની અને ગૌરવપૂર્વક છેવટ સુધી પોતાની લડાયક રમત દાખવે એમ ઈચ્છી રહ્યા છે.
રશિયાએ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વર્લ્ડ કપમાં નોક-આઉટ તબક્કામાં ક્યારેય પ્રવેશ કર્યો નથી અને આ ઉનાળામાં તે પોતાનો દેખાવ સુધારવા પૂરો પ્રયત્ન કરશે.
ફક્ત દક્ષિણ આફ્રિકા આયોજક રાષ્ટ્ર તરીકે ૨૦૧૦ની સ્પર્ધામાં વિભાગીય તબક્કાની મેચોમાં હારી ગયું હતું, પણ પોતાના નબળા ફોર્મ તથા કેટલાક ખેલાડીને થયેલી ઈજાની સમસ્યાના કારણે રશિયાના ફૂટબોલમાં અવ્યવસ્થા ઊભી કરી છે.
સાઉદીની ટીમ ૨૦૦૬ પછી વર્લ્ડ કપમાં પહેલી વાર ભાગ લેનાર છે કે જે માટે રાષ્ટ્રના સ્પોર્ટસના અધિકારીઓએ ફહાડ અલ-મુવાલાડ સહિત પોતાના નવ ખેલાડી ઉચ્ચ સ્તરે રમવાનો અનુભવ કેળવવા સ્પેનમાં લોન પર રમવા મોકલ્યા હતા, પણ આ અખતરો સફળ બન્યો ન હતો. ફહાડના જાપાન સામે થયેલા ગોલથી સાઉદીની ટીમ વર્લ્ડ કપમાં રમવા માટે ગયા સપ્ટેમ્બરમાં ક્વોલિફાઈ થઈ હતી.