
ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે.
ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા.
ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન
ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો.
| ખેલાડીનું નામ | રન | બોલ |
| અભિષેક શર્મા | 0 | 4 |
| શુભમન ગિલ | 31 | 29 |
| ઋતુરાજ ગાયકવાડ | 7 | 9 |
| રિયાન પરાગ | 2 | 3 |
| રીન્કુ સિંહ | 0 | 2 |
| ધ્રુવ જૂરેલ | 7 | 14 |
| વૉશિંગ્ટન સુંદર | 27 | 34 |
| રવિ બિશ્નોઈ | 9 | 8 |
| આવેશ ખાન | 16 | 12 |
| મુકેશ કુમાર | 0 | 3 |
| ખલીલ એહમદ | 0 | 1 |
રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા
ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો.
શુભમન ગિલે 31 રન બનાવ્યા
જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે.


















