CIA ALERT

Slider Archives - Page 482 of 492 - CIA Live

July 14, 2018
rajkot1.jpg
1min9140

દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.

ગુરુવાર બાદ શુક્રવારે સવારથી જ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં ફરી વધુ ૩ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તેમ જ વિલિંગ્ડન ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમમાં ૪ ફૂટ પાણી આવ્યું હતું, પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કોડીનાર ૮ ઇંચ, ગણદેવી ૭.૧૩ ઇંચ, ચિખલી ૭.૮ ઇંચ, વડિયા ૭.૪ ઇંચ, વાંસદા ૬.૧૪ ઇંચ, બગસરા ૬.૯ ઇંચ, જલાલપોર અને ખેરગામ ૬.૯ ઇંચ ખાબક્યો છે.

ગુરુવારે મોડી રાત્રે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્તા રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાજકોટ ઉપરાંત તેની આસપાસ ગોંડલ, જેતપુરમાં પણ ભારે વરસાદ છે. મોતીસર ડેમમાં નવા પાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે ડેમમાં પાણીની આવક થતા ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાડવા, ભાડુઇ, દેવળીયા ગામમાં વરસાદથી ગોંડલી ડેમમાં નવા નીર આવ્યા છે. રાજપરા, નારણકા, નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં ૧૦૦ ગામો સંપર્કવિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ ૨૨ના મોત થયાં છે. અત્યાર સુધીમાં ૧૧૮૩ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૮થી વધુ પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં ૧ નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના ૧૫૪ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌરાષ્ટ્રના ૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બચાવ કામગીરીમાં કુલ ૧૫ ટીમ કાર્યરત છે. જ્યારે વડોદરા ખાતે ૪ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે.

July 14, 2018
bdb.jpg
1min11750

ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં ચાલતા આશરે 2000 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગના રૅકેટનો ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ પર્દાફાશ કર્યો હતો અને આ સંબંધે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. ડીઆરઆઇને તાજેતરમાં ટિપ મળી હતી , જેના આધારે તેમણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલા બીડીબીમાં છટકું ગોઠવ્યું હતું અને 156 કરોડ રૂપિયાની જાહેર કિંમત ધરાવતા નિમ્ન કક્ષાના રફ ડાયમંડના ક્ધસાઇન્મેન્ટને આંતર્યું હતું. આ હીરાની પુન:આંકણીમાં તેની કિંમત 1.2 કરોડ રૂપિયા જ જાણવા મળી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ હીરા ઊતરતી અને હલકી કક્ષાના હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોંગકોંગ અને દુબઇમાંથી નિકાસકારો સાથે સાંઠગાઠ કરીને રફ ડાયમંડ્સ આયાત કરવામાં આવે છે અને તેને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા તેમ પેપર પર બતાવવામાં આવે છે.

આ સંદર્ભે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દસેક લાખ રૂપિયાની રોકડ, 2.2 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક બુક્સ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ચારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ ડાયમંડ વેલ્યુઅર્સની પેનલના સભ્યોની સાઠગાઠથી આવા કાળાધોળા કરતા હતા.

ડાયમંડ બુર્સના આગેવાનોએ જણાવ્યું કે ઉદ્યોગ ઘણો નાનો છે. લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. ધરપકડ કરાયેલા વેલ્યુઅર્સ વિશે અમે ક્યારેય સાંભળ્યું જ નથી અને તેઓ કેવી રીતે વેલ્યુએશન કરતા હતા તેની પણ અમને જાણ નથી. આ બહુ નવાઇની વાત છે. જોકે એકાદ બે દિવસમાં આ આખી બાબત સ્પષ્ટ થઇ જશે. અમને તપાસકર્તા એજન્સી અને સરકાર પર પૂરો વિશ્ર્વાસ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આવા બનાવો રોકવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સરકારને વેલ્યુઅર્સ માટે એકમાત્ર અપ્રુવિંગ એજન્સી બનવા જણાવી રહી છે.

July 14, 2018
thermo3.jpg
1min11310

મહારાષ્ટ્રના આગામી ગણપતિના તહેવાર દરમિયાન થર્મોકોલ અને તેની બનાવટની ડેકોરેશન આયટમ પરનો પ્રતિબંધ હળવો કરવાનો હાઇ કોર્ટે ઇનકાર કર્યો હતો.

ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે થર્મોકોલ ફેબ્રિકેટર એન્ડ ડેકોરેશન એસોસિયેશનનો થર્મોકોલ પરનો પ્રતિબંધ ફક્ત આ વર્ષ માટે હળવો કરવા હાઇ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હતી. પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન અને વપરાશ પર રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થર્મોકોલની વસ્તુઓને બજારમાં વેચવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તો એસોસિયેશનના સભ્યોને ઘણું નુક્સાન થશે. થર્મોકોલનો નિકાલ પણ તેઓ જ કરશે એવી એસોસિયેશને કોર્ટમાં રજૂઆત પણ કરી હતી.

રાજ્ય સરકારે એસોસિયેશનની અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતુું કે સરકારે 23 જૂન સુધીમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની સામગ્રીનો નિકાલ કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એસોસિયેશને તેમની પાસેની વસ્તુઓનો નિકાલ નથી કર્યો અને તેઓ હવે પ્રતિબંધ હળવો કરવા માગ કરી રહ્યા છે.

સરકારની દલીલોને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રોજનો 1200 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે અને તેના વૈજ્ઞાનિક રીતે નિકાલની કોઇ વ્યવસ્થા કે આયોજન નથી. પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી માઠી અસરોને નજરઅંદાજ કરી શકાય નહીં, એમ હાઇ કોર્ટે નોંધ્યું હતું.

ગણપતિનો તહેવાર પતી ગયા બાદ લોકો પાસેથી થર્મોકોલની વસ્તુઓ પાછી લઇ લેવામાં આવશે અને તેનો નિકાલ કરી દેવામાં આવશે, એવી એસોસિયેશનની દલીલ સ્વીકારવાનો પણ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. થર્મોકોલની સુશોભનની આઇટમોમાં વર્ષાનુવર્ષ વધારો જ થતો જાય છે. આ વર્ષના માર્ચ મહિનામાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓના ઉત્પાદન, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સરકારના આ પ્રતિબંધને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં હાઇ કોર્ટે આ નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. નોટિફિકેશનમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓનો નિકાલ કરવા 23 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

જે કોઇ આ પ્રતિબંધનો ભંગ કરશે તેમને દંડ કરવામાં આવશે અને વારંવાર ભંગ કરનારાઓને જેલની સજા કરવામાં આવશે.

July 14, 2018
rath3.jpg
1min8740

અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા, અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

યુનેસ્કો દ્વારા અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના ધ્યાનમાં રાખીને આ વર્ષે 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે. જેમાં ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના અનેક હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.
આ સાથે ભગવાન જગ્ગનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે રજવાડી વેશ ધારણ કર્યા છે. જેમાં ભગવાને મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી મથુરા-બનારસથી લવાયેલા રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં પાઘડી સાથે સજ્જ થઈને નગરચર્યાએ નીકળી લોકોના ખબર-અંતર પૂછશે. જેમાં 18 શણગારેલાં ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા 30 અખાડા, 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા પણ સામેલ છે.
આજે રથયાત્રાના અવસર પર બે લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચાશે. જેમાં ભાવિકોને 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે. ભગવાનને જે વિશિષ્ટ ભોગ ધરાવાશે તેમાં 2500 કિલો ચોખા, 600 કિલો દાળ, 1400 કિલો ડ્રાયફ્રૂટ અને 151 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ
સવારે 9 વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે સરસપુર
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમદરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
સાંજે 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
સાંજે 5 વાગ્યે ઘીકાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેક ચોક
રાત્રે 8.30 વાગ્યે નિજ મંદિરે પરત
July 13, 2018
gaya2.jpg
1min6740

પોતાનો રાજકીય હેતુ સાધવા હિંદુ અને મુસ્લિમોના મનમાં વેર વધારતા ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાના ઉદાહરણ તરીકે બિહારના ગયા જિલ્લામાં આવેલા બુધપુર ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ બાંધવો માટે નાણાં ભેગાં કરીને મંદિર બાંધી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના દેવતા માટે બિહારના ગયા જિલ્લાના બુધપુર ગામના હિંદુઓ મંદિર બાંધી નથી શકતા અને ભગવાનનું નામ લખેલા પાણાની પૂજા કરતા હોવાની વાત ગામનાં મુસ્લિમોના ધ્યાનમાં આવી હતી. ગામના એક રહેવાસી મોહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે મંદિરના અભાવે અમારા હિંદુ ભાઇઓ પૂજાપાઠ કરવામાં તકલીફ અનુભવતા હતા અને માટે અમે નાણાં ભેગાં કરીને એમને માટે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. બધાએ મળીને ત્રણ લાખ રૂપિયા ભેગાં કર્યાં હતાં અને એક મુસ્લિમ બાંધવે મંદિર બાંધવા માટે પોતાનો જમીનનો ટુકડો પણ દાનમાં આપ્યો હતો.

એક જમાનામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓનું ઠેકાણું ગણાતા આ ગામમાં આજે મુસ્લિમોની બહુમતી છે અને અહીંના રહેવાસીઓ ગર્વથી કહે છે કે બંને કોમ હંમેશ હળીમળીને રહી છે તથા એકબીજાના તહેવારોમાં ભાગ પણ લે છે.

July 13, 2018
carlile.jpg
1min6390

બ્રિટિશ સાંસદ અને બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલેદા ઝીયાના વકીલ લોર્ડ એલેકઝાંડર કાર્લાઇલ યોગ્ય વીઝા ન હોવાના કારણસર ભારતમાં પ્રવેશ નકારાયા બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એ ભારત-બંગલાદેશના સંબંધો બગાડવાનો પ્રયત્ન કરતો હતો. અત્યાર સુધી આપણને એવા જ ન્યુઝ મળતા હતા કે ફલાણા ઇન્ડિયનને  ફલાણા એરપોર્ટ પરથી ભારત પાછો રવાના કરી દેવાયો. પહેલી વખત એવા સમાચાર મળ્યા કે ભારતે અંગ્રેજ સાંસદ એલેકઝાંડર કાર્લાઇલને દિલ્હી એરપોર્ટ પરથી પાછો મોકલી આપ્યો હતો.

ગૃહ મંત્રાલયના અધિકારીએ પણ જણાવ્યું હતું કે કાર્લાઇલ પત્રકાર પરિષદ સંબોધીને રાજકારણ કરવા માગતો હતો, જે વીઝાના નિયમની વિરુદ્ધ છે.


કાર્લાઇલને તા.11 જુલાઇને બુધવારે રાતે નવી દિલ્હી હવાઇમથકેથી યુકે પાછો રવાના કરાયો હતો. એણે યુકેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે બાંગલાદેશની સરકારના દબાણ હેઠળ એને ભારતમાં પ્રવેશ નકારાયો હતો. ભારત સરકારે એના વીઝા નકારવા માટે ખરું કારણ ન આપ્યું હોવાનો દાવો પણ એણે કર્યો હતો.

દિલ્હીમાં એ જે નિવેદન આપવાનો હતો એ એણે જાહેર કરતા જણાવ્યું હતું કે ઝીયા સામેના આરોપ રાજકીય પ્રેરિત હતા અને એ માટેના કોઇ પૂરાવા નથી.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે એ અહીં જે કરવા માગતો હતો, એ વાત વીઝામાં જણાવેલ કારણ સાથે મેળ નહોતી ખાતી. એણે જે નિવેદન આપ્યું છે એ પરથી તમે સમજી જશો કે એ શા કારણસર અહીં આવવા માગતો હતો, એના વીઝા પર વ્યાપારી કારણ દર્શાવાયું હતું.

July 13, 2018
fakfb.jpg
1min14940

ફેસબુક ફેક ન્યુઝ અને ફેક વસ્તુઓ પોસ્ટ કરતી ફેક આઇડી પ્રોફાઇલને ઓળખી શકાય તે માટે નવું ફિચર વિકસાવી રહ્યું છે અને એના આધારે તેઓ ફેસબુક ‘ફેક લીંક્સ’ની ઓળખ કરીને ફેક ન્યૂઝ અને અફવાઓના ફેલાવાને કાબૂમાં લેવા કોશિશ કરશે.

અમેરિકન મિડીયાના અહેવાલો મુજબ આ નવા ફીચરથી અજાણ્યા નંબરથી મેસેન્જર પર આવનાર મેસેજની ઓળખ કરશે અને એ અંગે યુઝર્સને વધુમાં વધુ જાણકારી આપશે. જેમકે એ એકાઉન્ટ ક્યારે બન્યું?, એ એકાઉન્ટનો કયા દેશમાં ઉપયોગ થઈ રહ્યો છે?, શું એ ફેસબુક એકાઉન્ટ ધરાવે છે? કે પછી ફક્ત ફોન નંબર જ છે? જેવા સવાલો તેમાં આવરી લેવાયા છે.

ફેસબુકે પણ વ્હોટ્સ એપની જેમ હવે ફેક ન્યૂઝ અને બોગસ પ્રોફાઈલ ધરાવતા લોકો પર સકંજો મજબૂત બનાવ્યો છે. ફેસબુકે ‘ફેક એકાઉન્ટ’ પર સકંજો કસવા એક નવા ફીચરનો ટેસ્ટ શરુ કરી દીધો છે. જેના દ્વારા એ સરળતાથી ઓળખી શકાશે કે મેસેન્જર પર મોકલાતા મેસેજ ફેક એકાઉન્ટ પરથી મોકલાઈ રહ્યાં છે કે સાચા એકાઉન્ટ માંથી?

આ સિવાય ફેસબુક એ પણ માહિતી આપશે કે જે વ્યક્તિ તમારો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે, એના નામનો તમારા કોઈ ફેસબુકના નામ સાથે મેળ બેસે છે પરંતુ વાસ્તવમાં મેસેજ એ એકાઉન્ટથી આવી રહ્યો નથી. આ ફીચર અંગે મેસેન્જર ટીમ સાથે સંકળાયેલા ડાલ્યા બ્રાઉને જણાવ્યું કે,‘અમે એક એવા ફીચરનો ટેસ્ટ કરી રહ્યાં છીએ જે અમારા યુઝર્સને અજાણ્યા લોકો દ્વારા મળતા મેસેજ અંગે પૂરેપૂરી જાણકારી આપશે.’

July 13, 2018
gst.jpg
1min15800

સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ વગેરે પર તા.21 જુલાઇએ મળનારી મિટીંગમાં જીએસટી ઘટાડવા અંગેનો નિર્ણય લેવાશે

જીએસટી કાઉન્સિલની આગામી ૨૧મી જુલાઈએ બેઠક મળશે, જેમાં વધુ કેટલીક વસ્તુઓ પર રેટ ઘટાડવામાં આવશે. ખાસ કરીને જે વસ્તુ પર જીએસટીથી ખાસ આવક નથી તેના રેટ ઘટાડાશે.

આવી વસ્તુઓમાં સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ અને કેટલીક સેવાઓનો સમાવેશ થાય છે. વિવિધ ઉદ્યોગ સંગઠનો અને હિતધારકો સરકાર સમક્ષ જીએસટી ઘટાડવાની માગણી કરી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સંબંધિત ક્ષેત્ર અને રોજગારનું સર્જન કરે તેવા બિનસંગઠિત ક્ષેત્રમાંથી આવી માગણી વધુ પ્રમાણમાં થઇ રહી છે.

લોકોને મોટા પાયે સીધી સ્પર્શે તેવી વસ્તુઓ પર અને જેમના પર રેટ ઘટાડવાથી સરકારને થતી આવક પર ખાસ અસર નહીં થાય તેવી વસ્તુઓ પર રેટ ઘટાડાશે.

મોટાભાગની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ તથા સેનિટરી નેપકીન પર હાલમાં 12 ટકા જીએસટી લાગુ છે. આ વસ્તુઓ પર જીએસટી શૂન્ય કરી દેવાની માગણી થઈ રહી છે.
જીએસટી કાઉન્સિલની જાન્યુઆરી-2018માં મળેલી બેઠકમાં 54 સેવાઓ અને 29 વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા હતા. તે અગાઉ નવેમ્બર-2017માં 178 વસ્તુઓને સૌથી વધુ 28 ટકાના સ્લેબમાંથી હટાવીને તેમના પરના ટેક્સ ઘટાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તમામ રેસ્ટોરન્ટ્સ પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો હતો. માત્ર સ્ટાર હોટેલો પર જ વધુ જીએસટી લાગુ છે. જીએસટીના પ્રથમ વર્ષ 2017-18માં સરકારને ટેક્સ પેટે ₹7.41 લાખ કરોડની આવક થઇ હતી. જીએસટી જુલાઇ 2017માં લાગુ પડ્યો હતો. સરેરાશ માસિક કલેક્શન ₹89,885 કરોડ હતું. એપ્રિલ મહિનામાં કલેક્શન ₹1.03 લાખ કરોડને સ્પર્શ્યું હતું. મેમાં તે ₹94,106 કરોડ અને જૂનમાં ₹95,610 કરોડ હતું.

July 13, 2018
nalinkotadia1.jpg
1min14290

બીટકોઇનના કરોડોના કૌભાંડમાં પોલીસની ધરપકડથી નાસતા ફરતા આરોપી એવા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેનું જાહેરનામું આજે ગુજરાતના વિવિધ અખબારોમાં રાજ્યના માહિતી ખાતા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે સી.આઇ.ડી. ક્રાઇમ તપાસ હેઠળના ગાંધીનગર ઝોન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 02-2018ના કેસમાં સંડોવાયેલા આરોપી નલીન કોટડીયા વિરુદ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ 82 મુજબ નામદાર સિટી સેસન્સ કોર્ટ, નવરંગપુરા, અમદાવાદ દ્વારા કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે જાહેરનામું પ્રગટ કર્યું છે.

July 13, 2018
aamir.jpg
1min14400

આમિર ખાન હાલમાં ઓશોની બાયોપિક માટે લુક-ટેસ્ટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’નો ડિરેક્ટર શકુન બત્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ માટે આમિર હા પાડે એ પહેલાં તે લુક-ટેસ્ટ કરવા માગે છે. જો તે લુકમાં આચાર્ય રજનીશ જેવો દેખાયો તો જ તે આ ફિલ્મ માટે હા પાડશે. આ લુક માટે તે હાલમાં પ્રોસ્થેટિક એક્સપર્ટને મળી રહ્યો છે. આમિરને સ્ક્રિપ્ટ પસંદ પડી છે, પરંતુ તે લુકને લઈને થોડો ચિંતિત છે. આ ફિલ્મમાં આમિરે ચાર લુક કરવા પડશે અને એથી જ તે ફિલ્મ માટે હા પાડે એ પહેલાં દરેક લુકને ટેસ્ટ કરવા માગે છે. આ ફિલ્મ માટે આમિર માથાના આગળના ભાગમાં વાળ વગરના લુકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઓશોની શરૂથી લઈને અંત સુધીની તમામ વાતો કરવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે બનાવવામાં આવેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’માં જે નહોતું દેખાડવામાં આવ્યું એ પણ આ બાયોપિકમાં દેખાડવામાં આવશે.’

આ ફિલ્મમાં મા આનંદશીલાનું પાત્ર આલિયા ભટ્ટ ભજવશે એવી ચર્ચા છે.