
આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.
સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.
એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.
સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.
























