બૉલીવુડના લેખક-ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. બીજેપીના ફાયરબ્રૅન્ડ નેતા રામ કદમે કહ્યું હતું કે જાવેદ અખ્તરે કરેલા એ સ્ટેટમેન્ટનો અમે વિરોધ કરીએ છીએ અને આ સંદર્ભે અમે પોલીસ-ફરિયાદ પણ કરીશું.

જાણીતા લેખક-ગીતકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાલિબાન સાથે સરખાવતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે
બીજેપીના પ્રવક્તા રામ કદમે કહ્યું હતું કે ‘જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી એ સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કરોડો કાર્યકરો અને તેમના સમર્થકોનું અપમાન છે. જ્યાં સુધી જાવેદ અખ્તર હાથ જોડીને આ માટે માફી માગતા નથી ત્યાં સુધી તેમની કે તેમના પરિવારની એક પણ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. કમેન્ટ કરતાં પહેલાં તેમણે વિચારવું જોઈતું હતું કે સમાન વિચારસરણી ધરાવતા લોકો હાલ રાજ કરી રહ્યા છે અને રાજધર્મનું અનુસરણ કરી રહ્યા છે.’
એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘જે સંઘનું સમર્થન કરે છે તેમની માનસિકતા પણ તાલિબાન જેવી જ છે. સંઘનું સમર્થન કરનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન અને તમે જેમને સમર્થન આપો છો એમનામાં શું ફરક છે? તેમનું વલણ મજબૂત થઈ રહ્યું છે અને તેઓ તેમના લક્ષ્ય પ્રતિ આગળ વધી રહ્યા છે.’













