CIA ALERT

Slider Archives - Page 85 of 492 - CIA Live

August 2, 2022
aap.jpg
1min478

ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 

  • કઈ કઈ બેઠક પણ કોણ ઉમેદવાર ?
  • હેમા ચૌધરી દિયોદર બેઠક 
  • સોમનાથ જગમાલા વાળા
  • અજુર્ન રાઠવા છોડા ઉદેપુર
  • સાગર રબારી બેચરાજી
  • રાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયા
  • સુરત કામરેજ રામ ધડૂક
  • રાજકોટ દક્ષિણ શિવલાલ બારસિયા
  • સુધીર વાઘાણી ગારીયાદાર
  • રાજેન્દ્ર સોલંકી બારડોલી 
  • અમદાવાદ નરોડા ઓમપ્રકાશ તિવારી
August 1, 2022
cia_gst.jpg
1min471

જીએસટીની પાંચમી વર્ષગાંઠ 1લી જુલાઈ, 2022ના રોજ ઉજવવામાં આવી હતી અને હવે આજે આવેલ જુલાઈ માસના જીએસટી કલેક્શનના આંકડાએ પણ રેકોર્ડ કર્યો છે.

જુલાઈ માટે GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે. જુલાઈ 2022ના મહિનામાં GSTની કુલ આવક રૂ. 1,48,995 કરોડ રહી હતી. આ આંકડો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદનું ઈતિહાસનું બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે. સરકાર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા ડેટા મુજબ જુલાઈની આવકનો આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક કરતાં 28% વધુ છે.

જીએસટીના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે અને સેસ આયાત પર એકત્ર કરાયેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે.

આ મહિના દરમિયાન માલની આયાતમાંથી આવક 48% વધી હતી અને સર્વિસના ઈમ્પોર્ટની સાથે સ્થાનિક આવક ગયા વર્ષના સમાન મહિના કરતા 22% વધુ છે.

નાણા મંત્રાલયે જુલાઈ માસના આંકડા રજૂ કરતી વખતે આનંદ વ્યકત કરતા જણાવ્યું કે “સતત પાંચમા મહિને GST આવક રૂ. 1.4 લાખ કરોડ કરતાં વધુ રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2022ના જુલાઈ મહિના સુધીની GST આવકમાં 35% વૃદ્ધિ નોંધાઈ છે. 

આ સિવાય જુલાઈ મહિનામાં સરકારે IGSTમાંથી CGST પેટે રૂ. 32,365 કરોડ અને રૂ. 26,774 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 58,116 કરોડ અને SGST માટે રૂ. 59,581 કરોડ છે.

જૂન 2022ના મહિના દરમિયાન 7.45 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે 2022ના 7.36 કરોડ કરતાં સામાન્ય વધારે હતા. આ આંકડો દર્શાવે છે કે આગામી મહિને એટલેકે ઓગષ્ટ માટે સપ્ટેમ્બરમાં જાહેર થનાર જીએસટી કલેક્શનના આંકડા સંભવિત વધારે હશે

આ વર્ષે એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડના રેકોર્ડ હાઈ લેવલે હતું. આ ઈતિહાસમાં પ્રથમ વખત હતુ કે GST કલેક્શને રૂ. 1.50 લાખ કરોડના આંકને વટાવ્યું હોય.

July 31, 2022
sanjay_raut.jpg
1min474

મની લોન્ડ્રીંગ મામલે ધરપકડની આશંકા

– આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે

મુંબઈ, તા. 31 જુલાઈ 2022, રવિવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ હવે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત રૂ. 1034 કરોડના પાત્રા ચાવલ કૌભાંડમાં તપાસ હેઠળ છે અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. 

શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ રવિવારે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ મુંબઈના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી છે. મળતી માહિતી મુજબ પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં અસહકારના કારણે આ ટીમ તેના ઘરે પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે, EDની ટીમ રાઉતને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.

મહારાષ્ટ્રના 1000 કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પહેલાથી જ પૂછપરછ કરી રહી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ અધિકારીઓ સમક્ષ હાજર નહોતા થયા. ત્યારબાદ હવે EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા છે.

બીજી તરફ EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી ત્યારે બીજેપી નેતા રામ કદમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, એક નેતા છે, તેથી તેની તપાસ નહીં થાય એવું ન થઈ શકે. અખબારો સામના ચલાવી રહ્યા છે પરંતુ તપાસનો સામનો નથી કરી શકતા. દેશમાં કોઈ પણ હોય જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વાસ્તવમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ પાત્રા ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિસ્તાર છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.

આરોપ છે કે, રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. એક ખાનગી કંપનીને આ વિસ્તારમાં 3000 ફ્લેટ બનાવવાનું કામ મળ્યું. પરંતુ 2011માં તેના કેટલાક ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સંજય રાઉત પર મની લોન્ડરિંગનો આરોપ છે.

July 31, 2022
birmingham_common_wealth.jpg
1min547

યુકેના બર્મિંગહામ ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પણ અનેક ખેલાડીઓ તેમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસનો અંતે ભારતે સિલ્વર મેડલ સાથે કર્યો છે. અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે જે તમામ વેઈટલિફ્ટિંગમાં જ છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ અને સંકેત સરગરે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર મેડલ આવી ગયા છે.

બિંદિયારાની દેવીએ સ્નેચમાં 86 કિલો વજન ઉઠાવ્યુ હતું. સ્નેચ પછી તે ત્રીજા નંબર પર હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનું રેકોર્ડ વજન ઉઠાવ્યું. તેણે 116 કિલોનો ભાર ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કુલ મળીને તેણે 202 કિલો વજન ઉપાડ્યુ હતું. નાઈજીરિયાની અદિજત ઓલારિનોયે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે કુલ 203 કિલો વજન ઉપાડીને આ પદક પોતાના નામે કર્યુ હતું. ઈંગ્લેન્ડની એથ્લીટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

મીરાબાઈ ચાનૂની જેમ બિંદિયારાની પણ મણિપુરથી આવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2021માં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 2019માં રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંદિયારાની એક ખેડૂતની દીકરી છે અને કિરાણાની દુકાન ચલાવે છે. હાઈટ ઓછી હોવાને કારણે બિંદિયારાનીએ વેઈટલિફ્ટિંગની શરુઆત કરી હતી. બિંદિયારાની જણાવે છે કે, હું 2008થી 2012 સુધી તાઈક્વાંડો રમતી હતી પણ પછી મેં વેઈટલિફ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. મને હાઈટની સમસ્યા હતી, માટે મારે શિફ્ટ થવુ પડ્યું. તમામ લોકોએ કહ્યું કે, મારી હાઈટ વેઈટલિફ્ટિંગ માટે યોગ્ય છે.

શનિવારનો તા.30મી જુલાઇ 2022 કોમનવેલ્થમાં ભારત માટે શાનદાર દિવસ રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે બિંદિયારાનીના મેડલ સિવાય પણ ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. જ્યારે તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.

July 31, 2022
cia_edu-1280x925.jpg
1min776

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને મનમાં સતત એવો ડર સતાવતો હોય છે કે પીજી કે સુપર સ્પેશ્યાલિટી મેડીકલમાં તેમને પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે સુપર સ્પેશ્યાલિટીમાં ખાલી પડેલી બેઠક પર કોઇને કોઇક તબીબ ઉમેદવારને પ્રવેશ મળી શકે અને એ બેઠક ઉપયોગી નિવડે એ માટે મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ લાયકાતના તમામ માપદંડ કાઢી નાંખવા પડ્યા છે.

હાલમાં ચાલી રહેલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન મેડિકલ સુપર સ્પેશિયાલિટી કોર્સની સેંકડો બેઠકો ખાલી હોવાથી સત્તાવાળાઓએ ઉમેદવારો માટે લાયકાતનો માપદંડ કાઢી નાખ્યો છે. તેથી, આ સ્તરે અભ્યાસક્રમ માટે રોક-બોટમ સ્કોર અથવા શૂન્ય ટકાવારી (ઝીરો પર્સન્ટાઇલ સ્કોર) સ્વીકાર્ય છે અને આટલા ઓછા માર્કસ ધરાવતા તબીબ ઉમેદવારોને પણ મેડીકલ પીજી સીટ મળશે એ નિશ્ચિત બન્યું છે. ટૂંકમાં મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ એવો નિયમ બનાવ્યો છે કે દેશભરમાં ખાલી પડેલી મેડીકલ સુપર સ્પેશ્યાલિટીની કુલ 748 સીટ પર બીજા સ્પેશ્યલ મોપઅપ રાઉન્ડમાં જે ઉમેદવારો પીજી નીટ 2021માં બેઠા હતા એ તમામ લાયકાતપાત્ર છે.

દેશમાં મેડીકલ સુપર સ્પેશ્યાલિટીની કુલ 748 સીટ ખાલી પડી છે, સ્પેશ્યલ મોપ-અપ રાઉન્ડ-2માં મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ લાયકાતપાત્રતા ઘટાડીને ફક્ત જેમણે પીજી નીટ પરીક્ષા આપી છે એ તમામને લાયક ગણવાનું નોટિફિકેશન જારી કર્યું છે

ભારતમાં પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો છે કે દર વર્ષે પીજી મેડીકલની સેંકડો બેઠકો ખાલી પડી રહે છે અને બીજી તરફ ક્વોલિફિકેશન નહીં હોવાથી સેંકડો ઉમેદવારો પ્રવેશથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને કારણે તમામને નુકસાન જ છે એમ સમજાવતા દેશના આરોગ્ય વિભાગના એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું હતુ કે, “દર વર્ષે સીટો ખાલી પડી રહી છે. સરકારને લાગ્યું કે એક વખતના માપદંડ તરીકે, દેશના વિશાળ હિતમાં, અમે શૂન્ય પર્સેન્ટાઇલ સાથેના વિદ્યાર્થીઓને પણ સ્વીકારી શકીએ છીએ. ક્વોલિફાઇડ માર્કસની કોઈ અગ્રતા રહેશે નહીં. આખરે પ્રવેશ પરીક્ષા વિદ્યાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવી ન હતી, પરંતુ માત્ર તેમને ગ્રેડ આપવા માટે લેવાતી હોય છે,” આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ વર્ષે એડમિશનના ચાર રાઉન્ડ પછી 748 સુપર સ્પેશિયાલિટી બેઠકો ખાલી હોવાથી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ ક્વોલિફિકેશન માર્કના માપદંડને રિમુવ કરવાનું પગલું ભર્યું હવે એવા કોઈપણ ઉમેદવાર કે જેમણે NEET સુપર સ્પેશિયાલિટી 2021ની પરીક્ષા આપી હોય તે ઉમેદવારના સ્કોરને ધ્યાનમાં લીધા વગર તેઓ સ્પેશ્યલ મોપ-અપ એડમિશન રાઉન્ડમાં ભાગ લઈ શકે છે.

જ્યારે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ, ત્યારે મેડીકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો. આનાથી ક્વોલિફાઇંગ બાર 15% ઘટાડીને ખાસ મોપ-અપ રાઉન્ડ થયો. તેમ છતાં, પ્રવેશાર્થીઓ મળી શક્યા નહીં. હવે બીજો સ્પેશ્યલ મોપ-અપ રાઉન્ડ તમામ ઉમેદવારો માટે ખુલ્લો મૂકાયો છે. ભારતમાં લગભગ 4,500 સુપર સ્પેશિયાલિટી મેડિકલ સીટ છે. ક્લિનિકલ શાખાઓ કરતાં સર્જિકલ શાખાઓમાં વધુ ખાલી જગ્યાઓ છે.

Notification by MCC (Medical Counseling Committee)

July 30, 2022
socialmedia1-900px.jpg
1min561

– કેરળ હાઇકોર્ટે જાતિવાદી કોમેન્ટ કરનારાની અરજી ફગાવી

– જાતિનું અપમાન કરતી ટિપ્પણી કરી ત્યારે પીડિતા ત્યાં હાજર નહોતી: યૂટયુબરની દલીલોને હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કોમેંટ આડેધડ થતી હોય છે, જેમાં જાતિ આધારીત કોમેંટ કે પોસ્ટ પણ કરવામાં આવતી હોય છે. જોકે હવેથી કોઇ જાતિ આધારીત પોસ્ટ કે કોમેંટ થાય તો તેવા કેસમાં એસસી, એસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ જ પ્રકારનો એક મામલો કેરળ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. 

કેરળ હાઇકોર્ટમાં એક યૂટયૂબર દ્વારા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચાલી રહી છે. 

અરજદાર યૂટયૂબર દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી સમાજની એક મહિલા સામે કથિતરુપે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા વાઇરલ થઇ ગયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. 

જોકે કેરળ હાઇકોર્ટે આરોપી યૂટયૂબરની જામીન અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા મારા આ ઇન્ટરવ્યૂ અને મે કોમેંટ કરી ત્યારે તે હાજર નહોતી. તેથી એસસી, એસટી એક્ટ અંતર્ગત આ મામલે કેસ જ નથી બનતો. 

July 30, 2022
5g.jpg
1min468

ભારત સરકારે ટેલીકોમ ક્ષેત્રે સૌથી મોટા ક્રાંતિકારી પગલાં એવા 5G સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં કુલ 72 ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી છે. આ સ્પેક્ટ્રમથકી સરકારને કુલ રૂ.4.30 લાખ કરોડની આવક થશે એવો અંદાજ હતો પણ તા.26 જુલાઈથી શરૂ થયેલા અને ચાર દિવસ, 23 રાઉન્ડ પછી કંપનીઓએ જે બોલી લગાવી છે એ જોતા અપેક્ષા કરતા ઘણી ઓછી રકમ સરકારના હાથમાં આવશે એવી શક્યતા છે. 

5G સ્પેક્ટ્રમ માટે આટલી ઓછુ બિડિંગ થવાના બે કારણો છે. એક, આ ટેકનોલોજી માત્ર સ્પેક્ટ્રમ ખરીદી લેવાથી પૂર્ણ થતી નથી. ગ્રાહકને ઘરે-ઘરે, શેરી-ગલીમાં સેવા આપવા માટે નેટવર્કમાં જંગી રોકાણ કરવું પડે એવી શક્યતા છે. બીજું, મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન 4G સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી. ત્રીજું, એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપર જંગી દેવું છે. વોડાફોન આઈડિયા તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ કરતી કંપની છે ત્યારે આટલી આક્રમકતાથી સ્પેક્ટ્રમ ખરીદે એવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. 

ચાર દિવસના અંતે કેન્દ્ર સરકારને જે કુલ રકમ મળે એવી શક્યતા છે તેની રકમ રૂ.1,49,823 કરોડ જ છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમની ખરીદી ક્યાં સર્કલમાં કોણે કરી, કોની બોલી વિજેતા થઇ તેની જાહેરાત નિલામી પૂર્ણ થયા પછી જ જાહેર કરવાની હોવાથી કંપની આધારિત માહિતી ઉપલબ્ધ હવે પછી જ બનશે. 

5G સ્પેક્ટ્રમ રાઉન્ડ અનુસાર કેટલી બોલી લાગી
દિવસએક દિવસમાં કેટલી બોલી રૂ. લાખ કરોડદિવસના અંતે અત્યારસુધીની બોલી રૂ. લાખ કરોડ
૨૬ જુલાઈ૧.૪૫૦૧.૪૫
૨૭ જુલાઈ૦.૦૪૫૧.૪૯
૨૮ જુલાઈ૦.૦૧૭૧.૫૦
૨૯ જુલાઈ૦.૦૨૩૧.૫૦

સ્પેક્ટ્રમની નિલામીના ચાર દિવસ અને ૨૩ રાઉન્ડની બોલી લાગ્યા પછી એટલું સ્પષ્ટ છે કે કંપનીઓ માત્ર જેટલી જરૂરીયાત છે એના માટે જ બિડિંગ કરી રહી છે. 5Gની નિલામીમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો માટે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ગૌતમ અદાણીની અદાણી ડેટા સર્વિસ લીમીટેડ એમ ચાર જ કંપની બિડિંગ કરી રહી છે. વળી, અદાણીએ ગ્રાહકો માટે નહિ પણ માત્ર પોતાના જૂથ માટે, પોતાના વ્યવહાર માટે અને તેના ટેકનોલોજી સાહસની જરૂરીયાત માટે જ લાયસન્સ ખરીદ્યું છે. આ ઉપરાંત, અદાણીએ માત્ર ગુજરાત સર્કલનું જ લાયસન્સ ખરીદ્યું હોવાથી અન્ય રાજ્યોમાં તે બિડિંગ કરી શકે નહી તે પણ જાણવું જરૂરી છે. 

5G સેવાઓ માટે ગીગાહર્ટઝ જેમ ઓછા તેમ નાના સેલ સાઈટ કે નાના ટાવરથી આંતરિક વિસ્તારમાં સેવાઓ આપવી શક્ય બને છે. દૂરના વિસ્તારો માટે સૌથી ઉંચી ફ્રિકવન્સીનું સ્પેક્ટ્રમ જોઈએ છે. અત્યારે ચાલી રહેલી બિડિંગમાં સૌથી ઓછી અને સૌથી વધુ ફ્રિકવન્સીના બિડિંગમાં જ સ્પર્ધા જોવા મળી રહી છે. 

જેમકે 26 હર્ટઝની ફ્રિકવન્સી માટે દરેક રાજ્યમાં દરેક સર્કલમાં ભારે બોલી જોવા મળી રહી છે. એવી જ રીતે 3300 હર્ટઝની ફ્રિકવન્સી માટે પણ દરેક સર્કલમાં બોલી લાગી છે. નીચી ફ્રિકવન્સી માટે 600 હર્ટઝમાં કોઈ બીડ નથી, 700 હર્ટઝમાં એક કે બે બીડ જોવા મળી રહી છે. તો ઉપરની ફ્રિકવન્સીમાં 2600 અને 21૦૦માં કોઈ ખરીદવાવાળું નથી. સામે 17૦૦ અને 18૦૦ હર્ટઝમાં જરૂર અનુસાર એટલે કે જ્યાં કંપનીઓને જરૂર છે એટલા સર્કલમાં જ માંગ જોવા મળી રહી છે. 

July 30, 2022
neet_ug.jpg
1min613

અનેક વિદ્યાર્થીઓનું નીટ પરીક્ષા ખરાબ ગઇ હોઇ, ડોક્ટર બનવાનું સપનું રોળાતું અટકાવવાના બહાને રી-નીટ કોચીંગ ક્લાસ જોઇન કરવા સ્કોલરશીપના લોભપ્રલોભનો આપવા માંડ્યા

RE-NEET આપનારા કેટલા ટકા વિદ્યાર્થીઓ બીજા વર્ષે નીટમાં સારો સ્કોર લાવીને મેડીકલમાં જઇ શકે છે તેવા સાચા આંકડા વાંચ્યા પછી જ રી-નીટનો નિર્ણય લેવો જોઇએ

સુરત શહેરમાં જેઇઇ અને નીટ એવી પરીક્ષાઓ છે કે જેમણે શિક્ષણ જગતમાં કેટલાક ધંધાદારીઓને પેંધા પાડી દીધા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની કમજોરીનો ફાયદો ઉઠાવતા આવા કેટલાક ધંધાદારી કોચીંગ ક્લાસીસોએ હજુ નીટ 2022નું પરીણામ જાહેર થયું નથી આમ છતાં રી-નીટ (2023)ના પાટીયા ઝૂલતા કરી દીધા છે. નીટ-2022નું પેપર જે વિદ્યાર્થીઓનું ખરાબ ગયું છે એવા વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાના સપના બતાવીને, રી-નીટમાં સ્કોલરશીપના નામે ફીમાં રાહતો આપીને ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ જાળ બિછાવી છે.

ગઇ તા.17મી જુલાઇના રોજ મેડીકલ અને ડેન્ટલની પ્રવેશ પરીક્ષા નીટ 2022 દેશભરમાંથી અંદાજે 16.50 લાખ વિદ્યાર્થીઓ અને સુરત શહેરમાંથી અંદાજે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. નીટ પરીક્ષા પૂરી થયા બાદ અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમનું પેપર ખરાબ ગયું અને હવે તેમનું તબીબ બનવાનું સપનું રોળાય જશે તેવી લાગણી કોચિંગ ક્લાસીસો તથા શાળાના શિક્ષકો સમક્ષ વ્યક્ત કરી હતી.

અનેક વિદ્યાર્થીઓના તબીબ બનવાના સપનાને પૂરું કરવા માટે વધુ એક તક ઝડપી લો એવી ટેગ લાઇન સાથે કેટલાક ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ વિદ્યાર્થીઓને રી-નીટ એટલે 2023ની નીટની પરીક્ષા માટે અત્યારથી જ કોચિંગ શરૂ કરી દેવા માટે ઓફરો આપવાનું શરૂ કરી દીધું છે.

કોચિંગ ક્લાસીસોના સંચાલકોની આ પ્રવૃતિથી અકળાયેલા જાગૃત વાલી નીતિનભાઇ પટેલે કહ્યું કે હજુ તો નીટનું પરીણામ સુદ્ધાં આવ્યું નથી. એ પહેલા રીનીટ માટે વિદ્યાર્થીઓનું કોચિંગ શરૂ કરાવી દેવાની ઓફરો આપતા ક્લાસીસોને રોકનાર કોઇ છે કે નહીં. તબીબ ન બની શકાય તે મેડીકલ, પેરામેડીકલમાં અન્ય અભ્યાસક્રમોમાં પણ સારી તક મળી શકે તેમ છે પરંતુ, વિદ્યાર્થીઓની લાગણીની આડમાં રીનીટ માટે પ્રોત્સાહિત કરનાર કોચિંગ ક્લાસીસો પર નિયંત્રણ લાગવું જોઇએ તેવી માગ તેમણે કરી છે. 

દર વર્ષે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ રી-નીટ (તેરમું વર્ષ) વિકલ્પ અપનાવે છે

મળતી માહિતી મુજબ તબીબ બનવા માટે ભારતમાં નીટ યુજી પરીક્ષામાં સારો સ્કોર જરૂરી છે. એના વગર મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી શકતો નથી. આથી ગુજરાતમાં દર વર્ષે અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ રી-નીટ એટલે કે ધો.12 પછી બીજું એક વર્ષ (તેરમું વર્ષ) પણ નીટનો અભ્યાસ કરીને તેરમા વર્ષે રી-નીટ પરીક્ષા આપતા હોય છે. જાણકારો જણાવે છે કે રી-નીટ આપનારા પૈકી માંડ એક ટકા વિદ્યાર્થીઓ તેમના અગાઉના નીટના સ્કોર કરતા સારો સ્કોર લાવી શકે છે બાકીના વિદ્યાર્થીઓ જીવનનું એક મહામૂલું વર્ષ બગાડીને બીજા વર્ષે પણ મેડીકલ સિવાયના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો પડે છે.

July 28, 2022
harsh.jpg
1min563

ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ધોળકા તથા બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.

July 28, 2022
gseb.png
1min674

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.

  • પરીક્ષાઓનું કેલેન્ડર
  • પરીક્ષા                 સમય
  • ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા              ૧૦-૧૦થી ૧૮-૧૦
  • ૯થી૧૨ની દ્વિતિય પરીક્ષા             ૨૭-૧થી ૪-૨
  • ધો.૯ની પ્રખરતા કસોટી               ૭ ફેબુ્રઆરી
  • બોર્ડ વિષયની સ્કૂલ લેવલની
  • ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ               ૧૩-૨થી૧૫-૨
  • ધો.૧૨ સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષા      ૨૦-૨થી૨૮-૨
  • ધો.૧૦-૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષા      ૧૪-૩થી૩૧-૩
  • ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષાઓ         ૧૦-૪થી૨૧-૪