કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની બીજી સીઝન ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર શરૂ થવાની છે. એની પહેલી સીઝન ૩૦ માર્ચથી શરૂ થઈ હતી. પહેલા એપિસોડમાં રણબીર કપૂર તેની મમ્મી નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાથે જોવા મળ્યો હતો. એનો ફિનાલે એપિસોડ બાવીસ જૂને આવ્યો હતો. એ છેલ્લા એપિસોડમાં કાર્તિક આર્યન તેની મમ્મી સાથે પહોંચ્યો હતો.
પહેલી સીઝનમાં બાર એપિસોડ હતા. કપિલ શર્મા તેના જોક્સથી ખૂબ હસાવે છે. સુનીલ ગ્રોવર, અર્ચના પૂરણ સિંહ, રાજીવ ઠાકુર અને કિકુ શારદા તેમના હ્યુમરથી શોમાં પ્રાણ પૂરી દે છે. બીજી સીઝન ક્યારે શરૂ થશે અને પહેલા એપિસોડમાં કોણ સેલિબ્રિટી આવશે એની માહિતી નથી મળી. એની નવી સીઝનની માહિતી આપતાં ઇન્સ્ટાસ્ટોરી પર કપિલ શર્માએ લખ્યું કે ‘‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની બીજી સીઝન શરૂ થવાની છે. નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઇન્ડિયાની થીમ જોવા મળશે.’
ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. આ વખતે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી કેટેગરી) જાહેર કરાઈ છે. આ સિવાય કચ્છ એક્સપ્રેસના માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને કોસ્ચ્યુમ ડિઝાઈનર નિકી જોશીને પણ નેશનલ એવોર્ડની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે, પહેલી જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.
ફીચર કેટેગરીઝ બેસ્ટ ફીચર ફિલ્મ – અટ્ટમ (મલયાલમ) શ્રેષ્ઠ અભિનેતા – રિષભ શેટ્ટી, કાંતારા શ્રેષ્ઠ અભિનેત્રી – માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ), નિત્યા મેનન (તિરુચિત્રાબલમ- તમિળ ફિલ્મ) શ્રેષ્ઠ દિગ્દર્શક – સૂરજ બડજાત્યા, ઊંચાઈ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા, ઊંચાઈ શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન મલ્હોત્રા, ફૌજા શ્રેષ્ઠ મનોરંજક ફીચર ફિલ્મ – કાંતારા બેસ્ટ ડેબ્યુ – ફૌજા, પ્રમોદ કુમાર શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – કાર્તિકેય 2 શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – પોન્નિયિન સેલવાન – ભાગ 1 શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ – બાગી દી ધી શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ – દમન શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – સાઉદી વેલાક્કા શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – વાલવી શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – KGF: ચેપ્ટર 2 શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – ગુલમોહર સર્વશ્રેષ્ઠ તિવા ફિલ્મ – સિકાઈસલ શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – કાબેરી અંતર્ધાન શ્રેષ્ઠ આસામી ફિલ્મ – ઈમુથી પુથી સ્પેશિયલ મેન્શન- ‘ગુલમહોર’માં મનોજ બાજપેયી અને ‘કાલીખાન’ માટે સંજય સલીલ ચૌધરી શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન – KGF: ચેપ્ટર 2 શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – તિરુચિત્રાબલમ (તમિલ ફિલ્મ) શ્રેષ્ઠ ગીતો – ફૌજા શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – પ્રીતમ (ગીત), એ. આર. રહેમાન (બેકગ્રાઉન્ડ સ્કોર) શ્રેષ્ઠ મેકઅપ – અપરાજિતો (બંગાળી ફિલ્મ) શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર- નિકી જોશી, કચ્છ એક્સપ્રેસ શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – અપરાજિતો શ્રેષ્ઠ સંપાદન – અટ્ટમ શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – પોન્નિયિન સેલવાન, ભાગ- 1 શ્રેષ્ઠ પટકથા – અટ્ટમ શ્રેષ્ઠ સંવાદો – ગુલમોહર શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – પોન્નિયિન સેલવાન, ભાગ-1 શ્રેષ્ઠ પ્લેબેક (મેલ) – બ્રહ્માસ્ત્ર, અરિજિત સિંહ શ્રેષ્ઠ પ્લેબેક (ફિમેલ)- સાઉદી વેલાક્કા, બોમ્બે જયશ્રી શ્રેષ્ઠ બાળ કલાકાર – મલ્લિકાપુરમમાં શ્રીપથ શ્રેષ્ઠ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) – બ્રહ્માસ્ત્ર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી)- કચ્છ એક્સપ્રેસ ફિલ્મ લેખન શ્રેષ્ઠ વિવેચક – દીપક દુઆ સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક – કિશોર કુમાર: ધ અલ્ટીમેટ બાયોગ્રાફી નોન-ફીચર કેટેગરીઝ શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – આયના સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ – મધ્યાંતરા શ્રેષ્ઠ જીવનચરિત્ર/ઐતિહાસિક/સંકલન ફિલ્મ – આંખી એક મોહેંજો દરો શ્રેષ્ઠ કલા/સંસ્કૃતિ ફિલ્મ – રંગ વિભોગા/વર્ષા શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ – મોનો નો અવેર શ્રેષ્ઠ નેરેટર – મર્મર્સ ઓફ ધ જંગલ શ્રેષ્ઠ સંગીત નિર્દેશન – ફુરસત શ્રેષ્ઠ સંપાદન – મધ્યાંતરા શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – યાન શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – મોનો નો અવેર શ્રેષ્ઠ ડિરેક્શન – ફ્રોમ ધ શેડો શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ – ઝુન્યોટા શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ – ધ કોકોનટ ટ્રી સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – ઓન ધ બ્રિંક સિઝન 2 – ઘડિયાલ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – મર્મર્સ ઓફ ધ જંગલ
ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી) તરીકે જાહેર કરવામાં આવી છે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.
ભારતના ચૂંટણી પંચે 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા માંડ્યો છે. ECIએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં 2014 પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કર્યા પછી અહીં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 4 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે
હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે, જેમાં જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો છે. PoK માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નહીં. જ્યારે લદ્દાખ અલગ જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભા નથી. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 બેઠકો છે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. હરિયાણામાં એક તબક્કામાં પહેલી ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 4 ઑક્ટોબરે પરિણામો જાહેર કરવામાં આવશે .
ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે ૩૮ વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે પસંદગી કરી છે. આ સાથે જ શિનાવાત્રા નાની વયે પીએમ પદની મોટી જવાબદારી સંભાળનાર નેતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે.
આ સાથે જતે શિનાવાત્રા પરિવારમાંથી થાઇલેન્ડની બાગડોર સંભાળનાર ૩ જી નેતા બની છે. અગાઉ પિતા થાકસિન અને ચાચી યિંગલૂક શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. યિંગલૂક પછી પટોંગટાર્ન થાઇલેન્ડનું પીએમ પદ સંભાળનારી બીજી મહિલા છે. તે થાઇલેન્ડની સતારુઢ પાર્ટી ફેઉ થાઇની નેતા છે. જો કે તે સાંસદ તરીકે ચુંટાયેલી નથી પરંતુ થાઇલેન્ડના બંધારણ મુજબ સાંસદ હોવું જરુરી નથી.
સંસદમાં તેના સમર્થનમાં ૩૧૦ મત પડયા હતા જયારે ૧૪૫ સદસ્યોએ વિરુધમાં મત આપ્યા હતા. ૨૭ સાંસદોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગત બુધવારે થાઇલેન્ડની સંવૈધાનિક અદાલતે પીએમ શ્રેથા થાવિસિનને કેબિનેટ સદસ્યોની નિમણુંકમાં નૈતિકતાનું પાલન નહી કરવા બદલ પદથી હટાવી દીધા હતા. આવી પરિસ્થિતિમાં ૩૮ વર્ષની પૈટોંગર્ટાન શિનાવાત્રા માટે વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.
થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે.
સિનાવાત્રા થાઈ રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ બેંગકોકમાં થયો હતો. તેણીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે મેટર દેઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2008 માં ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન ફેકલ્ટીમાંથી રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
યુનિવર્સિટી ઓફ સરેમાંથી ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટમાં એમએસસીની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે બ્રિટન પણ ગઇ હતી.20 માર્ચ 2022 ના રોજ ફેઉ થાઈ પાર્ટીની મીટિંગમાં, પટોંગટાર્નને “ફેઉ થાઈ પરિવારના વડા” તરીકે વરણી કરવામાં આવી હતી.
2023ની સામાન્ય ચુંટણી દરમિયાન થયેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન પદ માટે સૌથી પસંદગીની ઉમેદવાર હતી. જો કે એપ્રિલ 2023માં ચુંટણી પછી શ્રીથા થવીસિનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે. તે થાઇકોમ ફાઉન્ડેશનની ડિરેકટર પણ છે. તે નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર છે.
કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી હત્યા કરવામાં આવતાં 40થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ-કોલેજમાં ઘૂસીને ઈમરજન્સી વોર્ડ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતું. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોશિયને (IMA) ગઈ કાલે (15 ઓગસ્ટે) જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘આવતી કાલે (17 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે નોન-ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવશે.’ બીજી તરફ, આ સિવાય અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
કઈ કઈ સેવાઓ બંધ રાખવામાં આવશે
IMAએ કહ્યું છે કે, ‘આવશ્યક સેવાઓ શરુ રાખવામાં આવશે અને ઈમરજન્સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે.’ IMAએ જણાવ્યું હતું કે, ‘બાહ્ય રોગ વિભાગમાં (OPD) સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આચરવામાં આવેલા દુષ્કર્મ અને સ્વતંત્રતા દિવસની (બુધવારની રાત્રે) પૂર્વસંધ્યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે ભારતીય મેડિકલ એસોસિએશને આવતી કાલે (17 ઓગસ્ટ) હડતાળનું આહ્વાન કર્યું છે. જેમાં 17મી ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્ટરો 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.’
IMAએ હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી
IMAએ કહ્યું છે કે, ‘ડોકટરો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અધિકારીઓનું કામ છે. IMAએ પણ કલકત્તાની હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી છે.’
ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો આજે ગુરુવાર, 15 ઓગસ્ટ, 2024થી લાગુ થઇ ગયા છે.
MCLRએ રેટ છે જેની નીચે બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. જેને કારણે પહેલેથી મોંઘવારી વચ્ચે પીસાતા લોકોને ફટકો પડ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓવરનાઈટ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. છ મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. બે વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને ત્રણ વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.
સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI તરફથી સતત ઝટકા મળી રહ્યા છે. જૂન 2024 થી બેંકે તેના વ્યાજ દરોમાં કુલ ત્રણ વખત વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમુક મુદત માટેના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલી MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
એસબીઆઈ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના MCLR માં વધારો કર્યો હતો. કેનેરા બેંકે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ સિવાય યુકો બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના ઉદવાડા અને સુરતના હજીરા બાદ હવે ચરસનો જથ્થો નવસારીના દરિયાકિનારેથી મળી આવ્યો છે. નવસારીના દરિયાકાંઠેથી રૂ. 30 કરોડની કિંમતનો 60 કિલો જેટલો ચરસનો જથ્થો જપ્ત થયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ છેલ્લા દિવસોથી વલસાડ જિલ્લા તથા સુરતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પ્રાપ્ત થયો છે. જેના પગલે નવસારીના દરીયા કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, ધોલાઈ મરીન, બીલીમોરા તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને દરીયાઈકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દરિયાકાંઠા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઓંજલ ગામના ચાંગલી ફળીયાથી દાંડી તરફના દરીયા કિનારે અંદાજે પાંચ કિલોમીટરના વિસ્તારમાં જુદી જુદી 5 જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ ચરસના અલગ-અલગ વજન તથા માર્કાવાળા ફુલ પેકટ નંગ.50 જેનુ અંદાજીત કુલ વજન 60 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ કુલ જથ્થાની આંતર રાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 30 કરોડ રૂપિયા થવા જાય છે. આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધિકક્ષઆ જણાવ્યા અનુસાર “5 જુદી-જુદી જગ્યાએથી ટોટલ મળીને 50 પેકેટ નાર્કોટિકસ ડ્રગ્સ મળી આવ્યા છે. FSL દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ ડ્રગ્સ ડસીસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખૂલ્યું છે. તમામ પેકેટ અંદાજીત 1200 ગ્રામના છે અને કુલ 60 કિલો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિમંત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી છે.
આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.
ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રોહતક ખાતે રસી આપવામાં આવી હતી.
યુનિયન હેલ્થ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯ સાઇટ્સ પર હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦૩૩૫થી વધુ સ્વસ્થ પુખ્ત સહભાગીઓ સામેલ છે. તેમણે કહ્યું કે આઇસીએમઆર અને પેનેશિયા બાયોટેક વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર આપણા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.
હાલમાં, ભારતમાં ડેન્ગ્યુ સામે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા લાઇસન્સ પ્રાપ્ત રસી નથી. અસરકારક રસીનો વિકાસ ચારેય સીરોટાઇપ માટે સારી અસરકારકતા હાંસલ કરવાની જરૂરિયાતને કારણે જટિલ છે. ભારતમાં, ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સીરોટાઇપ ઘણા પ્રદેશોમાં ફરતા અથવા સહ-પ્રસાર માટે જાણીતા છે, તેવું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રસીના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ૨૦૧૮-૧૯માં પૂર્ણ થયા હતા, જેનાથી આશાસ્પદ પરિણામો મળ્યા હતા.
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટને ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ CAS માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પહેલાં જ થઇ ગઇ હતી. જો કે, ચુકાદો આપવાની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી હતી, જે કારણે સતત સસ્પેન્સ વધી રહ્યો હતો. સમગ્ર દેશની નજર આ કેસ પર હતી. જો કે, હવે સીએએસે વિનેશની અપીલને ફગાવતા હવે તેને સિલ્વર મેડલ મળશે નહી. IOA અધ્યક્ષ પીટી ઉષાએ હતાશા વ્યક્ત કરી
CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધ્યક્ષ પીટી ઉષાએ આ મામલે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોર્ટનો આ ચુકાદો સાંભળી તેમને ઘણો આશ્ચર્ય થયો છે. અગાઉ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. CAS દ્વારા અગાઉ ચુકાદો આપવા માટેની તારીખ 16 ઓગસ્ટ સુધી લંબાવી હતી, જો કે 14 ઓગસ્ટે જ ચુકાદો આપી વિનેશની અરજી ફગાવતાં પીટી ઉષાએ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો.
વિનેશ તરફથી સુનાવણી દરમિયાન કરાયેલી દલીલો
વિનેશે દલીલ કરી હતી કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી.
તેનું વજન શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને કારણે વધ્યું હતું.
વિનેશ વતી દલીલ કરવામાં આવી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લિટનો મૂળભૂત અધિકાર છે.
વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીને કારણે વજન વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા એ તેનો મૂળભૂત અધિકાર છે.
શું છે CAS?
વર્ષ 1896માં પહેલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઊભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.
શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ?
ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલાં વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે.
દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઇનલમાં પહોંચે, તેમનું સળંગ બે દિવસ વજન કરાય છે.
પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઇચ્છે તેટલી વાર વજન કરી શકે છે.
બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે.
વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.
વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.
આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ હતી.
સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો
વિનેશ ફોગાટ મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.
કેવો હશે આ સમારોહ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે.
પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?
દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.
રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.
ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.
હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.
મહેમાનો કોણ છે?
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ
મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.