જયેશ બ્રહ્મભટ્ટ
સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-ચણાં ખાવાનો મહિમા છે. ધાણી-ચણા ખાવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કાર્ય કરે છે. પરંતુ, સ્વાદના શોખીન સુરતીઓ ધાણી ચણા તો હોળી ધૂળેટીએ આરોગે છે પરંતુ, સુરતની ફૂડ ફેન્ટસીમાં સૌથી ટોપ પર જે વાનગી આવે છે અને જેને સુરતીઓએ જ શોધી છે એ ખમણ આરોગવાના અગાઉના તમામ રેકોર્ડ ધૂળેટી 2019 તોડી નાંખે તેમ છે.
- ધૂળેટી 2018ના દિવસે સવારે શહેરના મોટા ભાગની દુકાનોમાં કાચા ખમણની શોર્ટેજ વર્તાઇ હતી
- વ્હોલસેલ ખમણ ઉત્પાદકો પાસે 2-2 હજાર કિલોના કાચા ખમણના ઓર્ડર
- ધૂળેટીનો ખમણનો ઓર્ડર પૂરો કરવા હોળીની પ્રગટાવાની સાથે જ ખમણનું પ્રોડકશન શરૂ કરી દેવાશે

સુરતમાં શહેરમાં મોટા ગણી શકાય તેવા 9 ખમણ ઉત્પાદકો છે જે નાના ફરસાણના વેપારીઓને રોજેરોજ કાચા ખમણ સપ્લાય કરે છે. આવા ઉત્પાદકો પૈકીના એક હરેશભાઇ પટેલ કહે છે કે તેમની પાસે ફક્ત ધૂળેટીએ સવારે 9 વાગ્યા સુધીમાં સપ્લાય કરવા માટે 2000 કિલોથી વધારેનો કાચા ખમણનો ઓર્ડર છે અને હજુ ઓર્ડર આવી રહ્યા છે. તેઓ કહે છે કે સુરતીઓ ધૂળેટી રમ્યા પછી ગ્રુપ્સમાં નાસ્તો કરવા માટે મોટા ભાગે કાચા ખમણ, તેલ અને કાચી ડૂંગળી પસંદ કરતા હોય છે. આ સુરતીઓનો ફેવટીટ નાસ્તો હોય છે અને ગયા વર્ષે 2018માં જે પ્રકારે કાચા ખમણની શોર્ટેજ પડી હતી એ અનુભવને જોતા શહેરના નાના રિટેઇલ ફરસાણ ગૃહોએ ગયા વર્ષથી 25 ટકા વધુ માત્રામાં કાચા ખમણ ઓર્ડર કર્યા છે.
એવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં મોટા ખમણ સપ્લાયર તરીકે જાણીતા વ્યાપારીએ જણાવ્યું કે સુરતમાં કોઇપણ તહેવાર હોય એટલે રુટીન કરતા વધારે જથ્થામાં કાચા ખમણનો ઉપાડ રહે છે, આ વખતે પણ તા.21મી માર્ચ 2019ને ધૂળેટીનો પર્વ હોઇ એડવાન્સ્ડ ઓર્ડર રૂટીન દિવસો ખાસ કરીને રવિવાર કરતા પણ 30 ટકા વધારે માત્રામાં એડવાન્સ્ડ ઓર્ડર મળ્યા છે. આમ, આ વખતે ધૂળેટીમાં જેટલા ધાણી ચણા નહીં ખવાય તેના કરતા અનેક ઘણી વધુ માત્રામાં કાચા ખમણ સુરતમાં ખવાશે.
ખમણ છે સૌની પસંદ

સુરતમાં અબાલવૃદ્ધો સૌની જો કોઇ એક કોમન પસંદની વાનગી હોય તો એ છે ખમણ. સુરત સિવાય આખા ગુજરાતમાં મોટા ભાગે આંશિક ગળ્યા લાગે તેવા ખમણ મળે છે. વડોદરાથી ઉપર ઉત્તર ગુજરાત તરફ જઇએ તો મોટા ભાગે નાયલોન ખમણ મળે એ સિવાય ખમણ કરતા વધારે વણાયેલા ગાંઠીયા ખવાય. પણ સુરતના ખમણની વાત જ નિરાલી છે. અહીં 5-6 મહિનાના બાળકને પણ ખમણનો ટેસ્ટ કરાવે એ સુરતી કહેવાય. બાળકોથી લઇને મોટેરાઓ અને સિનિયર સિટીઝન સુધી બધાને સુરતી ખમણનો ચટાકો હોય જ. એવા કોઇ ભાગ્યે જ મળી આવે જેને ખમણ પ્રત્યે સુગ હોય. સુરતીઓ માટે ક્યારેય ખમણ જૂની વાનગી થઇ નથી. જે લોકોને એકલા કે કાચા ખમણ નથી ભાવતા તેઓ હવે રસાવાળા ખમણ ખાય રહ્યા છે. જેમને ટૂકડામાં ખમણ નથી ભાવતા તેઓ લોચો ભરપૂર ઝાપટી જાય છે. આમ, સુરતીઓ માટે ખમણ એ એવી વાનગી છે જે 24×7 હોટ ફેવરીટ બની રહે છે.
-
સુરતીઓની ફેસ્ટીવલમાં ફૂડ ફેન્ટસી
-
ચંદી પડવાએ ઘારી
-
ઉતરાયણમાં જલેબી અને ઉંધીયું
-
ક્રિસમસ પર પોંકવડા અને પોંક પાર્ટી
-
કેરી ગાળામાં સરસીયા ખાજા
-
ધૂળેટીમાં કાચા ખમણ અને કાંદો
-
દર રવિવારે લોચો
-
દશેરાએ જલેબી અને ફાફડા-પાપડી ગાંઠીયા
-
બેસતા વર્ષે વેજીટેરીયન ચોળીનું શાક ખાય અને નોનવેજીટેરીયન પોમ્ફલેટ માછલી અવશ્ય ખાય જ
સ્વાદના શોખીન સુરતીઓની દરેક તહેવારને અનુલક્ષીને સ્પેશિફિક વાનગીઓ આરોગવાની એક પેટર્ન છે, જેમકે ચંદી પડવાએ ઘારી-ભૂસું-ભજીયા સાથે નોનવેજ ખાનારાઓ ચીકન અચૂક ખાય છે. ઉતરાયણના પર્વે ઉંધીયું અને જલેબી વગર સુરતીઓ પતંગના પેચ કાપી શક્તા નથી. ક્રિસમસ પર્વે પોંક પાર્ટી કે પોંકવડા વગર સુરતીઓને ક્રિસમસને કેક હજમ જ ન થાય. કેરીના રસની સીઝનમાં સરસીયા ખાજા સાથેની જયાફત ન માણે તે સુરતી નહીં. એવી જ રીતે દશેરાએ જલેબી ફાફડા નહીં ખાય તો સુરતીઓના તહેવારની રોનક સાવ ફિક્કી લાગે.
























