પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાનો બુધવારે ટી-20 વર્લ્ડ કપના રાઉન્ડ-વનમાં આયરલેન્ડનો સામનો થશે. આ મેચની વિજેતા ટીમ સુપર-12 રાઉન્ડમાં પહોંચવાની નજીક પહોંચી જશે. શ્રીલંકા અને આયરલેન્ડની ટીમ તેમના પહેલા મેચમાં જીત મેળવી ચૂકી છે. શ્રીલંકાએ નામીબિયાને અને આયરલેન્ડસે નેધરલેન્ડ્સને 7-7 વિકેટે હાર આપી હતી. શ્રીલંકાએ બોલરોના શાનદાર દેખાવથી અને આયરલેન્ડે રમતના દરેક વિભાગમાં સક્ષમ દેખાવ કરીને જીત અંકે કરી હતી.
યરલેન્ડના મીડિયમ પેસર કર્ટિસ કેમ્ફરે ચાર દડામાં ચાર વિકેટ લઇને રેકોર્ડ કર્યો હતો. શ્રીલંકાના સુકાની દાસુન શનાકાને ખબર છે કે આયરલેન્ડ સામે રાહ આસાન નહીં હોય. આથી તેની ટીમે આ મુકબલામાં ભૂલોથી બચીને રમવું પડશે. ટીમને કુસાલ પરેરા, પથુમ નિસંકા અને અનુભવી દિનેશ ચંદિમાલ પાસેથી શાનદાર ઇનિંગની આશા રહેશે. વિશ્વ કપમાં શ્રીલંકા માટે બે સ્પિનર મહેશ થેકશાના અને વાનિંદુ હસંરાગની જોડી હુકમના એક્કા જેવી છે. તેમનાં પ્રદર્શન પર ટીમની નજર રહેશે.
નેધરલેન્ડસ સામેની શાનદાર જીતથી આયરલેન્ડની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. શ્રીલંકા સામેના મેચમાં આયરલેન્ડની બોલિંગથી વધુ બેટિંગની કસોટી થશે. શ્રીલંકાની બોલિંગમાં વિવિધતા છે. તેની સામે આયરલેન્ડે મોટો સ્કોર કરવો પડશે.
ભારતીય શેરબજારોએ આજે તા.19 ઓક્ટોબર 2021ને મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે મંગળવારે સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહી હતી.
શેર બજારમાં જાણે દિવાળી આવે એ પહેલા જ દિવાળી જેવી તેજીનો અનુભવ થઇ રહ્યો છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે. શેર માર્કેટમાં આવેલી આ તેજીથી રોકાણકારોની તો દિવાળી પહેલા જ દિવાળી શરું થઈ ગઈ છે. કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા પરંતુ જેમ જેમ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તેમ તેમ માર્કેટ બમણી તેજીથી વધી રહ્યું છે.
IT, PSU, બેંક, ઓટો ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગઈ છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.
BSE પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હવે બંધ નહીં રહે. આગામી 28થી 31 ઓક્ટોબર દરમિયાન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની માગણીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા પણ ગોઠવવામાં આવશે.
મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરે કેવડીયા નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરે કેવડીયાના પ્રવાસે હોવાથી પ્રવાસન સ્થળ પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને હાલ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ નિર્ણય ફેરવાયો છે અને પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પીએમ મોદીના આગમનના કારણે તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી કેવડીયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ 28મીથી 1 નવેમ્બર સુધી કેવડીયાના તમામ પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ વેબસાઈટ પર નોટિસ મૂકીને ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, 30 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા પહોંચશે.
ત્યારબાદ સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ પણ કરશે અને કેવડીયામાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડીયા મુકામે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતાની ઉજવણી થશે. જેમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલાશે. આ કાર્યક્રમને લઈને અહીં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ) 2016નામાં રહેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આ દંડ લગાવવામાં આવ્યો છે.
એસબીઆઈ બેંક ઉપર આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A (1) (c)ની સાથે 46(4)(i) અને 51(1)ની ધારાઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા પર અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઈપણ ટ્રાન્જેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નથી.
આરબીઆઈએ જણાવ્યું કે, આરબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ અંગે સ્ક્રૂટિની કરવામાં આવી હતી. અને આ તપાસમાં સામે આવ્યું કે, બેંક દ્વારા આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આરબીઆઈ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એકાઉન્ટમાં ધોખાધડીની સૂચના આરબીઆઈને આપવામાં આવી હતી.
જે બાદ આરબીઆઈ દ્વારા એસબીઆઈને આ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી અને પુછવામાં આવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે? જે બાદ એસબીઆઈ દ્વારા આ નોટિસનો જવાબ મોકલવામાં આવ્યો હતો. પણ જવાબથી અસંતુષ્ટ આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
SBI ઉપરાંત આરબીઆઈ દ્વારા પ્રાઈવેટ બેંક સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર નક્કી સમયગાળાની અંદર સાયબર સુરક્ષા ઘટનાઓના રિપોર્ટ કરવામાં અસફળ સહિત અન્ય કારણોથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.
ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.
પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.
ઇસ્લામી વર્ષનો ત્રીજો મહિનો રબી ઉલ અવ્વલનો ૧૨મો રોજ એટલે દીને ઇસ્લામના સૌથી છેલ્લા પયગંબર અને અલ્લાહના મહેબૂબ હઝરત મુહંમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લામ (સવ.) ના મિલાદ શરીફ (જન્મદિવસ) નો મહાન પ્રસંગ. દર વર્ષે મોમીનોને આ દિવ્યોત્સવનું શરફ (માન, સન્માન) સાંપડે છે અને પયગંબરે ઇસ્લામના સબક આમોઝ (બોધ આપનારા) જીવન પ્રસંગો યાદ કરીને એમાંથી મઝહબી ફરજો સાથે માનવહકોની હિફાઝત (રક્ષા) અર્થે નેક (પ્રમાણિકતાપૂર્વક, ભલાઇ અને સત્ય) કાર્યો કરવાની પ્રેરણા મળે છે.
મિલાદ યાદના અવસર પર આપણી નજર સામે હિજરી સન ૧૪૪૧-૪૨ વર્ષ પૂર્વેનો અંધકાર યુગ ઉપસ્થિત થાય છે કે જયારે અરબસ્તાનની ભૂમિ પર અજ્ઞાનતા અને હેવાનિયત (જંગલી, પશુપણું)ના ઓળા ઉતરેલાં હતા અને ફિત્ના-ફસાદોની હવા ફૂંકાતી હતી. માત્ર નામોમાં જ મુસલમાની દેખાતી હતી પરંતુ કામ ખોટાં થતાં અને ઇસ્લામની ખરી ખૂબીઓ કોઇ સમજી શકતું નહોતું. આપસમાં નાના નાના કબીલાઓ લડતા અને મરતા હતા તેમ જ નજીવી બાબતોમાં મોટા ગુના કરતા હતા. એવા વિપરીત કાળમાં અલ્લાહના ફઝલો કરમ (કૃપા, મહેરબાની)થી પયગંબરે ઇસ્લામ, હુઝૂરે અનવર (સલ.)નો જન્મ થયો અને બચપણથી જ આ બધી બદી અને બૂરાઇઓ આપને ખૂંચવા લાગી. એનો આપે સદાચારી જીવન દ્વારા પ્રતિકાર કર્યો અને આપને નબુવ્વત પ્રાપ્ત થયા પછી તો ઇસ્લામને અજવાળવા અને તેને વ્યવસ્થિત બંધારણ પર મૂકવા માટે આપે જે ભગીરથ કાર્ય કર્યું છે તે ખરેખર અજોડ છે:
* આપ અલ્લાહના મહાન પયગંબર (સંદેશવાહક) એ તવહિદ (ઇશ્ર્વર એક હોવાનો) એકેશ્ર્વરવાદનો નારો લગાવ્યો અને તમામ લોકો એક જ સફ (પંગત)માં એકત્ર થઇ ગયા. * આપના પર પવિત્ર કુરાન નાઝિલ (ઊતરવું) થયું અને ઇલાહી આજ્ઞા અને કાનૂનની લોકોને આપે સમજણ આપી. * માલિક અને ગુલામો વચ્ચેનાં ભેદભાવો મિટાવ્યાં. * જહાલત (મૂર્ખ, મૂઢ) અને ઝનૂન (પાશવીપણું) દૂર કર્યાં. * જંગલી લોકોનાં જીગર (દિલોદિમાગ)માં ઉતરી જઇને ઇન્સાનિયત-માનવતાનાં માંડવા બાંધ્યા. * માતાઓને દરજજો અપાવ્યો. * દીકરીઓને હક (અધિકાર) અપાવ્યા. * પત્નીઓ પર અન્યાય, અત્યાચારની લટકતી તલવારને દૂર કરાવી. * આપે આપનું પોતાનું જીવન એવી રીતે સાદાઇ અને ગરીબીમાં ગુજાર્યું કે જે આપના ઉમ્મતિ (અનુયાયી, પ્રજાજનો) માટે બોધપ્રદ બની જાય.
મીલાદુન્નબીના આ શાનદાર અવસરે આપ હુઝૂરે કરીમ (સલ.)ની ખિદમત (સેવા)માં ન માત્ર મુસ્લિમો તરફથી જ આપના ઇલાહી તેજના બેનમૂન આદર્શ જીવન અને ઇસ્લામ ઉપરનાં આપના અનહદ ઉપકારો બ૨દલ શુક્રગુઝારી (આભાર પ્રદર્શિત) ની સલામી સાદર કરાશે. પરંતુ બિન મુસ્લિમ મહાનુભાવોની જબાનોથી અને કલમોથી પણ આપની મહાનતાનો મહિમા ગવાશે અને સદાકાળ ગવાતો રહેશે.
આપ હુઝૂરે અનવર (સલ.)ની ઇન્સાફી જિંદગી અને માનવ પ્રેમથી સભર જીવનની તવારીખ અતિ લાંબી અને વિશાળ છે. એનાં આલેખન માટે તો આ અદના લેખકના કલમની શાહી રજ જેટલી પણ હેસિયત રાખતી નથી પરંતુ અહીં અહેસાસનો ઇઝહાર રોકી શકાતો નથી કે જયારે જયારે આપના જીવનના હાલાત વાગોળવામાં આવે છે ત્યારે ત્યારે દિલમાં આપની અઝમત (મહત્તા)નો આપની મહાનતાનો એક નવો જઝબો (ઉત્સાહ) પેદા થાય છે. આ આપમાં રહેલ દેવી ગુણો અને ઉત્તમ ખૂબીઓ નથી તો બીજું શું છે? એથી વધુ સારી દલીલ બીજી કઇ હોઇ શકે? ઇસ્લામ ખુશગવાર અને કાબિલેકદ્ર અને આગવી ધાર્મિક નીતિનિયમોનો ધર્મ છે. એમાં ઇન્સાફની ખુશ્બો મહેકે છે, એમાં માનવતાની મિત્રતા દેખાય છે.
મિલાદ શરીફનો મહાન અવસર એ દુઆગુઝારી સાથે મનાવીએ કે આપ અલ્લાહના રસૂલ (સલ.) ના સદાચારી જીવનપંથે ઇમાનદારીપૂર્વક પ્રયાણ કરી, સર્વદા આપ પર દિલપૂર્વક દરૂદો સલામ પાઠવીએ. સૌને ઇદે મિલાદની મુબારકબાદ.
કેરળમાં ભારે વરસાદને લીધે મરનારા લોકોની સંખ્યા વધીને ત્રીસ થઇ હતી. આર્મી, નેવી અને વાયુસેના બચાવકાર્યમાં સહયોગ આપી રહી છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પૂરગ્રસ્ત કેરળને કેન્દ્ર તરફથી બનતી દરેક સહાય આપવાની બાંયધરી આપી હતી. સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૧ ટીમ બચાવ અને રાહતકાર્ય કરી રહી છે.
dt.17/10/21, રવિવારે સવારે આર્મી, એનડીઆરએફ, પોલીસ અને અગ્નિશમન દળના જવાનોએ સ્થાનિક લોકોની સાથે મળીને કુટ્ટીકલ અને કોકકાયાર પંચાયત ક્ષેત્રમાં થયેલા ભૂસ્ખલનને લીધે ગુમ થયેલી વ્યક્તિઓની શોધ આદરી હતી.
તપાસ દરમિયાન કાટમાળમાંથી કેટલાક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી એમની ઓળખ થઇ શકી નથી. શનિવારે કુટ્ટીકલમાંથી બે મહિલા અને બે બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.
આ અગાઉ 16/10/21 શનિવારે ઇડુક્કી જિલ્લાના કંજારમાં પૂરના પાણીમાં કાર તણાઇ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા ૩૦ વર્ષના એક પુરુષ અને મહિલાનું મોત થયું હતું. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોટ્ટયમમાં પહોંચેલી આર્મીની ટુકડીએ બચાવકાર્ય શરૂ કર્યું છે અને તેઓ ગુમ થયેલી વ્યક્તિઓને કાટમાળમાંથી શોધી રહ્યા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હજુ કેટલાક લોકો ફસાયા છે. હાલ વરસાદ તો નથી પડી રહ્યો પણ વાદળ ઘેરાયા છે. મદ્રાસ રેજિમેન્ટની ટુકડીએ કુટ્ટીકલથી ચાર કિ. મી. દૂર આવેલા કવાલી ગામે બચાવકાર્ય શરૂ કર્યું છે.
કોચીમાં આવેલા નૌસેનાના જહાજ આઇએનએસ ગરુડા પરથી રાહત સામગ્રી લઇને નૌસેનાનું હેલિકૉપ્ટર અસરગ્રસ્ત વિસ્તાર તરફ રવાના કરાયું હતું. ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકૉપ્ટરને વાયુસેનાની થિરુવનન્થપુરમ ખાતેની છાવણીમાં સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યા છે. કેરળ-કર્ણાટકના કિનારાના પ્રદેશમાં હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન પિનારયી વિજયને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કૅમ્પ શરૂ કરાઇ હોવાની માહિતી ટ્વિટર પર જાહેર કરી હતી.
ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.
ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.
અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.
સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.
એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.
દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.
માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.
‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’
કોરોના વાયરસના કારણે અમેરિકાએ હાલમાં વિદેશથી આવતા લોકો માટે ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, વ્હાઈટ હાઉસ દ્વારા શુક્રવારે આ ટ્રાવેલ પ્રતિબંધો હળવા કરવામાં આવે તેવી શક્યતા છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા 8 નવેમ્બરથી વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા વિદેશી નાગરિકો માટે જમીન માર્ગ તથા એર ટ્રાવેલ પરના પ્રતિબંધ ઉઠાવવાની જાહેરાત કરી શકે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે તે કેનેડા અને મેક્સિકો ખાતેની પોતાની સરહદો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવી લેશે અને જેમણે સંપૂર્ણ વેક્સીન લીધી છે તેમને દેશમાં આવવાની મંજૂરી આપશે. જોકે, જેમણે વેક્સીન લીધી નથી તેમને કેનેડા અને મેક્સિકોમાંથી જમીની સરહદેથી પ્રવેશ આપવામાં આવશે નહીં.
કેનેડાએ 9 ઓગસ્ટથી સંપૂર્ણ વેક્સીન લેનારા અમેરિકન પ્રવાસીઓને બિનજરૂરી ટ્રાવેલ માટે મંજૂરી આપી હતી. વ્હાઈટ હાઉસે 20 સપ્ટેમ્બર જાહેર કર્યું હતું કે અમેરિકા નવેમ્બરની શરૂઆતમાં ભારત, ચીન, બ્રાઝિલ તથા યુરોપના મોટા ભાગના દેશો સહિત કુલ 33 દેશોના પ્રવાસીઓ માટેના ટ્રાવેલ પ્રતિબંધો ઉઠાવી લેશે. જોકે, નવેમ્બરમાં કઈ તારીખથી આ પ્રતિબંધો ઉઠાવવામાં આવશે તેની સ્પષ્ટતા કરી ન હતી.
નોન-અમેરિકન એર ટ્રાવેલર્સને ફ્લાઈટમાં બેસતા પહેલા વેક્સીન લીધી હોવાનું પ્રૂફ આપવું પડશે અને તાજેતરમાં કરવામાં આવેલા કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ બતાવવો પડશે. જ્યારે જમીની સરહદેથી અમેરિકામાં દાખલ થનારા વિદેશી પ્રવાસીઓને તાજેતરના કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર રહેશે નહીં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.