Slider Archives - Page 45 of 491 - CIA Live

January 29, 2025
image-1.png
1min302

કોરોના પછી ASERના પ્રથમ રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણ સ્તરને લઈ ચોંકાવનારી વાત આવી

ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. પરંતુ રાજ્યની શાળાઓમાં શિક્ષણનું કથળેલું સ્તર ચિંતાજનક બાબત છે. શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ (ASER) – 2024માં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. અહેવાલ પ્રમાણે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના અન્ય રાજ્યોની તુલનામાં માત્ર નબળું જ નથી, પરંતુ તે હજુ પણ કોવિડ પહેલાના સ્તરે પહોંચવાનું બાકી છે.

ગુજરાતના 26 જિલ્લાઓમાં લેવામાં આવેલા સેમ્પલમાં ધોરણ 8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2 સ્તરના પાઠ વાંચી શક્યા ન હતા. રાજ્યમાં 20,109 વિદ્યાર્થીઓના સેમ્પલ સાઈઝમાં ધોરણ 8ના 69.5 ટકા વિદ્યાર્થીઓ બેઝિક સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શકતા નથી. 2018ની સરખામણીએ આ પ્રદર્શન કથળ્યું છે. 2018માં રાજ્યમાં ધો. 8ના 64.4 ટકા વિદ્યાર્થીઓ રાજ્યમાં સાદા સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા ન હતા.

ધોરણ 5 માં, ફક્ત 46.3 ટકા વિદ્યાર્થીઓ 2024 માં ધોરણ 2ના પાઠ વાંચી શક્યા હતા, જે 2022 ના અહેવાલમાં 34.2 ટકા હતું., પરંતુ 2018 માં 53.7 ટકા ઘટાડો થયો હતો. આ વર્ષે માત્ર 14.3 ટકા વિદ્યાર્થીઓ જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા હતા, જે દર્શાવે છે કે 85.7 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રાથમિકમાં મૂળભૂત ગણિતમાં નિષ્ફળ રહ્યા હતા. એએસઈઆરના રિપોર્ટ અનુસાર આ વર્ષે ધોરણ 5માં 14.7 ટકા અને 2018માં 20.1 ટકા વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે સરવાળા-બાદબાકી કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, 2024 માં માત્ર 25.8ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2નું લખાણ વાંચી શકે છે, જે 2022 માં 23.9ટકા થી વધ્યું છે, પરંતુ 2018 કરતાં 33.1 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે, 2024 માં ધોરણ 3 માં 81 ટકા વિદ્યાર્થીઓ બાદબાકી કરવામાં નિષ્ફળ ગયા, એટલે કે ફક્ત 19.1 ટકા વિદ્યાર્થીઓ જ તે બરાબર કરી શક્યા હતા.

એએસઈઆર-2024 ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં સરકારી શાળામાં 86.5 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, એએસઈઆર-2022 માં સરકારી શાળામાં 90.9 ટકા કરતા લગભગ 4 ટકા ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. કોવિડ પછીનો પ્રથમ અહેવાલ છે.

January 29, 2025
image.png
1min290

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે​ મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.

January 28, 2025
Govind_dholakia.jpg
6min300

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરતના આગેવાન હીરા ઉદ્યોગપતિ, દિગ્ગજ એસ.આર.કે. ડાયમંડ કંપનીના સ્થાપક, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન, દાનવીર અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જૂનાગઢ ખાતે એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં લેબગ્રોન ડાયમંડ માટે જે નિવેદનો કર્યા એના સુરતના હીરા ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

ગોવિંદ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડ માટે કરેલા નિવેદનને રીલ સ્વરૂપે વોઇસ ઓફ ઇન્ડિયા નામની વેબ પોર્ટલે તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી સોશ્યલ મિડીયા યુઝર્સે ગોવિંદ ધોળકિયાને કોમેન્ટો કરીને એવા ટ્રોલ કર્યા કે ન પૂછો વાત. જાતજાતની કોમેન્ટો કરીને ગોવિંદ ધોળકિયાની ખબર લઇ નાખી. વાઇસ ઓફ ઇન્ડિયાની ગોવિંદ ધોળકિયાના નિવેદનની રીલ પર તા.28મી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ 271 જેટલી કોમેન્ટો થઇ હતી તેમાંથી 98 ટકા કોમેન્ટો નકારાત્મક હતી અને લેબગ્રોન ડાયમંડ માટેના નિવેદનોને આકરી રીતે ઝાટકણી કાઢતી કોમેન્ટો કરીને યુઝર્સે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને એવા ટ્રોલ કર્યા છે કે કદાચ બીજી વખત તેઓ નિવેદન આપવાની હિંમત કરતા પહેલા સો વાર વિચારશે.

અહીં અમે અમારા વાચકો માટે વોઇસ ઓફ ઇન્ડિયાની રીલ નીચે કરવામાં આવેલી કોમેન્ટ્સના સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે

January 25, 2025
WhatsApp-Image-2025-01-22-at-18.36.54-1280x768.jpeg
2min238

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ/૦૧/ર૦રપ થી ર૭/૦૧/ર૦રપ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધીનો રહેશે.

‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકઝીબીશન ર૦રપ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડના સંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને પ૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન ર૦રપ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે.

આ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. કઝાકિસ્તાનના ભારત સ્થિત ઓનરરી કાઉન્સીલ જનરલ તેમજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન શ્રી વિજય કમાન્ત્રી અને સેશલ્સના ભારત સ્થિત હાઇ કમિશ્નર મીસ અકાઉચે હરીસોઆ લલાથીના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

આ એકઝીબીશન દરમ્યાન આશરે ૧રથી વધુ એમઓયુ થવાની આશા છે, જેમાં પોઇન્ટ ટુ પોઇન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઇન્ટનો સમાવેશ થશે. એક્ષ્પોમાં ૧૦ દેશોમાંથી ૧૦૦થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આવશે. આ ઉપરાંત એકઝીબીશન દરમ્યાન સુરતના શહેરીજનો માટે તથા આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકા અને ભારત દેશ પોતાના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ૧૧થી વધુ જુદા જુદા સેકટરના પ્રતિનિધિઓ પધારવાના હોઇ બીટુબી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એકઝીબીશન ર૦રપ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રમુખ ડો. મેહુલ શાહ અને સુરતના કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી (IAS) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ નાયક અને સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં કાચની સાફસફાઇ કરનારા રોબોટનું પ્રદર્શન કરાશે. એકઝીબીટરનું માનીએ તો હજી સુધી આ રોબોટનું મુંબઇના એકઝીબીશનોમાં પણ પ્રદર્શન થયું નથી, પ્રથમ વખત સુરતમાં ચેમ્બરના આ પ્રદર્શનમાં આ રોબોટને પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત છેલ્લા રપ વર્ષોથી વિવિધ સોફટવેર પૂરા પાડનારી કેટલીક કંપનીઓ દ્વારા નવા સોફટવેરની માહિતી આપવામાં આવશે. આ એક્ષ્પોમાં ઓટીપી બેઇઝડ ફાર્મસી મેનેજમેન્ટ સોફટવેરનું લોન્ચીંગ કરવામાં આવશે.

આ ઉપરાંત આ એક્ષ્પોમાં એડવાન્સ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ, એડવાન્સ 4K & 3D લેપ્રોસ્કોપિક યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલોમાં દર્દીઓને રોબોટિક સર્જરી માટે જવું પડતું હતું, પરંતુ આ લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં જ રોબોટિક સર્જરી શકય થઇ છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– ર૦રપના ચેરમેન શ્રી કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.

January 20, 2025
niraj-chopra.jpeg
1min479

ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં લખ્યું- મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. નીરજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અમને આ ક્ષણ સુધી એકસાથે લાવનાર દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા અને હંમેશા માટે ખુશ.

નીરજ ચોપરા લગ્ન કરી લીધા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની હિમાની સાથે મંડપમાં બેઠેલી લગ્નની તસવીર શેર કરી. જેમાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેમણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો.

January 18, 2025
budget25.jpg
1min363

દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.

દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.

January 18, 2025
sanchar-saathi.jpg
1min308

ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.

અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.

January 16, 2025
saif.png
1min373

Saif ali khan admit at leelawati Hospital | જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેમી.નો ઘા પડી ગયો છે. જોકે તે હજુ ખતરાથી બહાર છે. તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે.

માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પાં વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.

જ્યારે આ ઘટના વિશે ઘરના નોકર અને સભ્યોને જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટના બાદથી ચોર ફરાર થઇ ગયા હતા. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા.

January 9, 2025
hmpv.jpg
5min737
  • 1. એચએમપી વાઇરસ એટલે?

એચએમપી વાઇરસ એટલે હ્યુમન મેટાન્યૂમો વાઇરસ. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાઇરસ શ્વસન સંવેદનાત્મક વાઇરસ (RSV) સાથે ન્યુમોવિરિડે પરિવારનો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ વાઇરસ 200 થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી પેદા થયો હતો. પરંતુ ત્યારથી આ વાઇરસ વારંવાર વિકસિત થઈ રહ્યો છે. હાલમાં પક્ષીઓ આ વાઇરસથી સંક્રમિત નથી.

  • 2. એચએમપી વાઇરસ શું છે?

હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપી વાઇરસ)ની પ્રથમ ઓળખ 2001માં નૅધરલૅન્ડ્સમાં થઈ હતી. જેના કારણે લોકોને તાવ, ઉધરસ, નાક બંધ થવું અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઇ હતી. જેમ આ વાઇરસની અસર વધે છે તેમ દર્દીઓમાં તે બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું કારણ બની શકે છે. નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનાથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.

  • 3. ભારતમાં કેટલા કેસ નોંધાયા છે?

ભારતમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપીવી)ના અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. બેંગલુરુમાં નિયમિત પરીક્ષણોમાં ICMRને બે કેસ મળી આવ્યા હતા. જ્યારે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બે મહિનાના બાળકમાં આ વાઇરસનાં લક્ષણો દેખાયાં છે.

  • 4. HMP વાઇરસનાં લક્ષણો શું છે?

તાવ
ખાંસી, બંધ નાક
ગળામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ
બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું જોખમ

  • 5. શું HMP વાઇરસ નવો છે?

દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલના બાળરોગ વિભાગના ડૉ. સુરેશ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું કે “HMP વાઇરસ નવો નથી. છેલ્લાં 20 વર્ષથી લોકો આ વાઇરસથી વાકેફ છે અને શિયાળા દરમિયાન આ ચેપના કેસ નોંધાય છે. આ ફ્લૂના વાઇરસ જેવો જ છે.”

  • 6. HMP વાઇરસની ઓળખ ક્યારે થઈ?

આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી) એ જણાવ્યું કે “આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી.”

  • 7. શું HMP વાઇરસ કોરોના સમાન છે?

નિપાહ અને અન્ય ચેપી રોગ માટે બનેલા કેરળનાં વન હેલ્થ સેન્ટરના નોડલ ઑફિસર ડૉ. ટી.એસ. અનીશે જણાવ્યું હતું કે “એચએમપી વાઇરસ અને કોવિડ-19 બંને અલગ છે.”

“કોવિડ-19 એક નવો જ વાઇરસ હતો. આ કારણોસર કોઈપણ વ્યક્તિમાં તેનો સામનો કરવાની પ્રતિરોધ ક્ષમતા નહતી.

અહેવાલ પ્રમાણે તબીબી નિષ્ણાતો કહે છે કે એચએમપી વાઇરસ રોગચાળો ફાટી નીકળશે એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે તે કોરોના જેવી નવી બીમારી નથી અને તે કોઈ અસાધ્ય રોગ પણ નથી.

જો કે માનવ મેટાન્યુમો વાઇરસ અને કોવિડ-19 બંને ચેપી છે અને શ્વસનતંત્રને અસર કરે છે. બંનેની વિશેષતાઓ સમાન છે. બંને વાઇરસ એક જ રીતે ફેલાઇ છે. કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસની સારવાર માટે કોઈ ઍન્ટિવાયરલ થેરાપી અથવા રસીનું નિર્માણ નથી થયું.

કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસ સિઝનમાં જ આવે છે. આ રોગનાં લક્ષણો શિયાળા અને વસંતમાં જોવાં મળે છે.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે, કોવિડ-19 પછી કેટલાક દેશોમાં એચએમપી વાઇરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે કોવિડ-19 નિવારણનાં પગલાં અમલમાં હતાં ત્યારે લોકો આ પ્રકારના શ્વસન રોગોથી પ્રભાવિત થતા નથી. પરંતુ આ પગલાં હળવા થયા પછી એચએમપીવી જેવા શ્વસન રોગો બહાર દેખાવા માંડ્યા.

ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરના ડૉ. ગગનદીપ કાંગે જણાવ્યું હતું, “પાંચ વર્ષની ઉંમર બાદ બાળકને આ વાઇરસ સામે સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે.”

‘ખેતરોમાં સાત ફૂટ પાણી ભરાઈ ગયું’ – રાજસ્થાનમાં જમીનમાંથી ખરેખર સરસ્વતી નદી નીકળી?

  • 8. શું HMP વાઇરસ જીવલેણ છે?

આ વાઇરસ વિશે જાતજાતની વાતો થાય છે. આની ઓળખ 15 થી 16 વર્ષ પહેલાં થઈ હતી. જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. વી. રવિએ જણાવ્યું હતું, “આ એક મોસમી ચેપ છે.” તેમણે કહ્યું,”તે ઇન્ફલ્યુએન્ઝાના કેસ સાથે પણ જોવા મળે છે. બાળકોને મોટે ભાગે આનો ચેપ લાગે છે.”

આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે જણાવ્યું,” એચએમપી વાઇરસ એ એક સામાન્ય વાઇરસ છે જે ભારતમાં શરદી અને ફ્લૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય વાઇરસ છે જે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે અને હળવા ગુણધર્મો ધરાવે છે. દેશની હૉસ્પિટલો મોસમી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”

  • 9. એચએમપી વાઇરસ કેવી રીતે ફેલાય છે?

એચએમપી વાઇરસ એક ચેપી રોગ છે. તે ખાંસી અને છીંકથી મોંમાંથી નીકળતી લાળ દ્વારા ફેલાય છે.

તે હાથ મિલાવવાથી, આલિંગન અથવા તો એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.

આ વાઇરસ ચહેરા, નાક, આંખો અને મોંને સ્પર્શ કરેલા હાથ વડે પણ ફેલાય છે. જ્યારે ખાંસી અથવા વહેતા નાકને લીધે લાળ બહાર આવી જાય છે.

    1. એચએમપી વાઇરસ સાથેનો મૃત્યુદર શું છે?

CDC નોંધે છે કે જે લોકો પહેલાથી જ અન્ય રોગો ધરાવતા હોય તેમને એચએમપી વાઇરસ સાથે બીજા અન્ય વધારાના ચેપ મૃત્યુ તરફ દોરી જઇ શકે છે.

2021 માં લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટા અનુસાર , પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તીવ્ર શ્વસન ચેપથી થતાં મૃત્યુમાં એચએમપી વાઇરસનો હિસ્સો એક ટકા છે.

    1. એચએમપી વાઇરસ ચેપ સામે રોગપ્રતિકારકતા કેવી રીતે વધારવી?

સિંગાપોરમાં ચેપી રોગોના ચિકિત્સક સુ લી યાંગે જણાવ્યું હતું કે, એચએમપીવી કોઈ નવો વાઇરસ નથી અને તે દાયકાઓથી છે.

એવું બહાર આવ્યું છે કે ભૂતકાળમાં લેવામાં આવેલાં પગલાંને લીધે વિશ્વભરના તમામ લોકોમાં આ વાઇરસનો સામનો કરવા માટેની રોગપ્રતિકારક શક્તિ રહેલી જ છે.

    1. HMP વાઇરસનાં લક્ષણો કેટલા દિવસ દેખાય?

આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે. બીમારી ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની હોઈ શકે છે. તેનો આધાર ચેપની તીવ્રતા પર રહેલો છે.

  1. કઈ સાવચેતી રાખવી જોઈએ?

જાહેર અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો
નિયમિતપણે હાથ ધોવા
જેઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને સરળતાથી બીમાર થઈ જાય છે તેઓએ વધારે બહાર ન ફરવું
ફ્લૂની રસી મેળવવી

  1. સાજા થવામાં કેટલા દિવસો લાગશે?

જો વાઇરસનાં લક્ષણો ગંભીર ન હોય તો એચએમપી વાઇરસ માંથી સ્વસ્થ થતા રીતે એક બે અઠવાડિયાનો સમય લાગે છે. જોકે, ખાંસી ઓછી થવામાં થોડો વધુ સમય લાગી શકે.

January 9, 2025
1min370

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે SITEX – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.

SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.

આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટરજેટ મશીન, મેક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરીનું પ્રથમ વખત સુરતના સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે. સોના–ચાંદીના તારના ઉપયોગથી પ્યોર સિલ્ક અને સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી હાલ દક્ષિણ ભારત તથા બનારસ ખાતે જ ઉપલબ્ધ છે. સુરતમાં પ્રથમ વખત આ મશીનરીને સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યારબાદ સુરતના વિવર્સ આ મશીનરીના ઉપયોગથી વેલ્યુ એડેડ ફેબ્રિક બનાવી શકશે.

ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. અત્યારે કોરિયાથી હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે, જેનું આ મશીનરી પર પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજી પધારશે અને તેમના વરદ્‌ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

SGCCI દ્વારા સુરત – ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે, જેથી સુરત ઉપરાંત બહારના રાજ્યોના વિવર્સ મોટી સંખ્યામાં સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં તથા બહાર બનાવવામાં આવેલા ડોમમાં ૮૯ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.

વધુમાં, સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા અને શ્રી રિતેશ બોડાવાલાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.