સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા ગુરૂવાર, તા. ૧૮ જુલાઇ ર૦ર૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC, સરસાણા, સુરત ખાતે ‘વિવિંગ ટેકનોલોજીમાં તાજેતરના ડેવલપમેન્ટ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં નિષ્ણાત વકતા તરીકે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને પીકવેલ ટેક્ષ્ટાઇલ મશીનરીના ડિરેકટર શ્રી પરેશ ગોંડલીયાએ વિવિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં યાર્ન અને મશીનરીની ભૂમિકા વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.
SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચાઇનામાં ૮ લાખ મોડર્ન લુમ છે, જ્યારે ભારતમાં દોઢ લાખ જ છે. દોઢ લાખમાંથી અડધા મોડર્ન લુમ તો સુરતમાં છે. વણાટ ઉદ્યોગમાં મોડર્ન લુમને કારણે પ્રોડકશન કવોલિટી ખૂબ જ સારી આવે છે અને પ્રોડકશનમાં પણ વધારો થાય છે, આથી વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ મોડર્ન લુમમાં જવું જ પડશે.
ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાપડના ઉત્પાદકો અત્યાર સુધી ડોમેસ્ટીક માર્કેટ પૂરતું જ કામ કરી રહયા છે પરંતુ હવે ગ્લોબલી માર્કેટમાં ઝંપલાવવાની જરૂર છે. એના માટે કાપડમાં રિસર્ચ કરવાની જરૂર છે. દેશ – વિદેશમાં યોજાતા વિવિધ એકઝીબીશનમાં ભાગ લેવાની જરૂર છે. પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે તેમાં નવું કરવાની જરૂર છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ The way forward in Textile sector of World વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં મેન મેઇડ ફેબ્રિકની આખી વેલ્યુ ચેઇન ઉપલબ્ધ છે. રો મટિરિયલ પણ સરળતાથી મળી જાય છે. ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેકનોલોજી, સ્કીલ્ડ લેબર અને ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરીંગ માટે સુરતનું વાતાવરણ યોગ્ય છે. તેમણે ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં એગ્રીટેક, મેડીટેક, મોબીટેક, પેકટેક, સ્પોર્ટટેક, બિલ્ડટેક, કલોથટેક, હોમટેક, પ્રોટેક, જીઓટેક, ઇકોટેક અને ઇન્ડુટેક વિશે માહિતી આપી હતી.
શ્રી પરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં રેપિયર, વોટરજેટ અને એરજેટમાં હાઇસ્પીડ મશીનરી આવી છે. વર્ષ ર૦૧૦થી સુરતમાં વોટરજેટ આવ્યા છે. આ મશીનરી ઉપર કોઇપણ ફેબ્રિક સરળતાથી ચલાવી શકાય છે. એરજેટમાં વિવર્સ ભાઇઓ ડાયવર્ટ થઇ રહયા છે ત્યારે આગામી એક વર્ષમાં ફેબ્રિકની માંગ ખૂબ જ વધી જશે. સોલાર એનર્જીને કારણે પાવરની લિમિટેશન નીકળી જશે. સીમલેસ નીટીંગ દેખાશે અને નીટીંગને લગતા કપડા યુરોપમાં એક્ષ્પોર્ટ કરી શકાશે. યુરોપમાં કાપડનું મેન્યુફેકચરીંગ થતું નથી, આથી વૈશ્વિક માર્કેટમાં એક્ષ્પોર્ટ માટે ટેક્ષ્ટાઇલમાં અપડેટ થવું પડશે. તેમણે ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો હતો.
જીએફઆરઆરસીના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્ર કાજીવાલા, શ્રી રશ્મી રંજન બિસ્વાલ, શ્રી મનિષ મુલે અને વિવર્સ ભાઇઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. શ્રી ભગીરથ કળથિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
ધી સૂરત પીપલ્સ કો ઓપ બેન્ક ના એમ. ડી. / સી. ઈ. ઓ. ડો. જતીન નાયક ની નિમણુંક દિલ્હી સ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ કો ઓપરેટીવ ટ્રેનિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમ નક્કી કરવા માટેની કમિટીમાં કરવામાં આવી છે.
નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટીવ ટ્રેનિંગના મુખ્ય સચિવ મોહનકુમાર મિશ્રાએ નિમણુંક અંગેનો પત્ર ડો. જતીન નાયકને પાઠવ્યો છે અને પહેલી મિટીંગ માટે નવી દિલ્હી તેડાવ્યા છે. ઊચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સુરતની પીપલ્સ કો.ઓ. બેંકના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ડો. જતીન નાયક હાલમાં ત્રણ યુનિવર્સીટીઓના બોર્ડ ઓફ સ્ટડીસના પણ મેમ્બર છે. સુરત પીપલ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને કર્મચારીઓએ એમની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અને આવી દિર્ઘર્દષ્ટી તેમજ કર્તવ્યનિષ્ઠ વ્યકિત મેળવવા બદલ સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે.
મોહરમના તહેવાર નિમિતે સુરત શહેરમાં પારંપરિક રીતે તા 16/07/2024 ના મંગળવારે શહાદતની રાત્રે અને અને તા. 17/07/2024 બુધવારે યોવમે આસુરાના દિવસે તાજીયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે એવુ સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું.
છેલ્લા 20 દિવસ થી સુરત શહેર તાજીયા કમીટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોઈ, સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સેયદપુરા, હરીપુરા, રામપુરા, ઇન્દરપુરા, ગધેવાન, ખાંડા કુવા, સેતરંજીવાડ, ઝાલાવાડ ટેકરા, ઝાંપાબઝાર, રાણીતળાવ, ગોપીતળાવ, રુસ્તમપુરા, સગરામપુરા, રૂદદરપુરા, લીંબાયત, રાંદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન વિસ્તારોમાં તાજીયાની સ્થાપના છેલ્લા નવ દિવસથી કરવામાં આવી છે અને તાજીયાઓ દર્શન માટે પડદાઓ ખોલવામાં આવ્યા હતા.
તાજીયા, સવારી, દુલ દુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા, પરીની મળીને 350થી વધુ પરમીટ ફોર્મ ભરવામાં આવ્યા છે, સહાદાતની રાત્રે (મંગળવારે) સુરત કોટ વિસ્તારના તાજીયાઓ ઝાંપાબાઝાર એકત્રિત થશે ત્યાં રાત્રે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત શ્રીફળ વધેરી તાજીયા જુલુસને આગળ વધારશે. આ જુલુસ મોતી સિનેમાથી મુંબઈવડ થઇ નવાબસાહેબના નવાબ મહેલે જઈ પરત પોત પોતાના સ્થાનક ઉપર થશે.
બુધવાર યોવમે આસુરા ના દિવસે તજીયા ઠંડા થવાના દિવસ લીંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજીયા ભાગળ ચાર રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી લાલગેટથી ગત વર્ષના રૂટ, ફાયદાબજારથી ક્રાઉન ડેરી, મુગલીસરા મહાનગર પાલીકાથી આઈપી મિશન સ્કુલ થઇ ચકલાબઝારથી હોડી બંગલા ખાતે તાજીયા ઠંડા કરવામાં આવશે.
ભાગળ ચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમમાં સાંજે 5.30 કલાકે યોજાશે. વહેલા તે પહેલા આવનારા 10 તાજીયાને સંત શ્રી અંબરીષાનંદ મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામો આવ્યો છે. જુલુસ દરમિયાન તાજીયા કમીટીના 1500થી વધુ સ્વયંવસેવકો ખડેપગે સેવા આપશે.
ગત ડિસેમ્બર 2023માં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સપ્તાહમાં સાતેય દિવસ ચોવીસે કલાક ઓપરેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ આ પ્રકારનું સ્ટેટસ ફક્ત નામ પૂરતું રહી ગયું છે. સુરતનું એરપોર્ટ અર્થપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે 11 જેટલા ટોપ પ્રાયોરિટીના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે વી વોન્ટ વર્કીંગ એરપોર્ટ એટ સુરત WWWAS ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુધી રજૂઆતોનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.
સુરત એરપોર્ટ માટે સતત સક્રીય WWWAS ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર જે પ્રકારે પેસેન્જર ટ્રાફિક મળી રહ્યો છે, એ પ્રકારની ફ્લાઇટ્સ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે સુરત એરપોર્ટનો સમાવેશ કેન્દ્ર સરકારની બાયલેટરલ પોલિસીમાં નથી કરાય રહ્યો એ છે. આથી WWWASની માગણી છે કે સુરત એરપોર્ટને બાયલેટરલ કોન્ટ્રાક્ટ પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવે જેથી કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળી શકે અને પ્રાઇવેટ એરલાઇન્સ સાથે વૈશ્વિક ડેસ્ટીનેશનના જોડાણો સુરતને મળી શકે.
તેમણે કહ્યુંકે નવા ટર્મિનલ બિલ્ડીંગને મંજૂરી મળવી જોઇએ જેથી ચોવીસ કલાક અને સાતેય દિવસ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકાય. સાથોસાથ પેરેલલ ટેક્સી-વે કે જેનું કામ વર્ષોથી ખોરંભે પડ્યું છે તેને પણ ત્વરીત પૂર્ણ કરવામાં આવે. જૂનું ટર્મિનલ છે તેનો પણ વિસ્તાર કરવામાં આવે જેથી મુસાફરોની સુવિધા વધારવામાં એ ઉપયોગી નિવડી શકે. સુરતથી દેશના અન્ય ડેસ્ટીનેશન પર કાર્ગો સર્વિસ ઓપરેટ થઇ રહી છે, હવે કાર્ગો સેક્ટરમાં વન સ્ટેપ અહેડ જતા ઇન્ટરનેશનલ કાર્ગો ફેસેલિટી પણ સુરતથી શરૂ થાય તો હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગને તેનો સીધો ફાયદો મળી શકે. આ સર્વિસથી અસરસપરસ બન્નેને લાભ થઇ શકે તેમ છે.
WWWASના સંજય જૈને કહ્યું કે હાલ શારજાહ અને દુબઇની ફ્લાઇટ ચાલી રહી છે, સુરત એરપોર્ટથી ડાયરેક્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વિસ્તરે તે માટે બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ શક્ય એટલી ઝડપથી થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે સુરતથી દોહા સુધીની કનેક્ટીવિટી જો સુરત એરપોર્ટને મળી શકે, કતાર એરવેઝ સાથે આ માટે જોડાણ થઇ શકે તો દોહાથી સમગ્ર વિશ્વ સાથે સુરત એરપોર્ટ જોડાઇ શકે અને સિંગલ પીએનઆરથી સુરતથી જ મુસાફરો ટ્રાવેલ કરી શકે તેમ છે. એવી જ રીતે ડોમેસ્ટીક કનેક્ટિવિટી વધારવા માટે સરકાર સુરત એરપોર્ટના મુસાફરોનાં આંકડાઓ ધ્યાનમાં લે. અંતમાં WWWAS સુરત એરપોર્ટ માટે એક કાયમી એરપોર્ટ ડાયરેક્ટરની ત્વરીત નિમણૂંક કરવામાં આવે એવી પણ માગણી કરી છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૧ જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સંહતિ, સરસાણા, સુરત ખાતે સ્થાનિક વ્યાપાર વૃદ્ધિ માટે બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ વિષય પર ટેક ઇનોવેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ગુજરાતના અલ્ગોભારત રિજીયોનલ એમ્બેસેડર તેમજ ઓપન બ્લોકચેન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને બ્લોકચેન આર્કીટેકટ શ્રી સુનિલ કાપડીયાએ આઇટી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને વ્યવહારમાં તેમજ વેપાર – ઉદ્યોગમાં બ્લોકચેન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ સમિટમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં બ્લોકચેન ટેકનોલોજીની માર્કેટ ગ્રોથમાં હબનચ ૮૪.પ ટકાનો વધારો થવાનો અંદાજ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ ર૦૩૦ સુધીમાં ૧પ.૭ ટ્રિલિયન યુએસ ડોલરની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પ્રદાન કરશે તેવી સંભાવના છે. અર્થશાસ્ત્રીઓની આગાહી મુજબ, બ્લોકચેન વર્ષ ર૦૩૦ સુધીમાં વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં ૧.૭૬ બિલિયન યુએસ ડોલરનો વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, નિષ્ણાંતોની ધારણા મુજબ વિશ્વભરની મોટા ભાગની કંપનીઓ દ્વારા બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બ્લોકચેન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા ડેટા સિકયુરિટીમાં વધારો અને ભરોસો, કાર્યક્ષમતામાં વધારો અને ખર્ચમાં ઘટાડો, નવા બિઝનેસ મોડલ અને આવકના સ્ત્રોતોમાં વધારો અને સ્પર્ધાત્મકતામાં વધારો જેવી બાબતોમાં બિઝનેસમાં વૃદ્ધિને વેગ આપવામાં મદદ થશે.
નિષ્ણાંત વકતા શ્રી સુનિલ કાપડીયાએ જણાવ્યું હતું કે, બ્લોકચેન એ મેથેમેટિકસ ગ્રીવન્સ ટેકનોલોજી છે. બ્લોકચેન પર જે ડેટા અપલોડ કરવામાં આવે છે તેમાં ઉમેરો કરી શકાય છે પણ એક વખત જે ડેટા અપલોડ કરાયો તે ચેન્જ થતો નથી. ટ્રાન્ઝેકશનનો ડેટા ચેન્જ થઇ શકે છે. બ્લોકચેન પર બધા પાર્ટીસિપેટ કરી શકે છે અને પોતાનો ડેટા રાખી શકે છે. બ્લોકચેન ક્ષેત્રમાં પીયર ટુ પીયર ઇકોનોમી ઉભી કરાઇ છે, જેનાથી બધાને સમાન અધિકાર મળી શકે. એક વખત બ્લોકચેનમાં જે ડેટા નાંખ્યો તે બદલાતો નથી અને ગમે ત્યારે એ ડેટા મળી જાય છે. બધો જ ડેટા બધા પાસે સરખો હોય છે, આથી બ્લોકચેનનો રેકોર્ડ બદલાયો હોય એવી કોઇ ઘટના અત્યાર સુધી બની જ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્લોકચેન વર્ષ ર૦૧૩માં આવ્યું હતું. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ ર૦૧૮માં અને ચેટજીપીટી વર્ષ ર૦ર૪માં આવ્યું છે. બ્લોકચેનથી ડેટા આવે એટલે એના પર વિશ્વાસ મુકી શકાય છે. બ્લોકચેનથી ટ્રાન્ઝેકશન સુરક્ષિત થાય છે. બ્લોકચેનમાં કોઇ એક વ્યકિત પાસે પાવર હોતો નથી. તેમણે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બ્લોકચેનની ઉપયોગિતા વિશે ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત માહિતી આપી હતી.
વધુમાં, શ્રી સુનીલ કાપડીયાએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સાબિત થનારી બાબતો જેવી કે ઓથેન્ટીકેશન એન્ડ સર્ટિફિકેશન, માર્કેટ રેગ્યુલેશન કોમ્પ્લાયન્સ, સસ્ટેનેબિલિટી ઇનિશીએટીવ્ઝ, માર્કેટ ડિસ્રપ્શન, ગ્લોબલ ઇમ્પેકટ, સકર્યુલર ઇકોનોમિ ઇનીશિએટીવ્ઝ, ગ્લોબલ કનેકટીવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે વિગતવાર ચર્ચા કરી હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સમિટની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્લોકચેન દ્વારા વ્યવસાયિક કામગીરીમાં સુરક્ષા, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો લાવી શકાય છે. દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપનારા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને કેમિકલ સહિતના વિવિધ ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે પણ બ્લોકચેન અલ્ગોરેન્ડનો ઉપયોગ કારગર સાબિત થઇ શકે તેમ છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી બશીર મન્સુરીએ સમિટમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કમિટીના ચેરપર્સન સુશ્રી વંદના શાહે સમિટનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની આઇટી, કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શ્રી પુનિત ગજેરાએ વકતાનો પરિચય આપ્યો હતો. આઇટી, કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના એડવાઇઝર શ્રી ગણપત ધામેલિયા, થોટ્સપાર્ક સર્વિસિસ પ્રા.લિ.ના ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી સમર્થ મહેતા અને ઉદ્યોગ સાહસિકો સમિટમાં ઉપસ્થિત રહયા હતા. વકતા શ્રી સુનીલ કાપડીયાએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સમિટનું સમાપન થયું હતું.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોના નિરાકરણ હેતુ રજૂઆત
સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે નડતરરૂપ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાના નેતૃત્વમાં ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારો સાથેના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૧૦મી જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે મિટીંગ કરી હતી.
In the Deligation
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઓફિસ બેરર્સ ઉપરાંત ચેમ્બરના પૂર્વ પ્રમુખો
શ્રી આશીષ ગુજરાતી,
શ્રી રાજેન્દ્ર ચોખાવાલા,
શ્રી અશોક શાહ,
શ્રી બી.એસ. અગ્રવાલ તથા
ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા,
કીમ–પિપોદરા વીવર્સ એસોસીએશનના અગ્રણી શ્રી કિરણ ઠુમ્મર,
ઝીંગા એસોસીએશનના પ્રતિનિધિ શ્રી ખલાસી,
ગૃપ ચેરમેન શ્રી હાર્દિક શાહ,
સીએ રાજીવ કપાસિયાવાલા,
ડેપ્યુટી સેક્રેટરી શ્રી પૌલિક દેસાઇ અને
ચેમ્બરના લાયઝનીંગ ઓફિસર શ્રી અજય સાયગલ સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રીને ઉપરોકત મામલે રજૂઆત કરી હતી.
આ મિટીંગમાં SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ નીચે મુજબના વિવિધ પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા ઝડપી નિરાકરણ લાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી બાબતે સરકારશ્રી સાથે ઓકટોબર ર૦ર૩થી મિટીંગો શરૂ થઇ હતી અને ચૂંટણી પહેલા ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત થઇ જવાની તૈયારી હતી, પરંતુ હજી સુધી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. જેથી કરીને સુરતના ઉદ્યોગકારોને ઘણું નુકસાન થાય છે અને ઘણા પ્રોજેકટો અટકી ગયા છે તે બાબતે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડી ૩૦ ટકા,
વ્યાજ સબસિડી ૬ ટકા, સોલાર અને
રિન્યુએબલ એનર્જી જે યુનિટ વાપરતું હોય એને ૧ રૂપિયો પર યુનિટ પાવર સબસિડી,
ગારમેન્ટમાં દર મહિને રૂપિયા ૧પ૦૦ લેબરની કમ્પેન્સેશન સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે
પીએમ મિત્રા પાર્કના માસ્ટર ડેવલપર વહેલી તકે નકકી થાય અને એની ગાઇડલાઇન જલ્દી બહાર પડે તો આ બાબતે પણ ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત
પીએમ મિત્રા પાર્કમાં SGCCIના પ્રતિનિધિને પ્રાઇઝીંગ કમિટી અને એલોટમેન્ટ કમિટીમાં સ્થાન મળે તે માટે રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯માં રૂપિયા ૧૦ કરોડથી વધારાનું રોકાણ કરતા એકમો ધરાવતા ઉદ્યોગકારોએ સબસિડી માટે અરજી કરી હતી. આ સ્કીમની ગાઇડ લાઇન મુજબ સ્ટેટ લેવલ એમ્પાવર કમિટીમાં ચર્ચા થયા બાદ જ તેની સબસિડી અંગેની અરજીને મંજૂરી આપવામાં આવનાર હતી. છેલ્લા દોઢ વર્ષથી આ મિટીંગ મળી ન હતી, આથી અગાઉ ચેમ્બર પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે આ મિટીંગ મળી હતી અને હવે મોટા એકમોની લાંબા સમયથી જે સબસિડી અટકેલી હતી તે હવે કલીયર થશે તેવો આશાવાદ વ્યકત થયો હતો.
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯, ડિસેમ્બર ર૦ર૩માં સમાપ્ત થઇ ગઇ છે. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ માટે નવી પોલિસીની જાહેરાત થઇ નથી. જેથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની વહેલી તકે જાહેરાત કરવામાં આવે અને તેમાં કોઇ પણ બ્લેક આઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને તા. ૧લી જાન્યુઆરી ર૦ર૪થી તેની અમલવારી થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.
સાઉથ ગુજરાત ગેમઝોન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકારની ગાઇડ લાઇન તેમજ કાયદા મુજબની પરવાનગી હોવા છતાં સુરતમાં ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે, આથી ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ગેમઝોનના ઉદ્યોગકારોને રાહત આપવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તરફથી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, જેથી વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી મુખ્યમંત્રીશ્રી તરફથી મળી હતી.
જીઆઇડીસીને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત રજૂઆત કરાઇ
(૦૧) જીઆઇડીસીમાં લીઝ ટ્રાન્સફર વખતે વિભાગ દ્વારા કલેઇમ કરવામાં આવતા ૧૮ ટકા જીએસટી બાબતે ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી હતી કે, આ પ્રકારના વ્યવહારમાં જીએસટી નહીં લાગે તે પ્રકારની સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે.
(૦ર) જીઆઇડીસી પ્લોટ્સ સબ ડિવીઝન માટે પણ ટ્રાન્સફર ફી ઘણી ઊંચી છે, જે માત્ર ટોકન પૂરતી જ હોવી જોઇએ.
(૦૩) એનસીએલટી/ડીઆરટી ઓકશનમાંથી કોઇ જીઆઇડીસીમાં આવેલ પ્રોપર્ટી પરચેઝ કરે છે તે સમયે જૂના લેણાંનો કલેઇમ જીઆઇડીસી દ્વારા એનસીએલટી કે ડીઆરટીમાં કરવાનો હોય છે, આ અંગેની સ્પષ્ટ નીતિનો ઉલ્લેખ જીઆઇડીસી દ્વારા વર્ષ ર૦ર૧માં તેનો તા. ર૦/૦૪/ર૦ર૧ના રોજ જાહેર કરેલ પરિપત્રમાં કરવામાં આવ્યો છે તેમ છતાં જીઆઇડીસી દ્વારા ઉપરોકત સમયે જૂની કંપનીના બાકી લેણાં નવા ખરીદદારો પાસે માંગવામાં આવે છે અને જ્યાં સુધી ન આપે ત્યાં સુધી લીઝ ટ્રાન્સફર થતી નથી. આવા કેસમાં મસમોટી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે, આથી આવા કેસમાં માત્ર ટોકન ટ્રાન્સફર ફી માત્ર પ ટકા જ લેવાવી જોઇએ એવી નીતિ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવા પ્રકારના વ્યવહારોમાં જીઆઇડીસી નવા પરચેઝર પાસે જૂની કંપનીના બાકી લેણાં માંગ્યા વગર ટ્રાન્સફર એનઓસી આપી દે તે અંગેનો પરિપત્ર બહાર પાડવા વિનંતી કરવામાં આવી હતી.
CGDCR ટેબલ નં.૬, ૮ મુજબ પેઈડ FSIનો લાભ કોમર્શિયલ વપરાશકર્તાની જેમ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ આપવા માટે રજૂઆત કરાઇ
ગુજરાતના CGDCRના ટેબલ નં. ૬, ૮માં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં બેઝ FSI ૧.૦૦ મળવા પાત્ર છે તથા આ વિસ્તારમાં કોમર્શિયલ વપરાશ માટે FSI ૧.૦૦ તથા ૦.૮ પેઈડ FSI મળીને કુલ ૧.૮૦ FSI મળવા પાત્ર છે. આ વિસ્તારમાં પાવર લૂમ, એમ્બ્રોઈડરી, ગારમેન્ટ જેવા નાના નાના ઉદ્યોગો ધમધમે છે, આથી CGDCR મુજબ આવી ઈન્ડસ્ટ્રીઝને માત્ર ૧.૦૦ FSI મળવા પાત્ર છે. જેથી તેઓને જરૂરીયાત મુજબનું પુરતું બાંધકામ મળતું નથી માટે તેઓને નિયમ મુજબ મળવા પાત્ર બાંધકામ કરતાં વધારે બાંધકામ કરવાની ફરજ પડે છે. આમ CGDCRના ટેબલ નં. ૬, ૮માં જણાવ્યા મુજબ કોમર્શિયલ વપરાશ માટે ૦.૮ પેઈડ FSI મળવા પાત્ર છે. તે પેઈડ FSIનો લાભ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ મળે તો ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ નહીં થાય અને આ ૦.૮ પેઈડ FSIથી સરકારને પણ મોટી આવક થઈ શકે તેમ હોવાથી આ અંગે યોગ્ય જોગવાઈ કરવા માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમબદ્ધ કરવા અંગેના વટહુકમ ર૦રર (ગ્રડા–ર૦રર)ના બાંધકામ નિયમબદ્ધ કરવા માટેના બાંધકામની સ્થળ સ્થિતિ ધ્યાને લેતા નિયમોમાં જુના ગ્રડા–ર૦૧૧ના નિયમ તથા શરતો મુજબ છુટછાટ આપવા વિનંતી કરવામાં આવી હતી.
બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતિમાં લાવવા અનુરોધ કરવામાં આવ્યો
બાંધકામ ઉદ્યોગની સાથે સંકળાયેલા બિલ્ડરોએ જમીનમાં રોકાણ કરી સરકારની પરવાનગી મેળવી બાંધકામ કરેલા છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી (ર૦થી રપ વર્ષથી)સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં ડ્રાફટ ટી.પી. સ્કીમ જાહેર થઇ છે, પરંતુ હજુ પણ તેને ફાઈનલ કરવામાં આવી નથી. આ જાહેર ટી.પી. સ્કીમોને ધ્યાને લઈને બાંધકામ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, આથી તેમના ઉદ્યોગ – ધંધાને ભારે નુકસાની થઇ રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈ છેલ્લા ર૦થી રપ વર્ષથી જે કોઈ પણ ટી.પી સ્કીમ ડ્રાફટ, સ્થગિત કે પ્રાઇમરી લેવલ પર છે તેઓને ફાઈનલ મંજૂરી આપી બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતીમાં લાવવા અનુરોધ કર્યો હતો. જો આમ કરવું શકય નહીં હોય તો ઓ.પી.માં એફ.પી. ફાળવી બાંધકામ પરવાનગી આપવા વિનંતી કરાઇ હતી.
ડીજીવીસીએલના કીમ, કરંજ તથા મોટા બોરાસરા સબ ડિવીઝનથી ઉદ્યોગને મળતી વીજળીની ગુણવત્તામાં સુધારો કરવા વિનંતી કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, વીજ કંપની દ્વારા ગમે ત્યારે ગમે તેટલી વાર પાવર કટનો મેસેજ મોકલી પાવર બંધ કરી દેવામાં આવે છે, જેને લીધે વિવિંગ યુનિટો સહિત તમામ ફેકટરીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રાસ્ટ્રકચરનું અપગ્રેડેશન તાત્કાલિક ધોરણે કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા રજૂઆત
સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ ગુજરાતમાં હવે જગ્યા રહી નથી, જેથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં તેવા પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા જોઇએ. હંગામી NA કરવાની નીતિ આવકારદાયક છે પણ તેમાં ૩૦ વર્ષના રૂપાંતરકરણ એકસાથે લઇ લેવાની વાત યોગ્ય નથી, તેને બે તબકકામાં લેવાવા જોઇએ. ભરૂચ જિલ્લામાં કેટલાક ગામોમાં જંત્રીના દર વાસ્તવિક દર કરતા વધારે છે, તેથી તેને વાસ્તવિક દરની નજીક લાવવા જોઇએ. લો ટેન્શન ધરાવતા ઉદ્યોગો સોલારનો ઉપયોગ કરી શકે તે માટે ટીવીએમની છુટ આપવી જોઇએ અને એબીટી મીટરનો આગ્રહ રાખવો જોઇએ નહીં. આદિવાસીઓ પોતાની જમીન સોલાર પ્લાન્ટ માટે ભાડે આપી શકે તે માટે તેના ફોર્મમાં તે અંગેનું પ્રોવિજન કરવું જોઇએ અને તે માટેની પરવાનગી આપવી જોઇએ.
નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરાઇ ગુજરાત રિન્યુએબલ પોલિસી– ર૦ર૩માં નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નાના ગ્રાહકો ઓપન એકસેસ મિકેનિઝમ થકી જ્યારે પોતાના પ્રોજેકટ સ્થાપે છે ત્યારે તેઓએ પોતાના ઉત્પાદન સ્થળે એનર્જી એકાઉન્ટીંગ માટે ટીવીએમ મીટર નાંખી શકે તે માટેની સ્પષ્ટતા ઉર્જા તથા પેટ્રો કેમિકલ વિભાગ દ્વારા લેખિતમાં થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ
આર્ટિફિશિયલ જરીના દર જ્યારથી પ ટકા કરવામાં આવ્યા છે ત્યારથી તેના ઉપર પોલિએસ્ટર ફિલ્મનું ઇન્વર્ટેડ ડયુટી હેઠળ મળતું રિફંડ બંધ કરવામાં આવ્યું હતું, જેથી નાના ઉદ્યોગોને ખૂબ જ નાણાંકીય મુશ્કેલી સહન કરવી પડતી નથી. તેથી આ રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવાનું સૂચન કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવી હતી. સાથે જ નેરો ફેબ્રિકસ કે જે પ૮૦૮ હેઠળ આવે છે એના ઉપર ૧ર ટકા જીએસટી લાગે છે એને બીજા HSNના નેરો ફેબ્રિકસના દર કે જે પ ટકા છે તેના સમકક્ષ કરવા જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા માટે સૂચન કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરાઇ હતી. આ ઉપરાંત વેટ સમાધાન યોજના નવેસરથી લાગુ કરવા અને તેમાં વેરામાં પણ રાહત આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.
ગુજરાત રાજ્યમાં આવેલ ઝીંગા ફાર્મિંગ પ્રવૃત્તિને કૃષિ દરે વીજળીનો દર નક્કી કરવા બાબતે, ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે અને કલેકટર કક્ષાથી CAA લાયસન્સની પ્રક્રિયા ઝડપી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવા રજૂઆત કરાઇ સાદી રેતી કવોરી લીઝની મુદતમાં ૩ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, જે તા. ૩૧ માર્ચ ર૦ર૪ સુધી ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું, આ સમય મર્યાદામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાદી રેતી કવોરી લીઝ ૧ર કલાક ચલાવવામાં આવે છે અને બ્લેક ટ્રેપ કવોરી લીઝ ર૪ કલાક ચલાવવામાં આવે છે તો આ અંગે બંને રેતી કવોરી લીઝનો સમય સરખો એટલે કે ર૪ કલાક કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવાની રજૂઆત કરાઇ હતી.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ સાથે મિટીંગમાં પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી મુખ્યમંત્રીશ્રીએ SGCCIના પ્રતિનિધિ મંડળને આપી હતી.
ભારતના મોટા શહેરો ઉપરાંત અમેરીકા, લંડન, હોંગકોંગ, દુબઇમાં પણ રોડ શો યોજાયા
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5માં કેરેટ એક્ષ્પોમાં લૂઝ ડાયમડ્સ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, મશીનરી, સોફ્ટવેર, ટેક્નોલોજીના 118 એક્ઝિબિટર્સ જોડાયા
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5મો ડાયમંડ એક્ષ્પો કેરેટ્સનું આયોજન આગામી તા.12થી 14 જુલાઇ દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગ માટે આ કેરેટ એક્ષ્પો મંદીના સમયમાં ગેમ ચેન્જર પુરવાર થાય તેવી ધારણા સેવાય રહી છે. આ એક્ષ્પોમાં ભારત દેશના ખરીદારો આવે તે ઉપરાંત વિદેશી ખ્યાતનામ બાયર્સ આવે તે માટે દુબઇ, અમેરીકા, લંડન, હોંગકોંગ ખાતે રોડ શો કરવામાં આવ્યા હતા. વિદેશી ખરીદારોને સુરતના અવધ ઉટોપીયા ખાતે બિલકુલ મફત એકોમોડેશન અને એરટિકીટ આપવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી કેરેટ એક્ષ્પોની મુલાકાત માટે 8 હજારથી વધુ ખરીદારોના પ્રી રજિસ્ટ્રેશન પણ થઇ ચૂક્યા છે.
કેરેટ એક્ષ્પોના આયોજન અંગે વધુ માહિતી આપતા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રેસિડેન્ડ જગદીશભાઇ ખૂંટ, મંત્રી ધીરુભાઇ સવાણી, કન્વીનર વીનુભાઇ ડાભી, સહ કન્વીનર જયેશભાઇ એમવી, ચંદ્રકાંત તેજાણી, ચંદ્રકાંત તેજાણી, ગૌરવ શેઠી વગેરેએ જણાવ્યું હતું કેરેટ્સ એક્ઝિબિશનમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન,જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર, ટેકનોલોજીના મળીને ૧૧૮ જેટલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટસ કે સર્વિસીસ ડિસ્પ્લે કરશે.આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખુબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓ ખુબજ ઉત્સાહ સાથે કેરેટ્સ એકપોમાં જોડાવા ઉત્સાહીત છે અને તમામ બુથનું બુકિંગ ફૂલ થઇ ગયેલ છે. ગત્ત કેરેટ્સ એક્સ્પોમાં B2B વ્યવહારોને ખુબ જ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબજ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતાં આ કેરેટ્સ એક્સ્પો પર વિશ્વાસ વધ્યો છે. અને આ વખતનો એક્ષ્પો એટલા માટે જ ગેમ ચેન્જર નિવડશે.
કેરેટ્સમાં ખરીદારો આવે તે માટે ભારતના મોટા શહેરો જેવાકે બેંગલોર, ચેન્નઈ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી CARATS – સુરત ડાયમંડ એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. કેરેટ્સની મુલાકાત માટે 8,000 થી વધારે ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેટેશન થઇ ગયેલ છે. જેમાં ૫૦૦ થી વધારે રજીસ્ટ્રેટેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. એક્સ્પોમાં લેબોરેટરી પાર્ટનર તરીકે IGI જોડાયેલ છે.
પ્રીમીયમ બાયર્સ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ
કેરેટ્સમાં આવીને ખરીદી કરી ચૂકેલા અને અવશ્ય ખરીદી કરતા હોય તેવા પ્રીમીયમ બાયર્સ માટે સુરત ડાયમંડ એસોસીએશને અવધ ઉટોપિયા ક્લબમાં રહેવાની સગવડ, એરપોર્ટથી તેમને પીકઅપ અને ડ્રોપની ફેસીલીટી આપી છે.આ સુવિધા તેમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. તેમને સવારે બ્રેકફાસ્ટ લંચ ડીનર અને ત્રણ દિવસ માટે રૂમનું બુકિંગ પણ કરવામાં આવ્યું છે.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય, ખ્યાતનામ હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ આજે સુરત ડાયમંડ બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે સુરત એરપોર્ટ બાબતે નિખાલસ બાબતો કહી હતી. તેમણે કહ્યું કે 20 વર્ષ, 30 વર્ષથી કે 50 વર્ષથી, એરપોર્ટ બાબતે સુરત શહેરને બહુ મોટો અન્યાય થઇ રહ્યો છે. એનો હું સાક્ષી છું. તેમણે કહ્યું કે વસતિની દ્રષ્ટીએ સુરત 9માં નંબરનું શહેર છે જ્યારે વિમાની સેવાઓ બાબતે સુરતનો નંબર 37મો છે, આ જ એક દેખિતો અન્યાય છે, તેમણે કહ્યું કે વસતિ અને બિઝનેના પ્રમાણમાં સુરતને વિમાની સેવાઓ મળવી જોઇએ. આ તબક્કે તેમણે વિદેશી શહેર, બ્રસેલ્સનો દાખલો આપ્યો હતો. બ્રસેલ્સમાં 20 લાખની વસતિ છે, જ્યાં દરરજો 300 પ્લેન અવરજવર કરે છે. એની સામે સુરતમાં વર્ષો અગાઉ 40 લાખની વસતિ હતી ત્યારે એકેય પ્લેન આવતું ન હતું.
ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે મારી સરકારને, એરપોર્ટવાળાને, એરલાઇન્સ વાળાને પણ નમ્ર વિનંતી તમે સુરત બાજુ નજર દોડાવો, સુરતમાં જલ્દીમાં જલદી વિમાની સેવાઓ ચાલુ કરો. ઇન્દૌરની વસતિ 32 લાખની છે ત્યાં 100 ફ્લાઇટ આવે છે, જ્યારે સુરતની હાલની વસતિ 82 લાખની છે એ હિસાબે અહીં 300 ફ્લાઇટ સુરતને મળવી જોઇએ.
રાજ્યસભાના સભ્ય હોવાના નાતે તેમણે કહ્યું કે એવું નથી કે કોઇને સુરત પર દાઝ છે પણ સુરત તરફ કોઇનું ધ્યાન નથી એટલે અન્યાયપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.
સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે.
સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે તા. ર૮મી જૂન, ર૦ર૪ના રોજ શ્રીલંકામાં કોલંબો ખાતે નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી દ્વારા આયોજિત ‘રત્નપુરા ઇન્ટરનેશનલ જેમ એકઝીબીશન– ર૦ર૪’ની મુલાકાત લીધી હતી. આ એકઝીબીશનમાં શ્રીલંકા તથા અન્ય દેશોની આંતરરાષ્ટ્રીય કક્ષાની ૭રથી વધુ બ્રાન્ડ દ્વારા જેમ્સ, જ્વેલરી અને સ્ટોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ એકઝીબીશનનું ઉદ્ઘાટન શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીના હસ્તે કરવામાં આવ્યું હતું. રતનપુરા પ્રોવિન્સના માનનીય ગવર્નર શ્રી નવિન દિસાનાયકે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી ડો. રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકે ઉપરાંત વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન યોજાયું હતું.
એકઝીબીશનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીએ પોતાના સંબોધનમાં જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારોને ગુજરાત સાથે વેપાર કરવા પ્રાથમિકતા આપવી જોઇએ તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાત સાથેના શ્રીલંકાના પૌરાણિક વ્યાપાર સંબંધનો પોતાના સંબોધનમાં ત્રણથી વધુ વખત ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે અન્ય દેશો જેવા કે વિયેતનામ, ચાઇના, હોંગકોંગ, થાઇલેન્ડ, કિર્ગીસ્તાનના ડેલીગેશનો પણ ઉપસ્થિત રહયા હતા. ભારતમાંથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જયપુરના વેપારીઓ જોડાયા હતા.
એકઝીબીશન દરમ્યાન નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના ડાયરેકટર જનરલ શ્રી જનકા ઉદયા કુમારા તથા ચેરમેન શ્રી વિરાજ ડિસીલ્વાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે શ્રીલંકાના વેપારીઓનો વ્યાપાર વધે અને તેના થકી સમગ્ર ઉદ્યોગને તેનો લાભ મળે તે હેતુથી વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે શ્રીલંકાના પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી.
શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી અને તેમના મંત્રીશ્રીઓએ પણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સંંબંધિત એકઝીબીશનો, ફૂડ એન્ડ બેવરેજીસ, લોજિસ્ટીક અને ઉદ્યોગ સંબંધિત એકઝીબીશનોની તેમજ સુરતના ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે સુરત આવવાની ઇચ્છા દર્શાવી હતી. તદુપરાંત ગવર્નર પ્રોવિન્સ શ્રી નવિન દિસાનાયકે ગુજરાતનું ટુરિઝમ તથા કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન માટે થતા અનેક કાર્યક્રમોમાં ગુજરાત સાથે ભાગીદારી કરી આગામી દિવસોમાં શ્રીલંકા સાથે ભારતના વ્યાપારિક સંબંધો વધુ મજબુત થાય એ દિશામાં કાર્ય કરવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગેવાની લે તેવી આશા વ્યકત કરી હતી.
શ્રીલંકાના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રી રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકેજીએ વેપારિક જોડાણને ધ્યાનમાં લઇ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિવિધ ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે શ્રીલંકાના વેપારીઓનું સંમેલનનું આયોજન થાય, જેનું સુકાન SGCCI સંભાળે અને તેમાં શ્રીલંકાની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.