Slider Archives - Page 13 of 491 - CIA Live

April 6, 2026
bad_weather.jpg
1min154

એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.

બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

March 31, 2026
image-15.png
1min72
  • પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે.
  • જૂન 2025માં વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશની વસ્તી ગણતરીનું કાર્ય ૧ એપ્રિલથી શરુ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જાતિગણના આ પ્રક્રિયાની બીજા તબક્કામાં શરુ થશે જેને જનસંખ્યા ગણના નામ આપવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર જનરલ અને જનગણવા આયુકત મુત્યુજય કુમાર નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનગણનાની વ્યૂહરચનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં આવાસ સૂચીકરણ અને જન ગણના, આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ પર કેન્દ્રીત છે જે બીજા ચરણ માટે એક મૂળભૂત આધાર આપશે.

વસ્તી ગણતરીના બીજા ચરણમાં જનસાંખ્યિકીય,સામાજિક- સાંસ્કૃતિક અને આર્થિક માપદંડો પરના ડેટા પ્રદાન કરે છે જેમાં પ્રવાસન અને પ્રજનનદરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીનું પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે. જનગણના ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો,૭૮૪ જિલ્લા,૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એક અધિસૂચના બહાર પાડીને ૨૦૨૭ની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

March 31, 2026
dolor_vs_rupee.jpg
1min82
  • રૂપિયાને તૂટતો બચાવવા આરબીઆઈના પગલાંની બજાર પર અસર માંડ અડધો કલાક રહી
  • એક જ દિવસમાં રૂપિયા-ડોલર વચ્ચે 167 પૈસાની રેકોર્ડ ઉછળકુદ : શેરબજાર તૂટતાં તથા ક્રૂડ ઉછળતાં રૂપિયા પર દબાણ વધ્યું : 30/03/2026 મોડી સાંજે રૂપિયો તૂટી ૯૪.૭૭ બોલાયો
  • રિઝર્વ બેન્કે કરન્સીમાં સટ્ટાખોરી રોકવા બેન્કો, સટ્ટોડિયાઓ પર 10 કરોડ ડોલરની મર્યાદા બાંધી

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની આજે 30/03/2026 હુંડિયામણ અને શેર બજાર સહિતના બજારો પર અસર યથાવત્ રહી હતી. બીજીબાજુ આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા માટે લીધેલા પગલાંના કારણે હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં બેતરફી રેકોર્ડ બ્રેક અફડાતફડીના અંતે ડોલર ઉછળી પ્રથમવાર રૂ.૯૫ની સપાટી કુદાવી રૂ.૯૫.૨૪ની નવી ટોચે પહોંચી જતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો.

આરબીઆઈએ રૂપિયામાં અસ્થિરતા રોકવા લીધેલા પગલાંના કારણે સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી વધ્યો હતો પરંતુ તેની અસર માંડ અડધો કલાક રહી હતી. વૈશ્વિક પરિબળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો અને બપોર પછી રૂપિયો ફરી ગબડયો હતો. ડોલરના ભાવ ઇન્ટ્રા-ડે સ્પ્રિંગની જેમ ઉછળી ૯૫.૨૪ પહોંચ્યા હતા. રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્કના વિવિધ પગલાઓ વચ્ચે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે રૂ.૯૫ બોલાયા હતા તે સોમવારે સવારે રૂ.૯૩.૫૯ ખુલી નીચામાં ભાવ રૂ.૯૩.૫૭ સુધી બોલાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૯૫.૨૪ની ટોચે પહોંચી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. શેરબજારમાં નવો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૧૭ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો વચ્ચે ં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું

રિઝર્વ બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનશોર ડિલીવરેબલ માર્કેટમાં દરેક દિવસના અંતે ભારતીય રૂપિયાની નેટ ઓપન પોઝીશન ૧૦ કરોડ ડોલરની સપાટીની અંદર રાખવાનું ઓથોરાઈઝડ ડિલર્સને જણાવવામાં આવ્યું છે. ડોલરમાં તેજીનો સટ્ટો કાબુમાં રાખવા રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડતાં મુંબઈ કરન્સી બજારમાં સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. જો કે ત્યાર બાદ ડોલર ફરી ઉછળતાં રૂપિયો ગબડી રૂ.૯૫ની અંદર જતો રહ્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૩૪ થઈ ૧૦૦.૨૫ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં માર્ચમાં નોંધાયેલી વૃદ્ધિ છેલ્લા ૮ મહિનાની સૌથી મોટી મંથલી વૃદ્ધિ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વોર-ઈફેકટ વચ્ચે વિશ્વ બજારમાં ડોલરમાં સેફ-હેવન બાઈંગ જોવા મળ્યું હતું.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૪.૧૭ થઈ રૂ.૧૨૫.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૮૨ થઈ રૂ.૧૦૮.૯૪ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૧ ટકા માઈનસમાં રહી હતી.

ડોલર સામે આજે 30/03/2026 રૂપિયામાં બેતરફી ૧૬૭ પૈસાનો ઉછળકુદ નોંધાતા દૈનિક વધઘટનો પણ નવો રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે.

મુંબઈ કરન્સી બજારમાં 30/03/2026 સોમવારે મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઘટી રૂ.૯૪.૭૭ રહ્યા હતા જે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. આમ સોમવારે આખા દિવસ દરમિયાન રૂપિયા તથા ડોલરના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતકી. દરમિયાન, મોડી સાંજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૨૫.૫૧ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ મોડી સાંજે રૂ.૧૦૯ બોલાઈ રહ્યા હતા.

March 30, 2026
કેમિકલ-એક્ષ્પો-1280x853.jpg
1min103

કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તા. ૧પથી ૧૭ મે ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બેઝીક કેમિકલ્સ, કોસ્મેટિકસ એન્ડ ડાઇઝ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CHEMEXCIL) દ્વારા સંયુક્તપણે ગુરૂવાર, તા. ર૬ માર્ચ, ર૦ર૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે અમોરે, ડુમસ રોડ, સુરત ખાતે ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ માટે કર્ટન રેઇઝર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર હંમેશા ઉદ્યોગ અને વેપારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને વિવિધ એકિઝબિશન્સ, સેમિનાર તથા નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગકારોને નવી તકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો તથા વેલ્થ એક્ષ્પો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, રોકાણ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે જણાવ્યું હતું કે, કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ દ્વારા કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાહસિકોને ડાયનેમિક બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ એક્ષ્પો ખાસ કરીને મેન્યુફેકચરર્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ, રિસર્ચર્સ તથા ઉદ્યોગના અગ્રણીઓને એક જ મંચ પર લાવશે. જેથી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં નવી તકો સર્જાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બંને એક્ષ્પો દ્વારા સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગકારોને જોડાવાનો અને વ્યવસાયને વિસ્તૃત કરવાની ઉત્તમ તક મળી રહેશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સસ્ટેનેબિલિટી, પ્રીસિઝન મેન્યુફેકચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ એક્ષ્પો વ્યવસાયિકોને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા, વ્યાપારિક નેટવર્ક વધારવા અને નવા બજાર શોધવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી રાકેશ જૈને ‘કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬’ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક્ષ્પો તા. ૧પ, ૧૬ અને ૧૭ મે, ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ એક્ષ્પો કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે તેમજ ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડશે.

આ પ્રસંગે ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને CHEMEXCILના હોદ્દેદારો તથા કમિટી સભ્યોના શુભહસ્તે કેમિકલ એન્ડ ફાર્મા એક્ષ્પો ર૦ર૬ના કર્ટન રેઇઝરને વિધિવત લોન્ચ કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમ્યાન ઓપન ફોરમમાં ઉપસ્થિત ચેમ્બરના સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

March 30, 2026
image-14.png
1min128

ગુજરાત સહિત દેશની જુદી જુદી સરકારી કચેરીઓ, શાળાઓ, અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેલથી સુરક્ષાને મુદ્દે ખૂબ સવાલો ઉઠયા હતા. ત્યારે દેશની વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ અને અદાલતોમાં બોમ્બ હોવાની નકલી ધમકીભર્યા ઈમેલ મોકલીને ગભરાટ ફેલાવનાર આરોપીની દિલ્હી પોલીસે કર્ણાટકના મૈસુરુથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ શ્રીનિવાસ તરીકે થઈ છે, જે મૈસુરુના વૃંદાવન લેઆઉટ વિસ્તારમાં એક મકાનમાંથી આ ગતિવિધિઓ ચલાવી રહ્યો હતો. છેલ્લા એક મહિનાથી સતત મળી રહેલી આ નકલી ધમકીઓને સત્તાવાળાઓએ ગંભીરતાથી લીધી હતી, જેના પગલે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શ્રીનિવાસ ટૂંકા ગાળામાં અનેક ધમકીભર્યા ઈમેલ મોકલતો હતો, જેમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપીને વ્યાપક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. દિલ્હી પોલીસની ટીમે ટેકનિકલ ઇનપુટ્સ અને સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કર્યું હતું, જેમાં માલૂમ પડ્યું કે આ તમામ મેસેજ મૈસુરુથી મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક વી.વી. પુરમ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી દિલ્હી પોલીસે ઓચિંતો દરોડો પાડીને શ્રીનિવાસને તેના રહેઠાણ પરથી ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૈસુરુમાં છુપાઈને ઈમેલ દ્વારા ધમકીઓ આપવાનું ચાલુ રાખતો હતો. દરોડા દરમિયાન પોલીસને તેના કબજામાંથી અનેક સિમ કાર્ડ અને એક લેપટોપ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ હોક્સ (નકલી) મેસેજ મોકલવા માટે કરવામાં આવતો હોવાનું મનાય છે. હાલ પોલીસ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે દિલ્હી લઈ જઈ રહી છે, જેથી આ ગુના પાછળનો તેનો હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

March 30, 2026
image-12-1280x720.png
1min75

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ઉર્જા પુરવઠા પર ખૂબ ગંભીર દેખાઈ રહી છે. હાલ LPGની તંગી વચ્ચે LPG પરનું દબાણ ઘટાડવા અને સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કટોકટીના પગલાની જાહેરાત કરી છે. સત્તાવાર આદેશ અનુસાર, સર

કારે ઘરગથ્થુ વપરાશ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ કેરોસીનની એડ-હોક ફાળવણી કરી છે. આ 60 દિવસની ઈમરજન્સી વ્યવસ્થા હેઠળ ફાળવવામાં આવેલ કેરોસીનનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને પ્રકાશ માટે કરી શકાશે, જેથી LPGના પુરવઠામાં આવતા અવરોધો સામે લોકોને વૈકલ્પિક ઇંધણ મળી રહે.

નોંધવા જેવી વાત એ છે કે, આ નિર્ણય હેઠળ દેશના એવા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામચલાઉ ધોરણે કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરવામાં આવશે, જેમને અગાઉ ‘PDS કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે પરિવારો હાલમાં LPGની મર્યાદાઓ અથવા અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમને પાયાની જરૂરિયાતો માટે આવશ્યક ઇંધણની સુવિધા સતત મળતી રહે. આ પગલાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટી આર્થિક અને વ્યવહારિક રાહત મળવાની અપેક્ષા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને દેશભરમાં ઉર્જા પુરવઠા પરના દબાણને હળવું કરવા માટે કટોકટીના પગલાં જાહેર કર્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠામાં સર્જાયેલા અવરોધોને ધ્યાનમાં રાખીને, સરકારે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સુપિરિયર કેરોસીન ઓઈલની એડ હોક ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સહિત કુલ ૨૧ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જેમને અગાઉ ‘કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાં ફરીથી ઘરગથ્થુ વપરાશ માટે રસોઈ અને પ્રકાશના હેતુસર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે સરકારે પેટ્રોલિયમ નિયમોમાં કેટલીક મહત્વની છૂટછાટો પણ આપી છે. નવા આદેશ મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ પર હવે ૫,૦૦૦ લિટર સુધી કેરોસીનનો સંગ્રહ કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, એજન્ટો અને ટેન્કર વાહનોને પણ વિતરણ માટે જરૂરી પરવાનાઓમાં વિશેષ મુક્તિ અપાઈ છે જેથી સામાન્ય જનતા સુધી ઇંધણ પહોંચાડવામાં વિલંબ ન થાય.

March 25, 2026
image-11.png
2min81

Uniform Civil Code: 24મી માર્ચ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું, કહ્યું હતું કે ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.’

  • બિલમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
  • ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
  • દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
  • છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
  • કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
  • લિવ-ઇન રિલેશનશિપ
  • ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
  • કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્ત્વ પણ ન રાખવામાં આવ્યું, અને સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય, સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.

શું છે UCC બિલના મુખ્ય અંશો?

UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને 17 માર્ચે સુપરત કર્યો હતો, જે બાદ આજે વિધાનસભામાં ચર્ચા કરી બિલને પસાર કરવામાં આવ્યું છે.

March 25, 2026
image-10.png
1min89

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 23/03/2026 સોમવારે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ જાહેરાત સાથે જ અપેક્ષા મુજબ બજાર પર મોટી અસર જોવા મળી. શેરબજારમાં જંગી તેજી અને ક્રૂડમાં ભારે કડાકો બોલાયો હતો. જોકે, ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત પહેલાં જ બજારમાં ખેલ ખેલાઈ ગયો. સટ્ટાબાજો સક્રિય થઈ ગયા અને તેમણે મિનિટોમાં જ રૂ. 5,440 કરોડ દાવ પર લગાવી કરોડોની કમાણી કરી લીધી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા મુદ્દે ઈરાનને આપેલું 48 કલાકનું અલ્ટીમેટમ પૂરું થયા પછી યુદ્ધ વધુ ભયાનક બનશે તેવી દુનિયાને આશંકા હતી, જેને પગલે સોમવારે શેરબજારથી લઈને સોના-ચાંદી, કરન્સી સહિતના બજારોમાં ભારે કડાકો બોલાયો હતો. ક્રૂડના ભાવ પણ 117 ડોલરે પહોંચી ગયા હતા. જોકે, દુનિયા અને બજારની અપેક્ષાથી વિપરિત ટ્રમ્પે અચાનક જ ઈરાન સામે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. આ જાહેરાત સાથે અપેક્ષા મુજબ જ શેરબજારમાં જંગી ઊછાળો આવ્યો અને ક્રૂડના ભાવ તૂટીને 100 ડોલર નીચે જતા રહ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે પ્રમુખ ટ્રમ્પ યુદ્ધવિરામની જાહેરાત કરે તેની 15 મિનિટ પહેલાં જ સટ્ટાબાજો સક્રિય થયા હતા. તેમણે ક્રૂડના ભાવ અંગે 580 મિલિયન અંદાજે રૂ. 5,440 કરોડથી વધુ દાવ પર લગાવી દીધા. સટ્ટાબાજોએ ઈક્વિટી અને ઓઈલમાં સોદા કર્યા અને કરોડોની કમાણી કરી હતી. ઈરાન પર હુમલા ટાળવાની ટ્રમ્પની જાહેરાતની 15 મિનિટ પહેલા જ શેરબજારમાં તેજી અને ઓઈલના ભાવમાં ઘટાડાની આગાહીમાં સટ્ટાબાજોએ મોટો દાવ લગાવ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું કે, આ સમયમાં થયેલા અનેક સોદાઓમાં ચોક્કસ સમય પર કરાયેલા સોદાઓથી સટ્ટાબાજોએ માત્ર 20 મિનિટની અંદર લગભગ 100 મિલિયન ડોલર (અંદાજે રૂ. 840 કરોડ)ની કમાણી કરી લીધી હતી. ટ્રેડિંગ પ્લેટફોર્મ અનયુઝ્યુઅલ વ્હેલ્સ મુજબ સટ્ટાબાજોએ બજારમાં બે તરફ એક સાથે દાવ લગાવ્યો હતો. યુદ્ધવિરામની સંભાવનાથી શેરબજારમાં તેજીની આશાથી લગભગ 1.5 અબજ ડોલર (અંદાજે રૂ. 12,600 કરોડ)ના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. બીજીબાજુ યુદ્ધની આશંકા ખતમ થવા અને ક્રૂડના ભાવમાં ઘટાડાની આશાએ 192 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1,615 કરોડ)ના ફ્યુચર્સ વેચાયા.

સૂત્રો મુજબ ન્યૂયોર્કના સમય મુજબ સવારે 6.50 કલાકે સીએમઈ પર એસએન્ડપી 500 ઈ-મિની ફ્યુચર્સમાં અચાનક ભારે ટ્રેડિંગ જોવા મળ્યું. આ સાથે જ ક્રૂડ ઓઈલના બજારમાં પણ હલચલ જોવા મળી હતી. આ સમય ઘણો જ અસામાન્ય હતો, કારણ કે બજાર ખૂલવાના પહેલાના કલાકોમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં સોદા થતા નથી. જોકે, બરાબર 15 મિનિટ પછી સવારે 7.05 કલાકે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

સટ્ટાબાજોએ સવારે 6.49થી 6.50 કલાકના માત્ર એક મિનિટના ટૂંકા સમયમાં બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના લગભગ 6,200 સોદા કર્યા હતા, જેની કિંમત 580 મિલિયન ડોલર (અંદાજે રૂ. 4,870 કરોડ) હતી, જે તે સમયના સામાન્ય ટ્રેડ કરતા ચારથી છ ગણા વધુ હતા. ટ્રમ્પની જાહેરાત સાથે જ બજારમાં અપેક્ષા મુજબ એસએન્ડપી 500 ફ્યુચર્સમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો અને ક્રૂડમાં 6 ટકાનો કડાકો બોલાયો. આ ઉતાર-ચઢાવમાં રહસ્યમય ટ્રેડરે માત્ર 20 મિનિટમાં રૂ. 840 કરોડનો નફો કર્યો. શેરબજારનો નફો ઉમેરવામાં આવે તો કુલ નફો અનેક ગણો વધી જાય. આ સોદાઓ અંગે નિષ્ણાતો ઈનસાઈડર ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિર્ણયની અગાઉથી કોઈને જાણ નહીં હોવાનો દાવો કર્યો હતો.

બજારમાં હેરાફેરી માટે ટ્રમ્પે ખોટા સમાચાર ફેલાવ્યા : ઈરાન

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેરી ગલીબાફે પ્રમુખ ટ્રમ્પ પર બજારમાં હેરાફેરી માટે ખોટા સમાચાર ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલે તેમની રણનીતિક નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા અને બજારોમાં હેરાફેરી કરવા માટે યુદ્ધવિરામના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી નથી. ટ્રમ્પનો આશય નાણાકીય અને ઓઈલ બજારોમાં હેરાફેરી કરવાનો અને અમેરિકા-ઈઝરાયેલને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરાંદીએ કહ્યું કે, દરેક સપ્તાહે બજાર ખૂલે છે ત્યારે ટ્રમ્પ આ પ્રકારના નિવેદનો આપે છે, જેથી ઓઈલના ભાવ ઘટે. ટ્રમ્પની પાંચ દિવસની સમય મર્યાદા પણ ઊર્જા બજારોના બંધ થવા સાથે મેળ ખાય છે. હકીકતમાં અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ વાટાઘાટો ચાલતી નથી અને ટ્રમ્પ પાસે હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવાની ક્ષમતા નથી. ઈરાનની આકરી ધમકી પછી ટ્રમ્પે પીછેહઠ કરવા મજબૂર થવું પડયું છે.

March 21, 2026
image-9.png
1min105

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.

March 21, 2026
image-8-1280x853.png
1min108

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.